પહેલો દિવસ- છેલ્લો દિવસ .
- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- '1936ની સાલ અને વર્ષાભીનો જુલાઈનો બેસતો મહિનો હતો. મૃદુ તડકાવાળી ઉજમાળી શાન્ત સવાર હતી. મુંબઈના ગીરગામ લત્તાના એક બંગલામાં અમારી કોલેજ બેસતી.'
રા મનારાયણ વિ પાઠક (દ્વિરેફ, શેષ અને સ્વૈરવિહારી) ગાંધીયુગના કવિગુરુ તરીકે પ્રતિા પામ્યા છે. તેઓ ૩૧ની વયે વિધુર થયા પછી ૨૭ વર્ષ એકલા રહ્યા. ૧૯૪૫માં તેમણે ૫૮ની વયે પોતાની ૨૯ની વયની વિદ્યાર્થિની હીરાબહેન સાથે બીજાં લગ્ન કર્યાં. ૧૯૫૫માં તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. 'પ્રથમ પરિચય' અંગત નિબંધમાં હીરાબહેને પહેલી મુલાકાતની છબી આંકી છે.
'૧૯૩૬ની સાલ અને વર્ષાભીનો જુલાઈનો બેસતો મહિનો હતો. મૃદુ તડકાવાળી ઉજમાળી શાન્ત સવાર હતી. મુંબઈના ગીરગામ લત્તાના એક બંગલામાં અમારી કોલેજ બેસતી.' નાથીબાઈ કોલેજના ગુજરાતીના વર્ગમાં વિદ્યાર્થી એક જ: હીરાબહેન. વ્યવસ્થાપકોએ અમદાવાદથી રાવિ પાઠકને અધ્યાપન માટે તેડાવ્યા. લેખિકા કહે છે, 'એ પ્રથમ દિવસનો પ્રસંગ હજી આજેયે મારા મનમાં જરેજર વીગતો સહિત જીવંત છે. અરે! મેં વિદ્યાર્થિનીએ પહેરેલાં સાદાં શ્વેત વસ્ત્રોની વિગત પણ તેવી જ સાંભરણમાં છે!' વર્ગમાં તેમને પહેલવહેલા જોયા ત્યારે કેવી લાગણી થઈ? 'આ... આવા, રામનારાયણ પાઠક!? જેમની આપણે દ્વિરેફની વાતો વાંચેલી ને તે પરથી તેમની આકૃતિ કલ્પેલી તે આવા! પાછળથી મારા નાના ભાઈએ એમને રમૂજમાં 'દરિદ્રનારાયણની મૂર્તિ' કહેલા... શરીર ઘણું સુકલકડી.. મોઢું કેટલું બધું બેસી ગયેલુ... મોટું બધું નાક!..પોપટિયું, છેક હોઠ લગી ધસી આવેલું. જોતાં રમૂજ ઊપજે તેવું. તેમના મોઢા પર ખાડા નહિ પણ ખાઈઓ હતી!' તેમણે લાંબો સમય વેઠેલા એકલવાયાપણાએ શરીરને કૃશ કરી નાખેલું. પણ 'જેવા બોલતા જણાયા કે તેમની તમામ ચેતના..અને બુદ્ધિની તીક્ષ્ણ વેધકતા તેમનાં.. મુખભાવોમાં.. અને આંખોમાં આવીને વિરાજી.. તેજસ્વી ને સ્ફૂર્તિલી તેમની આંખો હતી.' હીરાબહેને પૂછયું, 'ફલાણી વાર્તા તમને શેના પરથી સૂઝી?' ધડ દઈને ઉદ્ગારી ઊઠયા, 'તમારે તેનું શું કામ? કલાકૃતિ એવા અંગત દ્રષ્ટિબિંદુથી આસ્વાદવાની જરૂર નહીં, કલાકૃતિ તરીકે કેવી છે, તે પર જ લક્ષ આપવું.'
