Get The App

'ટેરિફ' શબ્દનો અર્થ 'ચીજવસ્તુઓ પર કર વસૂલવો' એવો થતો નથી

Updated: Apr 13th, 2025


Google News
Google News
'ટેરિફ' શબ્દનો અર્થ 'ચીજવસ્તુઓ પર કર વસૂલવો' એવો થતો નથી 1 - image


- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- 'ટેરિફ' શબ્દનો મૂળ અર્થ જુદો થતો હતો, પરંતુ કેટલીય ભાષામાં ટ્રાવેલ કરીને અંગ્રેજીમાં પહોંચ્યો ત્યાં સુધીમાં આ શબ્દનો અર્થ સદંતર બદલાઈ ગયો હતો..

ગ્રી કમાં ૨૫૦૦ વર્ષ પહેલાં પાટનગર એથેન્સને જોડતું પાયરિયસ નામનું બંદર હતું. એથેન્સમાં પ્રવેશતા પહેલાં આ બંદરે જહાજો રોકવામાં આવતા. સામગ્રી એથેન્સ પહોંચાડવી હોય તો પાયરિયસ બંદરે વેરો ચૂકવવો પડતો. પાયરિયસ તે સમયે પૂર્વ મેડિટેરિયન સમુદ્રમાં મુખ્ય બંદર હતું. બહારની કોઈપણ ચીજવસ્તુને એથેન્સમાં વેચવી હોય તો આ ટેક્સ આપવો ફરજિયાત હતો.

વિદેશી જહાજ અંદર ઘૂસી ન જાય તે માટે એથેન્સને પાયરિયસ અને ફલેરમ એમ બે બંદરો સાથે જોડતા છીછરા જળમાર્ગ વચ્ચે દીવાલ બનાવાઈ હતી. ત્યારે એના માટે 'ટેરિફ' જેવો કોઈ શબ્દ ન હતો, પરંતુ એ આજના ટેરિફનું સૌથી પ્રાચીન સ્વરૂપ હતું. તે વખતે ગ્રીકના રાજાની તિજોરીમાં આ રકમ પહોંચતી. વેરો લેવાનો ફંડા એ જ હતો, જે આજે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો છે - વિદેશી ચીજવસ્તુઓને દેશમાં એન્ટ્રી આપવાના બદલામાં કમાણી.

પણ મૂળે આ ટેક્સ માટે તે વખતે ટેરિફ શબ્દ વપરાતો ન હતો. ઈનફેક્ટ, ટેરિફ શબ્દ તો અસ્તિત્વમાં જ આવ્યો ન હતો. કારણ કે, અંગ્રેજી નામની ભાષાનો કોઈ અણસાર ત્યારે ન હતો. ૮મી-૯મી સદીમાં જ્યારે જૂની અંગ્રેજી ભાષા યુરોપના પૂર્વ જર્મનીના કોઈ વિસ્તારમાં બની રહી હતી ત્યારે આ શબ્દ તો એનાથી જોજનો દૂર કોઈ જુદા જ સંદર્ભમાં વપરાતો હતો.

***

ઈસ્લામની ધાર્મિક ભાષા કઈ? ફારસી? ના. ઉર્દુ? ના. અરેબિક.

ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનની ભાષા અરેબિક છે. એને ક્લાસિક અરેબિક અથવા કુરાનિક અરેબિક કહેવાય છે. ભારતમાં બહુમતી લોકો માને છે કે ઈસ્લામની ભાષા ઉર્દુ છે. ઉર્દુ તો ફારસી અને અરેબિકના પ્રભાવમાં અખંડ ભારતમાં જન્મેલી ભાષા છે.

ખેર, તો આ અરેબિક ભાષાના મૂળ ઈ.સ. પૂર્વે આઠમી સદી સુધી પહોંચે છે. આ ભાષાનો વિકાસ થતો હતો ત્યારે ૫મી-છઠ્ઠી સદીમાં સૂચના આપવાના સંદર્ભમાં એક શબ્દ વપરાવા લાગ્યો - તારિફ. કોઈને તલબ કરવાના હોય કે કોઈ સામે હાજર થવાનું હોય ત્યારે આ શબ્દ વપરાતો. આપણે એમ કહીએ કે તમને હાજર થવાની સૂચના છે. એ જ વાત અરેબિકમાં આ રીતે કહેવાતી : 'તમને હાજર થવાની તારિફ છે.' તારિફ એટલે નોટિફિકેશન અથવા એનાઉન્સમેન્ટ.

