જીવ રેડશો, તો જગત જીતશો
- આજકાલ- પ્રીતિ શાહ .
- ક્રિસ્ટોફરે જોયું કે માઈક્રોસૉફ્ટ ગ્રાહકોને ક્લાઉડ પ્રોડક્ટ વેચાય તેટલું જ નથી ઇચ્છતું, પરંતુ ગ્રાહકની સમગ્ર લાઈફ-સાઈકલ પર ધ્યાન અપાય એવું ઇચ્છે છે. તેથી એમણે ક્લાઉડ ડિવિઝન શરૂ કર્યું.
આ જગતમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેણે જીવનમાં મુશ્કેલી, સંઘર્ષ કે અભાવનો સામનો ન કર્યો હોય. આવી પરિસ્થિતિમાં કેટલાક પોતાના દુર્ભાગ્ય કે કમનસીબને દોષ દે છે, તો કેટલાક એને પાર કરીને પોતાની મહેનત અને લગનથી કિસ્મતને ચમકાવે છે. આવી વ્યક્તિના પુરુષાર્થનો પ્રકાશ ઘણાને પ્રેરણારૂપ બનીને જીવનનો રાહ ચીંધે છે. બૅંગાલુરુના ક્રિસ્ટોફર રિચર્ડ આમાંના એક છે.
ક્રિસ્ટોફરે નાની વયે જ પિતાની હૂંફાળી છત્રછાયા ગુમાવી. ૧૯૮૦ના દાયકાની આ વાત છે, જ્યારે તેની માતા પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતી હતી અને મહિને માત્ર દોઢ હજાર પગાર હતો. આવા સંજોગોમાં ક્રિસ્ટોફરે વહેલી સવારે ઘરે ઘરે અખબાર પહોંચાડવાની ફેરિયાની નોકરી શરૂ કરી. જેનાથી તેને મહિને એકસો વીસ રૂપિયા મળતા હતા. દસમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે એ રાત્રે આઈસ્ક્રીમ પાર્લરમાં કામ કરવા લાગ્યો. ક્રિસ્ટોફર કહે છે કે આ બંને નોકરી દરમિયાન અનેક લોકોને મળવાનું બન્યું અને એમની પાસેથી ઘણું શીખવા મળ્યું. આ સમય દરમિયાન એણે દૂધ વેચવાનું અને સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરવાની નોકરી પણ કરી.
આવી જુદી જુદી નોકરી કરીને બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો, પણ પછી શું કરવું તેની મૂંઝવણ થતાં આગળ અભ્યાસ કરવાનું માંડી વાળ્યું અને સ્કિલ ટ્રેઇનિંગ ઍકેડેમીમાં ત્રણ મહિનાનો કમ્પ્યૂટર-કૉર્સ કર્યો. આમાં એ ફોટોશોપ, ફ્લેશ, વેબ ડેવલપમેન્ટ વગેરે શીખ્યો અને ત્યારબાદ એને ઝેડ કેરિયર ઍકેડેમીમાં નોકરી પણ મળી ગઈ. ત્યાં બે વર્ષ કામ કર્યું અને તે દરમિયાન પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ટેક્નોલોજીમાં ઘણું શીખ્યો.
આ સમયે ઘણાં પુસ્તકો વાંચ્યાં. આ સમયગાળા દરમિયાન એને એટલું સમજાઈ ગયું કે આઈ.ટી. અને ટૅક્નૉલૉજી એનું મનગમતું ક્ષેત્ર છે અને હવે આમાં જ આગળ વધવું જોઈએ. ક્રિસ્ટોફર પોતાની આજીવિકા માટે કામ કરતો રહ્યો અને સાથે સાથે બિઝનેસ ઈન્ટલિજન્સ અને એનાલિટિક્સમાં ઊંડો રસ લઈને શીખતો રહ્યો. ધીમે ધીમે એનો આત્મવિશ્વાસ એટલો વધી ગયો કે એને એમ લાગવા માંડયું કે તે એકલો કોઈની મદદ વિના પણ સારું કામ કરી શકશે, તેથી ફ્રીલાન્સ કામ કરવા લાગ્યો. એણે જોયું કે ઘણી કંપનીઓને એના જેવા યુવાનોની જરૂર છે.
