આપે એ હાથ વેંત ઊંચો .
- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
- અત્યંત દુઃખની ક્ષણોમાં માણસના માથે, ખભે કે પીઠ ઉપર હાથ મૂકવાની જે ઘટના બને છે, તેનાથી આશ્વાસન અચૂક મળે છે
'દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી
મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ સ્વજન સુધી.'
કવિ ગની દહીંવાળાએ હાથને જુદાઈનું મિલનમાં રૂપાંતરણ કરવા ખપમાં લીધો છે. કવિ ઈન્દુલાલ ગાંધીએ 'મેંદી રંગ લાવ્યો રે' ગીતમાં 'આંગળીઓ રંગી ને રંગી હથેલી / રંગી બેઠી હું તો મનડુંય ઘેલી' લખે છે ત્યારે હાથને સજાવવાની વાત કરે છે. કવિ નયન દેસાઈ 'અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું' જેવી પંક્તિ દ્વારા કહે છે કે બ્રહ્માના કંઠેથી પ્રથમ શબ્દ હતો 'હોવું' - પછી તરત વિરોધી શબ્દ 'બે હાથો જોડીને રોવું' રડવાનું તો ખરું એય પાછું લાચાર થઈને ! વળી 'હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ...' ગીતમાં કવિ માધવ રામાનુજ મૃતદેહની કોમળતાનો કેવો ખ્યાલ કરે છે !
હાથનું કામ કેવળ કામ કરવાનું જ નથી, આપવા-લેવાનું પણ છે હાથ આપે છે - હાથ સ્વીકારી છે. હાથ ઢોળે છે, હાથે વેરે છે, હાથ પકડે છે, હાથ છોડે છે - આવાં આકર્ષક વાકયોમાં તમે યથોચિત કર્મ મુકી શકો. હાથ પકડી લેવાનું કામ કરે છે. એમાં તમે ફૂલ, પૈસા, બધાં જ વાકયોમાં મુકી શકો અને 'પ્રેમ' શબ્દ પણ કેટલાંક વાકયોમાં બંધ બેસાડી શકો. આપણે જગતના પદાર્થોનો પરિચય સ્પર્શેન્દ્રિયથી કરીએ છીએ. પદાર્થો ખરબચડા, લીસા, સ્નિગ્ધ કે રુદ્ર છે તેની જાણ સ્પર્શથી થાય. સ્પર્શની ભાષા ટેરવાં જાણે છે. હાથ પાસે ખિસ્સાં ભરવાની આવડત છે, હાથ ખિસ્સાં ખાલી કરવાની ઉદારતા પણ ધરાવે છે. હાથ હાથમાં લઈને મૈત્રી કરાર કરે છે. હાથમાં મ્હેંદી સજાવી, મનના મનોરથને સ્ત્રી લૌકિક રૂપ આપે છે. હાથથી ચૂંટી ખણી સહિયરની સાથે મસ્તી થાય એમ હાથથી કંકુ છાંટી, ગુલાલા ઉડાડી, ચોખા વેરી અંતરની આરાધના પણ થાય. હાથ કઠિયારાનો કુહાડો, લુહારની ધમણ, કડિયાનું પ્લાસ્ટર, દાકતરની શસ્ત્રક્રિયા, હજામનો અસ્ત્રો, મેરાઈનો સંચો, ખેડુતનું હળ અને કુંભારનો ચાકડો છે ભાઈ, એ બધી જ આવડત કોઈ એકમાં હોય ત્યારે આપણે કહીએ છીએ કે ઉપરવાળો હજારો હાથવાળો છે.
કવિ ઉમાશંકર જોશીએ ઈશ્વરને પણ કેવો પ્રત્યુત્તર આપ્યો છે -
'ત્રણ વાનાં મુજને મળ્યાં / હૈયુ, મસ્તક ને હાથ ?
બહુ દઈ દીધું નાથ / જા ચોથું નથી માંગવું.'
આ પંક્તિઓમાં હાથનું મૂલ્ય સમજાય છે. એટલે જ આપણી પ્રાર્થનાઓમાં 'હાથ'નો મોટો મહિમા થયો છે.
કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી
હાથ જ લખાવે છે, બોલાવે છે, ખવડાવે છે, પીવડાવે છે, આશિષ આપે છે, કામ કરે છે અને પૂજા-પ્રાર્થના કરવામાં સહાયરૂપ થાય છે. હાથ છે તો હથિયાર પકડાશે, હાથ નહિ હોય તો કોણ કોનો કેવી રીતે હાથ પકડશે ? હાથ મૂળ સંસ્કૃત શબ્દ હસ્તમાંથી ઉતરી આવ્યો છે પણ એે સાથનો પર્યાય લાગે છે ! હાથ કેવળ કર્મેન્દ્રિય જ નથી, સ્પર્શનો અનુભવ કરનાર જ્ઞાાનેન્દ્રિય પણ છે.