બીજા નિબંધમાં હીરાબહેન પતિના છેલ્લા દિવસને વર્ણવે છે: 'અમારા સહજીવનનો મારા જીવનની ધન્યતાનો છેલ્લો દિવસ વર્ણવું... પણ ખરી રીતે.. મારા દુર્દૈવનો એ પહેલો દિન હતો.' આ પહેલાં આઠેક વર્ષના ગાળામાં પાઠક સાહેબને હૃદયના બે અને પક્ષઘાતનો એક હુમલો થયેલા. નાહી પરવારી ગયેલા છતાં પાઠક કામે બેસવાને બદલે આરામખુરશીએ ઢળેલા હતા. બોલ્યા, 'લખવાનું મન નથી.' બૃહદ્ પિંગલ જેવું મહાભારત કામ તેમણે હાથમાં લીધેલું, વચ્ચે જીવલેણ હુમલાઓનાં વિઘ્નો વટાવીને પૂરું કરેલું. 'મેં થોડું દૂધ મૂકી કેળું સીઝવ્યું. બેસીને તેમણે ખાધું. મારા હાથનું એ છેલ્લું ખાવાનું! મને શી ખબર કે મારાં રાંધ્યાં ધાન રઝળશે...' બન્ને ભૂલેશ્વર પહોંચ્યાં. બે દાદરા ચડવાના હોઈ, નોકરોએ ચડાવ્યા. વળતાં ટેક્સી શોધતાં હતાં, ત્યાં બસ મળી ગઈ. ચોપાટીએ ઊતર્યાંં. 'રમતીરસળતી રીતે ઘરની દિશા ભણી-ના મૃત્યુ ભણી અમે- એ પ્રત્યક્ષ અને હું પરોક્ષ રીતે- ધકેલાતાં જતાં હતાં. કમ્પાઉન્ડના દરવાજા પાસે બોલ્યા, 'મને જરા અંધારા આવવા જેવું થાય છે.' 'હું હાથ ઝાલું ઝાલું ત્યાં તો કોઈ ઝાડ એકદમ ફસડાઈને તૂટી પડે તેમ એ ધરણી પર ઢળી પડયા... નીચે પડતાં રસ્તા પર પડેલા તેમના માથાને ખોળામાં લેતાં મને લોકલાજે સંકોચ થયો. બોલવાનું કરું,અને છતાં મારો અવાજ નીકળી શકતો નહોતો. કોઈ ભિખારણ દીન બની મકાન પરના માળના છજામાં ઊભેલા માણસોને વિનંતી કરે, તેમ મેં ભાંગેલા અવાજે વિનવણી કરી.જેમના ખોળામાં અનેક વેળા માથું મૂકી.. સૂવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયેલું, તે મેં મારા ખોળામાં તેમનું છેવટની વારનું માથું પણ મૂક્યું નહિ!..ખરી રીતે અમારા સંબંધની સાથેસાથે મેં અંત લગી મૃત્યુ સાથે સંગ્રામ ખેલ્યો છે. એ સંગ્રામમાં હાર અમારી છે, એમ કરુણપણે અમે બન્ને સમજતાં રહ્યાં હતાં..પૂરું કાર્યમય જીવન ગાળતાં મૃત્યુને વશ થવું, તેમાં જ તેમને જીવનની કૃતાર્થતા જણાતી.' તેમની કાવ્યપંક્તિમાં આ જ ભાવ વ્યક્ત થાય છે, 'ના ગમે, મને ના ગમે, તંત્રી મહીં થઈ શિથિલ તાર પડી રહેવું ના ગમે.'
'પ્રથમ પરિચય' નિબંધ પહેલી મુલાકાતના ત્રીસ વર્ષ પછી લખાયો હોવા છતાં ભાવોત્કટ છે, લેખિકાને એ પણ યાદ છે કે પોતે કેવાં વસ્ત્રો પરિધાન કર્યાં હતાં! 'છેલ્લો દિવસ' નિબંધ સ્વભાવોક્તિ અલંકારના દ્રષ્ટાંતરૂપ છે. કોઈ સામાન્યજન સ્વજનના મૃત્યુને કેમ વર્ણવે? 'એ છાપું વાંચતા હતા. મેં ચા મૂકી. કપ મોંએ માંડે ત્યાં તો ઢળી પડયા.' પરંતુ હીરાબહેન સાક્ષર છે, એટલે ચલચિત્રની પટકથા જેવું ચક્ષુગમ્ય વર્ણન કરે છે. પતિ પ્રત્યેનો પ્રેમભક્તિભાવ સતત વ્યક્ત થાય છે. મારાં રાંધ્યાં ધાન રઝળી પડયાં, તેમનું માથું ખોળામાં ય ન લઈ શકી- ઉારો વડે સ્ત્રી-સહજ સંવેદના વ્યક્ત થાય છે. ૧૦ વર્ષના લગ્નજીવનમાં ૩ ગંભીર એટેક- કેવી વિકટ પરિસ્થિતિ! હીરાબહેને કાન્તના ખંડકાવ્યનું યથાર્થ સ્મરણ કર્યું છે. અલ્પ આયુષ્યમાં આનંદ કરતી ચક્રવાક બેલડી માટે કાન્ત કહે છે, 'વિરહ સંભવને વિસર્યા હતાં/ બની નિરંકુશ બેય ફર્યા હતાં.' પરંતુ કાયમી વિરહની પ્રતીતિ થતાં ચક્રવાક નિશ્વાસ નાખે છે, 'આ ઐશ્વર્યે પ્રણયસુખની, હાય! આશા જ કેવી ?'