મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા સામે વારંવાર ઉઠતાં સવાલો
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- તાજેતરમાં ઝારખંડમાં મધ્યાહન ભોજન આરોગ્યા બાદ છ વર્ષના બાળકનું મોત થયું તે પછી ફરીથી મધ્યાહન ભોજન બાબતે ચર્ચા જાગી છે
તા જેતરમાં ઝારખંડમાં મધ્યાહન ભોજન આરોગ્યા બાદ છ વર્ષના બાળકનું મોત થયું તે પછી ફરીથી મધ્યાહન ભોજન બાબતે ચર્ચા જાગી છે. થો ડા સમય પૂર્વે બિહારના સારણ જિલ્લામાં વિષારી મધ્યાહ્ન ભોજન એટલે કે મિડ ડે મીલ ખાવાથી ૨૨ બાળકના થયેલાં મોત માનવતાને હચમચાવી નાખે એવાં છે. આનાથી અધિક દુ:ખદ બીજું કંઈ હોઈ શકે નહીં કે જે ભોજન બાળકોને પોષણ માટે આપવામાં આવ્યું હતું એ તેમના માટે જીવલેણ સાબિત થયંુ. આ ઘટના સરકારી સ્કૂલોમાં બાળકો સાથે થઈ રહેલા ઉપેક્ષિત વ્યવહારની સાથોસાથ સરકારી તંત્રની સંવેદનહીનતાનો બોલતો પુરાવો છે. પહેલાં ભોજન તૈયાર કરવામાં ભારે લાપરવાહી વર્તવામાં આવી, પછી ઢળી પડતાં બાળકોના ઉપચારમાં. એ અકલ્પનીય છે કે જ્યારે બાળકો ઉચિત સારવારના અભાવમાં મોતનો કોળિયો બની રહ્યાં હતાં ત્યારે કોઈને એ સૂઝ્યું નહીં કે તેઓને તુરંત મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવે. જો વિષારી ભોજનનો ભોગ બનેલાં બાળકોને સમયસર પટણા મોકલી દેવામાં આવ્યાં હોત તો આટલાં બધાં મોતને રોકી શકાયાં હોત.
ખેર ગયા વર્ષે પશ્ચિમ બંગાળના બીરભૂમ જીલ્લાના મયૂરેશ્વર બ્લોકમાં આવેલી એક શાળામાં મિડન્ડે-મીલમાં મરેલો સાપ મલી આવ્યાની ઘટના બહાર આવી હતી. તેથી તે સ્કુલમાં ૩૦ બાળકો બીમાર પડી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. સ્કુલ સ્ટાફે જણાવ્યું હતું કે મધ્યાહન ભોજન લીધા પછી તે બાળકોને ઉલ્ટીઓ થવા લાગી હતી. તેથી તેમને રામપુર-હાટ-મેડીકલ કોલેજની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
થોડાં સમય પૂર્વે મુંબઈ શહેરની મ્યુનિસિપલ સ્કૂલોમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં ફ્લેવર્ડ મિલ્ક પીધા પછી બાળકો માંદા પડી જતાં બાળકોને દૂધને બદલે ઇંડા આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે પણ જાહેર કર્યું હતું કે તેઓ સ્કૂલના બાળકોને આપવામાં આવતાં મધ્યાહ્ન ભોજનમાં ઇંડા, માછલી અને માંસની વાનગીઓ પણ સામેલ કરવા રાજ્ય સરકારોને સૂચવશે. શંકા જાય કે મધ્યાહ્ન ભોજન યોજનાનો ઉપયોગ માંસાહારના પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે કે શું?
મહારાષ્ટ્ર રાજ્યની અમુક સ્કૂલોમાં તો બાળકોને ઇંડા આપી દેવાની શરૂઆત પણ કરી દેવામાં આવી હતી. તેમાં મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂનો ભય વ્યાપી ગયો તેના કારણે ઇંડા આપવાનું બંધ કરવામાં આવ્યું છે. બર્ડ ફ્લૂનો ભય ન હોય તો પણ ઇંડા ભયંકર રોગોત્પાદક છે તે બાબત વૈજ્ઞાાનિક રીતે સાબિત થઈ ગયેલી હકીકત છે. ઇંડામાં કોલેસ્ટરોલનું ભારે પ્રમાણ હોવાથી તેના આહારથી બ્લડપ્રેશર અને હૃદયરોગ જેવી બીમારીઓ થાય છે.
