Get The App

એડોલસન્સના આટાપાટા : પ્રોબ્લેમ સોશિયલ મીડિયામાં નહિ, સોસાયટીમાં છે!

Updated: Apr 13th, 2025


Google News
Google News
એડોલસન્સના આટાપાટા : પ્રોબ્લેમ સોશિયલ મીડિયામાં નહિ, સોસાયટીમાં છે! 1 - image


- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- પેરન્ટસ ને ટીચર્સની આંખો ઉઘાડે એવી નક્કર હકીકતો અને નવી પેઢીના ટીનેજર્સને સમજવાની કેટલીક ટિપ્સ!

ઢાં સૂ ફિલ્મમેકર સુધીર મિશ્રાએ ભારતમાં ધડાધડ નંબર વન થયેલી ગ્લોબલ બ્લોકબસ્ટર સીરિઝ એવી નેટફલિક્સની એડોલસન્સની સફળતા બાદ આશ્ચર્ય પ્રગટ કરેલું કે આવી હેવી, ધીમી અને ટોકેટિવ-વળી સિંગલ ટેકમાં પરફોર્મસ બેઝડ એવી સિરિયલ કેવી રીતે આટલી બધી આપણા ડ્રામા લવર દર્શકોને ગમી ગઈ ?

૧૩ વર્ષના સોહામણા ને તેજસ્વી છોકરાએ એના કલાસની એક છોકરીનું મર્ડર કર્યું એ શકમાં ધરપકડ થઈ એ સિરિયલમાં ઓવન કૂપરનો અભિનય તો ચોટડૂક છે જ. પણ ગ્લોબલ લેવલ પર જે હત્યા, હિંસા, બળાત્કારના ક્રાઈમ વધે છે એને લીધે દુનિયા ચિંતાતુર છે. ભારતમાં વડીલોને મેનોસ્ફીયર, ઈન્સેલ જેવા ટ્રેન્ડી નવા શબ્દો ખબર નથી, પણ સોશ્યલ મિડિયાનો પોતે ઉપયોગ કરવા છતાં રાક્ષસી બીક લાગે છે. આ લિમિટેડ સિરીઝે એમની દુ:ખતી રગ પર હાથ મૂક્યો છે, એટલે આથી વધુ ડેપ્થવાળી ફિલ્મો આવી ગઈ હોવા છતાં ચાલી ગઈ છે. આપણે ત્યાં 'વોક' કરતાં ઉંધી સમસ્યા પણ છે. પણ લેવલ બનાવી કોઈ આધુનિકતાને ખલનાયક ઠેરવવી સહેલી લાગે છે.

જસ્ટ થિંક, દુનિયામાં અત્યાર સુધીમાં કેટલા બાળકો નાની ઉંમરે ડગુમગુ થતા ચાલતા શીખ્યા હશે ? બધા જ. યાને અબજો લખવાવાળા-વાંચવાવાળા સહિત તમામ. દરેક વખતે સંવેદનશીલ હોય એવા મા-બાપને બીક લાગતી હોય છે, સંતુલન જાળવવા મથતું બાળક પડી પણ જાય છે ઘણી વાર, પણ એ જ તો એના મોટા થવાની પ્રક્રિયાનો હિસ્સો છે. પાર્ટ ઓફ ગ્રોઈંગ અપ.

