Get The App

સરદાર : સાદો પહેરવેશ અને અડગ આદર્શનો ઘડતરકાળ

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
સરદાર : સાદો પહેરવેશ અને અડગ આદર્શનો ઘડતરકાળ 1 - image


- સરદાર @150-હસિત મહેતા

- ઈંગ્લેન્ડમાં  બૅરિસ્ટર થયા પછી સરદારનો પહેરવેશ આંખોને આંજી નાખે તેવો ફેશનેબલ હતો

સા વ છેલ્લી ઢબના (લેટેસ્ટ ફેશનના) કપડાં, શોખ અને સિગારેટના વ્યસન માટે જાણીતાં સરદાર પટેલનો આત્મા તો સંન્યાસીનો હતો. 

એકવાર તેમણે ૧૯૨૧ના મોડાસાના ભાષણમાં કહેલું કે 'સ્વતંત્રતા જોઈતી હોય તો આ દેશમાં સંન્યાસી જોઈએ, સ્વાર્થ ત્યાગ કરી સેવા કરવી જોઈએ.' વળી એ સમયે તેમણે ગાંધીજીનો પડછાયો ગણાયેલાં અંતેવાસી મહાદેવભાઈ દેસાઈને કહેલું કે 'હું એકવાર સાધુ થવાનો હતો.' આ સાંભળ્યા પછી મહાદેવભાઈ સરદાર માટે લખે છે કે 'તેઓ જાણી જોઈને, ઘણા સાધુઓનાં પાખંડ જોઈને, સાધુ થતાં અટક્યાં હશે. પણ સાધુ થાત તો યે તે કોઈ અવધૂત હોત, સંસારની સાથે સરસા રહીને સંસારના ઉપદેશક કદાચ ન બનત.' (વીર વલ્લભભાઈ - મ.હ.દે.પાન નં. ૫૧)

સરદાર બહારથી કડક અને અંદરથી સાધુવાદને વરેલાં, દેખાવે દેશી અને અંદરથી અંગ્રેજ રહેણીકરણીથી આકર્ષાયેલા, બહારથી વકીલાતના વ્યવસાયી અને અંદરથી દેશદાઝથી સમર્પિત ભક્ત, સરદારનો આવો, વજ્રાદપિ કઠણ અને ફૂલથી કોમળ જેવો, બરફમાં સળગતાં જ્વાળામુખી સરિખો આચાર, વ્યવહાર અને સ્વભાવ, સરદાર સાથે રહેલાં, કામ કરી ચૂકેલાં, એમના જીવનને ઈતિહાસની દ્રષ્ટિથી અભ્યાસનારા સહુ કોઈને હંમેશા સ્પર્શ્યો છે. કારણ કે તેઓ જે કાંઈ કરે, વિચારે, બોલે, પહેરે, જીવે..... એ બધામાં એક અડગ, ખડતલ, કડક અભિગમની પછવાડે સંવેદનશીલ દ્રષ્ટિ તેમણે કદી છોડી નથી.

આમ જુઓ તો સરદાર કાંઈ ઝાઝા દેખાવડા નહોતા. રંગે પણ સાવ શ્યામવર્ણ. તેમનો બાંધો પાતળો અને ઊંચાઈ પાંચ ફૂટ પાંચ ઈંચ. વળી ભરજુવાનીએ તેમને માથામાં ટાલ પડવા માંડી હોવાથી તેમનું મોટું કપાળ વધારે મોટું લાગતું હતું. વળી અસલ ચરોતરી છ ગામ પટેલોના સરેરાશ પુરુષોમાં જોવા મળતી મોટી, જાડી, ભરાવદાર મૂછો પણ સરદાર રાખતાં હતા. એમનો ગંભીર ચહેરો, આરપાર વીંધી નાંખતી આંખો અને ચહેરા ઉપરની કડકાઈ સામાવાળાને પહેલી નજરે તો ગભરાવી જ મૂકે, અને તો ય સરદાર શત્રુના હૃદયને જીતી શક્યા હોય એવા અનેક દાખલાઓ નોંધાયેલા છે.

આમ જુઓ તો સરદારનું આવું આંતર-બાહ્ય વ્યક્તિત્વ પહેલી જ નજરે મળે અને સમજવા બેસો તો વર્ષોના વર્ષો ચળે. કારણ કે સાદગી, ગરીબાઈ અને નિરસતાથી ભર્યું ભર્યું હતું તેમનું બાળપણ અને કિશોરવય.

પેટલાદ અને નડિયાદના શાળાજીવન દરમ્યાન તેઓ માથે જરીભરતની ટોપી પહેરતાં. ખમીસ તો આખી બાંયનું જ હોય અને તેની નીચે અડધું પાટલૂન પહેરતાં હતા. એક સાદા વિદ્યાર્થી પોષાક સાથે તેઓ ભણતર કરતાં ગણતરમાં, ચોપડીયા જ્ઞાાન કરતાં મેદાની રમતમાં વધારે પાવરધા સાબિત થતાં. શાળામાં રમાતી ગિલ્લીદંડા, હુતુતુતુ, ખોખો, ગેડીદડો અને આમલીપીપળી જેવી રમતોમાં તેઓ હંમેશા આગળ જ રહેતાં. (યાદ રહે, રમત કોર્ટકેસની હોય, સ્વતંત્રતા માટેની વ્યુરચનાની હોય, અંગ્રેજો કે મુસ્લિમલીગ સાથે વાટાઘાટોની હોય, રજવાડાઓને ખાલસા કરવાની હોય કે પછી ગુજરાત ક્લબમાં બ્રીજના પાનાની હોય, સરદાર હંમેશા એમાં અજેય રહ્યાં હતાં.)

