પતંગોત્સવમાં ઘવાતાં હજારો પક્ષીઓને કોણ બચાવશે?
- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
૧૪ -૧૫ જાન્યુઆરીએ ગુજરાત અને અન્ય રાજ્યો મકરસંક્રાતીનો ઉત્સવ, પતંગ ચઢાવીને ઉજવાય છે. શહેરની અગાશીઓ માનવોથી ઊભરાય જાય છે અને આખો દિવસ કાચના પાવડરથી આવરિત દોરા સાથે પતંગો ઊડતા રહે છે. ઊંધીયુ, જલેબી, છાશ, ચિકી વગેરેની મહેફિલ ચાલુ રહે છે.
ઉત્સવની આ પોઝિટિવ બાજુ સાથે થોડી નેગેટિવિટી પણ જોવા મળે છે. ઊડતાં પક્ષીઓ ધારદાર દોરીઓથી ઘાયલ થાય છે. વળી પતંગના દોરા વૃક્ષોમાં લપેટાયેલાં હોય છે જેમા પક્ષીઓ દાખલ થતાં તેમની પાંખ કપાય છે કે શરીરને ઇજા થાય છે. કેટલાંક લોહીલુહાણ થાય છે તો કેટલાંક મૃત્યુ પામે છે.
તમે પણ થોડો સમય કાઢી તાર પરથી દોરી કે વૃક્ષમાં અટવાયેલી દોરી ખસેડી શકો છો. કેટલાંક પક્ષીપ્રેમી સ્વયંસેવકો આખું અઠવાડિયું ઝાડમાં ભેરવાયેલાં પક્ષીઓને સંભાળીને છૂટા પાડી નજીકના જીવદયા કેન્દ્રમાં પહોંચાડે છે. કેટલાંક ભાઈઓ પોતાની રીક્ષા કે વેનમાં ટ્રાન્સપોર્ટની સેવાઓ આપી પક્ષીઓને ઝડપથી વેટરનરી ડોક્ટર પાસે પહોંચાડે છે.
કબૂતર, ચકલીઓ, કાગડા તેમજ કેટલાંક વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં ઘવાય છે. કાગડા જેવા પક્ષીઓ ચતુર હોય છે. ઘાયલ કાગડાને મદદ કરવા જશો તો શાંતિથી તમને દોરી કાઢવા દેશે. એટલે પક્ષીની ચાંચ જોઈ ગભરાવુ નહિ. બીજાઓની મદદ લઇને પણ રાતભર જાગી ટોર્ચ લાઈટનો ઉપયોગ કરી પક્ષીને દોરામાંથી મુક્ત કરવું જરૂરી છે. આને ઇમરજન્સી નહિ સમજો તો સવાર સુધીમા તેના પ્રાણ ઊડી જશે. પશુનિષ્ણાતના ફોનનંબર હાથવગા રાખો અને એકશન લો.
પક્ષીઓ સવારે ખોરાક મારે ઝાડમાંથી બહાર નીકળી ઊડે છે અને સાંજ થતા ઝાડમાં કે બીજા આશ્રયમાં પાછા વળે છે. એટલે સૌથી સરળ ઉપાય એ જ કે સવારે અને મોડી સાંજે પતંગ ચગાવવા નહિ બને ત્યાં સુધી ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવા જેથી પક્ષીઓ અને માનવીઓ અકસ્માતથી બચી શકે.
ઉત્તરાયણ દરમ્યાન કેટલાં પક્ષીઓ મરણ પામે તેનો ચોક્કસ આંકડો સર્વે થયો નથી છતાં ફક્ત ગુજરાતમાં જ આ સમય દરમ્યાન ૨૫૦૦થી વધુ પક્ષીઓ મરણ પામે છે. વસ્તી ઓછી હતી ત્યારે આ ઉત્સવની અસર ઓછી થતી હતી. હવે લાખો લોકો પતંગને, ફેસ્ટિવલ તરીકે ઉજવે છે અને એટલે આ ઊડતાં નિર્દોષ પક્ષીઓ પર પણ તેની અસર વધી ગઇ છે.
મકરસંક્રાંતિ દરમિયાન ઘુવડ, સારસ, કાગડા, કબુતર, વ્હાઇટ બૅક્ટ વલ્ચર, તેમજ ઇજીપ્શયન વલ્ચર ઘાયલ થાય છે. કેટલાંક પક્ષીઓ માળામાં જતાં પતંગના દોરામાં ભેરવાઈ જઇ ઊંધા લટકી ધીમા મોતથી મૃત્યુ પામે છે. તમેતેમને મદદ કરી શકો છો. ઉતરાણ પછી પણ ઝાડમાંના દોરા કાપવા નીકળી શકો છો. 'એવિઅન વેટ' એટલે પક્ષી નિષ્ણાત ફક્ત અમદાવાદમાં જ સેંકડો પક્ષીઓને બચાવે છે. આ માટે શહેરમાં 'રેસ્ક્યુ કેમ્પ' પણ ગોઠવવામાં આવે છે. ઘાયલ પક્ષીને સારવાર માટે લાવી તેને શાંત કરવામાં આવે છે. તે તરસ્યુ હોવાથી તેને પ્રવાહીની ડ્રીપ ચઢાવાય છે. હાઈડ્રેશન પછી તે સર્જરી માટે તૈયાર થાય છે. સર્જરી પછી ટોવેલમાં તેને રાખી એનેસ્થેસિયામાંથી મુક્ત થવા દેવાય છે. સર્વાઇવલરેટ ૭૦ ટકા જેટલો હોય છે. પક્ષી બચાવવા માટે આપ બાસ્કેટ ડોનેટ કરી શકો અથવા દાન આપી શકો છો. આ ઉત્સવમાં ધર્મ પણ સમાયેલો છે.