ટચૂકડા ઇઝરાયલની પ્રચંડ તાકાતનો પરચો
- હોટલાઈન - ભાલચંદ્ર જાની
- ઇઝરાયલની વાયુસેના વિશ્વની સૌથી મોર્ડન, મજબૂત અને શત્રુના છક્કા છોડાવી દે તેવી બળૂકી છે. લડાકુ વિમાનો અને એટેક હેલિકોપ્ટર ઉપરાંત ઇઝરાયલ પાસે અદ્યતન ડ્રોનનો કાફલો છે
કો ઈ સહેજ આંખ ઊંચી કરે કે તરત સામા ઘુરકિયાં કરનારા ઈઝરાયલનો યહૂદી આટલો જોરાવર બન્યો કઇ રીતે શું ઇઝરાયલ એક સાથે ઇરાન, પેલેસ્ટાઇન, લેબેનોન, સિરિયા અને યમન સામે બાથ ભીડી શકે? ઈઝરાયલી પ્રજાનો લડાયક જુસ્સો પહેચાનતી દરેક વ્યક્તિને આ સવાલ ઊઠે છે. સાથે એવો સવાલ પણ થાય કે આ ચોપાંખિયા યુદ્ધમાં ઈઝરાયલ અણુશસ્ત્રો સાથે ઝંપલાવે તો ભીષણ જંગ કેવું રૌદ્રસ્વરૂપ ધારણ કરે? છેલ્લાં પાંચેક દાયકાથી ઇઝરાયલે 'મિડલ ઇસ્ટ' દેશોમાં સૌથી તાકાતવર અને ટેક્નોલોજિકલ એડવાન્સ મિલિટરી પાવર તરીકે ખ્યાતી મેળવી છે. દેશ ટચુકડો છે પણ તેનું મિલિટરી બજેટ વિરાટ છે. પૂરાં ૨૪ અબજ ડોલરનું! નજીકના ઇજિપ્ત, ઇરાન, લેબેનોન તથા જોર્ડન જેવા ચાર દેશોનાં કુલ બજેટ કરતાં પણ ઇઝરાયલનું બજેટ ગંજાવર છે.
૧૯૬૭માં ઈઝરાયલે માત્ર છ દિવસના યુદ્ધમાં ત્રણ આરબ રાષ્ટ્રોની તમામ લશ્કરી તાકાત તોડી પાડી તેમને ધૂળ ચાટતા કરી દીધા હતા. પાંચ દાયકા પહેલાં પેલેસ્ટાઈનમાંથી આરબોને હાંકી કાઢી ઈઝરાયલની રચના કરવામાં આવી ત્યારે તે ચકલાના માળા જેવડું હતું, પણ ખમીરવંતી યહૂદી પ્રજાએ પોતાનાં બળ-બુદ્ધિના જોરે આરબ જગતમાં ઈઝરાયલનો નકશો મક્કમતાથી કંડાર્યો એટલું જ નહીં, આરબ જગતની વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જબરદસ્ત લશ્કરી તાકાત હાંસલ કરી લીધી.
એક બાજુ તેણે હિટલરના નાઝીવાદને લીધે થયેલા અત્યાચારોનો ઢંઢેરો પીટી વિશ્વમત પોતાની તરફેણમાં લેવાનો પ્રયાસ કર્યો જેને કારણે આજેય યુરોપિયન દેશોની કૂણી લાગણી સંપાદન કરી ઈઝરાયલ અઢળક નાણાકીય સહાય મેળવે છે. ઈઝરાયલની રાજધાની તેલ અવીવ પર ઈરાની ફત્તેહ મિઝાઈલ ત્રાટકી તેના બીજે જ દિવસે અમેરિકાના વિદેશ પ્રધાને આ યહૂદી રાષ્ટ્રની મુલાકાત લઈને ૧૦ અબજ ડૉલરની સહાય જાહેર કરી હતી. બીજી તરફ ઈઝરાયલે અફલાતૂન વ્યૂહરચના અપનાવીને આરબો સાથેની દરેક લડાઈમાં શત્રુએ પીછેહઠ કર્યા પછી કબજે કરેલાં તેમના રશિયને બનાવટનાં શસ્ત્રો ચકાસણી માટે અમેરિકાને ભેટ ધર્યા, બદલામાં અમેરિકા આ યહૂદી રાષ્ટ્રને પોતાનો નાનો પણ બહાદૂર મિત્ર માની તેને શસ્ત્રોની ખેરાત કરતું રહે છે. પેન્ટાગોને વિકસાવેલું એવું એક પણ શસ્ત્ર કે લડાયક વિમાન નહીં હોય જે ઈઝરાયલે વાપર્યું ન હોય.