એટલે પહેલું કામ તો એ છે કે જીવનના વિરોધાભાસોનો, તકલીફોનો, અસંગતિઓનો સ્વીકાર. લાઈફ ઈઝ નોટ એબાઉટ બીઈંગ પરફેક્ટ. બસ, અપૂર્ણતા ઓછી રહે એ માટે પ્રયાસ કરવાના છે. સર્વાંગ સંપૂર્ણ કોઈ હોતું નથી. જે લાગતા હોય એ પણ એવી રીતે પ્રોજેક્ટ થતા હોય છે, હોતા નથી. દરેક વ્યક્તિ એના જીન્સ ગણો કે કર્મ ગણો કે વીતેલો ભવ ગણો એમાંથી મળતા ઈનબિલ્ટ નેચર અને બહારથી મળતા એમાં નેચર યાને ઘડતરનું જ પરિણામ હોય છે. કોઈમાં સ્વભાવ વધુ હાવી થઈ જાય, તો કોઈમાં એ બદલતી પરવરીશનો પ્રભાવ વધુ હોય. પણ કોનું શું થશે, એ બંધ બાજી છે. મા ફલેષુ કદાચન. પરિણામ એક રહસ્ય છે, જેનો તાગ આપણા હાથમાં નથી. એટલે સાધુઓના સંગમાં સેતાન ઉછરી શકે છે, ને ક્રિમિનિલ્સના ઘરમાં નોબલ, શાંત, સરળ વ્યક્તિ મોટી થઈ શકે છે. આપણે વધુ સારા ને સુખી થવાની દિશામાં પ્રયત્ન કરી શકીએ. આગ્રહ ન રાખી શકીએ.

બીજું, આજકાલ બની બેઠેલા ઉપદેશકો, સમાજચિંતકો અને સેલિબ્રિટી થઈ જતા સાઈકિઆટ્રિસ્ટો કે ફેમસ સોશ્યલ એનાલિસ્ટો જે કહે તે. રિયાલિટી એ છે કે પેરન્ટસ મૂળભૂત રીતે સંતાન માટેના મમત્વને લીધે એક 'ભયભીત' પ્રજાતિ છે. સાયકોલોજીના અભ્યાસનો ઉદ્ભવ તો હજુ હમણા થયો. એ ખુદ હજુ નવું શીખતી વિદ્યા છે. વેસ્ટર્ન વર્લ્ડમાં પ્રાઇવસી નામના કોન્સેપ્ટનો અતિરેક છે, એટલે સામાજિક એકલતા છે. એના ફાયદા પણ છે આઝાદીના ને નુકસાન પણ છે કે સોશ્યલ કંટ્રોલનું પ્રેશર નથી. એટલે ઝીણીઝીણી દરેક વાતને સાઇકો-એનાલિસસ કરી ખોતર્યા કરવાની સાયકો-હિબિટ પશ્ચિમને પડી ગઈ છે. એમાં એંગ્ઝાયટી ને ડિપ્રેશનને એવું બધું ભલભલા લોકો કારણ વગર ફીલ કરવા લાગ્યા છે. એડોલસન્સના બહુ વખણાયેલા ત્રીજા એપિસોડમાં ક્રાઇમ કરનારના મનમાં ડોકિયું કરવાનો જે લાંબો સંવાદ ધરાવતો સીન છે, એમાં અભિનય ને નાટયાત્મકતા લાજવાબ છે, પણ રિયાલિટીમાં ભારતમાં એક અનુભવી પોલિસ કોન્સ્ટેબલ પણ આવી કશી પિંજણ વિના આટલું તો સમજી પણ જાય ને સામાને સમજાવી પણ દે. એટલે જ યુ.કે. યુ.એસ.માં અનડિટેકટેડ (ઉકલ્યા વિનાના) ક્રાઇમ બહુ બધા છે.

તો, ભયભીત પેરન્ટસને વેવલાચાંપલા ચિંતકો સતત બીવડાવ્યા કરે છે. પોતાના બાળકને સતત કોઈને કોઈ 'થ્રેટ' યાને 'જોખમ'થી બચાવવામાં જ મા-બાપ ચિંતાતુર રહે છે. આ જોખમ મોટા ભાગના ન્યુઝની હેડલાઇન્સ કે થોડાક લોકોના સર્વેના આધારે ધારી લીધેલા હોય છે. એમાં ય, આપણે ત્યાં તો ધાર્મિક કારણોથી મોરાલિટીના ફિકરફકીરોની પહેલેથી બહુમતી છે. એમનું તો છાપેલ કાટલું જ છે કે 'બધું બગડી ગયું છે. નવી પેઢી બરબાદ થઈ જવાની છે. ફોરેનમાં તો બધુ ખરાબ છે. આકર્ષણ, પ્રેમ, સેક્સ, આનંદ, મનોરંજન, સ્વાદ, શોખ બધું જ વિકૃતિ છે, માટે ભટકી ગયેલાઓ અમારા ગુરૂ, પંથ, કિતાબ, ધર્મના શરણે પાછા વળો !'

