દરેક દેશનું મેનેજમેન્ટ તે દેશના કલ્ચર પર આધારિત
- મેનેજમેન્ટ-ધવલ મહેતા
- બજારનું વર્ગીકરણ માત્ર આર્થિક બાબતથી જ નથી થતું. સામાજિક, ધાર્મિક બાબતો પણ ચાવીરૂપ ભાગ ભજવે છે.
દ રેક દેશમાં મેનેજમેન્ટની શૈલી તેના દેશના કલ્ચરથી પ્રભાવિત થતી હોય છે. જગતના જુદા જુદા દેશોનું કલ્ચર જુદુ જુદુ હોય છે. અહીં કલ્ચર એટલે સુસ્કૃત જીવન જીવવુ, બોલચાલની ભાષા વિનય-વિવેક ભરી રાખવી, એટીકેટવાળુ જીવન જીવવુ, છરી કાંટાથી ખાવુ, છીંક આવતી હોય તો નાક પર રૂમાલ ઢાંકી દેવો, વાતવાતમાં સોરી કે થેંક્યુ કહેવું, ફેશનેબલ કપડા પહેરવા, ચીપી ચીપીને બોલવું, સામાની વાત કે વર્તણુક પસંદ ના હોય તો તેની સામે લઢવાને બદલે કે તેનુ અપમાન કરવાને બદલે તેને એમ કહેવું કે આ બાબતમાં મારો દ્રષ્ટિકોણ તમારા દ્રષ્ટ્રિકોણથી કાંઈક જુદો છે, હું આ બાબતને કે વ્યક્તિને કે સંસ્થાને કે ટોપ મેનેજમેન્ટને કાંઈક જુદી રીતે જોઉં છું અથવા તો એમ કહેવું કે આ બાબતમા તમે જે હકીકતો રજૂ કરી છે તેને આધારે તમે તદ્દન સાચા છો પરંતુ સાચી હકીકત કાંઈક જુદી જ છે - આ બધી વાતો સુસંસ્કૃત જીવન માટે સાચી છે પરંતુ કલ્ચર એટલે ફેશનેબલ જીવન જીવવાને બદલે તેનો અર્થ 'સિમ્બોલિક' છે અને તે ઊડો છે. નીચેના પરિબળો તેનુ કલ્ચર નક્કી કરે છે ૧) ભાષા ૨) રાષ્ટ્રીયતા ૩) શિક્ષણનું સ્તર ૪) જ્ઞાતિ કે જુથ ૫) સામાજિક સ્ટેટસનો આધાર (જ્ઞાતિ, જાતી, વર્ગ, ચામડીનો રંગ, ધન કે કુટુબની પેઢી દર પેઢીની પ્રતિષ્ઠા કે વય જેમ જેમ વ્યક્તિ વૃદ્ધ તેમ તેનું સામાજિક વજન વધારે વગેરે) ૪) જ્યાં જ્ઞાન પ્રાપ્ત નથી ત્યાં આર્થિક વર્ગ (પુઅર ક્લાસ, લોઅર ક્લાસ, લોઅર અને અપર મીડલ ક્લાસ, ટોપ ક્લાસ) વ્યક્તિનું સ્ટેટસ નક્કી કરે છે. ૫) પુષ્કળ અગત્યનો ફેકટર તે વ્યક્તિ, જુથ કે દેશનો ધર્મ વગેરે.
મોટી કંપનીઓની ટોપ મેનેજમેન્ટ પોતાના બજારનુ વર્ગીકરણ માત્ર આર્થિક ધોરણે જ નહી પરંતુ કલ્ચરલ ધોરણે પણ કરે છે જેમ કે ભારતમા રૂરલ માર્કેટ, અર્બન માર્કેટ ધાર્મિક પૂજા-આરતી માટેની ચીજોનુ માર્કેટ (ધૂપ, દીપ, હવન, ફૂલો, અગરબત્તી, રૂદ્રાક્ષની માળાઓ વગેરે) વગેરેનો સમાવેશ થાય છે. જો કે દરેક દેશના કે કલ્ચરમા એકરૂપતા હોતી નથી. પ્રદેશે પ્રદેશે કલ્ચર બદલાયા કરે છે. ભારતમા દરેક જ્ઞાતિ, ઉપજ્ઞાતિ અને ઉપજ્ઞાતિઓના પણ અનેક ફાંટાઓનું કલ્ચર પરસ્પરથી જુદુ પડે છે. જગતના કલ્ચરના સૌથી મોટો ભાગ ધર્મ અને રાષ્ટ્રીયતા ભજવે છે.