ઇઝરાયલની સ્થાપના થઇ ત્યારથી આજ સુધી અમેરિકાએ ઇઝરાયલને ૧૩૦ અબજ ડોલરની શસ્ત્ર સહાય કરી છે. દુશ્મનોની મિસાઇલ ઇઝરાયલની ભૂમિ પર પડે તે પૂર્વે આકાશમાં જ તેનો ભૂક્કો બોલી જાય તેવી થ્રીલેયર (ત્રી- સ્તરીય) ડિફેન્સ સિસ્ટમ ઇઝરાયલ પાસે છે. અમેરિકાએ તેની બે એરક્રાફ્ટ કેરિયર યુએસએસ લિંકન અને યુએસએસ હેરી ટ્રુમેન ભૂમધ્ય સમુદ્રમાં તહેનાત કરી છે. ત્રીજું વિમાન વાહક જહાજ રાતા સમુદ્રમાં ફિલ્ડીંગ ભરશે જે ઇઝરાયલ પરના હુમલાને ખાળવા સંપૂર્ણ તાકાતથી શત્રુ સેનાનો સામનો કરશે. દેશની ૯૬ લાખની જનસંખ્યા સામે ઈઝરાયલ પોણા બે લાખનું લશ્કર નિભાવે છે. પાંચ લાખ સૈનિકોનું રિઝર્વ આર્મી તો અલગ! ઈઝરાયલમાં એવો કાયદો પ્રવર્તે છે કે દરેક નાગરિક પછી તે યહૂદી હોય કે ડ્રુઝ, પુરુષ હોય તો ૩૯ મહિના અને સ્ત્રી હોય તો ઓછામાં ઓછા ૨૪ મહિના લશ્કરી ફરજ બજાવવી જ પડે. આ રીતે જોઈએ તો અત્યારે ઈઝરાયલની પુખ્ત વયની ૭૫ ટકા વસતિ લશ્કરી તાલીમ લઈ ચૂકેલી છે અને ગમે ત્યારે માદરે વતનની રક્ષા માટે જાન કુરબાન કરવા તત્પર છે.
પરંતુ ઈઝરાયલે હંમેશા એક નિયમ પાળ્યો છે કે લડાઈમાં પાયદળને માત્ર સંરક્ષણની જવાબદારી સોંપી શત્રુને ખોખરું કરવા હવાઈ દળ પર જ વધુ મદાર રાખવો. એટલા માટે જ ઈઝરાયેલે ઈરાન કરતાં વધુ મોટી સંખ્યામાં ફાઇટર પ્લેનો અને બૉમ્બર વિમાનો વસાવીને હવાઈદળ તગડું બનાવ્યું છે. ઇઝરાયલ પાસે કુલ મળીને ૬૧૨ લડાકુ વિમાન છે, જ્યારે ઇરાન પાસે માત્ર ૫૫૧ છે ઇઝરાયલ પાસે એટેક હેલિકોપ્ટર્સ ૧૪૬ છે ઇરાન પાસે ૧૨૯ છે.
