Get The App

કેન્સર સામેના સંઘર્ષ સાથે ટેનિસ કોર્ટમાં ગેબ્રિયેલા ડાબ્રોવસ્કીની સફળતા

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
કેન્સર સામેના સંઘર્ષ સાથે ટેનિસ કોર્ટમાં ગેબ્રિયેલા ડાબ્રોવસ્કીની સફળતા 1 - image


- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- જ્યારે જિંદગીમાં બધુ છીનવાઈ જવાનો ભય સર્જાયો, ત્યારે જ મેં દરેક પળને મનભરીને માણી લેવાનું નક્કી કર્યું અને તેના પગલે જ સફળતાનો સિલસિલો શરુ થયો : ડાબ્રોવસ્કી

- કેનેડાની મહિલા ખેલાડીએ કેન્સરની સર્જરી બાદ વિમ્બલ્ડનમાં રનરઅપ બની ને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ સફળતા મેળવી

જિં દગીની સફર ક્યારેય ક્યાંય અટકી જતી નથી, પણ તે નિરંતર આગળ વધતી રહે છે. જ્યારે એવુ લાગે કે અંત આવી રહ્યો છે, ત્યારે તે જ બિંદુ નવી શરુઆતના આરંભનો વિકલ્પ પણ આપે છે. આ જ વિકલ્પ એક નવો ઈતિહાસ રચવાની દિશાનું નિદર્શન કરનારો બની રહે છે. આ જ કારણે કહેવાય છે કે, જ્યારે ઈશ્વર એક દરવાજો બંધ કરી દે છે, ત્યારે બીજા અનેક દરવાજા ખોલી નાંખે છે. જ્યારે કશુ પણ ગુમાવવાનો ભય રહેતો નથી, ત્યારે જ વ્યક્તિ તેની ખરી ક્ષમતાઓને ઓળખી શકે છે અને તેના થકી જ અલગ જ ઊચાઈને હાંસલ કરી શકે છે. આ જ પ્રકારે આંતરરાષ્ટ્રીય ટેનિસમાં છેલ્લા ૧૧ વર્ષથી સંઘર્ષ કરી રહેલી કેનેડાની મહિલા ડબલ્સ ટેનિસ ખેલાડી ગેબ્રિયેલા ડાબ્રોવસ્કીએ છેલ્લા એક વર્ષમાં સફળતાની હારમાળા સર્જીને ખળભળાટ મચાવ્યો છે.

ડાબ્રોવસ્કીએ મહિલા ટેનિસની ડબલ્સ કેટેગરીમાં કારકિર્દીનો શ્રેષ્ઠ એવો વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજો ક્રમ ગત વર્ષે જ હાંસલ કર્યો હતો. વર્ષ ૨૦૨૩માં સિઝનના આખરી ગ્રાન્ડ સ્લેમ યુએસ ઓપનની મહિલા ડબલ્સ કેટેગરીમાં ડાબ્રોવસ્કીએ અને ઓસ્ટ્રેલિયાની એરિન રોઉટલિફની જોડી વિજેતા બની. જે તેની કારકિર્દીનું સૌપ્રથમ મહિલા ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ હતુ. આ પછી ગત વર્ષે તેણે વિમ્બલડન ગ્રાન્ડ સ્લેમમાં રનરઅપ ખિતાબની સાથે પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક પણ હાંસલ કર્યો અને ટેનિસ સિઝનની આખરી તેમજ એલિટ ગણાતી ડબલ્યુટીએ ટૂર વર્લ્ડ ફાઈનલ્સ ટુર્નામેન્ટ ટ્રોફી પણ જીતી લીધી.