યાદ કરો, વર્ષો અગાઉ રોક એન્ડ રોલ ને હિપ્પીઓનું 'પ્રદૂષણ' જોખમી ગણાતું. પછી ફિલ્મોને બધી બરબાદીના મૂળ તરીકે ભાંડવાનું શરૂ કર્યું (જે હજુ ચાલુ જ છે, સેન્સરના કેન્સર સહિત) પછી તોપનું નાળચું ટીવી તરફ ફર્યું. વચ્ચે વિડિયો ગેઈમને વિલન ઠેરવી દેવામાં આવી. પછી કોમ્પ્યુટરનો વારો આવ્યો. બાદમાં ફોન ને હવે સોશ્યલ મીડિયાને એડોલસન્સની બધી જ 'બેજવાબદારી' માટે જવાબદાર ઠેરવી દેવાય છે ! પહેલા જેટલો ટીવી કે સિનેમા કે હિપ્પી રોક બેન્ડસનો ક્રેઝ નથી. તો પણ 'બગાડ' ચાલુ છે. અરે, એ તો ત્યારે મીડિયાના અભાવે નોંધ ઓછી લેવાતી. બાકી આ કશું જ નહોતું, અરે ઈલેકટ્રિસિટી ને મીડિયા પણ નહોતા ત્યારે પણ અપરાધો તો હતા જ. ખૂન, બળાત્કાર, લૂંટ, અપહરણ, જૂઠ બધું હતું. સ્માર્ટફોન ને સોશ્યલ મીડિયાની 'થ્રેટ'ને થોડીક સચ્ચાઈમાં ઝાંઝી બધી બીકનો વઘાર કરીને એટલી હદે ચગાવી દેવાઈ છે કે પેરન્ટસને એવા નેતાઓ કે ઉપદેશકો વ્હાલા લાગે છે, જે એના પર પ્રતિબંધ મૂકવાની કે બાળકને એનાથી દૂર કરી દેવાની હિમાયત કરતા હોય. માબાપ ખુદ જ તાલિબાનનું ટેમ્પલેટ થવાને સંતાનની સુરક્ષા સમજે છે.

રોંગ. અગાઉ પણ લખેલું છે. રામાયણ-મહાભારત ટીવીમાં જોઈને કેટલાક ટીખળી છોકરા તીર કામઠાં ચલાવવા જતા ઈજાગ્રસ્ત થતા કે એક દૂજે કે લિયે જેવી ફિલ્મો જોઈ આપઘાત કરતા એવા વિવાદો ચગે તો એ સિરિયલ કે ફિલ્મ કરોડો લોકોએ જોયેલી - બ્લોકબસ્ટર હતી. એવી અવળી અસર હોય તો વત્તી ઓછી પણ બધા પર થવી જોઈએ ને ? કલોરોફોર્મ સુંઘાડો તો કોઈને વહેલી તો કોઈને મોડી મૂર્છા આવે, પણ અસર તો થાય જ ને. અર્થાત્, જે ઓલરેડી નબળા મનના, વિકૃત કે પછી મનથી માંદલા એવા હતાશ કે વધુ પડતા તોફાની હોય, એમના પર જ વધુ અસર થતી. જેમ, પોતાના પ્રિયજનના કટકા કરવાના સમાચાર તો આખો દેશ જુએ છે તે દેશમાં અધધધ પ્રેમી યુગલો છે. પણ અમુક મનમેલા જ એ ન્યુઝ કે એવા કોઈ ફિલ્મી સીનથી ઈન્સ્ટાયર્ડ થાય છે. બાકીના નોર્મલી કિલ્લોલ કરે છે. પણ એની ચર્ચા ઓછી થાય છે, એટલે એવું લાગે છે કે દરેક પ્રેમી કે પ્રેમિકા એના સાથીને પરેશાન જ કરતા હશે !