હિન્દી ફિલ્મોમાં એક ડાયલોગ સાંભળવા મળતો: 'આપકી તારિફ?' મતલબ કે 'તમારો પરિચય?' એ 'તારિફ' શબ્દ અરેબિકમાંથી ઉર્દુમાં આવ્યો તો પરિચય આપવા માટે વપરાતો. એ જ શબ્દએ પર્શિયન ભાષામાં 'ટારિફ' બનીને જગ્યા કરી. એનો અર્થ થયો - કશીક સ્વીકૃતિ કે કંઈક મળ્યું હોય એ. રાજ્ય વતી વેપાર કરવાની પરવાનગી મળતી એ કાગળ 'ટારિફ' ગણાતો. રાજ્યમાં પરવાનગી છે કે નહીં એ લશ્કરી અધિકારીઓ પૂછતા ત્યારે આ સ્વીકૃતિપત્ર નામે 'ટારિફ' બતાવી દેવાથી કામ થઈ જતું. 

અરેબિકમાંથી ૧૦મી સદીમાં તુર્કિશ ભાષામાં આ શબ્દ ગોઠવાયો ત્યારે કંઈક આજનો અર્થ નીકળતો હતો. અરબી લિપિમાં લખાતી તુર્કિશ ભાષામાં આ શબ્દનો ઉચ્ચાર તો પર્શિયનની જેમ 'ટારિફ' જ રહ્યો, પરંતુ એનો અર્થ બદલાઈને 'કિંમત નક્કી કરવી' - એવો થયો. આ અર્થ આજના 'ટેરિફ' શબ્દનો પૂર્વજ ગણાય.

***

ઓટ્ટોમન સામ્રાજ્યનો સૂરજ સોળે કળાએ તપતો હતો ત્યારે તુર્કિશ ભાષાનો ફેલાવો દૂર-સુદૂર થયો હતો. એના શબ્દોની અસર ઘણી ભાષાઓ પર થઈ હતી. એવી એક ભાષા હતી લેટિન. ૧૩મી સદીમાં લેટિન ભાષામાં 'ટારિફ' શબ્દ 'ટેરિફ' થયો. એનો અર્થ પણ તુર્કિશની જેમ કિંમત નક્કી કરવી કે કિંમતની યાદી બનાવવી એવો થતો હતો.

લેટિનનો ટેરિફ શબ્દ ઈટાલિયનમાં 'ટેરિફા' બન્યો, અર્થ એનો એ રહ્યો. લેટિનમાંથી થઈને ફ્રેન્ચમાં આવેલા શબ્દનો અર્થ બદલાયો. તુર્કિશ, લેટિન અને ઈટાલિયનમાં કિંમત નક્કી કરવાનો અર્થ નીકળતો હતો તે ફ્રેન્ચમાં 'ફરજિયાત કિંમત' થઈ ગયો. ટેરિફ એટલે ફ્રેન્ચ પ્રમાણે ફરજિયાત નક્કી થયેલી કિંમત. એમાં કોઈ બાંધછોડ નહીં. જે નક્કી થઈ એ કિંમત આપવી જ પડે એવું ફાઈનલ થાય તેને ફ્રેન્ચમાં 'ટેરિફ' કહેવાનું શરૂ થયું ને ત્યાંથી પછી મોડર્ન અંગ્રેજીમાં ૧૭મી સદીમાં આ શબ્દ વિદેશીઓ પાસેથી ટેક્સ લેવાના સંદર્ભમાં પ્રયોજાવા લાગ્યો. વિદેશી ચીજવસ્તુઓ પર એથેન્સમાં સદીઓ પહેલાં જે ટેક્સ લેવાતો હતો એનું નામ અંગ્રેજીમાં 'ટેરિફ' થઈ ગયું.