છેક ૩૨ વર્ષની વયે પહોંચ્યા બાદ ડાબ્રોવ્સકીએ સફળતાનો જે સિલસિલો આગળ ધપાવ્યો, તે ખરેખર અણધાર્યો અને આશ્ચર્યજનક બની રહ્યો છે. માત્ર કેનેડામાં જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય ટેનિસ જગતે પણ તેની આ સિદ્ધિને બિરદાવી, જોકે ડાબ્રોવસ્કીએ આખા ટેનિસ જગત અને ચાહકોને આંચકો આપતાં જાહેરાત કરી કે, તે છેલ્લા એક વર્ષથી બ્રેસ્ટ કેન્સરની સામે સંઘર્ષ કરી રહી છે અને તેણે આ બધી સફળતા તેણે આ સંઘર્ષ દરમિયાન જ હાંસલ કરી હતી. જોકે હવે તેની હાલતમાં ઘણો સુધારો થઈ ગયો છે.

કેનેડાની મહિલા ટેનિસ ખેલાડીએ કેન્સર સામેના સંઘર્ષ દરમિયાન ટેનિસના કોર્ટમાં પણ લડત આપતાં જે પ્રકારનો જુસ્સો દેખાડયો તે જ તેની સફળતાના પાયામાં રહેલો છે. કેન્સરનું નામ જ વ્યક્તિને શારિરીક અને માનસિક રીતે હચમચાવી નાંખે તેવું છે, ત્યારે તેની અત્યંત મુશ્કેલ સારવાર અને ઓપરેશનનનો સામનો કર્યા બાદ ડાબ્રોવ્સ્કીએ જે પ્રકારના ઝનૂન સાથે પુનરાગમન કર્યું અને પણ તે પણ સાવ ચૂપકિદીથી - તે બાબત જ તેના મક્કમ મનોબળ અને ઉત્કટ જિજીવિષાના પુરાવારુપ બની રહી છે. આંતરરાષ્ટ્રીય ટેનિસમા મહિલા પ્રોફેશનલ ખેલાડી તરીકેની ૧૪ વર્ષની મજલ કાપનારી ડાબ્રોવસ્કી અત્યાર સુધીમાં કુલ મળીને ૧૭ ટાઈટલ જીતી ચૂકી છે.

ડાબ્રોવસ્કીને કારકિર્દીનું સૌપ્રથમ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવામાં ભારતના ધુરંધર ખેલાડી રોહન બોપન્નાનો સાથ મળ્યો હતો. તેમણે ૨૦૧૭માં ફ્રેન્ચ ઓપન ટાઈટલ પોતાના નામે કર્યું હતુુ. આ પછી ડાબ્રોવસ્કીએ ક્રોએશિયાના મેટ પાવિચ સાથે જોડી જમાવી હતી અને ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયન ઓપન મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ તેઓ સતત બે વખત ફ્રેન્ચ ઓપનની ફાઈનલ રમ્યા પણ તેમને રનરઅપના ખિતાબથી સંતોષ માનવો પડયો. આ પછી તેણે મહિલા ડબલ્સમાં વધુ ધ્યાન આપવાનું શરુ કર્યું અને ચીનની શુ યીફાન સાથે ૨૦૧૯માં વિમ્બલડનની ફાઈનલ સુધીની સફર ખેડી.

ગ્રાન્ડ સ્લેમની ડબલ્સ સ્પર્ધામાં છેક ફાઈનલની નજીક પહોંચ્યા બાદ થોડા માટે ચૂકી જતી ડાબ્રોવસ્કીનું ભાગ્ય જાણે અચાનક જ ચમકવા માંડયું. એક તરફ જીવન ટકાવવાનો સંઘર્ષ અને ટેનિસ કોર્ટ પર બેેફિકર અંદાજમાં રમવાનું ઝનૂન ડાબ્રોવસ્કીને સફળતાના નવા આકાશ સુધી લઈ ગયું.

