દુનિયા‘Low profile’ લોકોથી ચાલે છે?
- હોરાઈઝન - ભવેન કચ્છી
- વિશ્વના ટોચના સંશોધકો,નોબેલ પ્રાઈઝ વિજેતાઓ, ટેકનોક્રેટ, કોર્પોરેટ હસ્તીઓ અને પ્રદાનકર્તાઓ તેમના ધ્યેયમાં એટલા એકાગ્ર છે કે તેઓને તેમની ઈમેજ બનાવવા, લોકપ્રિયતા વધારવા કે વાહવાહીમાં સહેજ પણ દિલચશ્પી નથી.
- જીનીયસ હસ્તીઓને સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાનો અમુક ફિચર્સથી વધારે ઉપયોગ કરતા જ નથી આવડતું હોતું !
આં ખ ની બીમારીના વિશ્વખ્યાત તબીબોની અમેરિકન અને યુરોપિયન એમ બંને સંસ્થાઓ તરફથી શ્રે પ્રદાનકર્તા તરીકેનો એવોર્ડ મેળવનાર એશિયાના એકમાત્ર તબીબ ડો.અભય વસાવડા માત્ર સર્જન જ નથી પણ તેમના ક્ષેત્રમાં સંશોધન અને શિક્ષણમાં પણ તેમનું ચાર દાયકાથી વધુ સમયથી યોગદાન છે.નવજાત શિશુઓમાં પણ જોવા મળતા મોતિયાની સર્જરીના તેઓ વૈશ્વિક પ્રણેતા છે. નવજાત શિશુઓ અને વયસ્કોના મોતિયાની તેઓ નવી નવી ટેકનીકની શોધ કરે છે અને અમેરિકા,યુરોપ સહિતના વિશ્વના તબીબોને તેમની તાલીમ આપે છે.તેમના ૨૦૦થી વધુ પબ્લિકેશન ખૂબ જ ઉચ્ચ દરજ્જાના જર્નલ્સમાં પ્રકાશિત થયા છે. તેઓ લેક્ચર આપવા, તબીબી ટેકનિક શીખવવા અને તેમના હાથ નીચેના પી.એચ. ડી. કરનારાઓને માર્ગદર્શન આપવા વર્ષના ત્રણ ચાર મહિના વિદેશમાં પ્રવાસે વ્યસ્ત હોય છે.
તમે કોઈ દિવસ ડો.અભય વસાવડા આવા લેક્ચર આપતા હોય કે તેમને આ હદના એવોર્ડ મળ્યા હોય તેની તસવીર કે પછી યૂરોપના કોઈ દેશની રેસ્ટોરાંમાં કોઈ ફૂડ આરોગતા હોય તેવી પોસ્ટ ફેસબુકમાં જોઈ? કોઈ અખબાર કે ટીવી ચેનલમાં તેમની આ હદની તેમના ક્ષેત્રની સિધ્ધિઓ કે એવોર્ડ મળતો હોય તેવું પણ જોયું છે?
ડો.અભય ભાઈને એક મુલાકાત દરમ્યાન પૂછયું કે
'તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ છો? તે સાથે જ તેમણે ઉત્તર આપ્યો કે 'મને ફેસબુકનો ઉપયોગ કરતા કે ફોટા અપલોડ કરતા અને તેવું બધું આવડતું જ નથી. હું આંખોની બીમારી બાબત સંશોધનમાં એ હદે નિજાનંદ સાથે નિા ધરાવું છું કે મારી એક મિનિટ પણ ફાજલ નથી જવા દેતો.હું બિલકુલ સામાજિક નથી. ઘણા મને આ કારણે અભિમાની કે તુમાખી ધરાવતો કહે છે પણ મને તેની પણ પરવા નથી. મારે કોઈ સમક્ષ હું શું છું કે શું કરું છું તે પુરવાર નથી કરવું.હું સાદગીભર્યું જીવન વિતાવું છું.મારા પર બ્રિટનમાં છ વર્ષ વિશ્વની ટોચની જિનયસ પ્રતિભાઓ જોડે રહ્યો તેનો પ્રભાવ છે.'