એણે કન્સલ્ટન્ટ તરીકે પોતાનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં તે દિવસના ત્રણ હજાર મેળવતો હતો. ધીમે ધીમે મોટી કંપનીઓ સાથે કામ કરવાનું મળ્યું અને રોજના પંચોતેર હજાર મળવા લાગ્યા. એણે બાર વર્ષ સુધી આઈ.બી.એમ., વિપ્રો, ઈન્ફોસિસ જેવી કંપનીઓમાં કન્સલ્ટિંગ કર્યું. એ દરમિયાન માઈક્રૉસૉફ્ટ સાથે પણ કામ કરવા મળ્યું. માઈક્રોસોફ્ટે એને એક ટીમ બનાવવાની સલાહ આપી, જેથી તે વધુ સારું કામ કરી શકે.
૨૦૦૯માં દસ લાખ રૂપિયા રોકીને સીઆર બીઆઈ કન્સલ્ટન્સી શરૂ કરી. એ દિવસોમાં જ એનો જી૭ ટેક સોલ્યુશન કંપની સાથે સંપર્ક થયો જે પોતાના ગ્રાહકો વધારવા માટે એક સારા કન્સલ્ટન્ટની શોધમાં હતી. ક્રિસ્ટોફરે એ કંપની સાથે કામ કર્યું. એને લાગ્યું કે સોલ્યુશન કંપની ખરીદી લીધી અને પોતાની સીઆર બીઆઈ સાથે જોડાણ કર્યું. એમાંથી જી૭ સીઆર ટૅક્નૉલૉજીસનો ૨૦૧૬માં જન્મ થયો. તેઓ ક્લાઉડ ટૅક્નૉલૉજી પર આધારિત દરેક પ્રકારની સેવા આપવા લાગ્યા.
ક્રિસ્ટોફરે જોયું કે માઈક્રોસૉફ્ટ ગ્રાહકોને ક્લાઉડ પ્રોડક્ટ વેચાય તેટલું જ નથી ઇચ્છતું, પરંતુ ગ્રાહકની સમગ્ર લાઈફ-સાઈકલ પર ધ્યાન અપાય એવું ઇચ્છે છે. તેથી એમણે ક્લાઉડ ડિવિઝન શરૂ કર્યું. આજે એની કંપની જી૭ સીઆર એ માઈક્રૉસૉફ્ટને ક્લાઉડ સોલ્યુશન પ્રોવાઈડર કરનારી નંબર વન કંપની બની રહી છે. તેનો એંશી ટકા બિઝનેસ મેટ્રો કે મોટાં શહેરોમાંથી આવે છે, પરંતુ તે હવે નાનાં શહેરો સુધી તેનો વ્યવસાય વિકસાવવા માગે છે.
અનેક નાનાં શહેરોમાં વીસ સેન્ટરો સ્થાપવા માગે છે. અત્યારે એને ત્યાં ૮૫૦ લોકો કામ કરે છે, જેમાંથી સાડા ચારસો પૂર્ણ સમયના કર્મચારીઓ છે. ગયા વર્ષે ૫૬ કરોડ રેવન્યુ મેળવનાર ક્રિસ્ટોફરે આ વર્ષે ૧૪૦ કરોડનું લક્ષ્યાંક રાખ્યું છે. એની કંપનીએ ૨૦૧૯નો 'માઈક્રૉસૉફ્ટ પાર્ટનર ઑફ ધ યર'નો ઍવૉર્ડ મેળવ્યો છે. તેઓ અલીબાબા, એમેઝોન, ડીજીસર્ટ, સૉફ્ટલેયર જેવી કંપનીઓ સાથે કામ કરે છે. તે કહે છે કે ભારતમાં સૌથી વધારે સ્મૉલ ઍન્ડ મીડિયમ બિઝનેસની કંપનીઓ છે, જેને મદદની જરૂર છે. કારણ કે એનો સંઘર્ષ એમણે અનુભવ્યો છે. તેઓ માને છે કે જે કામ તમે કરો છો એને પ્રેમથી કરવામાં સફળતા મળે છે.
