વાત એક દોસ્તારની... .
- મહેશ યાજ્ઞિક
- ભોપલાની દશા જોઈને હેમંતને આંચકો લાગ્યો.ઊંડી ઊતરી ગયેલી આંખો, ધોળા વાળ, ગરીબડો ચહેરો, ડખળો બુશર્ટ પણ એના જેવી જીર્ણ હાલતમાં હતો.
'તું બસમાં આવે તો સીધો ઘેર આવીને બાઈક લઈ જજે. ગરમીમાં ટાંટિયાતોડ કરવાની જરૂર નથી.' સો કિલોમીટર દૂરના ગામમાંથી આવું બોલતી વખતે નટુના અવાજમાં સાચી લાગણી છલકાતી હતી.
'આવીશ તો લક્ઝરી કે એસ.ટી.માં જ,પણ બાઈક લેવા નહીં આવું.' હેમંતે નટુને સમજાવ્યું. 'વર્ષોથી મગજમાં આ વિચાર ઘૂંટાય છે.' સોફામાં બાજુમાં બેઠેલી શ્રુતિ સામે નજર કરીને એણે ઉમેર્યું 'મારી મિસિસને નવાઈ લાગે છે, પણ મેં કહ્યુંને,ગામમાં ફરવું છે. મારે રજા છે અને શ્રુતિને પિયરમાં કામ છે, એટલે સોમવારે સવારમાં પાલડી સ્ટેન્ડથી બસ પકડીશ. દસેક વાગ્યે ત્યાં પહોંચીને નગરયાત્રા શરૂ કરીશ. જાગનાથ દરવાજાથી માંડીને અંજુમન બજાર, અંબાપુરા દરવાજાથી અવાડાના ચોક અને સુરેન્દ્ર ટૉકિઝથી શાકમાર્કેટ થઈને ખાંડાચોરા. આ બાજુ મોઢવાડાથી માંડીને પિરાસર તળાવ ને ભવાની વાવથી છેક કૉલેજ સુધી રખડવું છે. વર્ષોથી જે રસ્તાઓ ઉપર પગ નથી મૂક્યો ત્યાં ફરવું છે. બી.કોમ.થઈને અમદાવાદ ગયો એ પછી ત્રીસ વર્ષમાં માંડ ત્રણ વાર ઊડતી મુલાકાતે આવેલો. હવે સોમવારે એકલા રખડીને જૂના સ્મરણ તાજા કરવા છે. જે ગામમાં બાવીસ વર્ષ વિતાવ્યા છે, ત્યાંના જૂના દોસ્તારોમાંથી કોણ કોણ ઓળખી શકે છે એની પરીક્ષા પણ થઈ જશે.'
લાગણીભીના અવાજે હેમંત આટલું બોલ્યો એ પછી નટુએ વધુ આગ્રહ ના કર્યો. વાત પૂરી કરીને હેમંતે ફોન ટિપોઈ પર મૂક્યો. શ્રુતિના હોઠ પર સ્મિત ફરક્યું. 'પંચાવન વર્ષે પણ તમને જબરા અભરખા થાય છે.' એણે હસીને પૂછયું. 'સાચું બોલો.કોઈ બાલસખીની યાદમાં બેચેન બનીને બબૂચક જેવો કાર્યક્રમ નથી બનાવ્યોને?'
'અરે,ગાંડી! યહી તો રોના હૈ. એ સમયે બધા બાલસખા જ હતા.કોઈ સખીનું સૌભાગ્ય અમને કોઈનેય નહોતું સાંપડયું!' હેમંત ખડખડાટ હસી પડયો. 'શંકા હોય તો યુ આર મોસ્ટ વેલકમ! સજોડે નગરયાત્રા કરીશું.'
'તમારી ધૂન તમને મુબારક,સાહેબ! મારે તો છૂંદા-અથાણામાં મમ્મીને મદદ કરવાની છે.'