યાને એડોલસન્સમાં આવતા ટીનએજર છોકરા-છોકરીઓનો ઉછેર કેવો થયો છે, એમના પેરન્ટસ સાથે એમનું કોમ્યુનિકેશન કેવું છે, એમનું ફ્રેન્ડસર્કલ કેવું છે, - એમનું વાચન કેવું છે (છે કે નહિ ?), એમનું પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કે કનેકશન કેટલું છે, એમનો કોન્ફિડન્સ કેવોક છે, એમને ભણવા કે રમવામાં મજા કેવીક આવે છે - આવા બધા પરિબળો એમનો સોશ્યલ મીડિયા રિસ્પોન્સ નક્કી કરે છે. જે બચપણથી આ બધી બાબતે પોઝિટિવ વાતાવરણમાં મોટા થયા છે, જેમને મસ્તીની મોકળાશ અને અનુશાસનની અક્કલ બેઉનું બેલેન્સ મળ્યું છે - એ લોકો સોશ્યલ મીડિયાને ક્રિએટીવ ફન તરીકે, કનેકશન મીડિયમ તરીકે લેશે. ને એવા પણ ઘણા છે જ. જીવનના દુ:ખદર્દ સામે ઝઝુમતા હોવા છતાં કર્કશ કકળાટ ના કરનારા ઓનલાઈન ઘણા હોય છે. બધા ટ્રોલિયાટપોરી નથી હોતા. આવા લોકો સોશ્યલ મીડિયા પર જેને 'ગંદવાડ' કહેવાય છે, એ પણ બે ઘડીની ગમ્મત તરીકે લઈ પછી પોતાના કામમાં પરોવાઈ જાય છે. એમનું બિહેવિયર નોર્મલ રહે છે. કોઈ છોકરીને ઓછાં કપડાંમાં નાચતી જોઈને છોકરો રેપિસ્ટ નથી થતો કે કોઈ છોકરાને બ્રાન્ડેડ વસ્તુઓ સાથે સ્ટાઇલ મારતો જોઈને છોકરી મોહી નથી પડતી.

કારણ કે ક્વોલિટી પેરન્ટિંગનો, બેટર સ્કૂલિંગનો અને ગુડ ફ્રેન્ડસગ્રુપનો માહોલ એમને કોન્ફિડન્ટ એન્ડ ઈન્ટેલીજન્ટ બનાવે છે, જેને ક્યાં ભેદ કરવો એની ભાન પડે છે. ધે કેન ડ્રો ધ લાઇન. એ ખીજાશે તો કંઈ ખૂન નહિ કરે. એ ફલર્ટિંગ કરશે તો કંઈ બળજબરી નહિ કરે. એમના ટીનએજર દિમાગમાં કૂતૂહલ હશે, કાળાશ નહિ. એમના જજમેન્ટ કલીયર હશે ને એ નવું નવું જાણવામાણવાને એડવેન્ચર ગણશે. ક્રાઇમને નહિ ! સોશ્યલ મીડિયા એમના માટે જ્ઞાાનવર્ધક અને મનોરંજક માધ્યમ બનશે, ગોથાં ખવડાવી દેતો અંધારિયો કૂવો નહિ !

