Get The App

મઠ બોમડિલા - તવાંગ સૌંદર્ય સુવાંગ .

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
મઠ બોમડિલા - તવાંગ સૌંદર્ય સુવાંગ                        . 1 - image


રસવલ્લરી-સુધા ભટ્ટ

- સ્વર્ગનો રસ્તો પર્વતોમાં થઈને જ જતો હશે

અરૂણાચલ પ્રદેશને મળેલી બે જવાબદારીઓ : એક, કુદરતને છૂટથી પાંગરવા દેવા માટેનું વાતાવરણ સર્જવું અને બીજી : એ જ કુદરતનો હાથ પકડી આપણી કલ્પનાના પ્રદેશમાં ઊં...ચે ક્યાંક વસતા પ્રભુજીને રીઝવવાનો પ્રયત્ન કરવો કે જેથી પ્રકૃતિ રાણી સચવાઈ જાય. બન્નેમાં લક્ષમાં આવતા પ્રતીકોને સમજવાની કોશિશ કરી અણીશુદ્ધ વાણી, વર્તન અને વિચારને અનુસરવાના પ્રયત્નો કરવા. કોઈ પરમ શક્તિ ભગવાનના સ્થાન-આસ્થા સ્થાને લઈ જતી અનુભવાય ત્યારે મનમાં કેવા વિચારવલોણાં થાય ! શું છે કુદરત ? કોણ છે ભગવાન ? તે ક્યાં છે ? કુદરતનું પ્રતિનિધિત્વ કરતા તત્ત્વો-જળસ્ત્રોતો, પર્વતો, વનસ્પતિ આદિના કણકણમાંથી કુદરતને રીઝવવા, પામવા, પૂજવા, પ્રતીકો ભેગા કરી પૂજા કરવાના ઉપક્રમમાં વળી 'ભગવાન' કોઈને કોઈ સ્વરૂપે પ્રગટ થાય ! આ કેવી લીલા ! ધર્મનાં નામ કે સંપ્રદાયને છોડી કુદરતનાં શુદ્ધ તત્ત્વોમાં શ્રધ્ધા રાખી મનની સ્થિરતાને પ્રાપ્ત કરવા આધ્યાત્મિકતાનો માર્ગ માનવને જરૂર શાંતિ અપાવે. એક સાધન તરીકે, આવાં આસ્થા સ્થળો ઉત્પાનને પંથે જરૂર લઈ જઈ શકે - જ્યાં જીવ માત્રની સેવાનો સંદેશો મળે. એટલું જ નહિ, પર્વતીય પ્રદેશોમાં, શિખરોના સાન્નિધ્યમાં, ઝરણાંની ઓથે કે નદીને કાંઠે જે કોઈ ધર્મ સ્થાન મળે કે પછી ભરી ભીડમાં કે રણની તપતી રેત વચ્ચે પણ કોઈ શ્રધ્ધાસ્થળ કેમ ન હોય ? ઈશ્વર એક જ છે. કુદરત સર્વોપરિ છે.

સ્થાનિક ઉત્સવોના દેવતાઓ 

પાલ્ડન, લ્હામો, ગોનપો (મહાકાલ)