સોમવારે લક્ઝરી બસ આગળ વધતી હતી ત્યારે હેમંત રોમાંચ અનુભવતો હતો.ગામની સાંકડી શેરીઓ આંખ સામે છલકાતી હતી. દસ વાગ્યે ચાર રસ્તે લક્ઝરી ઊભી રહી.
બસસ્ટેન્ડથી ગામ જવાના રસ્તે અગાઉ જ્યાં ઉજ્જડ જેવું હતું ત્યાં અત્યારે શોપિંગ કોમ્પ્લેક્સ અને એની પાછળ સોસાયટીઓ બની ગઈ હતી. રસ્તા પર બનેલી દુકાનોએ હાઈસ્કૂલનું મકાન ઢાંકી દીધું હતું .દુકાનોની પાછળ જઈને હેમંતે સ્કૂલના મેદાન સામે જોયું. ફૂટબોલના સ્મરણ સાથે નાગજી યાદ આવ્યો. સામેની આખી ટીમને પહોંચી વળે એવો લોંઠકો નાગજી અત્યારે ક્યાં હશે? અંબાપુરા દરવાજાની બહાર એના બાપાની દૂધની દુકાન હતી,એટલે હેમંતે એ તરફ પગ ઉપાડયા.
દૂધની દુકાન લસ્સી સેન્ટરમાં ફેરવાઈ ગઈ હતી. નાગજી કાઉન્ટર ઉપર બેઠો હતો.સાવ ટાલિયો થઈ ગયો હતો, છતાં હેમંત એને ઓળખી ગયો. દ્વિધા સાથે નાગજી એની સામે તાકી રહ્યો હતો. ચૂપચાપ ઊભો રહીને હેમંત ભાવપત્રક વાંચી રહ્યો હતો.
'ભાવ વાંચવાની જરૂર નથી, હેમલા! આ તારી જ દુકાન છે.' કાઉન્ટર પરથી આવીને નાગજીએ એના બરડામાં ધબ્બો માર્યો અને પછી ભેટી પડયો.એના અવાજમાં ગર્વ હતો. 'તારામાં બહુ ફેર નથી પડયો. આટલા વર્ષે પણ એક ઝાટકે તને ઓળખી ગયો!' હેમંતનો હાથ પકડીને એણે પોતાની પાસે બેસાડયો. 'અલ્યા,ગામ છોડયા પછી તું તો જૂના દોસ્તારોને સાવ ભૂલી ગયો?'
'એવું નથી.' હેમંતે ખુલાસો કર્યો. 'મનમાં તો બધાની યાદ તાજી જ છે. આજે ગામમાં રખડવા માટે જ આવ્યો છું. બીજા કોઈની ખબર નથી. પહેલો તારે ત્યાં જ આવ્યો.'
નોકરને સ્પેશિયલ લસ્સી લાવવાની સૂચના આપીને નાગજીએ પૂછયું. 'બોલ,કોને કોને મળવું છે?'
'ભૂપેન્દ્ર ઉર્ફે ભોપલો યાદ છેને? બચુભાઈ હોટલવાળાનો છોકરો.' ભૂતકાળ ખોતરીને હેમંતે નામ યાદ કર્યા. 'મારુવાડામાં રહેતો હતો એ અબ્દુલ. જસમત પગીનો છોકરો લખમણ બાંઠી. ભવાની વાવ પાસે રહેતો હતો એ કિરીટ કોડો. ભણવામાં મારી સાથે કાયમ હરીફાઈ કરતો હતો એ વિજય. એના બાપાને ખબર ના પડે એમ માટલાં ચોરીને મને પિક્ચર જોવા લઈ જતો હતો એ ત્રીકમ પ્રજાપતિ. કરિયાણાવાળો દીપક. લાતીવાળા બંને ભાઈઓ તને યાદ છેને? નલિન અને રાજેશ. એ સિવાય ચંદુભા ચુડાસમા..'
બીજા નામ યાદ કરવા માટે એ અટક્યો.