બિહારના છપરાના ગંડામનમાં જુલાઇ, ૨૦૧૩માં મધ્યાહન ભોજન ખાવાથી ૨૩ બાળકોના મોત થવાના કેસને કોર્ટે 'રેરેસ્ટ ઓફ રેર' ગણાવી શાળાના આચાર્ય મીના દેવીને કલમ ૩૦૪ હેઠળ ૧૦ વર્ષ અને કલમ ૩૦૮ હેઠળ ૭ વર્ષ એમ કુલ ૧૭ વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે મીના દેવી પર ૧.૭૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
મુંબઈની મહાનગરપાલિકાએ પણ પોતાની શાળાઓના વિદ્યાર્થીઓને શરૂઆતમાં ચિક્કી અને દૂધ આપવાનું શરૂ કર્યું હતું. સમયાંતરે તેમાં ફેરફાર થતા ગયા અને ત્યાર પછી બિસ્કિટ, ખીચડી, સુગંધી મસાલા દૂધ આપવાનું શરૂ કર્યું હતું. તેમાં પણ અનેક વેળા પાલિકાની શાળાના વિદ્યાર્થીઓને ખોરાકી ઝેર ચઢવાના કિસ્સા બનતા ગયા, તો ત્યાર પછી કૉન્ટ્રાક્ટરો દ્વારા આપવામાં આવતું આવું ભોજન બંધ કરવામાં આવ્યું હતું અને તેની જવાબદારી ૨૪૪ સામાજિક સંસ્થાઓ અને ઇસ્કોન જેવી પ્રતિષ્ઠિત સ્વૈચ્છિક સંસ્થાને સોંપવામાં આવી હતી.
મુંબઈ પાલિકાની શાળાઓમાં ભણતા ૩.૮૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ પણ બિહાર જેવી ઘટનાનો ભોગ ન બને તે માટે પાલિકાતંત્રે એક ખાસ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. મધ્યાહન ભોજન પૂરું પાડતા તમામ રસોઈઘરની રોજ ચકાસણી થાય અને તે પૂરું પાડનારાઓને કૉન્ટ્રાક્ટની રકમ અને તે પણ સમયસર મળે તે માટે જોગવાઈ કરવી જોઈએ. આ ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓને આવશ્યક ચીજ-વસ્તુઓનો પુરવઠો અને બીજી સવલતો પણ સમય મળે તે દિશામાં પગલાં ભરવાં જોઈએ. શાળાના સંચાલકોએ અધિક જાગૃતતા દાખવવી જોઈએ.
નિ:સંદેહ આવી ઘટના દેશના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં સમયાંતરે બને છે, પરંતુ આવી ઘટનાઓની ગંભીર નોંધ એ માટે લેવામાં આવી ન હતી, કારણ કે બાળકોને ફક્ત બીમાર પડી જતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. એ આશ્ચર્યકારક છે કે મિડ ડે મિલની ગુણવત્તાની ઉપેક્ષાનાં મોટા ભાગનાં પ્રકરણો પર તપાસ હાથ ધર્યાં પછી પણ ન તો રાજ્ય સરકારોએ સજાગતા દાખવી અને ન કેન્દ્ર સરકારે. એ તો નગ્ન સત્ય છે કે મિડ ડે મીલ સપ્લાય કરવાની સાથોસાથ તેમાં કૌભાંડ પણ થાય છે. મિડ ડે મિલના પ્રકરણમાં પ્રકાશમાં આવેલી અનિયમિતતા નિર્દેશ કરે છે કે આપણા રાજકર્તાઓ જનકલ્યાણકારી યોજનાઓને કેવી લાપરવાહીથી અને ગેરજવાબદાર રીતે સંચાલિત કરે છે. આ જ કારણે જનકલ્યાણથી સંકળાયેલી દરેક યોજનામાં કાં તો ગુણવત્તાનો અભાવ નજરે પડે છે અથવા તે કૌભાંડની ભોગ બનતી હોય છે.
