પ્રાચીન ઓડિશી પટ્ટ ચિત્રોના મૂળમાં
- રસવલ્લરી-સુધા ભટ્ટ
સજીવ-નિર્જીવ પરસ્પર ઘડતર કરે
આ પૃથ્વી નામના ગ્રહ ઉપર દેશ કોઈ પણ હોય, તેના બાશિંદાના વેશમાં વૈવિધ્ય હોય, કેશકલાપ અમાપ-અપાર સૌંદર્ય ધરાવતા હોય, તેમનાં આભૂષણો પણ ખણખણ કરતાં જે તે ભૂમિનાં ગાન ગાતાં ગાતાં જીવનને મા'ણતા અને ઘડતાં જણાય ત્યારે એ રહેવાસીઓનાં જીવન, તેની શૈલી, તે સ્થળની મૂળ કળા-સઘળુંય એકમેકમાં ઓતપ્રોત જણાય. સજીવ નિર્જીવનું એક જ એકમ સર્જાય ત્યારે સૃષ્ટિ પર જાણે કે સજીવારોપણ અલંકારની આભા પ્રસરે અને એકમેકને પામી તેઓ એક સિક્કાની બે બાજુ જ બની જાય. હા, ભારતની વાત કરીએ તો એની ફળદ્રુપ ધરતીનો કોઈ કટકો-કોઈ ભાગ એવો ભાગ્યે જ હશે જ્યાં એકાદી કળા પણ ન કોળી હોય. ખેર, આપણે તો કળા, તેમાંથી નિષ્પન્ન થતી રસધારની ખોજમાં પ્રતીક્ષામાં જ હોઈએ છીએ ને ! રસલક્ષી દ્રષ્ટિ રસનાં ચટકાં ખોળી જ કાઢે.
બંગાળ, રાજસ્થાન, ગુજરાતનાં પટચિત્રો જોડે ઊભાં રહી શકે એવાં ઓડીશા (ઓરિસ્સા)નાં પટ્ટચિત્રોની સર્જનયાત્રા કંઇક અનોખી છે. આપણાં પૂર્વીય રાજ્યોને દક્ષિણનાં રાજ્યોની જેમ જ પુષ્કળ પ્રકૃતિ સૌંદર્ય સોગાત મળેલી છે તે એમનાં ચિત્રોમાં ડોકાય છે. જળરાશિ, વનરાજી અને ધર્મનિષ્ઠાના સુભગ સંયોગને કારણે એ કળા સમૃધ્ધ તો હતી જ પરંતુ સાથે સાથે લોકસાહિત્યના પારસમણિ સ્પર્શને કારણે ઓડીશાની પટ્ટચિત્ર પ્રણાલી બળવત્તર બનતી ચાલી. આ કળાને વીતી ગયેલા સમયના, ઉદાહરણોથી અલંકૃત, સચિત્ર શૃંગારયુક્ત ગ્રંથ તરીકે ઓળખવામાં અને માનવામાં આવે છે. આશ્ચર્યકારક ચિત્રકથાઓમાંથી જે વાર્તારસ ઝરે છે તેવો જ રસ જૂના સમયમાં પટ્ટચિત્રોમાંથી વહેતો.
કળા એ જ જીવન જીવન એ જ કળા
આશરે હજરેક વર્ષ પુરાણી આ કળાની ઉત્પત્તિ માટેની પણ એક કથા છે. જગન્નાથ પુરિ મુખ્ય મંદિરથી લગભગ દશેક કિલોમીટર દૂરના ગામ રઘુરાજપુરમાં એ સમયે ચૈતન્યમહાપ્રભુના એક ભક્ત જે સાધુ જેવા જ પરિવેસમાં હતા તે બંગાળથી ફરતા ફરતા અહીં આવી ચડયા અને જંગલમાં રહી પડયા. ત્યાં એમણે જગન્નાથજીને ચિતર્યા, કોલસાથી પ્રભુનું મુખારવિંદ રંગ્યું - અને આજ લગી એ પરંપરા ચાલી આવી છે. આ ગામના તેઓ પ્રથમ કલાકાર કહેવાયા અને બસ, કલાનો ક્રમ આ નાનકડા ગામ રઘુરાજપુરમાં શરૂ થયો - જાણે કે ઉત્ક્રાંતિ થઇ.