કમનસીબી કહો કે બેદરકારી, એ પણ છે કે એઆઈ વિશે જેટલું શીખવાડીએ છીએ, એટલું સોશ્યલ મીડિયા એટીકેટ વિશે કલાસમાં આપણે ભણાવતા નથી. માત્ર વખોડવાથી કોઈ પ્રોબ્લેમ ના ઉકેલાય, એને સમજવાની ને એની સાથે કામ લેવાની તાલીમ હોવી જોઈએ. જે માબાપ પાસે પણ નથી, તો સંતાનોમાં ક્યાંથી આવે ?

એડોલસન્સ યાને તારૂણ્ય એ હોર્મોનલ ચેન્જીઝનો ગાળો છે. હજુ પુરું ઘડાયું ન હોય એવો દિમાગ ભ્રમ પેદા કરે છે કે આપણને બધું આવડે છે, આપણે મોટા થઈ ગયા. પણ સમજણ હજુ કાચી છે. જીવનના અનુભવ અધૂરા છે. એટલે અભિમન્યુની જેમ ચક્રવ્યૂહમાં ગૂંચવાઈ જાય છે. ઉપરાંત, જાતમાં થતા ફેરફારોને ઓળખવાના ગાળામાં એમને નજીકના બધા 'ઈરિટેટિંગ' યાને ચીડ ચડે એવા, ખલેલ પહોંચાડાનારા લાગે છે. એમના મૂડ સ્વિંગ્સ લાંબા ગાળાના હોય છે. મોટે ભાગે પોતાની કંપની સિવાય ઘરમાં ખામોશ રહેવાનું કે ઉડાઉ જવાબ આપી ખીજાવાનું વર્તન એડોલસન્સમાં આવેલા છોકરા-છોકરીઓ કરે છે. મૂળ અંદર જે કન્ફયુઝન છે, જે વોઈડ છે એ જીરવાતું નથી. એનું ફ્રસ્ટ્રેશન આ રીતે બહાર દેખાય છે. કાચના વાસણની જેમ આ અવસ્થામાં એમને 'હેન્ડલ વિથ કેર'ની જરૂર પડે છે, પણ તકલીફ એ છે કે એમને કેર ગમતી નથી. પોતે નબળા છે કે કોઈનો આધાર લેવો પડે છે, એમાં જાત પરનો ગુસ્સો સ્વજનો પર કાઢે છે.

આ બધામાં ભણવામાં વધુ અઘરા થતા કોર્સનું ટેન્શન. હવે અને નવી નવી દેહથી દિમાગમાં પ્રવેશેલી સેક્સ્યુઆલિટીનું એટ્રેકશન ભળે છે. સોશ્યલ મીડિયા અને ગમતી સેલિબ્રિટી કે ટીચર જેવા ઇન્ફલ્યુઅર્ન્સ ઉપરાંત એમના પર સૌથી મોટી અસર પીઅર ગ્રુપ કહેવાય એવા ફ્રેન્ડ સર્કલની હોય છે. એમની સામે એમને હીરો કે હીરોઈન દેખાવું છે. ઈમ્પ્રેશન જમાવવી છે. એમાં ભલા-બૂરાની ભેદરેખા રહેતી નથી. આજની જનરેશન પ્રેમ થાય એટલે નહિ, અરે કેવળ સેક્સ માટે પણ નહિ, પરંતુ બીજાઓ સામે પોતે 'વીક' ના દેખાય એના માટે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ રાખવા કે હાનિકારક વ્યસનો રાખવાના ટ્રેન્ડમાં પ્રવેશી ગઈ છે.

આમાંથી રોકી શકે એમની ખુદની વૈચારિક પરિપકવતા અને ઈમોશનલ સ્ટેબિલિટી. એ સારી સંગત અને વાચનથી આવે. કારણ કે, એમાં ચર્ચા બીજા સાથે કે સંવાદ જાત સાથે થાય. ભેજું કસાય ને મેચ્યોરિટી વધે. મોબાઈલે એ બેઉ લકઝરી ઘણે અંશે છીનવી લીધી છે. સ્કૂલ-કોલેજમાં ભણતર સિવાયના બીજા બધા દૂષણોની એન્ટ્રી આસાનીથી થાય છે. અમુક સ્કૂલે જઈને આડા રસ્તાની પહેચાન મેળવે છે. અમુકના ઘરમાં એવું વાતાવરણ હોય છે કે એ જોઈ આડે પાટે ચડી જાય !