રૂઢ શબ્દોની યાદી જુઓ - 'હાથ રૂમાલ' શબ્દમાં પ્રાકૃત અને અરબી શબ્દનું મિશ્રણ છે. ગુજરાતીમાં નવો શબ્દ બની ચલણી થયો છે. 'હાથતાલી' શબ્દ પણ રૂઢ શબ્દ બની મિલનની અને વ્યંજનાત્મક રીતે ત્યજી દેવાનો અર્થ ધરાવે છે. આ વર્ષે વરસાદ 'હાથતાલી' દઈ ગયો. એટલે પૃથ્વી ઉપર ન વરસ્યો. રૂઢિપ્રયોગો તો ઘણા છે - 'હાથ છૂટો'કહીએ એટલે બે અર્થ થાય - ઉડાઉ અને મારકણો. છુટ્ટે હાથે કહીએ એટલે ઉદાર અને વેગપૂર્વક એવા બે અર્થો થાય છે. 'હાથ ફેરો કરવો' ના પણ બે અર્થ થાય - તપાસવું અને ચોરી કરવી. ચોર ઘરમાં હાથ ફેરો કરી ગયા. કોઈ ચીજનો હાથફેરો કરી ચકાસો. 'હાથે કરીને' એટલે જાણી જોઈને. 'હાથ સફાઈ' એટલે ચોરી કરવી અને હાથની સફાઈ એટલે હાથને કેળવવો. 'હાથ મારવો' ના પણ બે અર્થ - 'મદદ કરવી અને ચોરી કરવી'. 'હાથમાં હોવું' એટલે તાબામાં હોવું. 'હાથ બાળવાં - જાતે જ મહેનત કરી કામ કરી લેવું. હાથ મસળવા- ક્રોધ કરવો/ ક્રોધ દબાવવો.'હાથ પીળા કરવા' એટલે લગ્ન કરવાં. 'હાથ છોડવા' એટલે આદર-સત્કાર કરવો. 'હાથ ઉગામવો' અને 'હાથ ઉઠાવવો' બંને અર્થમાં સૂક્ષ્મ અંતર છે. ઉગામવામાં મારવાની વાત છે અને ઉઠાવવામાં મારવાની તૈયારી છે. 'હાથ લંબાવવો / લાંબો કરવો એટલે યાચના કરવી કે માગણી કરવાનો અર્થ આપે છે. એવી જ રીતે ગુજરાતી કહેવતોમાં પણ હાથ આડા આવે છે. 'એક હાથે તાલી ન પડે' / ઝાઝા હાથ રળિયામણા', કોયલાની દલાલીનાં હાથ કાળા / હાથથી નખ વેગળા એ વેગળા હાથનાં કર્યા હૈયે વાગે / હાથે તે સાથે / હૈયુ બાળવા કરતાં હાથ બાળવા સારા / હાથને મૂકી કોણી ચાટવી / હાથ પોલો, જગ ગોલો (પૈસા વેરો તો દુનિયા ગુલામ બની જાય) હાથ અટકાવી રાખો તો મોઢું કેમ ચાલે ? (નોકરી ના કરો તો રોટલો ન મળો) હાથ આપતાં પોંચો પકડે (થોડું આપીએ એટલે વધારે માંગે) હાથ આપવા જઈએ તો ગળું પકડે (મદદ કરવા જતાં ગળે પડે) હાથ ચાટે કાંઈ પેટ ન ભરાય (હાથ ચાટવાથી ભૂખ ના ભાંગે) હાથમાં આવેલી બાજી ગઈ (જીતની આશા છેવટે ઠગારી નીવડી) હાથમાં એ બાથમાં (જેટલું કબજામાં એટલાની માલિકી) હાથમાંથી કોઈ ઝૂંટવી જાય, નસીબમાંથી નહિ. (નસીબમાં હોય તે થાય) હાથિયો વરસે હાર તો આખું વરસ પાર (હાથિયા નક્ષત્ર વરસાદ સમો) હાથી આગળ પૂળો નાખવો સહેલો, પાછો લેવો ભારે. (આપેલું પાછું લેવું અશક્ય - હાથી ક્ષમતાવાળો) હાથ હલાવ્યા વગર કોળિયો મોંમાં ન જાય (મહેનત વગર ફળ ના મળે) હાથમાં નહિ કોડી અને ઊભી બજારે દોડી (પાસે પૈસો ના હોય ને બજારમાં જાય) હાથા વગરનો કુહાડો ખોટો(કુહાડાનેય હાથાની જરૂર પડે) હાથે ખાધું ને વાટે સૂતા (પોતાનો જ વિચાર કર્યો, બીજાનો નહિ) આવી તો કેટકેટલી કહેવતો હાથને કેન્દ્રમાં રાખી આપણો ગુજરાતી ભાષક વાપરે છે !!
અત્યંત દુઃખની ક્ષણોમાં માણસના માથે, ખભે કે પીઠ ઉપર હાથ મૂકવાની જે ઘટના બને છે, તેનાથી જે આશ્વાસન અચૂક મળે છે તેવું શબ્દોમાંથી ભાગ્યે જ મળે છે. એટલે જ કહેવાયું છે 'માથે હરિનો હાથ' છે. સ્વરચિત એક ગીતની આવી પંક્તિઓ છે -
આપે એ હાથ વેંત ઊંચો,
લેનારની આંખોમાં શરમનો ભાર હોય,
ધરાની જેમ સદા નીચો.
માથે કોનો હાથ ?
દીનની સામે દાની થઈને ઊભા દીનાનાથ !!
ભગવાને દીધેલા હાથ દ્વારા અણગમતું ફેકીં દેવું અને મનગમતું સ્વીકારી લેવું - સાત્વિકતાનો હાથ ઝાંલીશું તો હરિ અવશ્ય આપણને બાથમાં લેશે.