૧૭મી અને ૧૮મી સદીમાં આ શબ્દ પ્રચલિત કર્યો બ્રિટને. ૧૪મી સદીમાં બ્રિટનના રાજા એડવર્ડે વિદેશી વેપારીઓ રાજ્યમાં ચીજવસ્તુઓ વેચવા આવતા તો એની પાસેથી કર લેવાનું શરૂ કર્યું હતું. મધ્યયુગમાં વિદેશી વેપારીઓ વેપાર કરવા આવતા ત્યારે રાજાઓને નજરાણું આપતા. એ ભેટમાં કંઈ પણ હોય - તલવારો હોય, ભાલા હોય, સોના મહોરો હોય. રાજા-મહારાજાને વેપારીની કશીક વસ્તુ ગમી જાય ને એની ડિમાન્ડ થાય તો એ પણ હોય. પરંતુ વેપારના બદલામાં ચોક્કસ જ રકમ લેવાશે એવું નક્કી ન હતું. પછીના સૈકાઓમાં બધા રાજાઓએ પોત-પોતાની રીતે વેપારીઓ પાસેથી ટેક્સ લેવાનું શરૂ રાખ્યું. એમાં મોટું પરિવર્તન બ્રિટનમાંથી જ આવ્યું. ૧૮મી સદીમાં મોડર્ન 'ટેરિફ'નું સ્વરૂપ બ્રિટનમાં ઘડાયું.

***

૧૮મી સદીમાં બ્રિટનમાં કિંગ જ્યોર્જનું રાજ હતું ત્યારે બ્રિટનના પ્રધાનમંત્રી કમ નાણામંત્રીએ રોબર્ટ વોલપોલે પહેલી વખત વિદેશમાં બનેલી ચીજવસ્તુઓ પર ટેરિફ નાખવાની પૉલિસી ઘડી. ખાસ તો ચીન-ભારતથી વેપારીઓ કાપડ વેચવા આવતા, તેમના કાપડ પર ટેરિફ વસૂલીને બ્રિટને માતબર કમાણી શરૂ કરી. બ્રિટનની નવી આર્થિકનીતિ એવી હતી કે વિદેશમાંથી કાચી સામગ્રી આવે એમાંથી કાપડ બ્રિટનમાં બને અને એ વિદેશમાં જાય તો એમાંથી બ્રિટનને વધુ ફાયદો થાય. 

એ નવી આર્થિક(અ)નીતિના કારણે તો ભારતના ખેડૂતોનું વર્ષો સુધી શોષણ થયું. ભારતની કાચી સામગ્રી બ્રિટન જઈને પાકી થઈ જતી અને એ ફરી ભારતમાં વેચાતી તો આપણી જ સામગ્રીનું અનેકગણું વળતર ચૂકવવાનું થતું. ગાંધીજીએ વર્ષો બાદ વિદેશી કાપડની હોળી કરાવીને બ્રિટનને ફટકો આપવા સ્વદેશી ઝુંબેશ ચલાવી હતી.

વેલ, રોબર્ટ વોલપોલેના દિમાગથી બ્રિટન દુનિયાનો પહેલો એવો દેશ બન્યો જેમણે વિદેશી ચીજવસ્તુઓ પર 'ટેરિફ' લાદીને સ્વદેશી ઈન્ડસ્ટ્રીનો વિકાસ કર્યો. આ પોલિસી બ્રિટનને એટલી માફક આવી ગઈ કે ૧૮મી સદીમાં પણ એ યથાવત્ રહી. તે એટલે સુધી કે ૧૮૨૦ આસપાસ વિદેશી ચીજવસ્તુઓ પર એવરેજ ૪૫થી ૫૦ ટકા જેટલો ઊંચો 'ટેરિફ' વસૂલાતો હતો. ૧૯મી સદીમાં બ્રિટનમાં ફ્રી ટ્રેડની પોલિસી સ્વીકારાઈ છતાં કાપડ, મરી-મસાલા વગેરે પર ટેરિફ જાળવી રાખ્યો.

અમેરિકામાં સિવિલ વૉર પછી ઝડપભેર ઈન્ડસ્ટ્રીનો વિકાસ થઈ રહ્યો હતો. બ્રિટનનું આ ટેરિફ મોડલ અમેરિકાએ ૧૮૯૦ પછી લાગુ પાડયું. અમેરિકામાં ૧૯૩૦ પછી મહામંદી આવી પડી ત્યારે સરકારને ટેરિફમાંથી કમાણીનો રસ્તો દેખાયો. એ વખતે ટેરિફમાં ૨૦ ટકા સુધીનો વધારો ઝીંકાયો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી કેટલાય દેશોએ ફ્રી ટ્રેડની પૉલિસી સ્વીકારી. છતાં સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી બધા જ દેશોએ  ઓછો-વધુ ટેરિફ લગાડવાનું ચાલુ રાખ્યું. ૨૦૨૧ના એક સ્ટડીમાં જણાયું કે ૧૯૬૦થી ૨૦૧૫ સુધીમાં ૧૫૧ દેશોએ ટેરિફમાં ૧૦થી ૫૦ ટકા સુધીનો વધારો કર્યો હતો.