ચાઈનીઝ કલ્ચર
તમે ચીન ધંધાકીય વાટાઘાટો કરવા જાઓ તો ચીનના ઉદ્યોગકારો કે વ્યાપારીઓ આ વાટાઘાટો પર અંકુશ પોતાનો જ રહે તેવો આગ્રહ રાખે છે. ચીનના વાટાઘાટોકારો તમારા કોઈપણ પ્રસ્તાવ પર ઠંડો પ્રતિભાવ આપે છે તે માટે જરાય ઉત્સાહ બતાવતા નથી જેથી તમે નિરૂત્સાહી થઇ જાઓ. ચીની કંપનીને પુષ્કળ કન્સેશન્સ આપે તેવો ચાઈનીસ વાટાઘાટકાર આગ્રહ રાખે છે. ચીનના ઉદ્યોગો મોટેભાગે સરકારની માલીકીના હોવાથી અથવા ખાનગી ઉદ્યોગો પર પણ ચીની સરકારનો અંકુશ હોવાથી ચીનના ઉદ્યોગકારોમા બ્યુરોક્રેટીક (સરકારી નોકરશાહી)ની છાંટ જોવા મળે છે. ચીની વાટાઘાટો સમયની બાબતમા ઘણા ચતુર હોય છે. અહીં ચતુરાઇનો અર્થ એ કે તેઓ વાટાઘાટો એટલી બધી લંબાવે છે કે સામી વ્યક્તિ થાકી જાય અને હારીથાકીને ચીન બીઝનેસમેનની શરતોને માન્ય રાખે. ચીની વાટાઘાટકારો એ બાબતને પાર કરાવવાનુ કદાપી ભૂલતા નથી કે જગતમા અમારી વસતી સૌથી વધારે છે તેથી અમારૂ બજાર તમારા બજારથી ઘણુ વિશાળ છે જે માટે તમારે અમારો આભાર માનવો જોઇએ. જો કે આ બાબતમા ચીનનો દાવો એટલે છે બજારની વિશાળતાનો આધાર માથાદીઠ સરાસરી આવક છે તે અમેરીકાની સરાસરી આવક કરતા લગભગ છઠ્ઠા ભાગથી પણ ઓછી છે. અમેરિકામાં મૈત્રાચારીભર્યા સંબંધોનો અર્થ મિત્રો વચ્ચેના પરસ્પર લાભો એમ થાય છે .
જાપાનીઝ કલ્ચર
જાપાનીઝ વાટાઘાટકારો વાટાઘાટ પહેલા તે અંગે સંપૂર્ણ તૈયારી કરીને આવે છે. તેમા વેચનાર કરતા ખરીદનારનો હાથ ઉપર રહે છે. જાપાનીસ વાટાઘાટકારોના કઇ વ્યક્તિ વાટાઘાટોમા કયો રોલ (ભૂમિકા) ભજવે છે, જાપાનીસ વાટાઘાટકારોમા અંતિમ નિર્ણય કોના હાથમા છે તે જરાય કળવા દેતા નથી. તેઓ વાટાઘાટો માટે સામો થાકી જાય તેટલો લાંબો સમય લે છે. અમેરિકનો અને બ્રીટીશરો કે યુરોપીયનોએ કોઈપણ પ્રશ્નમા તડ એ ફડ જવાબ પસંદ છે. તેઓ એમ્બીગ્યુઇટી એટલે કે દ્વુવીધાત્મક ભાષાને ધીક્કારે છે જ્યારે જાપાનીસ વાટાઘાટકારો દ્વુવીધાત્મકતાને લાંબો સમય ચાલુ રાખે છે અને તેને સહન કરી લે છે જેથી સામાવાળો તેની નિર્ણયપ્રક્રિયામા ગુંચવાઈ જાય. આ સમગ્ર કન્સેપ્ટને અંગ્રેજીમા 'ટોલરન્સ ફોર એમ્બીગ્યુઇટી' કહે છે.