વનસ્પતિ, ખનિજ, પથ્થર અને શંખલાં છીપલાંમાંથી જૈવિક (ઓર્ગેનિક) રંગોનો જન્મ થયો. એ ગામ કલા અને કલાકારનું ગામ બન્યું જે આજે 'હેરિટેજ વિલેજ'ની ઓળખ સાથે વિશ્વના નકશા ઉપર ઝળહળી છે.
આસપાસની ઘોંઘાટભરી ગતિવિધિઓને અતિક્રમીને અહીંના નિવાસીઓ કળામાં જીવ પરોવીને મસ્ત રહે છે. આ ગામમાં જન્મવું એ એક વરદાન છે એમ મનાય છે. પ્રત્યેક ઘરમાં એક ચિત્રકાર, ક્રાફ્ટમેન, નૃત્યકાર કે સંગીતકાર હોઈ શકે.
રંગોમાં રસળતા પ્રત્યેક ચિત્રકારના જીવનમાં સંસારમાં ક્ષણેક્ષણ કલાત્મક રીતે કોતરાઈ જાય છે. જ્યારે તે પટ્ટચિત્રમાં મનભાવન ભાવ ચિત્રોમાં પ્રાણ પૂરે છે, 'ચાલો ગામડે'નો સંદેશો એમની પ્રવૃત્તિમાંથી મળે છે. આરંભે માત્ર પુરુષો દ્વારા જ પટ્ટચિત્રો તૈયાર થતાં પરંતુ સમય સાથે હવે મહિલાઓ પણ એમાં પોતાનો હિસ્સો આપે છે.
આ પ્રાચીન કલાએ ધીમે પગલે આવતા મૃત્યુને ખાળ્યું છે એ નોંધનીય છે. બ્હાર ભણવા કાજે જતા બાળકો પણ આ કળા શીખે જ. રોજગાર આપતી આ કળા એક સાહસ જ છે.
વચેટિયાઓને અહીં કોઈ સ્થાન નથી. આ સિવાય પુરિ, ચિકીતી, સોનેપુર, ધારાકોટ, કોણાર્ક, દાંડાસાહી, ભુવનેશ્વર આદિ સ્થળોએ પણ ઓડીશી પટ્ટચિત્ર કળાખીલી છે.
પટ્ટચિત્રોનો મૂળ વિષય પૌરાણિક, ધાર્મિક વાતો, દંતકથાઓ તેમજ લોકકથાઓ આધારિત
ઓડીશાનાં ચિત્રો ત્રણ વિભાગમાં વહેંચાયેલાં છે. કાપડ પર ચિત્રકળા (પટ્ટ ચિત્ર), દીવાલ પર ચિત્રકળા (ભીત્તચિત્ર), તાડપત્ર પર કોતરાયેલાં ચિત્રો (તાલ પત્ર ચિત્ર) અર્થાત્ પોથી ચિત્ર મ્યુરલ્સને મળતી આવતી આ ચિત્ર શૈલીમાં વધતે-ઓછે અંશે સામ્ય જોવા મળે છે. તેની મુખ્ય થીમ છે જગન્નાથજી, રાધા-કૃષ્ણ, બલભદ્ર, સુભદ્રા, દશાવતાર, કવિ જયદેવના 'ગીત ગોવિંદ'નાં પ્રસંગો અને વિવિધ દેવી-દેવતાઓનાં રૂપ ચિત્રો, મહાકાવ્યો રામાયણ મહાભારત, ભાગવત્ પુરાણ આદિનું પણ મહાત્મ્ય ઘણું છે. તો, પટ્ટ કેવીરીતે તૈયાર થાય છે ? પારંપરિક રીતે 'ચિત્રકાર' કહેવાતાં કલાકારોનું ઘર જ 'સ્ટુડિયો'હોય. સૌ પ્રથમ તેઓ નક્કી કરેલ વિષયને અનુરૂપ ચિત્રની સાઇઝ નક્કી કરે. કેનવાસ કેવી રસપ્રદ રીતે તૈયાર કરે છે તે તો જુઓ ! જૂની સાડી ઉપર આમલીનાં બી-કચૂકાની લુગદી લગાડવાની હોય તેની પ્રક્રિયા કરે. જેને 'નિર્યાસકલ્પ' કહેવાય છે. કચૂકાને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળ્યા બાદ તેને વાટી, જરૂર પૂરતું વધુ પાણી નાખી માટલીમાં પકાવે. સાથે સાથે મુખ્ય અન્ય સામગ્રી છે કાથા વૃદ્દાનો ગુંદર. આ મિશ્રણ સાડી પર લગાડયા પછી તેની ઉપર બીજું કાપડ ચોંટાડીને તેને તડકે સૂકવે. ફરીથી ચૂના-આમલીની પેસ્ટ લગાડી વળી એકવાર એને તડકો દેખાડે. હવે લીસ્સા પથ્થરથી ઘસી તેને પોલિશ કરે. આમ, તૈયાર થયેલા કેનવાસ પર બ્રશનો પ્રથમ સ્ટ્રોક તૈયાર કરેલા જૈવિક રંગ વડે મારે. એ બ્રશ પાછા 'કેયા' નામના છોડમાંથી બનેલાં હોય અથવા ઉંદરના કે અન્ય પ્રાણીના વાળમાંથી બન્યાં હોય. વાંસની લાકડી ઉપર એ વાળનો ગુચ્છા બાંધી દે એટલે બ્રશ તૈયાર ! તો પછી રંગોનું શું ? ચામડા જેવા મજબૂત પટ્ટ ઉપર 'ફિલ-ઇન' અથવા 'વૉશ' માટે મૂળ રંગ મોટા મોટા લસરકે લગાડવામાં આવે. સંભાળ સહ આ યાત્રા છે પાંચ દિવસની.
