અસલી સિકંદર પર બાયોપિક બનાવવા જેવી છે
- છેક 1941માં સોહરાબ મોદીએ 'સિકંદર' ફિલ્મ બનાવી હતી અને ટાઇટલ રોલ પૃથ્વીરાજ કપૂરને આપ્યો હતો : ટેક્નોલોજી નહોતી તો પણ કમાલની ફિલ્મ બની હતી
- હોરાઈઝન-ભવેન કચ્છી
- પૃથ્વીરાજ કપૂર સેટ પર સિકંદરનો ગેટ અપ ધારણ કરીને બેઠા હોય ત્યારે ભલભલા સિનિયરો આવે તો પણ જગ્યા પરથી ઊભા નહોતા થતા
સ લમાન ખાનની ફિલ્મ 'સિકંદર' ફિલ્મના બોક્સ પર બુરા હાલ થયા. જ્યારે અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્નાનો યાદગાર અભિનય, કાદર ખાનના સંવાદ અને પ્રકાશ મહેરાનનું નિર્દેશન ધરાવતી ફિલ્મ 'મુક્કદર કા સિકંદર' બોક્સ ઓફિસ પર પણ સિકંદર જેવી તાકાતવર પુરવાર થઈ હતી.
સલમાન ખાનની 'સિકંદર' જે રીતે ધરાશયી થઈ તે જોઈને એક બુઝુર્ગે કહ્યું કે 'ક્યાં એક જમાનાની દમદાર અને સાચુકલા સિકંદર પર બનેલી અને તે જ નામ ધરાવતી ફિલ્મ અને ક્યાં સિકંદર નામધારી અત્યારની તકલાદી ફિલ્મ.'
ખરેખર તો એવા વિચાર આવ્યો કે નવી પેઢીનાં વર્તમાન નિર્માતા નિર્દેશકોએ ૨૩૦૦ વર્ષ પહેલા થઈ ગયેલ સિકંદર પર બાયોપિક બનાવવી જોઈએ. હવે તો કમ્યુટર જનરેટેડ ઈમેજ, મ્યુઝિક, બેક ગ્રાઉન્ડ સ્કોર અને વી.એફ.એક્સ. જેવી ટેકનીક છે. હોલિવૂડના સ્ટંટ નિષ્ણાતો છે. મેથડ અભિનેતાઓનું સ્વપ્ન હોય તેવી સિકંદરની રિયલ સ્ટોરી છે.
જ્યારે આમાંનું કંઈ નહોતું ત્યારે છેક ૧૯૪૧માં પડછંદ કાયાના માલિક સોહરાબ મોદીએ તેની ફિલ્મ નિર્માણ કંપની મિનરવા મૂવીટોનના બેનર હેઠળ 'સિકંદર' ફિલ્મ બનાવી હતી. જેમાં સોહરાબ મોદીએ રાજા પોરસ અને પૃથ્વીરાજ કપૂરે સિકંદરનો દમદાર રોલ કર્યો હતો. સોહરાબ મોદી પણ સિકંદરના પાત્રમાં ખીલી ઉઠે તેવું વ્યક્તિત્વ ધરાવતા હતા અને ફિલ્મ પણ પોતાની જ કંપનીની હતી તો પણ તેમને પૃથ્વીરાજ કપૂર યોગ્ય લાગ્યા અને સિકંદરનો રોલ પૃથ્વીરાજને આપ્યો. આવી લાલચ જતી કરવી કલાકાર માટે આસાન નથી હોતી.
'પૃથ્વીવાલ્લાહ' પુસ્તકમાં આવી કેટલીક રસપ્રદ વાતો છે. શશી કપૂરે તેના પિતા પૃથ્વીરાજ કપૂરના આ ફિલ્મ બાબતના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે 'પૃથ્વીરાજ કપૂરને સિકંદરનો રોલ ઓફર થયો તે સાથે જ તેમણે તેમના પરિવારને ત્રણ મહિના માટે પેશાવર મોકલી દીધો હતો. કેમ કે સિકંદરના પાત્રમાં પૂરેપૂરું ઊતરી જવા એટલે કે સિકંદરની કાયામાં પ્રવેશ કરવા માટે તેમને તૈયારી કરવી હતી. સિકંદર વિશે ઉપલબ્ધ સાહિત્ય તો વાંચ્યું જ પણ સ્નાયુબદ્ધ બનવા તેમણે કસરત કરવા સાથે કડવી મહેનત કરી. તેમના ખભ્ભા અને જાંઘ એક વિશ્વ વિજેતા કદાવર રાજા જેવા બનાવ્યા. તેઓ સિકંદરના ગેટ અપમાં જ રહેતા.'