વેલ, અમેરિકા અત્યારે ઈતિહાસનો સૌથી મોટો ટેરિફ લાગુ પાડયો છે એનાથી વિદેશી ચીજવસ્તુઓની તો કિંમત નક્કી થાય જ છે, સાથે સાથે ટેરિફ શબ્દના મૂળ અર્થ પ્રમાણે જગત જમાદાર અમેરિકાની પણ 'કિંમત' અંકાઈ રહી છે.  

'ટેરિફ' 2025માં વર્ડ ઓફ ધ યર બને તો નવાઈ નહીં

ઓક્સફર્ડ, કેમ્બ્રિજ, કોલિન્સ, ડિક્સનરી ડોટ કોમ, મેરિયમ વેબસ્ટર વગેરે દર વર્ષે 'વર્ડ ઓફ ધ યર' જાહેર કરે છે. વર્ષભર જે શબ્દની સર્વાધિક ચર્ચા રહી હોય એને આખા વર્ષના ચર્ચિત શબ્દ તરીકે પસંદ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા ટ્રેન્ડ, આસપાસની ઘટનાઓ, વર્તમાન પ્રવાહો સહિતના ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને 'વર્ડ ઓફ ધ યર'ની જાહેરાત થતી હોય છે. ૨૦૨૫ના આ સાડા ત્રણ મહિનામાં સૌથી વધુ ચર્ચા જો કોઈ શબ્દની રહી હોય તો એ છે - ટેરિફ. ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦મી જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસમાં પ્રવેશ્યા એ પહેલાં જ ક્યા દેશ પર ટેરિફ લાગશે એના અહેવાલો આવવા લાગ્યા હતા. એ પછી સતત ટેરિફ શબ્દ ચારેબાજુ અથડાઈ રહ્યો છે. ટેરિફનો એવો તરખાટ મચ્યો છે કે દુનિયાભરના શેરમાર્કેટ પર તેની અસર થઈ રહી છે. વિશ્વના અર્થતંત્રને તેનાથી મોટો ફટકો પડશે એવી અટકળો થવા માંડી છે. ડોનાલ્ડ ટ્રમ્પના કારણે ૨૦૧૬માં 'પોસ્ટ ટ્રૂથ' વર્ડ ઓફ ધ યર બન્યો હતો. સત્યને તોડી મરોડીને રજૂ કરવાથી એની માઠી અસર શરૂ થઈ ચૂકી હોય પછી સાચી જાણકારી મળે એ ત્યારે મોડું થઈ ગયું હોય - એ અર્થમાં આ શબ્દ પ્રયોજાયો હતો.

દુનિયા 'ટેરર' ગણે છે એ ટેરિફ શબ્દ ટ્રમ્પ માટે બ્યૂટિફૂલ!

ટેરિફ શબ્દથી આખી દુનિયાના અર્થતંત્ર પર જોખમ સર્જાયું છે. ટેરિફના કારણે વૈશ્વિક અર્થતંત્રને મોટો ફટકો પડશે એવી દહેશત વ્યક્ત થઈ રહી છે. ટેરિફ લાગતાની સાથે જ દુનિયાભરના શેરમાર્કેટમાં કડાકો બોલ્યો હતો. રોકાણકારોને માર્કેટ પર ભરોસો રહ્યો નથી. સૌને ટેરિફ શબ્દ 'ટેરર' જેવો લાગે છે, પણ ટ્રમ્પ કહે છે: 'આ મારો ફેવરિટ શબ્દ છે. લોકો ગમે તે કહેતા હોય, ભલે કહે. મને તો આ શબ્દ ડિક્સનરીનો સૌથી બ્યૂટિફૂલ શબ્દ લાગે છે.'

Tags :