અમેરિકન કલ્ચર
અમેરીકન કલ્ચર બિઝનેસમા કે તે અંગેની વાટાઘાટોમા પ્રોફેશનલ અભિગમ ધરાવે છે. વાટાઘાટો માટે અનેક પ્રકારની ફાઈલો તૈયાર કરે છે. વળી વાટાઘાટોમાં કોઈપણ પ્રકારની લાગણીશીલતાને બદલે હકીકતોનો ઢગલો કરી દે છે. તેઓનો વાટાઘાટોમા લાગણીનું તત્ત્વ (જે આરબ વાટાઘાટકારોમા સૌથી વધારે હોય છે) અને ભાઈચારાનું તત્ત્વ ઓછુ જોવા મળે છે. તેઓના મતે વાટાઘાટોમા નિખાલસતા (ફ્રેંકનેસ) અને સીન્સીયારીટી હોવી અનિવાર્ય છે. આથી તેઓ વાટાઘાટોની શરૂઆતમા જ પોતાના પત્તા ખોલી દે છે અને ચાઈનીઝ કે જાપાનીસ કે આરબ વાટાઘાટકારોની જેમ કશુ છુપાવતા નથી તેઓ એમ માને છે કે તેમની ઓપન-માઇન્ડેડનેસ એટલે કે તદ્દન ખુલ્લા મને વાતચીત કરવાની શૈલીનો સામાવાળા દુરૂપયોગ કરે છે.
બ્રિટિશ કલ્ચર
બ્રિટીશરોનું વ્યાપારી વાટાઘાટો દરમિયાન જે વર્તન હોય છે તેને કુલ એટલે કે ઠંડુ હોય છે. તેમા ઉત્સાહ જોવા મળતો નથી. તેઓ વાટાઘાટો દરમિયાન કોઈ લાગણી દર્શાવતા નથી. તેઓના વાટાઘાટકારોમા અસાધારણ લાગે તેવો આત્મવિશ્વાસ (સેલ્ફ કોન્ફીડન્સ) જોવા મળે છે. સામા વાટાઘાટકારને વધુને વધુ ખુશ કરવામા એટલે કે દબાણ વધારવામા બ્રિટીશરો માનતા નથી. વાટાઘાટો પૂરી થયા બાદ જે સહમતી સધાય તેની શરતો અંગે દસ્તાવેજ કરવામા અંગ્રેજો પુષ્કળ ચીકણા હોય છે. તેઓ વર્ષોથી રૂઢ થઇ ગયેલા શબ્દોનો અને ભાષાનો જ લેખિત દસ્તાવેજમા ઉપયોગ કરવાનો આગ્રહ રાખે છે. વળી તેમાં વાટાઘાટોને આરબ કલ્ચરની જેમ કલાકો સુધી લંબાવવામાં માનતા નથી. ચટ મંગની અને પટ વિવાહમા માને છે.
અમેરિકનો મંજૂર થયેલ દસ્તાવેજમા એમ લખે કે અમે તમને Blue Color ની દસ હજાર આઈટમ્સ મોકલીશુ. અંગ્રેજો કહેશે કે અમને આ દસ્તાવેજ મંજૂર નથી. કલરનો સ્પેલીંગ Colour નહી પરંતુ Colour જોઇશે. ફ્રેંચ, જર્મન, મેક્સીકન, ઇન્ડીયન, આરબ કલ્ચર્સના વાટાઘાટોની શૈલી અંગે પણ ચર્ચા કરીશું.