મેરી સુરક્ષા, મેરી જિમ્મેદારી
ઘણી યુવતીઓ એની પાસે આવીને કહે છે કે એણે આપેલી સેલ્ફ-ડિફેન્સની તાલીમને કારણે તે પોતાની રક્ષા કરી શકી.
ફિ લ્મમાં કોઈ સ્ત્રી પુરુષના સકંજામાંથી કે ગુંડાઓના હાથમાંથી મારામારી કરીને સફળતાપૂર્વક પોતાની જાતને બચાવી લે એવાં દ્રશ્યો જોવાનું ખૂબ સારું લાગે છે અને ઍરકન્ડીશન્ડ હૉલમાં ખુરશી પર બેઠા બેઠા ખુશીથી ઝૂમી ઉઠીએ છીએ, પરંતુ વાસ્તવિક જીવનમાં આવું ઓછું જોવા મળે છે. આપણે એમ માની લીધું છે કે આવું બધું ફિલ્મોમાં બને, હકીકતમાં નહીં, પરંતુ આ માન્યતામાં પરિવર્તન લાવવાનું કામ હર્ષા સાહૂએ કર્યું છે. એ કહે છે કે કોઈ પણ સ્ત્રી પોતાની જાતની રક્ષા કરવા માટે સક્ષમ છે. એના માટે એ 'મેરી સુરક્ષા, મેરી જિમ્મેદારી' નામનું અભિયાન ચલાવી રહી છે.
છત્તીસગઢની પ્રથમ આંતરરાષ્ટ્રીય કરાટે ખેલાડીનો જન્મ રાયપુરના બઢઈપારામાં થયો હતો. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી અભ્યાસમાં સામાન્ય હતી, કારણ કે નાનપણથી જ એને વિવિધ રમતોમાં રસ હતો. રમતને કારણે અભ્યાસમાં ધ્યાન આપી શકતી નહીં અને હંમેશા શિક્ષકોનો ઠપકો ખાવો પડતો અને ઘણીવાર શિક્ષકો તેને વર્ગખંડમાંથી બહાર કાઢી મૂકતા. નયા પારા સરસ્વતી સ્કૂલમાંથી બારમા ધોરણની પરીક્ષા દ્વિતીય વર્ગમાં પાસ કરી. જોકે એના માતાપિતા એને ક્યારેય કશું કહેતા નહીં. એનું કારણ એ હતું કે ચાની દુકાન ચલાવતા પિતા કુસ્તી કરતા હતા. તેમને માર્શલ આર્ટ પણ આવડતી હતી. પિતાને જોઈને જ હર્ષાને રમતમાં રસ પડવા માંડયો.
પહેલાં તે હૉકી રમતી હતી. ત્યારબાદ કરાટે શીખવા લાગી. કરાટેનો કોર્સ શીખવા માટે પૈસા નહોતા તેથી પિતાને જોઈને અને ટેલિવિઝનમાં જોઈને તે શીખતી. એમાં એને ખૂબ આનંદ આવવા લાગ્યો. ગુરુ અજય સાહૂ પાસે કરાટે શીખવા લાગી. તેને પોતાની કારકિર્દી ઘડવામાં આથક અને સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. સ્ત્રી હોવાને કારણે સહુ એને કરાટેને બદલે નૃત્ય કે બીજું કંઈક શીખવાની સલાહ આપતા, પરંતુ તે કહે છે કે એના માતા-પિતા અને ગુરુના સમર્થનથી તે આટલી સફળતા હાંસલ કરી શકી છે.
એને પ્રથમ વખત નૅશનલ સિલેક્શન માટે જવાનું હતું, ત્યારે એની પાસે એટલા પૈસા નહોતા તેથી તે જઈ ન શકી. ત્યારબાદ જે કંઈ કમાણી થતી તે રકમ બચાવવા લાગી. સ્કૂલ-કૉલેજ દરમિયાન રાષ્ટ્રીય સ્તરની દસ સ્પર્ધાઓમાં તેણે પ્રતિનિધિત્વ કર્યું અને સાત ચંદ્રકો જીત્યા. લગ્ન પછી થોડો સમય કરાટેની પ્રૅક્ટીસ થઈ શકી નહીં. એમાં વળી એક બાળકની માતા બન્યા પછી થોડું વધારે મુશ્કેલ બન્યું, પરંતુ દિલ્હીમાં ૨૦૧૨માં બનેલી નિર્ભયાની ઘટનાએ હર્ષા સાહૂને અંદરથી હચમચાવી મૂકી અને તેને વિચારતી કરી મૂકી. એણે વિચાર્યું કે અત્યાર સુધી એ જે કંઈ શીખી છે તેને આગળ વધારવાની અને સહુને વહેંચવાની જરૂર છે.