'આમાંથી લખમણ બાંઠી અને દીપકને બાદ કર.' નાગજીએ માહિતી આપી. 'ચાર વર્ષ પહેલા દીપક એક્સિડન્ટમાં ઉકલી ગયો. લખમણને એટેક આવેલો. અબ્દુલ દુબઈ છે. ચંદુભા પોલીસ ઈન્સ્પેક્ટર થયેલા, અત્યારે લીંબડી હાઈવે પાસે હોટલ કરી છે. ત્રીકમો તો અમદાવાદ લાલ બસમાં ડ્રાઈવર છે. લાતીવાળા નલિયો અને રાજિયો વડોદરામાં મોટા બિલ્ડર બની ગયા છે. કિરીટ અને વિજ્યો ભાગીદારીમાં ટયુશન ક્લાસ ચલાવે છે.'
'ભોપલાનું શું છે?' હેમંતે અધીરાઈથી પૂછયું. 'એ ડોબાને પરાણે મેટ્રિક સુધી પહોંચાડેલો.'
'એની હાલત દયાજનક છે.એનો બાપ બચુ સટ્ટાના રવાડે ચડયો, માથે વાળ જેટલું દેવું કરીને પંખે લટકી ગયો.બાપનું દેવું ચૂકવવા ભોપલાએ હોટલ વેચી નાખવી પડી. એમનું ઘર તો તેં જોયેલુંને? ઘર મોટું હતું એટલે આગળના રૂમમાં લૉજ ચલાવે છે. એક નોકર રાખ્યો છે. રસોઈ બનાવવા માટે ભોપલો ને એની વહુ મજૂરી કરીને માંડ માંડ પૂરું કરે છે. પઠ્ઠાબેન્ડ જેવું શરીર સાવ ઓગળી ગયું છે. એનો દીકરો ભાવનગર છે, પણ એ નાલાયક મા-બાપનું ધ્યાન નથી રાખતો.'
'અરેરે!એને તો ખાસ મળવું પડશે.' નાગજી સાથે વાતોમાં અર્ધો કલાક વિતાવીને હેમંત ઊભો થયો.
તમામ અપરિચિત ચહેરાઓ વચ્ચે કોઈ એકાદ પરિચિત વ્યક્તિને શોધવાની માનસિક કવાયત સાથે નજર ચારે તરફ ફરતી હતી. મેળો ભરાતો હતો એ અવાડાનું મેદાન હવે મકાનોથી ઉભરાતું હતું. પાંચ આનામાં ફિલ્મ જોવા મળતી હતી એ ટૉકિઝની ખંડેર હાલત જોઈને એ શાક માર્કેટ તરફ આગળ વધ્યો. દુકાનોની સંખ્યા વધી ગઈ હતી. આખી બજાર વીંધીને થોડોક થાક ખાવા માટે એ ભવાની વાવ પાસે બેઠો.વાસી પાણીની ગંધ અગાઉ જેવી જ હતી. ભવાની માતાના મંદિરે સવારે યજ્ઞામાં હોમાયેલા બળેલા નાળિયેરની વાસ હવામાં ઘૂમરાતી હતી.સૂકાઈ ગયેલા પિરાસર તળાવના કાંઠે કૂવા પર સ્ત્રીઓ પાણી ભરતી હતી.
દોઢ વાગ્યે ભૂખ લાગી હતી.એણે ભોપલાના ઘરની દિશા પકડી. સ્કૂલમાં હતા ત્યારે તો ભોપલાના બાપાની જય અંબે હોટલ ધમધોકાર ચાલતી હતી. પરીક્ષા વખતે ભોપલો શીખવા આવે ત્યારે લોટો ભરીને રગડા જેવી ચા લાવતો હતો.
દૂરથી ભોપલાનું ઘર દેખાયું એટલે હેમંતે વાળ વ્યવસ્થિત કર્યા. ઉપાધિમાં ઘેરાયેલો ભોપલો પોતાને ઓળખી શકશે કે કેમ એવી શંકા સાથે એ ત્યાં પહોંચ્યો. નાનકડું પતરાનું બોર્ડ હતું. જયઅંબે લૉજ. ઓરડામાં ચાર ટેબલ અને પંદરેક ખુરસીઓ હતી. ખૂણામાં ફ્રીઝ હતું.ત્રણ ગ્રાહકો જમતા હતા.