આ માત્ર ડો.અભય ભાઈની જ વાત નથી, તમે પણ નિરીક્ષણ કરી શક્શો કે વિશ્વના જુદા જુદા ક્ષેત્રોના જેઓ પણ ભેજાબાજ છે તેઓ સ્માર્ટ ફોન કે સોશિયલ મીડિયાનો નહિવત જ ઉપયોગ કરતા હોય છે. તેઓ 'લિંકડઈન' કે તેમના ક્ષેત્રના તેમના જેવા જ હોનહાર પ્રતિભાઓ જોડે ઇમેઇલ પર શોધ સંશોધનની દુનિયાનું આદાનપ્રદાન જરૂર કરતાં હોય છે.
નવાઈની વાત તો એ છે ભારતના જાણીતા અખબાર કે પ્રસારણ માધ્યમના માલિકો જ સોશિયલ મીડિયા પર માત્ર તેમના વ્યવસાયને માટે જરૂરી પોસ્ટ કે ઇમેઇલ પૂરતા જ પ્રવૃત્ત હોય છે અને તે પણ સમાચાર ,માહિતી મેળવવાની રીતે (Receive) કરવાની રીતે તેઓ તેમના પ્રતિભાવ જણાવતી પોસ્ટ નથી કરતા.
અહીં સોશિયલ મીડિયા કે સ્માર્ટ ફોનનો ઉપયોગ ન કરવો કે ઘટાડવો તેવી સલાહ આપવાનો આશય નથી પણ એક નિરીક્ષણ જણાવ્યું છે કે 'જેઓને સેલિબ્રિટી નથી બનવું, જેઓને તેમની પ્રતિભાની કિંમત નથી ઉપજાવવી , પોતાના જ ચહેરાના દેખાવમાં આસક્ત નથી અને સમાજને અને વિશ્વને કંઇક હેતુપૂર્ણ આપવું છે તેઓ સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી.માત્ર સુપર જીનીયસ જ નહીં પણ ઘણા પ્રોફેસર, વિજ્ઞાાની, સાહિત્યકારો , ટેકનો કંપનીના બાહોશ કર્મચારીઓ, ધારાશાસ્ત્રીઓ, વ્યવસાયીઓ સોશિયલ મીડિયા પર તેમની બડી બડી વાતો, સિધ્ધિઓ, સન્માનની પોસ્ટ નથી મૂકતા.
બીજો એક ટ્રેેન્ડ આજકાલ એ જોવા મળે છે કે નાગરિકો લગભગ પ્રત્યેક ઘટનાઓમાં તેમનો પ્રતિભાવ આપતા થઈ ગયા છે. આ બધો સમય વેડફવો તેમના ઉત્કર્ષ માટે,પરિવાર જોડે ગુણવત્તાસભર જીવન વિતાવવા માટે બાધારૂપ બને છે. પ્રત્યેક ઘટનામાં કૂદી પડવાથી બ્લડ પ્રેશર, ડિપ્રેશન અને એંગઝાયટી વધતી જ હોય તેમાં બેમત નથી.તે રીતે સાયલન્ટ કિલર પણ બની શકે.
કેટલીક વ્યક્તિવિશેષ સ્માર્ટ ફોનના ઉપયોગ અંગે શું કહે છે તે પણ જાણીએ.