પોલીશ મૂળની અને કેનેડામાં જ જન્મેલી ડાબ્રોવસ્કીની ટેનિસની કારકિર્દીની શરુઆત સરેરાશ રહી હતી. તેણે કારકિર્દીની પ્રારંભમાં તો સિંગલ્સ ટેનિસમાં સફળતા મેળવવામાટે સખત પ્રયાસ કર્યા, પણ એક તબક્કે પહોંચ્યા બાદ તેણે તેની મર્યાદાને સ્વીકારી લેતાં ડબલ્સની રમતને અપનાવી લીધી અને ત્યાર બાદ તેની કારકિર્દીનો ખરો ઉદય થયો. આંતરરાષ્ટ્રીય ટેનિસમાં ડબલ્સ ખેેલાડી તરીકેની ઓળખ ઉભી કરનારી ડાબ્રોવસ્કીને બ્રેસ્ટ કેન્સરે ૨૦૨૩માં જ પરેશાન કરવાનું શરુ કરી દીધું હતુ. જો કે શરુઆતમાં તો તેણે તેના તરફ ધ્યાન જ ન આપ્યું. આ જ દરમિયાન તે ૨૦૨૩માં યુએસ ઓપનમાં મહિલા ડબલ્સનો ખિતાબ જીતવામાં સફળ રહી.

જોકે ૨૦૨૪ના પ્રારંભ બાદ પરેશાનીમાં વધારો થવા માંડયો અને આ જ કારણે આખરે ડોક્ટરે તેને મેમોગ્રાફી કરાવવાની સલાહ આપી. આ પછી તેને ખબર પડી કે તેને બ્રેસ્ટ કેન્સર છે. અલબત્ત, તેને પ્રારભિક તબક્કામાં જ  તેનું નિદાન થતાં સારવાર શક્ય બની શકી. અલબત્ત, તેણે ઈજાના સમાચાર ચાહકો અને મીડિયાથી છુપાવવાનું નક્કી કર્યું અને તેમાં તેના પરિવાર અને સાથી ખેલાડીઓએ પણ સહકાર પુરો પાડયો.

એપ્રિલ મહિનામાં ડાબ્રોવસ્કીને બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું અને તે પછી તેના પર બે વખત સર્જરી કરવામાં આવી. આ ઉપરાંત સર્જરી બાદની લાંબી સારવારનો સિલસિલો શરું થયો.  સર્જરી અને તેમાંથી બહાર આવવા માટે તેણે ત્રણ મહિનાનો વિરામ લીધો. જોકે દરેક પળે તે ટેનિસમાં પુનરાગમન અંગે જ વિચાર કરતી.

હકારાત્મક વાતાવરણ અને ફરી પૂર્વવત્ જિંદગીને પામી લેવાની અદમ્ય ચાહતને કારણે ડાબ્રોવસ્કીની સાજા થવાની પ્રક્રિયા ખુબ જ ઝડપી બની રહી અને તેણે તેની ઓસ્ટ્રેલિયન જોડીદાર એરિન રોઉટ્લીફની સાથે ગ્રાસ કોર્ટ પર રમાયલી નોટિંગહામ ઓપનમાં સફળતાપૂર્વક પુનરાગમન કરતાં ટાઈટલ જીતી બતાવ્યું. આ સમયે માત્ર એરિન અને તેના અંગત સ્વજનો-મિત્રો જ જાણતા હતા કે, ડાબ્રોવસ્કી માટે આ ટાઈટલ કેટલું મહત્વનું હતું. આ પછી તેણે જુલાઈમાં યોજાયેલી અત્યંત પ્રતિષ્ઠિત એવી વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધીની સફર ખેડી અને ત્યાં તેનેઅને રોઉટ્લીફને રનરઅપ ટાઈટલથી સંતોષ માનવો પડયો હતો. 

ડાબ્રોવસ્કીએ બ્રેસ્ટ કેન્સરની સર્જરી બાદની સારવાર માટેની તબીબી સલાહને અવગણીને વિમ્બલ્ડનમાં અને ત્યાર બાદ પેરિસ ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો. 