હર્ષા સાહૂએ પોતાની આસપાસ રહેતી છોકરીઓને કરાટે શીખવવાની શરૂઆત કરી. ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં તેની આ વાત ફેલાઈ. એણે દરેક યુવતીના મનમાં 'મેરી સુરક્ષા - મેરી જિમ્મેદારી'નું વિચારબીજ રોપ્યું. નોકરીની સાથે સાથે તે કોઈ પણ ફી લીધા વિના છોકરીઓને શીખવે છે અને અત્યાર સુધીમાં બે લાખ મહિલાઓને એણે તાલીમ આપી છે. ૨૦૧૬માં એને નૅશનલ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવી. લોકસભાના પૂર્વ અધ્યક્ષ સુમિત્રા મહાજનના હાથે સંત ઈશ્વર ફાઉન્ડેશન રાષ્ટ્રીય ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો.
હર્ષા સાહૂ બાળકોને ખૂબ પ્રેમથી શીખવે છે. એની પાસે સાડા ત્રણ-ચાર વર્ષનાં બાળકો આવે છે. તેમાં કેટલાંકની પાછળ ખૂબ મહેનત કરવી પડે છે, પરંતુ જ્યારે આ બાળકો સફળતા હાંસલ કરે છે, ચંદ્રક મેળવે છે, ત્યારે ખૂબ આનંદ થાય છે. મિહિર શર્મા નામના સાત વર્ષના છોકરાએ એક મિનિટમાં ૨૮૧ પંચ લગાવીને ગૉલ્ડન બુક ઑફ રૅકૉર્ડમાં નામ નોંધાવ્યું. તેને પાછળ હર્ષા સાહૂએ બે વર્ષ મહેનત કરેલી. ઘણી યુવતીઓ એની પાસે આવીને કહે છે કે એણે આપેલી સેલ્ફ-ડિફેન્સની તાલીમને કારણે તે પોતાની રક્ષા કરી શકી.
હર્ષા સાહૂ કહે છે કે આ તાલીમને કારણે તમે માનસિક અને શારીરિક રીતે ઘણા મજબૂત બની જાઓ છો. રાત્રે અગિયાર વાગ્યે પણ બહાર જવાનું થાય તો આત્મવિશ્વાસથી જઈ શકો છો અને આત્મરક્ષા કરી શકો છો.
નિર્ભયા કાંડ પછી તેની પાસે તાલીમ લેવા આવનારાની સંખ્યામાં વધારો થયો છે. તે સ્કૂલ, કૉલેજ, કોર્પોરેટ અને સમાજસેવાનાં સંગઠનો સાથે મળીને સૅલ્ફ-ડિફેન્સની તાલીમ આપે છે. તે આઈ.આઈ.ટી.માં કરાટે શીખવે છે. તો બહારગામ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ તેની પાસે બે મહિનાની તાલીમ લઈને જાય છે. તે પોતાની તાલીમ દરમિયાન યુવતીઓને ગુડ ટચ, બેડ ટચ વિશે તેમજ સાર્વજનિક જગ્યાએ સાવધ કેવી રીતે રહેવું તે શીખવે છે. તેનું માનવું છે કે શહેર કરતાં પણ ગામડાંમાં આત્મરક્ષાની તાલીમની વધુ જરૂર છે, પણ આપણે ગામડાંઓ પર ધ્યાન આપતા નથી. તે કહે છે કે સ્કૂલ-કૉલેજોમાં માર્શલ આર્ટનો એક ક્લાસ શરૂ કરવો જોઈએ જેથી નિર્ભયા સાથે જે થયું તે ન થાય.