એક મજેદાર કિસ્સો તો એવો પણ છે કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન સિકંદરના વેશ પરિધાન સાથે પૃથ્વીરાજ કપૂર તેમના દ્રશ્યનું શૂટિંગ થાય તેની ઈન્તેજારી સાથે સિંહાસન જેવી ખુરશી પર બેઠા હતા. આવે વખતે સોહરાબ મોદી કે કોઈ વડીલ વ્યક્તિ સેટ પર આવે તો પૃથ્વીરાજ તેમની જગ્યા પરથી આદર આપવા ઊભા જ ન થાય. સોહરાબ મોદીએ આવા વર્તન બદલ પૂછયું તો પૃથ્વીરાજ સહજતાથી ખુમારી મિશ્રિત અવાજ સાથે કહેતા કે 'સિકંદર એમ થોડા ઊભા થાય. પ્રજાએ તેને આદર આપવાનો હોય.'
મેથડ એક્ટિંગને આજકાલના અભિનેતાઓએ ફેશન સ્ટેટમેન્ટ બનાવી દીધું છે. પોતે મહાન અદાકાર છે તેવો ખોખલો દાવો અને પબ્લિસિટી માટેના તે નખરા હોય છે. પૃથ્વીરાજ કપૂર કે તે જમાનાના અભિનેતાઓને તો મેથડ એક્ટિંગ જેવા શબ્દની જ ખબર નહોતી.
ફિલ્મ પત્રકાર દીપા ગેહલોતે પણ લખ્યું છે કે 'પૃથ્વીરાજ શશી કપૂરના કહેવા પ્રમાણે ફિલ્મનું શૂટિંગ શરૂ થાય ત્યાં સુધીમાં તો ગ્રીક ગોડ જેવા બની ગયા હતા.' પૃથ્વીરાજ કપૂરના તે યુવાનીના ફોટા જુઓ તો શશી કપૂર જેવા જ દેખાય છે.
સિકંદર ફિલ્મ ૨૩૨૭ વર્ષ પહેલાના અરસાનું નિરૂપણ કરે છે. સિકંદર કે જેનું મૂળ નામ એક્ઝાન્ડર હતું તેણે એક પછી એક મેસેડોનિયન વિસ્તાર કબ્જે કર્યા પછી પર્શિયા સર કર્યું જ્યાં તે ખૂબ સુંદર યુવતી રૂખસાના (અભિનેત્રી વનમાલા)ના પ્રેમમાં પડે છે.
સિકંદરના ગુરુ એરિસ્ટોટેલ સિકંદરને સ્ત્રીથી દૂર રહેવા જણાવે છે અને તે સલાહનું સિકંદર પાલન કરે છે. જો કે રૂખસાના જ્યાં જ્યાં સિકંદર આગેકૂચ કરે છે ત્યાં તેને ખબર ન પડે તેમ છુપાઈને તેની પાછળ જતી જ.
હવે સિકંદર ખૂબ જ પડકારજનક એવા રણ પ્રદેશ અને તે પછી નદીઓના ધસમસતા પ્રવાહો ધરાવતા પ્રાંતમાંથી પસાર થવું પડે તેને એક પછી એક પરાજિત કરી પંજાબની જેલમ નદીના કિનારા સુધી પહોંચી જાય છે. ત્યાં તક્ષશિલાનો રાજા આમ્ભી (કે.એન. સિંઘ) કાયર પુરવાર થાય છે અને સિકંદરની શરણાગતિ તો સ્વીકારે છે પણ પાડોશી રાજા પૂરુ કે જે બેહદ શક્તિશાળી છે અને રાજા આમ્ભીને તેની ઇર્ષ્યા હોઈ સિકંદરને ગુપ્ત માહિતી, નકશા તો આપે છે પણ તેનું લશ્કર પણ રાજા પૂરુને હરાવવા સિકંદરને સોંપી દે છે.
સિકંદરની પ્રેમિકા રૂખસાનાને ખબર પડે છે કે રાજા પૂરુ પણ ખૂબ જ શક્તિશાળી છે અને સિકંદરને ભારે પડી શકે તેવો છે. તેથી તે રાજા પૂરુ સુધી પહોંચવામાં સફળ થાય અને રાજા પૂરુની ધર્મની બહેન બનતું હૃદય જીતે છે. રૂખસાના રાજા પૂરુને રક્ષા બંધનના દિવસે રાખડી બાંધે છે ત્યારે રાજા પૂરુ તેને કંઈક માંગવાનું કહે છે.ત્યારે રૂખસાના તક ઝડપી લેતા માંગે છે કે 'જો યુદ્ધ થાય તો તમારે સિકંદરને જાનથી મારી ના નાંખવા અને જીવતદાન આપવું.' રાજા પૂરુ બહેન રૂખસાનાને વચન આપે છે.