બિહારમાં ઝેરી ખોરાકે બાળકોના જાન લીધા ત્યારે મહારાષ્ટ્રમાં કુપોષણના કારણે ૪૦૦૦ બાળકોનાં મરણ થયાં છે એવો દાવો અહેવાલોમાં થયો હતો. આ કેવી અક્ષમ્ય લાપરવાહી છે કે અનાજની છત હોવા છતાં મહારાષ્ટ્ર જેવા અગ્રણી રાજ્યમાં ૪૦૦૦થી વધુ બાળકો કુપોષણના કારણે કાળનો કોળિયો બની ગયાં. નવ મહિનામાં યવતમાલમાં ૩૦૦૦, ગઢચિરોલીમાં ૫૬૧, થાણેમાં ૬૧૨ તથા નાશિકમાં ૪૪૧ બાળકોનાં કુપોષણને લઈ થયેલાં મોતનો પડઘો વિધાન પરિષદમાં તે વખતે પડયો ત્યારે મહિલા અને બાળ વિકાસ પ્રધાને જણાવ્યું કે રાજ્યમાં કુપોષણના કારણે બાળકોનાં મોતની વાત સાચી છે, પણ સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા સાચા નથી. તેમનું કહેવું છે કે કેટલાંક બાળકો કુપોષણને લઈ, તો બાકીનાં અન્ય બીમારીઓને લઈ મરણશરણ થયાં છે. બાળકોને કુપોષણ અને રોગથી બચાવવા માટે સરકાર પગલાં ભરી રહી છે.
મહારાષ્ટ્રના ગઢચિરોળી વિસ્તારમાં મધ્યાહ્ન ભોજન બાદ ખોરાકી ઝેરની અસર થતાં ૨૦ બાળકોએ જીવ ગુમાવ્યો હતો.આથી સફાળી જાગેલી મુંબઈ મહાનગર પાલિકાએ પોતાની શાળામાં અપાતો પૌષ્ટિક આહાર બાળકોને આપતાં પૂર્વે ખુદ શાળાના હેડમાસ્તરે ચાખી લેવો એવો સર્કયુલર બહાર પાડયો છે.
ખાદ્ય પદાર્થની ગુણવત્તા અને તે ખાવા લાયક છે કે નહિ તે હેડમાસ્તર નક્કી કરશે જો ખાદ્ય પદાર્થ ખાવા લાયક નહિં હોય તો સપ્લાયના તે દિવસના નાણાં કાપી લેવામાં આવશે. જો શાળાના હેડમાસ્તર ગેરહાજર હોય તો શાળાના મેનેજમેન્ટ કમિટીના સભ્ય ચકાસણી કરી શકે છે. તેઓ પણ દરરોજ ગુણવત્તા તપાસી શકે છે.
ભારતમાં આશરે વીસ રસોડાં ધરાવતું, મુંબઈમાં ૨૫૦ અને આખા મહારાષ્ટ્ર રાજ્યમાં ૧૯૧૪ શાળાઓને મધ્યાહન ભોજન પૂરું પાડતા 'ઇસ્કોન ફૂડ રિલીફ ફાઉન્ડેેશન' દ્વારા ભોજન સમયસર પહોંચાડવા પંદર વાહનો રાખવામાં આવ્યાં છે, જે બે વાર શાળાઓમાં જાય છે.
આ વિસ્તારોમાં હોસ્પિટલ અને ડોકટરોની અછત છે. ડોકટરો ગામડાંમાં જવા નથી માગતા. હોસ્પિટલમાં દવાઓનો તોટો હોય છે. ડોકટર જો બાળકોને પોષક આહાર આપવાની સલાહ પણ આપે તો તેનો કોઈ અર્થ નથી. જ્યારે આર્થિક સ્થિતિ વિષમ હોય અને બે ટંકની રોટી પણ નસીબ ન હોય ત્યારે પોષક આહાર તો દૂરની વાત થઈ. આનો નિવેડો ત્યારે લાવી શકાય જ્યારે આદિવાસીઓ અને ગરીબોની આવક વધારવામાં આવે. એક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ વર્ગના લોકોમાં બાળકોનાં જીવંત રહેવા પર પણ શંકા હોય છે - તેને લઈ તેઓ અધિક સંતાનોને જન્મ આપતા હોય છે. જેથી કોઈ તો જીવંત બચે. કન્યાઓનાં નાની ઉંમરમાં લગ્ન કરાવવાથી કાચી ઉંમરમાં જ માતૃત્વનો બોજ આવી પડે છે.