વિશ્વના ધનકુબેર અને એપલ કંપનીમાં જેનું ૫.૫ ટકા રોકાણ છે તેવા વોરેન બફેટ વર્ષો સુધી સેમસંગ કે નોકિયાનો તે વખતે ૨૦ ડોલરની કિંમત હતી તેવો સાદો ફ્લિપ ફોન કે જેમાં કોલ તેમજ મેસેજની આપ લેની સુવિધા હોય તેનો જ ખપ પૂરતો ઉપયોગ કરતા હતા. એટલે કે તેમની પાસે સ્માર્ટ ફોન નહોતો. આખરે એપલનાં સી.ઇ.ઓ. ટીમ કુકે ૨૦૧૯માં આઈ ફોન - ૧૧ લોન્ચ કરવા સાથે બફેટને ભારે આગ્રહ બાદ મનાવવામાં સફળ થઈને ભેટમાં આપ્યો. તે વખતે તેમણે ટીમ કુકનો આભાર માનવા સાથે તેનો સાદો મોબાઈલ ફોન બતાવતા મજાકમાં કહ્યું હતું કે 'આ ફોન મને ટેલીફોનના શોધક ગ્રેેહામ બેલે ભેટમાં આપ્યો હતો.' તે પછી તો ટીમ કુકે આઈ ફોન -૧૪ પ્લસ સુધીના પ્રત્યેક નવા વર્ઝન બફેટને ભેટમાં આપ્યા છે આમ છતાં બફેટ સ્માર્ટ ફોનના કોઈપણ ફિચર્સનો ઉપયોગ કર્યા વગર આઈ ફોન - ૧૧ તેની પાસે રાખે છે. તેઓ મેસેજ કે ઇમેઇલ માટે આઈ પેડનો ઉપયોગ કરે છે. તેના નામથી ટવીટરમાં અત્યાર સુધીમાં માત્ર સાત જ પોસ્ટ છે જે તેમના કહેવાથી તેના સ્ટાફે કરી આપી હતી. તે પછી તો સોશિયલ મીડિયામાંથી જ બહાર નીકળી ગયા.
મેમેન્ટો, ઇન્સેપ્સન, ડાર્ક નાઈટ, ઈન્ટેસ્ટેલર, ડનકિર્ક અને હવે ૨૧ જુલાઈએ 'ઓપનહાઈમર' જેવી ફિલ્મને લઈને આવી રહેલા છે તેવા જીનીયસ નિર્દેશક ક્રિસ્ટોફર નોલન ફિલ્મ નિર્માણમાં કમ્પ્યુટર જનરેટેડ ઇમેજથી જ દૂર રહે છે. ડિજિટલ કેમેરાની જગ્યાએ પરંપરાગત જૂના જમાનાના કેમેરાથી જ ફિલ્મનું શૂટિંગ કરે છે તેનાથી તો હવે ઘણા ફિલ્મ રસિકો વાકેફ હશે. હવે એ પણ જાણી લો કે નોલન પાસે સ્માર્ટ તો શું કોઈ મોબાઈલ ફોન જ નથી. તે કહે છે કે બહુ તો મારી સાથેનો અંગત સ્ટાફ હોય તેનો ફોન નંબર મેં ખાસ કેટલીક વ્યક્તિઓને આપ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તેમને પૂછાયેલું કે 'તમને કોઈને અરજંટ ફોન કરવાની જરૂર પડે તો?' ત્યારે તેમણે મજાક ઉમેરતા કહ્યું હતું કે 'ન્યુયોર્કમાં બે ફૂટના અંતરે ઉંદર જોઈ શકાતા હોય તો કોઈ ફોન કરવા આપે તેવી વ્યક્તિ ન મળી જાય?' તે પછી તેણે થોડી ગંભીરતા ધારણ કરીને કહ્યું હતું કે
'મોટે ભાગે તો મારો સ્ટાફ કે અંગત મદદનીશ સાથે હોય જ છે તેના ફોનનો ઉપયોગ કરી લઉં છું.'
નોલને ફોન નહીં રાખવાનું કારણ આપતા કહ્યું હતું કે
'સ્માર્ટ ફોન મને વિચલિત કરે છે. હું મારા ચિંતન, વાચન, સર્જનાત્મક પ્રક્રિયા, પ્રવાસ અને પરિવાર જોડે મહત્તમ મારી જાત જ તેમાં જોડાયેલી રહે તે રીતે સમય વ્યતીત કરવા માંગુ છું. હું સ્માર્ટ ફોન વગર પણ ગમતા મિત્રોને મળી જ શકું છું.'
