કોઈ લૌટા દે, મેરે બીતે વરસ .
- થોડામાં ઘણું-દિલીપ શાહ
મ હિનાઓનું ગઠબંધન એટલે વરસ. વરસને ગાંઠ પડે એટલે વર્ષગાંઠ. ગાંઠ ધીરેધીરે ઉકેલતા દમ નીકળી જાય. દેશી કેલેન્ડરમાં આસો અને અંગ્રેજીનાં કેલેન્ડરમાં ડીસેમ્બર વરસને ખો આપી નવી વાવાનો યુનિફોર્મ પહેરી લે છે. અને 'નૂતન વર્ષાભિનંદન' 'હેપી ન્યુ ઈયર'નાં બ્યુગલ વગાડવા માંડે છે. ગોકળગાયની ગતિથી આગળ વધતું વરસ પ્રગતિની દિશા તરફ ધ્યેયનું જીપીએસ (GPS) ફીટ કરી દે છે.
જિંદગીની શરૂઆતનાં વરસો બાળપણનાં સુવર્ણયુગનો વૈભવ વારસો લઈને આવે છે. લાડ-પાડ, માયા-મમતાનાં ઘોડાપૂર લગોલગ લાગે છે. ચિંતા, ગમ, પીડા, વેદના, દુ:ખ હજી મા-બાપની હૂંફ નીચે નેપથ્યમાં હોય છે. ગરીબીનું બાળપણ વરસને બરોબર ઓળખતું કરી દે છે. અપમાન, તિરસ્કાર, ઠોકર, ઠેસ... ગરીબીના વરસોની સાઈડ ઇફેક્ટસ છે છતાંય આવનાર વરસોને તે પડકારને બદલે પ્રેરણાસ્ત્રોત માની લે છે.
શાળા જીવનનાં વરસો અનુભવની કેડીને પરિમિત કરી દે છે. શિક્ષકો... ભણતર... પરીક્ષા... પરિણામ - વરસનું મૂલ્યાંકન શીખવી દે છે. નાપાસ થનાર 'વરસ બગડયુ'નો નિસાસો નાખે છે.
કોલેજ જીવનનાં વરસોમાં પ્રેમના વાયરા અને ગીતોનાં ડાયરાની રમઝટ ચાલ્યા કરે છે. જિંદગીના રંગીન અને સંગીન સપનાઓ કોલેજના વરસોમાં તંબુ તાણી લે છે. નોકરી-ધંધાનાં વરસો આવક-જાવકનાં સરવૈયામાં કેલકયુલેટરને બીઝી રાખે છે. સમય નફા-તોટા- પગાર... બોનસ.. ઈન્ક્રીમેન્ટનાં ઘેનમાં ઇન્વેસ્ટ થઈ જાય છે. લગ્ન જીવનના વરસો આલબમનાં ફોટાનાં અભ્યાસ કરો તો ચહેરાના ભાવ પરથી પૃથ્થકરણ કરવું સહેલું પડશે. પ્રસન્ન દાંપત્ય અને લગ્ન વિચ્છેદ એ લગ્નજીવનનાં સમયની સેલ્ફી છે. જિંદગીની પાનખરનાં વરસો બગીચાનાં બાંકડે, મંદીરનાં ઓટલે અડ્ડો જમાવે છે. હવાફેર માટે છે..ક વૃધ્ધાશ્રમ પણ સ્ટોકમાં હોય છે. પેન્શન, મોંઘવારી, નવી વહુનાં નખરાં, રાજકારણની શતરંજની ચર્ચાઓ સોલ્જરીના ચા-નાસ્તામાં વ્યસ્ત ને અલમસ્ત રહે છે.
આમ વરસની જન્મ કુંડળી શુભ, લાભ, ઉદ્વૈગ ચોઘડિયા વચ્ચે સંતાકૂકડી રમતી રહે છે. સમય તું ધીરે ધીરે ચલ... ભલે ગીત ગાઈએ, રીમોટ આપણાં હાથમાં નથી. ''કૌન જાને કીસ ઘડી વક્ત કા બદલે મિજાજ સાહીરજી ટકોર કરે છે. અમારા સમયમાં.... ...અમારા વખતમા... આવું બોલતા વડીલોની આંખમાં સમય થીજેલું આંસુ બની જાય છે.
મરી મસાલા
આ ઘડિયાળ અને કેલેન્ડર ના હોત તો ? બોલો, સમયને કોણ આસરો આપે ?