ડાબ્રોવસ્કી અને લયલા ફર્નાન્ડીઝની જોડી પેેરિસ ગેમ્સની મહિલા ડબલ્સમાં બીજા રાઉન્ડમાં જ હારી ગઈ. જોકે ડાબ્રોવસ્કી અને આલિયાસીમની મિક્સ ડબલ્સની જોડીએ જબરજસ્ત દેખાવ કરતાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો. આ સાથે કેનેડાને ઓલિમ્પિક ટેનિસના ઈતિહાસમાં ૨૪ વર્ષ બાદ ચંદ્રક જીતવામાં સફળતા મળી. આ અગાઉનો ઓલિમ્પિક ટેનિસમાં કેનેડાને વર્ષ ૨૦૦૦ની સીડની ગેમ્સમાં ચંદ્રક મળ્યો હતો, ત્યારે કેનેડાના ડેનિયલ નોસ્ટર અને સેબાસ્તીયન લારેયુની જોડીએ પુરુષ ડબલ્સમાં સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો હતો. ઓલિમ્પિકમા ઐતિહાસિક કાંસ્ય ચંદ્રક જીત્યા બાદ તેણે રાહતનો શ્વાસ લીધો હતો અને કેન્સરની બીમારી માટે બાકી રહેલી રેડિયેશન થેરાપીના સેશન પૂર્ણ કર્યા હતા.  રેડિયેશન થેરાપીની શરીરને ગંભીર અસર થઈ હોવા થતાં ડાબ્રોવસ્કી તેની જોડીદાર રોઉટ્લીફ સાથે મળીને સિઝનની આખરી યુએસ ઓપન ગ્રાન્ડ સ્લેમમાં  રમવા ઉતરી હતી અને તેણે છેક ક્વાર્ટર ફાઈનલ સુધીની સફર ખેડી હતી. 

સમસ્યાઓથી ઘેરાયેલી હોવા થતાં ટેનિસ કોર્ટ પર કાયમ હસતા ચહેરે રમતી રહેલી ડાબ્રોવ્સ્કીએ સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાયેલી ડબલ્યુટીએ વર્લ્ડ ટુર ફાઈનલ્સ ટુર્નામેન્ટ જીતી લીધી હતી અને સાથે તેમને કુલ મળીને આશરે સાડા આઠ કરોડ રૂપિયા (૮ લાખ પાઉન્ડ) જેટલી જંગી રકમ ઈનામ તરીકે મળી હતી. વધુમાં તે ટેનિસ સિઝનની આખરી ટુર્નામેન્ટ જીતનારી  રસપ્રદ બાબત એ રહી કે, આ ટુર્નામેન્ટ દરમિયાન જ તેણે બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે પિંક બોલનો પણ ઉપયોગ કર્યો હતો. જોકે ત્યારે કોઈ સમજી શક્યું નહતુ કે, હાલમાં તે ખુદ જ બ્રેસ્ટ કેન્સર સામે સંઘર્ષ કરી રહી છે. સિઝનની આખરી ટુર્નામેન્ટ જીત્યા બાદ તેણે બાકી રહેલી હોર્મોનલ થેરાપી ફરી શરુ કરાવી હતી અને આખરે દુનિયાની સામે ખુલાસો કર્યો હતો કે, છેલ્લા એક વર્ષથી હું બ્રેસ્ટ કેન્સર સામે સંઘર્ષ કરી રહી છું. 

ડાબ્રોવસ્કી કહે છે કે, જ્યારે જિંદગીમાં બધુ જ છીનવાઈ જવાનો ભય સર્જાયો, તે સમયે પરિણામની પરવા છોડી દીધી. બસ જિંદગીની પળેપળને ચહેરા પરના સ્મિત સાથે માણી લેવાનું નક્કી કર્યું અને તેના પગલે જ સફળતાનો સિલસિલો શરુ થયો. મને આજે પણ આ બધુ સ્વપ્ન સમાન લાગે છે. છેલ્લા છ મહિનાથી ટેનિસ કોર્ટમાં મારા ચહેરા પર વધુને વધુ સ્મિત રેલાતું જોવા મળશે અને તે ખરા દિલનું સ્મિત છેે. કેન્સરના કારણે જિંદગી તરફનો મારો સમગ્ર દ્રષ્ટીકોણ જ બદલાઈ ગયો છે અને કદાચ હું હવે વધુ ખુશ રહેવા લાગી છું. 


Google NewsGoogle News