અમેરિકન ઍરફોર્સ વાપરે છે તેવા એફ-૧૬, એફ-૪ તથા ફ્રાન્સના મિરાજ વિમાનની દેશી આવૃત્તિ જેવા કફીર પ્લેનોની અનેક સ્કવોડ્રન ઈઝરાયલ ધરાવે છે. સામાન્ય રીતે એક સ્કવોડ્રનમાં ૧૨થી ૪૪ વિમાનો હોય છે. તદુપરાંત ટીવી ગાઇડેડ બૉમ્બ ફેંકવાની ક્ષમતાવાળા પૉપી નામની સિસ્ટમ ધરાવતાં અમેરિકન બી-૫૨ વિમાનો જેવા બૉમ્બર પ્લેનની અલગ ટુકડી પણ છે જે ઘણી ઊંચાઈએથી દુશ્મન પ્રદેશ પર બૉમ્બમારો કરી શકે છે. આ સિવાય એ સ્ટેલ્થ ફાઇટર પ્લેન એફ-૩૫ જોઇન્ટ સ્ટ્રાઇક ફાઇટર ઇરાનની રડારમાં ઝડપાયા વગર તેનાં આકાશમાં ઉડી શકે.
જેમ ભારતે ઘરઆંગણે રાઇફલ, ટેન્ક, મિઝાઈલ વગેરેનું ઉત્પાદન શરૂ કર્યું છે તેમ ઈઝરાયલે અમેરિકા પણ મોંમાં આઁગળા નાખી જાય એવું શસ્ત્રોત્પાદન હાથ ધરીને એક વિરાટ ઉદ્યોગ ધમધમતો કરી દીધો છે. અલબત્ત, ઈઝરાયલનો શસ્ત્ર ઉદ્યોગ મોટેભાગ વિદેશી શસ્ત્રોની ઉઠાંતરી પર નભે છે. ઈઝરાયલનું સુપર મિસ્ટિર ફાઈટર પ્લેન તેનું એક ઉદાહરણ છે. ફ્રાંસ પાસેથી મેળવેલા મિસ્ટિર નામના લડાયક વિમાનોને ચકાસ્યા પછી ઈઝરાયલી વિમાની ઈઝનેરોએ જોયું કે તે ચીલઝડપે ઊડી શકતાં નથી. એટલે આ વિમાનમાં અમેરિકન એન્જિન બેસાડી તેને શક્તિશાળી પ્લેન બનાવી દીધું અને નામ આપ્યું સુપર મિસ્ટિર! અમેરિકાનાં કે ફ્રાંસનાં લડાયક વિમાનો કરતાં આ ઈઝરાયલી સુપર મિસ્ટિર વિમાનો વ્યૂહાત્મક રીતે વધુ ઉપયોગી લાગતાં આફ્રિકન દેશો સહિત ત્રીજા વિશ્વના અનેક રાષ્ટ્રોએ આવાં સંખ્યાબંધ વિમાનો ખરીદી લીધાં.
અમેરિકા પાસેથી આ મિઝાઈલો મેળવીને ઈઝરાયલી નિષ્ણાતોએ તેનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો. તેમાં ગોઠવેલી ઇન્ફ્રારેડ (અધોરિક્ત કિરણોની) સિસ્ટમ દુશ્મનનું નિશાન કેવી રીતે તાકે છે તે જાણી લીધું. પછી આ ડિઝાઈનના આધારે જ થોડા સુધારાવધારા સાથે શફરીર નામનું નવું મિઝાઈલ બનાવ્યું. આ મિઝાઈલની કામગીરી એટલી સચોટ હતી કે સાઈડ વાઈન્ડર બનાવનારી અમેરિકન કંપની રેથિયોન પોતે જ ચોંકી ઊઠી. પાછો શફરીર પર મેઈડ ઈન ઈઝરાયલનો માર્કો જોઈને મૂળ કંપનીએ આંચકો પણ અનુભવ્યો, પરંતુ કોઈ સારી વસ્તુની નકલ કરી નવા જ સ્વરૂપે તેનું ઉત્પાદન હાથ ધરવું એ કંઈ ગુનો નથી એવી દલીલ સાથે ઈઝરાયલી સરકારે રેથિયોનની બોલતી બંધ કરી દીધેલી. અમેરિકાની એમ-૬૦ ટૅન્કના બધાં જ સારાં પાસાં ધરાવતી ઈઝરાયલી ટેન્ક મરકાવા પણ આવી જ નકલખોરીનો ઉત્તમ નમૂનો છે. આવી ઉઠાંતરીનો ઈઝરાયલને લાભ એ થયો કે તેણે નમૂનારૂપે બે-ચાર શસ્ત્રો ખરીદ્યાં પછી વધુ સહાય માટે કોઈના ઓશિયાળા બનવું પડતું નથી. ઘરઆંગણે જ પોતાની સૂઝ પ્રમાણે આગળ વધવાની ઈઝરાયલની ઝનૂની ધગશને લીધે આ દેશ કેવો આત્મનિર્ભર બન્યો તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે આર. પી. વી. પ્લેન.