ગર્ભવતી મહિલાઓને આયર્ન અને વિટામીનની ગોળીઓ અને આંગનવાડીમાં પોષક આહાર આપવા પર સરકાર બિલકુલ ધ્યાન આપતી નથી. કુપોષણનાં મોતનું તાંડવ દર વર્ષે થતંુ હોય છે, પરંતુ તે પ્રત્યે સરકાર ગંભીર નથી. આ સંદર્ભમાં હવે સરકાર ગંભીર બની કુપોષણથી થતાં મોતને પ્રાધાન્ય આપે તે સમયની માગ છે. આટલી ભારે સંખ્યામાં કુપોષણથી થતાં મોત મહારાષ્ટ્ર જેવા પ્રગતિશીલ રાજ્ય પર કલંક છે. સરકારની ફ્લેગશિપ યોજના ઇન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (આઈસીડીએસ) હેઠળ ગરીબ બાળકો અને તેમની માતાઓને અનાજ પુરવઠો પૂરો પાડવા કેન્દ્ર સરકાર કરોડોનું ભંડોળ આપે છે. ફક્ત ગ્રામીણ સમુદાયો, સ્વયંસેવી સંગઠનો અને મહિલા મંડળોને અનાજ ખરીદવા અને બાળકો માટે ભોજન બનાવવાની પરવાનગી આપવામાં આવી છે. કોર્ટને સોંપાયેલા સુપ્રીમ કોર્ટ કમિશનરના અહેવાલમાં એવી માહિતી અપાઈ છે કે અનેક રાજ્યોમાં રૃા.૮૦૦૦ કરોડની આઈસીડીએસ યોજના પર કૉન્ટ્રેક્ટર-કૉર્પોરેટર લૉબીની મજબૂત પકડ છે. અહેવાલમાં કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મેઘાલય અને મહારાષ્ટ્રનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં પણ પરિસ્થિતિ સારી નથી. તાજેતરના અહેવાલ મુજબ રાજ્યમાં પાંચ વર્ષમાં ૧૮,૨૩૧ નવજાત શિશુના મોત થયા છે. એ તો ઠીક, પરંતુ નવાં જન્મેલાં એંશી હજારથી વધુ બાળકો એક વર્ષથી વધુ જીવી શક્યા નથી. બીજા સવા આઠ લાખ નાના ભૂલકાંઓનું વજન અઢી કિલોથી પણ ઓછું છે.
મહારાષ્ટ્રના કેસની વિગતો આપતાં આ અહેવાલમાં જણાવાયું છે કે ખાનગી કંપનીઓ દ્વારા 'મહિલા મંડળો' અથવા 'મહિલા સંગઠનો'નાં નામે કૉન્ટ્રાક્ટરો સાથે ભાગીદારી કરીને રૂ. ૧૦૦૦ કરોડ (રૅશનિંગનો વાષક પુરવઠો) ચાંઉ કરી જવામાં આવ્યો છે.
વાસ્તવમાં વિશ્વમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં ૧૫ કરોડ કુપોષિત બાળકોમાંથી એક તૃતીયાંશ ભારતમાં છે. ભારતમાં કુપોષણનું પ્રમાણ કેટલાક આફ્રિકી દેશો કરતાં પણ વધારે છે. કુપોષિત બાળકો શારીરિક અને માનસિકરૂપથી પોતાનાં લક્ષ્યને હાંસલ કરવામાં અસમર્થ હોય છે. તેની સીધી અસર રાષ્ટ્રીય ઉત્પાદકતા પર પડે છે. વિશ્વ બૅન્કના અહેવાલ પ્રમાણે એશિયાઈ દેશોમાં કુપોષણના પગલે રાષ્ટ્રીય વિકાસદર ત્રણ ટકા સુધી નીચે જાય છે. દેશમાં કુપોષણને ડામવા માટે બે મહત્ત્વાકાંક્ષી યોજના શરૂ કરવામાં આવી હતી. સાર્વજનિક વિતરણ વ્યવસ્થા અને મઘ્યાહ્ન ભોજન, પરંતુ બન્ને યોજના ભારે ભ્રષ્ટાચારનો શિકાર બની છે. તેમાંથી બોધ લઈ મહારાષ્ટ્ર અને બીજી રાજ્ય સરકારોએ ઇન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ (આઈસીડીએમ) શરૂ કરી, તે પણ હવે કોભાંડકારીઓનો શિકાર બની ગયાનું સ્પષ્ટ થયું છે.