આમ તો એ વખતે શાળામાં ભણતાં વિદ્યાર્થીએ સાવ સાદા પોષાકમાં સ્કૂલે જવાનો શિરસ્તો હતો. છતાં તેમણે નડિયાદ હાઈસ્કૂલમાં બે-એક વખત મોભાદાર પાટીદાર પહેરે તેવી પાઘડી પહેરીને જવાની ટીખળ કરી હતી. એ પછી ૧૯૦૪-૧૯૦૫ના વર્ષો દરમ્યાન તેઓ જ્યારે બોરસદ કોર્ટમાં વકીલાત કરતાં હતા ત્યારે પાટીદાર ઢબની પાઘડી પહેરીને જ કોર્ટમાં વકીલાત કરવા જતા હતા. વળી ઘણીવખત તેઓ બોરસદના રેવન્યુ ખાતાના અમલદારો જેવો ફેંટો, કસબી કિનારવાળો સફેદ ફેંટો પહેરતાં હોવાનું પણ નોંધાયું છે.

કોને હતી એવી ખબર કે જીવનની વ્યવસાયિક કારકીર્દિમાં સુટેડબુટેડ સિગારેટધારી સરદારે બૅરિસ્ટર થવા માટે ઈંગ્લેન્ડનો સ્વાદ જ્યાં સુધી ચાખ્યો ન હતો, ત્યાં સુધી તેમણે પાટીદારી પોશાકમાં, પરંપરાગત પહેરવેશમાં જ જીવનની મહત્ત્વની પચ્ચીશી ગાળી હતી. ત્યારે કોઈને એવી એંધાણી પણ નહોતી કે સાવ સામાન્ય દેખાવનો, સામાન્ય ઘરનો અને સામાન્ય ભણતરવાળો આ કિશોર આગળ જતાં અંગ્રેજી ઢબના મહામોંઘા કપડાનો અને જીવનશૈલીનો પૂરેપૂરો ઉપભોગ કરનારો હશે.

સરદારના નસીબમાં જીવનકર્મની ચાર-ચાર ભઠ્ઠીઓમાં જાતને તપાસવાનું લખાયું હતું. એ પૈકી પહેલી ભઠ્ઠી હતી બાળપણ અને કિશોરવય, જ્યારે અભાવો વચ્ચે ઉભરવાનું હતું. બીજી ભઠ્ઠી એટલે આર્થિક સંકડામણ વચ્ચે વકીલાતનું ભણવાનું અને લગ્નજીવન શરૂ કરવાનો પડકાર, ત્રીજી ભઠ્ઠી હતી ઈંગ્લેન્ડમાં સમય, સગવડ અને પૈસાની અછત વચ્ચે બૅરિસ્ટર થવાની અને અમદાવાદમાં ધિક્તી વકીલાત સુધી પહોંચવાનો પડકાર, અને ચોથી ભઠ્ઠી હતી માંડ અંગ્રેજી રહેણીકરણી જેવી સમૃદ્ધી આવી ત્યાં જ ગાંધીસૈનિક બનીને દેશને માટે ફનાગીરી વ્હોરી લેવાનું સમર્પણ.

આ માટે સરદાર જીવનના જે ત્રણ તબક્કાઓ છે, એ તેમના જે-તે સમયના રૂઆબ, પહેરવેશ અને પરિસ્થિતિથી તરત પમાય તેવાં છે. કિશોરવય સુધી સાવ મધ્યમ કક્ષાનો પરિવાર હોય તેવો સાદો પોશાક હતો. યુવાનીના ચઢતાં સૂરજે અંગ્રેજીયત દેખાડતો દેખાડો હતો, અને ઢળતી યુવાનીથી જીવન ઢળ્યું ત્યાં સુધી ફરી પાછું ચરોતરી ધોતિયું, પહેરણ અને શાલ નાંખેલો સાદગીપૂર્ણ પારંપરિક પહેરવેશ, એ સરદારની કાયમી ઓળખ હતો. 

ગાંધીજીએ એક જાહેરભાષણમાં, ઈ.સ.૧૯૧૮નો ખેડા સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે, તેમના વતન કરમસદમાં, કહ્યું હતું કે 'ભાઈ વલ્લભભાઈનું આ વતન છે. વલ્લભભાઈ જો કે હજુ ભઠ્ઠીમાં છે, એમને સારી રીતે તપવાનું છે; તો પણ મને તો લાગે છે કે એમાંથી આપણે કુંદન કાઢીશું.' (હિંદના સરદાર, લેથરાવજી પટેલ,પૃ.૫૦)

વલ્લભભાઈએ ગાંધીશરણ અને સૈનિકપણું સ્વીકાર્યું એ પહેલાનું તેમનું જીવન તો પહેરવે, બોલવે, દેખાવે, વિચારે કેટલું અંગ્રેજમય હતું, એ તો એમના એ વખતના પહેરવેશ પરથી જ ખબર પડી જાય. આંખોને આંજી નાંખે તેવો હતો તેમનો એ વખતનો ફેશનેબલ પહેરવેશ. જેણે ગુજરાત ક્લબમાં ગાંધીજીની ઠઠ્ઠા મશ્કરી કરતી વખતે સ્હેજેય શરમ-સંકોચ અનુભવ્યા નહોતા. એ પહેરવેશવાળા અંગ્રેજિયત સરદાર વિશેની વાતો પણ જાણવા જેવી, રસપ્રદ છે.


Google NewsGoogle News