નિયમની મર્યાદામાં રહીને બનાવાતાં પટ્ટચિત્રોમાં છે શિસ્તબધ્ધ કલાસ્વરૂપ
આ છે રંગોની દુનિયામાં ડૂબકી. મૂળ પટ્ટચિત્ર કલાકારો પોતાની પસંદગી પ્રમાણે જૈવિક રંગો બનાવતા. સફેદ રંગ બનાવવા શંખલાં-છીપલાંનો પાવડર બનાવી તેને ઉકાળીને તત્કાળ ગાળતા.ખૂબ ઝડપી. આ પ્રક્રિયામાં ધીરજ, ચોકસાઇ અને ચતુરાઇની જરૂર પડે. લાલ રંગ માટે 'હિંગુલા' નામનું ખનિજ વાપરે. પીળા રંગ માટે પીળાશ પડતા પથ્થરના ઘટક તત્ત્વો મેળવે - જેને 'હરિતકા' કહેવાય. 'રામરાજા' ગળીનો પ્રકાર છે જે બ્લ્યૂ રંગ માટે વપરાય. લીમડાનાં પાનમાંથી લીલો રંગ મેળવે અને કાળા રંગ માટે નારિયેલના કોચલામાં. શુધ્ધ મેશ પાડે. આરંભમાં બધા જ રંગો મૂળ અને શુધ્ધ સ્વરૂપે વપરાતા. કોઈ ઝાંયશેડિંગ કે મિશ્રણ થકી આછા-ઘેરારંગોનો પ્રયોગ થતો જ નહિ. બધા જ ઘેરા રંગો - માત્ર લાલ, પીળો, ગળી, કાળો અને સફેદ રંગો જ બનતા. રંગોની એકધારી રમત સુસંગત અને રસાળ થતી. ચિત્રોના વિષયમાં રંગો પ્રવેશે અને દર્શક ઉપર ધારી અસર કરે. કોઇપણ સંદર્ભ વગર ઓડિશી પટ્ટચિત્રોના રંગો આનંદદાયક વ્યક્તિત્વ ધરાવે છે. બારીક નજરવાળી આંખોમાં અભિવ્યક્તિની સમૃધ્ધિ સમાઇ જાય ! પણ એકલા રંગોને શું કરીશું ? એની સાથેના અગ્રેસર અનુબંધ ધરાવતા ચિત્રના પાત્રો શું કહે છે તે તો જુઓ ! ભગવાન જગન્નાથજી હરહંમેશ શ્યામલ, કૃષ્ણની કાયા બ્લ્યૂ, રામની ત્વચા લીલી, સીતાની સાડી લાલ, પાર્વતીની સાડી બ્લ્યૂ, સુભદ્રાજી પીઠી રંગે, બળભદ્રજી ગૌરવર્ણ... અને સઘળાં કુદરતી તત્ત્વો તેનાં મૂળ રંગે કેવી રેખાઓ સંગ સમાયાં એનાં ચિત્રણનાં કામણની રાહ જોઈએ.
લસરકો :
સમુદાય પોતાની સંસ્કૃતિની અભિવ્યક્તિને કથા, કહેવતો, ચિત્રો અને હસ્તકલા વડે સુપેરે સાચવી લે છે.