ભોપલાની દશા જોઈને હેમંતને આંચકો લાગ્યો.ઊંડી ઊતરી ગયેલી આંખો, ધોળા વાળ, ગરીબડો ચહેરો, પાતળા થઈ ગયેલા હાથમાં ઉપસેલી નસો, ડખળો બુશર્ટ પણ એના જેવી જીર્ણ હાલતમાં હતો. ગુજરાતી સાડલો પહેરેલી એની પત્ની રોટલી બનાવી રહી હતી, ભોપલો એને મદદ કરતો હતો. 'આવો,સાહેબ, જમવાનું છે કે ટિફિન?'
બ્રાન્ડેડ કપડાં અને લેધર શૂઝ પહેરેલા હેમંતને જોઈને એણે ત્યાંથી જ આશાભર્યા અવાજે પૂછયું. બહાર તડકો હતો અને પોતે બારણે ઊભો હતો એટલે આ ભોળિયો પોતાને ઓળખી શક્યો નથી એવું હેમંતને લાગ્યું.મેનુ કે ભાવપત્રક દેખાયું નહીં એટલે હેમંતે ત્યાં ઊભા ઊભા પૂછયું. 'જમવાનું શું છે?'
'ફિક્સ થાળીના સાંઈઠ રૂપિયા અને અનલિમિટેડના નેવું રૂપિયા. ફિક્સમાં બધુંય લિમિટેડ. નેવુંમાં તાકાત હોય એટલું જમો.'
એ ઉત્સાહથી બોલતો હતો ત્યારે હેમંત પીડા અનુભવતો હતો.આ ડોબો હજુય ઓળખી શક્યો નથી. ભૂખ લાગી હતી એટલે વધુ વિચાર્યા વગર એ ખુરસીમાં બેસી ગયો.' અનલિમિટેડ જમાડી દો,ભાઈ!'
લૉજ જે વિસ્તારમાં હતી એ,ત્યાં જમનારા ગ્રાહકોનો પહેરવેશ અને થાળીનો ભાવ એ બધું જોઈને હેમંતને લાગ્યું કે પોતાના જેવા બહુ ઓછા ગ્રાહકો અહીં જમવા આવતા હશે. ઑર્ડર મળ્યા પછી પગને પાંખો ફૂટી હોય એમ ભોપલો પીરસી ગયો. બટાકા-રીંગણનું શાક લસણથી ધમધમાટ હતું. બીજું શાક દૂધી-ચણાની દાળનું હતું. દાળ પણ ટેસ્ટી હતી.એક પછી એક ગરમ રોટલી આપવા માટે ભોપલો દોડાદોડી કરી રહ્યો હતો. બારણાં તરફ મોઢું રાખીને હેમંત જમતો હતો એટલે એની પીઠ રસોડા તરફ હતી.
'સ્વીટમાં કંઈ છે?' ત્રણ રોટલી પછી હેમંતે મોટેથી પૂછયું. 'એનો શું ભાવ છે?'
'શીખંડ છે, ઘરનો બનાવેલો. વાટકીના ત્રીસ રૂપિયા.' ભોપલાએ રસોડામાંથી જ જવાબ આપ્યો અને આ સાહેબ ઑર્ડર આપશે જ એ ધારણાએ ફ્રીઝમાંથી વાટકી લાવીને એણે હેમંતના ટેબલ પર મૂકી. જમવાનું ખરેખર સ્વાદિષ્ટ હોવા છતાં,હેમંત હવે વિચારમાં ડૂબી ગયો હતો. ભોપલાની યાદશક્તિ સાવ ઓછી હતી, ગરીબી અને લાચારીમાં માનસિક શક્તિ ક્ષીણ થઈ જાય છે,એ કબૂલ; પણ સાવ આવું બને? આટલા સમયમાં એ ઓળખે નહીં એ શક્ય છે? મનમાં બીજી એક કુશંકા ઊગી.એ મને ઓળખી ગયો હોય તો પણ નેવું વત્તા ત્રીસ એટલે કુલ એકસો વીસ રૂપિયા બચાવવા માટે એ નાટક કરતો હશે? બીજી જ પળે એણે એ વિચાર મનમાંથી ખંખેરી નાખ્યો. આ ભોળિયો આવું ક્યારેય ના કરે.