નોલન કહે છે કે 'માની લો કે મારા પર દિવસમાં ૧૦૦ મેસેજ આવ્યા તો તેને વાંચવા માટે તેટલો સમય જાય. તે પછી તેમાંથી કેટલાકને પ્રત્યુત્તરની અપેક્ષા હોય. હવે તે સમય ઉમેરો.તેવી જ રીતે પુષ્કળ માત્રામાં ઇમેઇલ સ્ક્રીન પર ઠલવાય. તે બધા પર નજર ફેરવવાનો સમય ઉમેરો. સ્માર્ટ ફોન હાથમાં હોય એટલે આપણે બીજું હેતુપૂર્ણ કરવાનું હોય તો પણ તે દુનિયા અને પ્રતિભાવોમાં ગરકાવ થઈ જ જતા હોઈએ છીએ.'
જગવિખ્યાત પોપ સિંગર એડ શિરાન પણ સ્માર્ટ ફોનનો ઉપયોગ નથી કરતો. તે કહે છે કે 'રોજ સવારે મારી લિજ્જતદાર ચાનું સ્થાન ઉઠતા સાથે જ સેંકડો મેસેજે લઈ લીધું હતું.'
મેં એક વખત વિચાર્યું કે સ્માર્ટ ફોનથી મેં શું મેળવ્યું. માત્ર કોઈના મંતવ્યો જાણવા જરૂરી નથી. આખરે તો મારે મારા ક્ષેત્રમાં, મારા નિજાનંદ કે ઉત્કર્ષ માટે કાર્ય કરવું વધુ જરૂરી છે. ઇમેઇલ કે અન્ય સેવા પ્રાપ્ત કરવા આઈ પેડ સાથે રાખું છું.'
એડ શિરાને એક વિચારપ્રેરક વાત કહી કે 'સ્માર્ટ ફોનની આદત હતી ત્યારે દુનિયાને હું સ્ક્રીનથી નિહાળતો હતો હવે મેં મારી આંખોથી તેને જોવા - માણવાનું નક્કી કર્યું છે.'
વધુ એક સેલિબ્રિટીનું નામ પણ જાણી લો. હોલીવુડ સ્ટાર ટોમ ક્રુઝ પાસે પણ સ્માર્ટ ફોન નથી. અંગત જીવનમાં તે આદ્યાત્મિક બની ગયો છે અને મહત્તમ સમય ચર્ચ ઓફ સાયન્ટોલોજીમાં વીતાવે છે.
એમ તો યુવા જગતના હાર્ટ થ્રોબ પોપ સિંગર જસ્ટિન બીબરના કરોડો ફોલોઅર છે પણ પોતે સ્માર્ટ ફોન નથી ઉપયોગ કરતો.તે પણ આઈ પેડ પસંદ કરે છે. બીબર કબૂલે છે કે 'સ્માર્ટ ફોનને લીધે તે ખરાબ સંગત અને વ્યસનના રવાડે ચઢી ગયો હતો.હવે મારા જીવનનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો છે.'
વિશ્વના નેતાઓની વાત કરીએ તો રશિયાના પ્રમુખ પાસે દસ જેટલા આધુનિક સ્માર્ટ ફોન છે પણ તે તેનો ઉપયોગ નથી કરતા. ચીનના પ્રમુખ જિનપિંગ અને પુતિન સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી. તેઓને ઈમેજ મેકિંગની પરવા નથી.
તમે વિચારજો કે વિશ્વનો બહોળો વર્ગ કે જેઓ તેમના ક્ષેત્રમાં આગવું પ્રદાન આપે છે તેઓ તો સોશિયલ મીડિયામાં તે હદે પ્રવૃત્ત જ નથી. સાહિત્યકારો, શિક્ષણવિદ્, વિજ્ઞાાનીઓ, નોબેલથી માંડી પદ્મ જેવા એવોર્ડ મેળવનારા કે કંપનીના માલિકો, ભેખધારીઓ સ્માર્ટ ફોનનો ન્યૂનતમ ઉપયોગ કરે છે. દુનિયા લો પ્રોફાઈલ લોકોથી ચાલે છે.