- ઈમારતને 900 (નવસો) ફૂટની તો કમ્પાઉન્ડ વૉલ છે જેની અદ્ભુત માવજત થયેલી છે

મઠની આંતરિક દીવાલો પર રેખાચિત્રો, મ્યુરલ્સ, પેઇન્ટિંગ્સ, ધાર્મિક કલાકૃતિઓ, પ્રતિમાઓ અત્યંત પ્રભાવક એટલા માટે છે કે ઘાટા દોરા લાલ, પીળા, ભૂરા, લીલા, કેસરી રંગો કલાકૃતિઓને અનેરો ઓપ આપે છે. વળી એની ઉપર સફેદ કે કાળી આઉટલાઇન અને પાત્રોના મુખભાવ તથા ભાવભંગિમા અને શારીરિક મુદ્રાને ઉજાગર કરે છે. અલબત્ત, આ આખાય મંદિરમાં સોનેરી રંગનો ભરપૂર ઉપયોગ થયો છે જે આઉટ લાઇન ઉપરાંત બેઝ તરીકે પણ દેખાય છે. પેલા રહેઠાણોનાં છાપરાંય સોનેરી અને મૂળ સ્ટ્રકચર પારંપરિક બૌદ્ધ સ્થાપત્ય શૈલીનું છે જે રસિકોને રસતરબોળ કરી વિચારાધીન કરી મૂકે. ઈમારતને ૯૦૦ (નવસો) ફૂટની તો કમ્પાઉન્ડ વૉલ છે જેની અદ્ભુત માવજત થયેલી છે. કિલ્લા જેવી ભાસતી આ કૃતિ ૧૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ એક નાનકડા નગર જેવી લાગે છે. આ મોનેસ્ટ્રીના દરવાજાઓ વિશાળ છે જેની ઊંચાઈ ૧૦ થી ૨૦ ફૂટ છે. બોધિસત્ત્વનો અગત્યનો ઓરડો 'કૉર્ટ' - દરબાર તરીકે ઓળખાય છે. ગીચ રંગીન આર્ટવર્ક આકાશી સ્વર્ગની કલ્પના કરાવે છે. છાપરાં ઉપર મંડલા આર્ટનાં દર્શન થાય. સત્તરમી સદીની આ મહાયાન બૌદ્ધ મોનેસ્ટ્રી છે. મંદિર બહારના રસ્તા ઉપરના વિશાળ દરવાજા ઉપર પેગોડા શૈલીની છજા અને એની ઉપર ચક્ર, હરણાં તથા ફૂલ, પત્તી, વેલ, પશુ-પક્ષી આપણું ભવ્ય સ્વાગત કરે અને અંદર મુખ્ય દ્વારના સ્તંભો તથા પેનલ્સ ઉપર કલાત્મક વળાંકદાર ડિઝાઈન સહ કિનાર ભાત ધ્યાન ખેંચે. તદુપરાંત બૌદ્ધ શૈલી મુજબનાં આડાં-ઊભાં તોરણો આ શ્રીસ્થળને શણગારે.

''હિમાલયનું રત્ન'' છે તવાંગ મોનેસ્ટ્રી

પર્વતોને પંથે પળીએ ત્યારે પવિત્ર સ્થાનોની શૃંખલા આપણને બોલાવે. એનાં આકર્ષક સ્થાપત્યો અને એની ખાસ શૈલી આપણને ઘડીક રોકી લે. અરૂણાચલ પ્રદેશની દિરાંગ મોનેસ્ટ્રી જોયા પછી ભારતની સૌથી મોટી અને એશિયાની બીજા નંબરની મોનેસ્ટ્રી-તવાંગ મોનેસ્ટ્રીની મુલાકાત આપણું મન અહોભાવથી છલકાવી દે. ''ગાર્ડન નામગ્યાલ લ્હાત્સે'' જેનું નામ છે તે મઠ સુવર્ણ ''મંદિર'' જેવું લાગે. હિમાલયની શ્રેણીમાં શોભતી, ખીણના સૌંદર્યનું પેનોરેમિક પાન કરાવતી આ મોનેસ્ટ્રીના નામનો અર્થ છે ''સંપૂર્ણ વિજયનું દિવ્ય સ્વર્ગ.'' ૧૬૮૦-૧૬૮૧માં લાના લોદ્રેએ તૈયાર કરાવેલ આ મઠ એક વિશાળ અને કલાત્મક ઈમારત છે. રહેઠાણના ૬૫ મકાનોમાં ૩૦૦ થી ૪૦૦ તો સાધુઓ અહીં ભણે અને ભણાવે છે કારણ અહીં શાળા પણ ચાલે છે. ચીન-ભૂતાન સીમાએ તળાવો, નદીઓ, બર્ફીલા શિખરના ઐશ્વર્ય વચ્ચે અહીં અદ્ભુત બુદ્ધિસ્ટ સંસ્કૃતિની પરંપરા, કલાત્મક સ્થાપત્ય અને સુસજ્જ સંગ્રહાલયનો લાભ રસિકોને મળે. સંકુલમાં સત્તર તો ગોમ્પા (દેરીઓ) છે જે ચિત્રાત્મક દ્રશ્યો સાથે શોભે છે. દરિયાના સ્તરથી ૩,૦૦૦ મીટર ઊંચા તવાંગના આ શ્રીસ્થળમ ભગવાન બુદ્ધની સોનેરી મૂર્તિ દસેક મીટર ઊંચી છે જે ઊંચા આસન પર સ્થિત છે. આ ભવ્ય પ્રતિમા અતિ શૃંગારિત છે જેમાં બુદ્ધના મુખકમળની આસપાસની આભા ઉપર પણ ઝીણી ભાત છે. અર્ધનિમિલિત આંખો, વાંકડિયા વાળ, ચંપઈ ઉપરણું, ગર્ભગૃહનું સુશોભન બુદ્ધની શાંત પ્રતિભાને વધુ ઉપસાવે છે. મુખ્ય મંદિરને ''દુખાંગ'' કહેવાય જેમાં ભવ્ય ઈન્ટિરિયર છે. દુખાંગ એટલે સભાગૃહ.