થોડા દિવસો પછી બે બળિયા વચ્ચે ભીષણ યુદ્ધ જામે છે. પૂરુ પહેલો એવો રાજા હતો કે જેણે સિકંદરને હંફાવ્યો હોય.એક તબક્કે તો રાજા પૂરુને સિકંદર પર પ્રહાર કરીને મારી નાંખવાની પણ તક મળી હતી પણ બહેન રુખસાનાને આપેલ વચન યાદ આવી જાય છે અને તે જીવલેણ પ્રહાર નથી કરતો.
આખરે તો સિકંદરનો જ વિજય થાય છે અને તે રાજા પૂરુને કેદ કરીને મહેલમાં લઈ આવે છે. સિકંદર પણ રાજા પૂરુના યુદ્ધ કૌશલ્યથી પ્રભાવિત થયો હોય છે. તે રાજા પૂરુ કે જેના હાથ પગ સાંકળથી બાંધેલા છે તેને ભરસભામાં પૂછે છે કે 'બોલ, તારી જોડે કેવું વર્તન કરવામાં આવે' ત્યારે રાજા પૂરુ અમર બની ગયેલ વાક્ય સાથે જવાબ આપે છે કે 'એક રાજા બીજા રાજા જોડે કરે તેવું.'
આ વખતે થિયેટર તાળીઓથી ગુંજી ઊઠતું. સિકંદર રાજા પૂરુની બહાદુરી સને ખેલદિલીથી પ્રભાવિત થઈને તેને બંદીમાંથી મુક્ત કરે છે અને તેના કેટલાક જીતેલા પ્રાંતોના સૂબા તરીકે નિમણૂક કરે છે.
એટલું જ નહીં સિકંદર રાજા પૂરુને ગ્રીક ભાષામાં પણ તેનું સ્થાન અમર રહે એટલે કિંગ પોરસ તેવું ગ્રીક નામ આપે છે. પોરસ પ્રાચીન પંજાબનો જાટ રાજા હતો.
ખરેખર તો સિકંદરનું પણ સાચું નામ એલેક્ઝાન્ડર કે જે ગ્રીક ભાષાનું છે પણ પર્શિયામાં જ તેની તે હદે વિજેતા તરીકે ચાહના થઈ ગયેલી કે પર્શિયામાં જે પણ વિશ્વ પર રાજ કરી શકે તેવો યોદ્ધા હોય તેના માટે સિકંદર શબ્દ છે અને આમ સિકંદર નામ તેને મળ્યું.
અગાઉ જણાવ્યું તેમ ૧૯૪૧ના તે અરસામાં ટેક્નોલોજી જ નહોતી તો પણ સિનેમાટોગ્રાફર વાય. ડી. સરપોતદારે સૈન્ય તરીકે હજારો એક્સ્ટ્રા યુદ્ધ ભૂમિ માટે ઉતાર્યા હતા. રથ, ભાલા, બખ્તર, ઘોડા અને હાથી પણ લવાયા હતા.
કોલ્હાપુરમાં 'સિકંદર' શૂટિંગ થયું હતું અને મહારાણી તારાબાઈએ શૂટિંગ માટે તેમનું નગર અને નિષ્ણાત તરીકે સલાહ માર્ગદર્શન આપ્યું હતું. ફિલ્મમાં પણ તારાબાઇનો આભાર વ્યક્ત કરાયો છે.
પંડિત સુદર્શને 'સિકંદર' ફિલ્મના સંવાદ લખ્યા છે. તે. જમાનામાં ઐતિહાસિક પાત્રોના નાટકમાં જે રીતે સંવાદ લખ્યા હોય તેવું લાગે. ઉર્દૂ પણ તાળીઓ મેળવવા માટેના સંવાદો આધારિત હતું.
કોસ્ચ્યુમ અને સેટ્સની જવાબદારી રૂસી બેન્કરે સંભાળી હતી. ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટ હતી તો દર્શકોના થિયેટરમાં આશ્ચર્ય અને દંગ થઈ જતા ચહેરા પરના ભાવ જોઈ શકાતા હતા કે 'આધુનિકતાનો શું જમાનો આવ્યો છે.' વેશ પરિધાન, સ્ટંટ અને યુદ્ધ તે જમાના પ્રમાણે એડવાન્સ લાગતા હતા.
