દુર્ઘટના નિવારણનું અભિયાન .
- આજકાલ-પ્રીતિ શાહ
- ડૉ. માયા ટંડને સહાયતા ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી તેઓ માર્ગસુરક્ષા અંગે માર્ગદર્શન આપે છે
એ મ કહેવાય છે કે શિક્ષક અને ડૉક્ટર કદી નિવૃત્ત થતા નથી. જો તેમની ઇચ્છા હોય તો મૃત્યુપર્યંત તેઓ કોઈ સેવા કે રચનાત્મક કામ કરીને સમાજમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપી શકે છે. આવી એક વ્યક્તિ છે ડૉ. માયા ટંડન. આજે ૮૭ વર્ષે પણ તેઓ કાર્યરત છે. અજમેરમાં સુખી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો અને ત્યાં જ તેઓ મોટા થયા. તેમનો પરિવાર શ્રીમંત અને શિક્ષિત હોવાથી તેમને જે ક્ષેત્રમાં કારકિર્દી ઘડવી હોય તેની સંપૂર્ણ સ્વતંત્રતા હતી. દિલ્હીની મેડિકલ કૉલેજમાં અભ્યાસ કર્યો. એ પછી અજમેરમાં ઇન્ટર્નશિપ કરી. અહીં જ તેમને તેમના પતિની મુલાકાત થઈ અને લગ્ન કરીને જયપુરમાં સ્થાયી થયા. તેમણે ૧૯૬૮માં પુત્રને જન્મ આપ્યો. એ પછી એનેસ્થિસિયોલૉજીમાં ડિપ્લોમા કરવાનો વિચાર કર્યો. એની પાછળનું કારણ એવું હતું કે આ ક્ષેત્રમાં તેઓ પરિવારની સંભાળ લેતા લેતા કામ કરી શકે તેમ હતું.
૧૯૭૨માં એમણે એનેસ્થેસિયામાં એમ.એસ.ની ડિગ્રી હાંસલ કરી. એ સમય દરમિયાન પુત્રીનો જન્મ પણ થયો. જયપુરની એક મેડિકલ કાલેજમાં એનેસ્થેસિયા વિશે વ્યાખ્યાન આપવા ગયા હતા અને ત્યાં તેમને લંડનમાં પીડિયાટ્રિક અર્થાત્ બાળકોને એનેસ્થેસિયા આપવા અંગેના અભ્યાસ માટે ફેલોશિપ મળી. પરિવારના સહયોગને કારણે તેઓ લંડન જઈને અભ્યાસ કરી શક્યા. અભ્યાસ પૂર્ણ કરીને જયપુરમાં કામ કરવા લાગ્યા. તેઓ એનેસ્થેસિયોલોજિસ્ટની ભૂમિકાને પડદા પાછળની નોકરી કહે છે. તેમણે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં એનેસ્થેસિયા વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત રહીને હોસ્પિટલના મેનેજમેન્ટ ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું. ૧૯૮૫માં તેઓ જ્યારે નિવૃત્ત થવાના હતા, ત્યારે રાજસ્થાન પોલીસ અકાદમીએ તેમનો સંપર્ક કર્યો અને વિનંતી કરી કે તેઓ માર્ગસુરક્ષા અને જીવનરક્ષા પર ત્રણ દિવસનો અભ્યાસક્રમ પોલીસદળને શીખવે. એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે આ ઘટના તેમના નિવૃત્તિકાળના જીવનની દિશા નક્કી કરશે.
આ કોર્સ એટલો સફળ થયો કે જયપુર અને તેની આસપાસના હાઈ-વે પર ફરજ બજાવતા બધા વરિષ્ઠ અધિકારીઓને આ કોર્સ કરવા મોકલ્યા. એક-બે ઘટના એવી બની કે ડૉ. માયા ટંડનને ખુદ આ કોર્સનું અત્યંત મહત્ત્વ સમજાયું. તેમના કોર્સ સમયે એક ફોટોગ્રાફર ફોટા પાડવા આવેલો. એ એક માર્ગ દુર્ઘટનામાં ઘાયલ થયો, ત્યારે તેને લાગ્યું કે તેના પગ અને પીઠની અંદર લોહી વહી રહ્યું છે. તેણે કોઈને મદદ કરવા કહ્યું અને એવી સ્થિતિમાં બેસાડવાની સૂચના આપી કે લોહી વહેતું બંધ થઈ જાય. તાત્કાલિક આવાં પગલાં લેવાથી તેનો જીવ બચી ગયો અને ડૉ. માયા ટંડનને ફોન કરીને કહ્યું કે તેમને કારણે જ તે આજે જીવિત છે. આ સમયે એક વાતની ખબર પડી કે તે સમયે ભીડમાં ઊભેલા લોકોમાંથી કોઈને જીવનરક્ષક પદ્ધતિની ખબર નહોતી. પછી તો લોકોને આ અંગે જાગૃત કરવા તે એમનું પેશન બની ગયું.