ચમકીલા રંગો સહ સોનેરી ચાદરની બિછાત

અત્યંત સૌંદર્યખચિત રસ્તો 'સેલા પાસ' અને તળાવ થઈને તવાંગ સુધી લઈ જાય તે આગળ બોમડિલા નામના ગામે ઘડીક પોરો ખાવા આપણને પ્રેરે- જ્યાં ''જેન્તસે ગાડન રેબગેલ'' મઠ આવેલું છે જે અન્ય મઠથી જરા નોખું છે. નિસર્ગ તો હાજરાહજૂર છે જ પરંતુ અહીંના ગોમ્પા ત્રણ સ્તર ધરાવે છે. ૮૫૦૦ ફૂટ ઉપરથી વાદળાં અને ખીણ - બેય સાથે વાર્તાલાપ કરી શકાય. અહીંના લોકો ''મોનપા'' તરીકે ઓળખાય - જેમનાં દ્રષ્ટિ અને શ્રવણ - બન્ને સહનશીલ છે. બૌદ્ધ સંસ્કૃતિ તેમજ પરંપરા મુજબ અહીં શિક્ષણ સાધના અને ઉત્સવોની ઉજવણી થાય છે. તેનું પ્રવેશદ્વાર ગુલાબી સ્તંભો ઉપર કોતરણીવાળી ભાત ધરાવે છે. ઉપર પેગોડા શૈલી સાથે ચક્ર અને બે હરણ મોનેસ્ટ્રીની ઓળખ આપે છે. અહીં અગાશીએ ઝરોખા શૈલીનાં મંડપ છે. મોનેસ્ટ્રીના સ્થાપત્યથી અલગ - અહીં નાનાં કળશ વાળાં શિખરો છે. છજાને છેડે વ્યાલ, હાથી, કળશ, ફૂલની ભાત છે. ગર્ભગૃહમાં ગુજરાત જેવા ચંદરવા હેઠળ બુદ્ધજી બિરાજ્યા છે. લાંબા કાન અને શાંત મુખમુદ્રા ધ્યાનાકર્ષક છે. આભામાં ફૂલવેલ છે. ૨,૫૦૦ વર્ષનાં ''ભવિષ્ય બુદ્ધ'' આજે છે જે નવા અવતારે મનુષ્ય રૂપે અવતરશે. ફક્ત પાણી ઉપર નભતા બુદ્ધનું આ સ્વરૂપ છે. મુખ્ય પ્રવેશદ્વારે દ્વારપાલ, ડ્રેગન, સૂર્ય અને કુદરતી તત્ત્વો દેખાય. ઈમારત પરની રંગોળીને ''પાટા'' કહેવાય. અન્ય રંગોળીને ''ખોલ્લા'' કહેવાય તે ત્યાંના વિદ્યાર્થીઓએ કહ્યું. વાહ !

લસરકો 

અલગથી સિમેન્ટ-ચૂનાથી બનાવેલી કોતરણીયુક્ત રંગીન જાળી ભાત સ્તંભો પર રાજ કરે.


Google NewsGoogle News