૧૯૭૩માં આરબ સામેના યુદ્ધમાં ઈજિપ્તની સામ મિઝાઈલોએ ડઝનબંધ ઈઝરાયલી વિમાનોને તોડી પાડયાં હતાં, પરંતુ આ યુદ્ધ પછી થોડા સમયે લેબેનોન સામે લડાઈ શરૂ થઈ ત્યારે નવી જ યુક્તિ અજમાવીને પહેલાં ચાર દિવસમાં જ ઈઝરાયલી ફાઇટર પ્લેનોએ બેકા વેલીમાં ગેઠવેલા તમામ ૨૮ મિઝાઈલ મથકોનો સફાયો કરી નાખ્યો હતો. આ સફળતા ઈઝરાયેલે પોતાની સૂઝથી બનાવેલા આર. પી. પ્લેન એટલે કે રિમોટલી પાઇલોટેડ વ્હીકલ નામે ઓળખાતા વિમાન જેવા વાહનને આધારે હાંસલ કરી હતી. જેને આજે આપણે ડ્રોન તરીકે ઓળખીએ છીએ.
માસ્ટીફ નામથી વધુ ઓળખાતાં અને ૧૨ ફૂટ લાંબી પાંખ ધરાવતાં ફાઇબર ગ્લાસના બનેલા આ વિમાન ૫૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડતાં હોય ત્યારે નરી આંખે પણ દેખાતાં નથી તેમ રડાર પર સુદ્ધાં પકડાતાં નથી. આટલી ઊંચાઈએ ઊડતાં હોવાથી બે સિલિન્ડરવાળા ૨૨ હોર્સપાવરનાં એન્જિનની ઘરેરાટી નીચે સંભળાતી નથી. દરમિયાનમાં વિમાનનાં પેટ પાસે પ્લેક્સીગ્લાસ નામે ઓળખાતાં પ્લાસ્ટિકના ગુંજબ જેવા વિશિષ્ટ આવરણ હેઠળ છુપાયેલો વિડિયો કેમેરા નીચેની ધરતી પરનાં લક્ષ્યાંકોની તસવીરો ઝડપીને ભૂમિગત મથકને રિલે કરતો જાય છે.
લેબેનોનની લડાઈમાં ઈઝરાયલે સિરિયન સરહદે કરાવાયેલા મિઝાઈલ ક્ષેત્રો પર પાઈલટરહિત આ પ્લેનો ઉડાવી ૫૦ કિલોમીટર દૂર બેઠાં શત્રુની મોરચાબંધીનો કયાસ કાઢી લીધો અને પછી ચાર જ દિવસમાં એક પછી એક તમામ મિઝાઈલ મથકો તેમ જ લશ્કરી થાણાંનો નાશ કરી નાખ્યો.
ઇઝરાયલની યુદ્ધનીતિ એવી છે કે એકવાર દુશ્મન પર હુમલો કર્યા પછી પૂરા ઝનૂનથી તૂટી પડવું. લશ્કરી તાકાત અને નિર્દોષ નાગરિકો વચ્ચેનો ભેદ રાખવાની પળોજણમાં ઈઝરાયલ પડતું નથી.