ફિલ્મનું સંગીત રફીક ગઝનવી અને મીર સાહેબનું હતું. કોઈ ગીતો યાદગાર નહોતા બન્યા પણ ફિલ્મનું બેક ગ્રાઉન્ડ મ્યુઝિક પ્રભાવી હતું.
ફિલ્મ ૧૯૪૧માં બની હતી અને ભારતમાં નાગરિકોનો અંગ્રેજો સામેનો રોષ તેની પરાકાષ્ઠાએ હતો. આથી સોહરાબ મોદીએ આવી લાગણીને નજરમાં રાખી 'સિકંદર' ફિલ્મમાં રાજા પોરસના મુખે વિદેશી આક્રમણખોરો પર ચાબખા લગાવતા સંવાદો મૂક્યા હતા. ભારતના દર્શકો જાણે અંગ્રેજો સામે તેઓ બળાપો કાઢતા હોય તેમ થિયેટરમાં ગેલમાં આવી જતા હતા. બ્રિટિશ શાસનની જાણમાં આ હરકત આવી. તેઓએ ફિલ્મ પર દેશવ્યાપી કોઈ પ્રતિબંધ ન મૂક્યો પણ બ્રિટિશ ભારતીય લશ્કર છાવણીમાં ફિલ્મ બતાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.કદાચ ફિલ્મ જોઈ બ્રિટન તરફી લડત ભારતીય સૈનિકો બળવો પોકારે તેવો બ્રિટિશરોને ડર હતો.
સોહરાબ મોદીના પ્રદાનને ફિલ્મ જગતે ભૂલવું ન જોઈએ. તેમણે ભારત અને હિન્દુ ધર્મી રાજાઓનું ગૌરવ વધારતી પૃથ્વી વલ્લભ, મિર્ઝા ગાલિબ, નૌશેરવાન એ આદિલ જેવી ફિલ્મ બનાવી હતી. તેમના પત્ની મેહતાબ ભારતની સૌપ્રથમ ત્રણ રંગની ફિલ્મ ઝાંસી કી રાનીમાં રજૂ કર્યા હતા.
તે પછીના ૨૪ વર્ષે કેદાર કપૂરે 'સિકંદર એ આઝમ' ફિલ્મ ઇસ્ટમેન કલરમાં બનાવી હતી.જેમાં પૃથ્વી રાજકપૂરે રાજા પોરસ અને દારા સિંઘે સિકંદરનો અભિનય કર્યો હતો.
જો કે આ ફિલ્મનું 'જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા' ગીત તો હવે એપિક બની ગયું છે.
જ્ઞાાન પોસ્ટ : એલેક્ઝાન્ડર એટલે કે સિકંદરે પૂર્વ મેડીટેરિયન, ઈજિપ્ત, મિડલ ઇસ્ટ અને એશિયાનો ઘણો હિસ્સો જીત્યો હતો. પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિના બદલાવમાં તેનું પ્રદાન છે. ઈસુના જન્મના ૩૫૬ વર્ષ પહેલા તેનો મેસેડોનિયામાં જન્મ થયો હતો. તેનું વાંચન, વિચારો અને સંગીતનું જ્ઞાાન અસાધારણ હતું. વિજ્ઞાાન, તબીબી, બાગાયતમાં તેમની નિપુણતાની ખ્યાતિ હતી. એરિસ્ટોટલ જેવા તો તેના ગુરુ અને માર્ગદર્શક હતા. તેમની યુદ્ધ કળા અને વિવિધ શસ્ત્રો તે જમાનામાં સૌથી આધુનિક મનાતા હતા. ૨૦ વર્ષની વયે તેઓ મેસેડોનિયાના રાજા બન્યા હતા. તેમણે જે મુલ્ક જીત્યા ત્યાં શહેર અને સંસ્કૃતિ વિકસાવી હતી. ભારતમાં છેક ગંગા નદી સુધી પહોંચી ગયા હતા ત્યારે ખૂબ જ થાકેલ તેમના સૈન્યે આગળ જવાનો ઇનકાર કરી દીધો હતો. માત્ર ૩૨ જ વર્ષની વયે ઇસુ પૂર્વે ૩૨૩માં તેમનું નિધન થયું હતું. માત્ર ૧૨ જ વર્ષના શાસનમાં તેમણે ગ્રીસથી ઉત્તર પશ્ચિમ ભારત સુધીનો વિસ્તાર સર કર્યો હતો. ગ્રીસની સંસ્કૃતિમાં એક્ઝાન્ડરનું પ્રદાન છે.