જમીને એ ઊભો થયો ત્યારે ભોપલાએ કાઉન્ટરની ખુરસી સંભાળી લીધી હતી. પાકીટમાંથી બસો રૂપિયાની નોટ કાઢીને હેમંતે ભોપલા સામે ધરી.
કાઉન્ટર પરથી ભોપલો ઊભો થઈ ગયો. પોતાનો જમણો ગાલ એણે હેમંતની સામે ધર્યો. 'કચકચાવીને લાફો માર, હેમલા! તું પૈસા આપીશ, એના કરતા એ લાફાની પીડા ઓછી હશે.' આંખમાં ઝળઝળિયાં સાથે એણે હેમંતના બંને હાથ પોતાના હાથમાં જકડી લીધા. 'તને શરમ નથી આવતી, હેમલા? મારે ત્યાં જમવાના પૈસા આપવાના હોય? તમારા બધાથી ગરીબ છું, એ કબૂલ. ભાગ્ય ભમરાળું છે એટલે ભીંસથી તૂટેલો છું,એ છતાં,ભૂખ્યા ભાઈબંધનું પેટ ભરવાના પૈસા લઉં,એવો ભિખારી નથી,મારા ભાઈ!'
હેમંત સ્તબ્ધ બનીને એની સામે તાકી રહ્યો હતો.
ગળગળા અવાજે ભોપલાએ કહ્યું. 'મને ઓળખવામાં તું માર ખાઈ ગયો, હેમલા!સાચું કહું?તું આવ્યો ત્યારે પાછળ તડકો હતો એટલે પહેલી નજરે ખબર નહોતી પડી. એ પછી તરત ઓળખી ગયો. ભણવામાં મારા ભોપાળાનો તું સાક્ષી છે, એટલે તેં માની લીધું કે ભોપલો મને ભૂલી ગયો હશે, પણ એ તારી ભૂલ હતી, મારા ભાઈ! ભૂમિતીમાં પ્રમેય યાદ ના રહે, પણ દોસ્તારોના ચહેરા તો હૈયાની ચામડી ઉપર ચોટડૂક થઈને ચિતરાયેલા હોય, એ તો ક્યારેય ના ભૂલાય.'
અવાજમાં ડૂમો ભરાયો એટલે એ લગીર અટક્યો. 'હેમલા, સાતમ-આઠમમાં આપણે તીન પત્તી રમતા હતા ત્યારે તું કાયમ બ્લાઈન્ડમાં રમતો હતો. તારી ટેવ મુજબ આજેય તેં બ્લાઈન્ડમાં રમવાનું શરૂ કરી દીધું. તને રાજી રાખવા મનેય રમત સૂઝી એટલે જાણે તને ઓળખ્યો જ નથી, એવું નાટક ચાલુ રાખ્યું. પણ છેલ્લે પૈસા ધરીને તેં મારા ગાલ ઉપર તમાચો માર્યો, ત્યારે લાગી આવ્યું.મારી યાદશક્તિ ઓછી છે,એ તને ખબર છે. ધારો કે મેં તને ના ઓળખ્યો,પણ તું તો મને ઓળખતો હતોને? બિચારા ગરીબ દોસ્તારનું મફત ના ખવાય એમ વિચારીને પૈસા ધરતી વખતે તને શરમ ના આવી? તેં મોટી ભૂલ કરી, ભાઈ!' એ આગળ બોલી ના શક્યો. ઠપકા ભરેલી ભીની આંખે એ હેમંત સામે તાકી રહ્યો. સોરી કહેવાને બદલે હેમંત એને ભેટી પડયો ત્યારે એની આંખ પણ કોરી નહોતી !