પેરન્ટસ આ સમસ્યાને ઉકેલવાની તો ઠીક, સમજવાની કોશિશ નથી કરતા ! એમની પાસે આવી બધી વાતોનો બે જ જવાબ છે : નેગિંગ એન્ડ રિસ્ટ્રિકશન. યાને ઉપદેશના ભાષણો ઝાડવા, ગરમ થઈને ધમકાવવા કે પછી સતત એમની લાઈફમાં જાસૂસીભરી દખલગીરી કરવી અને પનિશમેન્ટરૂપે એમને જે ગમતું હોય એવા પર પ્રતિબંધ મૂકવા. મર્યાદાના નામે પરાણે બંધી રાખવા.

એમાં એડોલસન્ટ સંતાનોને એવું થાય છે કે મારા મા-બાપ કે ટીચર જ 

મારા પાક્કા દુશ્મન છે. અથવા રિએક્શન આવે છે કે પોતે કશું સરખું કરી શકતા નથી. ઘરમાં એમને બધા નકામા ને નાલાયક સમજે છે. બધા એનાથી નફરત કરે છે. બેસ્ટ હોવાનું પ્રેશર નથી જીરવાતું વગૈરાહ વગૈરાહ. આ જનરેશનને જજમેન્ટલ એટિટયુડ જરાય નથી ગમતો. એમને આદેશ નહિ, લોજીક આપો. સરપ્રાઈઝ કરો. એમના ગાઈડ નહિ, પણ એમના સંવેદનોના ફેલો ટ્રાવેલર બનો ને સહપ્રવાસી તરીકે સાંભળો. એમને દેખાડો કે એમના માર્કસ કરતા એમના માટે પ્રેમ વધુ છે. પણ એવો નહિ, જેનો અતિરેક ગૂંગળાવી નાખે ! જેમાં એ હિંસા કરે, ભાગી જાય કે આપઘાતના પ્રયાસ કરે એવા પ્રતિભાવ આપતા થઈ જાય ! યાદ રાખજો, ટીએજર્સ શું ભલભલા વડીલોને પોતે ફેઈલ થયા એવું સ્વજનો સામે કબૂલવામાં પણ શરમ આવે છે !

મોટા ભાગના ટીનએજર્સની મેન્ટલ હેલ્થ ઓનલાઈન સામગ્રી જોવા કરતાં વ્યસ્ત મા-બાપની બેદરકારીને લીધે વધુ બગડે છે. એમને લાગે છે કે પોતાના ઘરમાં જ પોતાની વેલ્યુ નથી. જે મિત્રો કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં મળે છે. પ્રોબ્લેમ સ્ક્રીન નથી. પ્રોબ્લેમ એ કેવી ફીલ સાથે લોગ ઈન થાય છે, એ છે. એમના મગજમાં ધાર્મિક કે રાજકીય સંકુચિતતાનું ભૂસું ભરેલું હશે તો નેટ પર આવીને ટ્રોલિયા થવામાં એમને બહાદૂરી લાગશે. કારણ કે એ બેવકૂફીમાં પોતે દેશ કે ધર્મ માટે કશુંક અગત્યનું કરી રહ્યા છે, એવી 'સેલ્ફ વર્થ' એમને લાગે છે ! એમની લાઈફમાં રિલેશનશિપના પ્રોબ્લેમ્સ હશે કે કોઈને વ્યક્ત ના થાય પણ અંદરથી સેક્સના ઉછાળા આવતા હશે તો ટોકસિક બની જશે, ને ઓનલાઈન આવી પોતાના શોખનું બધું એક્સપ્લોર કરવાને બદલે કે રસરૂચિ કેળવતી શોધ કરવાને બદલે માત્ર એન્ટરટેઈનમેન્ટમાં જ પડીને ઝટ સડી જશે !