ઓક્ટોબર ૧૯૭૩માં સિરિયા વારંવાર ફ્રોગ-૭ મિઝાઈલો છોડીને ઈઝરાયલને છંછેડતું હતું. આ શરારતનો જડબાતોડ જવાબ આપવા એક પરોઢિયે ઈઝરાયલી એફ-૧૪ વિમાનોની ટુકડી વિમાનવિરોધી તોપામારાની અવગણના કરી સીધી દમાસ્કસ પર ત્રાટકી. એક જ કલાકમાં અભૂતપૂર્વ બૉમ્બમારો કરીને ઈઝરાયલી પ્લેનો પાછાં પોતાની ભૂમિ પર પહોંચી ગયા ત્યાં સુધીમાં સિરિયા એવું મરણતોલ બની ગયું કે વળતો હુમલો કરવાનો મનસૂબો પણ માંડી વાળ્યો.
ઓક્ટોબર, ૧૯૮૫માં આવી જ શરારતનો જડબાતોડ જવાબ ઈઝરાયલે પેલેસ્ટાઈની નેતાને તથા સાયપ્રસને આપ્યો હતો. સાયપ્રસના લારનાકા શહેર પાસે તળાવમાં બોટિંગ કરી રહેલા ત્રણ ઈઝરાયલી નાગરિકોને પેલેસ્ટાઈરીની ગેરિલાઓએ શૂટ કરી નાખ્યા તેના બરાબર છઠ્ઠા દિવસે ઈઝરાયલે સાયપ્રસ પર ત્રાટકી વેરની વ્યાજ સહિત વસૂલાત કરી. એફ-૧૫ વિમાનોની એક સ્કવોડ્રન હવામાં જ બળતણ મેળવતા રહી ભૂમધ્ય સમુદ્ર ઓળંગી ૩૦૦૦ માઈલનો પ્રવાસ ખેડી ટયુનીસ પહોંચી અને ત્યાં છ જ મિનિટમાં જબ્બર બૉમ્બમારો કરી પી.એલ.ઓ.નુ વડું મથક જમીનદોસ્ત કરી નાખ્યું.
ઈરાક જોર્ડન તથા સિરિયાની સરહદ નજીકના તમામ ઈઝરાયલી ઘરોની લાક્ષણિકતા એ છે કે એ દરેક મકાનમાં નીચે ભોંયરું છે. સિવિલ ડિફેન્સ ખાતા તરફથી નાગરિકોને સૂચના અપાઈ છે કે હિઝબુલ્લા કે ઇરાની મિઝાઈલનો હુમલો આવી રહ્યાની તીણી સાયરન વાગે ત્યારે સૌએ ભોંયરામાં ભરાઈ જવું.
ઈઝરાયલનાં તમામ નગરો કે નાનાં શહેરોમાં સરકારે બૉમ્બ શેલ્ટર બનાવી રાખ્યા છે. ઈઝરાયલ પર આક્રમણ થાય, ઈરાનની અથવા અન્ય આરબ દેશનું હવાઈદળ હુમલો લઈ આવે ત્યારે નાગરિકોએ તેમના વિસ્તારમાં કયા ભૂગર્ભ બંકરમાં આશરો લેવો તેની સૂચના ઘરે ઘરે ફરીને સિવિલ ડિફેન્સ અધિકારીઓ આપી ચૂક્યા છે. ઈરાન કે અન્ય શત્રુ દેશ ત્રાટકે ત્યારે સ્વબચાવ માટે મોટેરાઓએ શું કરવું એની કવાયત વિદ્યાર્થીઓ વડીલોને શીખવીને કરી રહ્યાં છે.
મધ્ય પૂર્વના મોટા ભાગના દેશો ઇઝરાયલથી ગભરાય છે એનું કારણ છે આ યહૂદી દેશ પાસેની અણુ મિસાઇલો. ઇઝરાયલને જ્યારે મરણિયો જંગ ખેલવાનો વારો આવશે ત્યારે આ ક્ષેપકાસ્ત્રો થકી એ સમગ્ર અખાતી વિસ્તારમાં હાહાકાર મચાવી દેશે.
હવે તો પ્રમુુખપદ માટેની ચૂંટણી લડી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલને એવી સલાહ આપી છે કે તમે ઈરાનના અણુમથકોને જ ફૂંકી મારો જેથી ઈરાની સાપ ફુંફાડા મારતો બંધ થાય. ઇઝરાયલ આવું પરાક્રમ કરે તો આખા વિશ્વમાં ઉથલપાથલ થઈ જાય.