માટે ટીન્સને દરેક સંભવિત 'જોખમ'થી બચાવવાથી ગૌતમ બુધ્ધના પિતા જેવી અકુદરતી જહેમતને બદલે એમનું ઘર સાથેનું અનુસંધાન વધે, એમનો આત્મવિશ્વાસ મજબૂત થાય, એમને સારી ટેવો પડે અને એ એમને કશુંક ઉત્તમ કરવાનું મન થાય.

આ માટે એમને ગમતી બાબતોને ઉતારી પાડવાનું બંધ કરવું પડે. બદલાયેલા સમય મુજબ એમના મ્યુઝિકથી જોક સુધીના ટેસ્ટ પણ બદલાયેલા હશે, એ સમજણ કેળવવી પડે. એમને નેતાઓ-બાબાલોગના ચક્કરને બદલે કશુંક નવું આપે એવી તાલીમ મળવી જોઈએ. એમને થોડુંક પોતાની રીતે પડવાઆખડવા દો. એમ જ જાતે શીખશે. હા, સારું કરે ત્યારે ચીઅર કરવાનું ભૂલાય નહિ. એમની ફીલિંગને ક્રોધ કે જજમેન્ટ વિના સંવેદનાથી સાંભળો. એમને શિખામણો માંગ્યા વિના ના આપો, પણ જે એમની પાસે કરાવવા માંગતા હો, એ ખુદ કરીને ઘરમાં દાખલો બેસાડો ! આજ મોબાઈલ છે, એમ કાલ કોઈ બીજું 'જોખમ' આવશે, કેટલી વખત ધૂંધવાશો કે એમને પેક કરી રાખશો ? એને બદલે એમની સાથે સહજ સંવાદનો માહોલ બનાવો. એડોલસન્સ સિરિયલમાં પણ છેલ્લા - એપિસોડમાં એ બતાવ્યું છે કે આરોપી છોકરાના બાપને પણ એંગર ઇસ્યૂઝ હતા. એ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકતો નહોતો. અને મેકર એ વાત જ ચૂકી ગયા છે કે સાઈકિયાટ્રિસ્ટ એને છોકરીઓ બાબતે કેવું ફીલ થતું એ પૂછ્યા કરે છે, પણ એક પણ વાર એની આખા ફેમિલીમાં નોર્મલ એવી બહેન સાથે હેલ્ધી ડિસ્કશન આ બાબતે કેમ ન થતું એ નથી પૂછાતું ! એમાં પણ ઇન્સ્પેકટરને અહેસાસ થાય છે કે પોતાના દીકરા સાથે એણે વધુ વાત કરવાની જરૂર છે.

સિરિઝમાં ટોટલ રિકોલ, મેટ્રિક્સ જેવી ફિલ્મોના આધારે 'રેડ પિલ'ની વાત આવે છે. આ નવી શબ્દાવલિ છે. મતલબ, બાકીનું જગત બોઘું છે પણ આપણને કંઈક અદ્ભુત સત્ય જડી ગયું છે ! યસ, પોલીસ, પેરન્ટસ, ટીચર્સ કે ગુરૂજી કોઈએ નવી પેઢીની નવી ભાષા પણ નથી સમજાતી, એમાં ડાર્ક વેબ જેવા એન્ફયુ ટેટ છાપ ચોખલા લોકો એમના મગજનો કબજો લે છે !

શીખો, એમને રસ પડે એવી બાબતો સાથે કામ પાડતા !

ફાસ્ટ ફોરવર્ડ

મળવું હોય જો દરિયા સમો છું હું, પી જવો હોય તો ખોબા સુધી આવું !

(ગની દહીંવાલા)

Tags :