આને માટે ડૉ. માયા ટંડને સહાયતા ટ્રસ્ટની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી તેઓ માર્ગસુરક્ષા અંગે માર્ગદર્શન આપે છે. તેઓ આ અંગે નિ:શુલ્ક કોર્સ ચલાવે છે. તેઓનો ઉદ્દેશ વધુને વધુ લોકો સીપીઆર અર્થાત્ કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન શીખે. તેઓ અકસ્માત સમયે તાત્કાલિક શું કરવું જોઈએ તે અંગે જાગૃતિ ફેલાવે છે. તેઓ વિવિધ કાયદા અને પોલીસ તપાસ અંગે પણ માહિતી આપે છે. આ બધી બાબત અંગેના અભ્યાસક્રમ, સેમિનાર અને વ્યાખ્યાન આપે છે, કારણ કે ગ્રામીણ પ્રદેશોમાં જાગૃતિનો તદ્દન અભાવ જોવા મળે છે. માહિતીના અભાવને કારણે દુર્ઘટના સમયે હાજર લોકો ઘાયલ વ્યક્તિને સહાય કરવામાં ખચકાટ અનુભવે છે. જો હૃદયરોગને કારણે કોઈ વ્યક્તિ બેભાન થઈ ગઈ હોય તો સીપીઆર આપવાથી તે બચી શકે છે.
ડૉ. માયા ટંડનને સૌથી મુશ્કેલ વાત લોકોને વર્કશોપમાં કે સેમિનારમાં સામેલ કરવાની છે, પરંતુ તેઓ વધુને વધુ લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય તેનો અવિરત પ્રયાસ કરે છે. તેઓ ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે સેમિનાર કરે છે. વર્કશોપ ઉપરાંત રેલી કાઢે છે અને શેરી નાટક પણ કરે છે. તેમણે સેમિનાર અને કોર્સનું એક મૉડેલ બનાવ્યું છે. દુર્ઘટનાની પરિસ્થિતિ સમયે પહેલી દસ સેકન્ડમાં શું કરવાનું તે શીખવે છે. અકસ્માત વખતે સૌથી પહેલાં તો રક્તસ્ત્રાવની તપાસ કરવી જોઈએ. ફેફસાં અને હૃદય બંધ પડી ગયા હોય તો સીપીઆરની મદદ લેવી જોઈએ. તેઓ સરકારી એજન્સીઓ સાથે મળીને મૉલ, ઍરપોર્ટ અને જાહેર જગ્યાએ ઈમરજન્સી સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. ૮૭ વર્ષના ડૉ. માયા ટંડને અત્યાર સુધીમાં સવા લાખથી વધુ લોકોને આવી તાલીમ આપી છે. વિશ્વમાં માર્ગ અકસ્માત અને તેમાં થનારા મૃત્યુની સંખ્યામાં ભારત સૌથી આગળ છે. તેનો ઉકેલ મેળવવા માટે તેઓ એવા મૉડલ પર કામ કરી રહ્યા છે કે જેથી ગ્રામીણ વિસ્તારના લોકોને તાલીમ મળી શકે અને તે લોકો અન્ય લોકોને એ તાલીમ આપી શકે.
વિચરતી જાતિનો પારસમણિ
ઓળખાણ ટ્રસ્ટ દ્વારા વિચરતી જનજાતિને પોતાની ઓળખ અને અધિકાર મળી શકે, જેના તેઓ હકદાર છે અનેે એ માટે પારસ સતત પ્રયત્નશીલ છે
રા જસ્થાનની બંજારા જનજાતિમાં પારસનો જન્મ થયો હતો. પરિવારમાં માતા-પિતા અને પારસથી મોટા આઠ ભાઈબહેન હતા. તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતાં રહેતા રહેવાથી ક્યારેય સ્કૂલે ગયા નહોતા. પારસના પિતા અને દાદા મીઠું વેચતા તથા ખેડૂતોને પશુઓ વેચતા હતા. ધીમે ધીમે તેઓ મજૂરી કરવા લાગ્યા. મજૂરી કરતાં કરતાં પારસનો પરિવાર એક જગ્યાએ સ્થિર થયો. પારસ બાર વર્ષનો હતો ત્યારે તેને સ્કૂલે મૂકવામાં આવ્યો. કેટલાક શિક્ષકો જે બાળકો સ્કૂલે ન જતા હોય તેને ઘરે આવીને પોતાની સાથે લઈ જતા, પરંતુ પારસ માટે આ સાવ અજાણી અને અનોખી દુનિયા હતી. પારસને ત્યાંની ભાષા આવડતી નહોતી, તેથી કોઈની સાથે વાત કરી શકતો નહોતો તો કેટલાંક બાળકો તે બંજારા સમુદાયમાંથી આવતો હતો તેથી તેની સાથે વાત કરવા માગતા નહોતા.
પારસ કહે છે કે તેના માતા-પિતાએ તેને ભણાવવા માટે જે કંઈ થઈ શકે તે સઘળી મહેનત કરી અને ખર્ચ પણ કર્યો. તે અભ્યાસ પૂરો કરીને મજદૂર કિસાન શક્તિ સંગઠન સાથે જોડાયો, જે માહિતીના અધિકાર અંગે અને મજૂરો માટે યોગ્ય વેતનના અધિકારની રક્ષા કરવાનું કામ કરે છે. આ સંગઠનમાં તેને મહિને બાવીસ સો રૂપિયા મળતા હતા. પારસના પરિવારે પારસના શિક્ષણ પાછળ ખર્ચ કર્યો હતો, તેથી એમને માટે આટલા ઓછા પગારમાં પારસ કામ કરે તે સ્વીકારવું મુશ્કેલ હતું, પરંતુ પારસ માનતો હતો કે આ સંગઠન તેને માટે ઈશ્વરે મોકલ્યું છે, કારણ કે ત્યાં રહીને તે સમાનતાનો અર્થ સમજ્યો. તેણે જોયું કે વિચરતી જનજાતિ અને સ્થાયી સમુદાયો વચ્ચે ભૌતિક અંતર હોવાને કારણે સામાજિક અને સાંસ્કૃતિક અંતર છે. આ સમુદાય પાસે રાશન કાર્ડ, મતદાન ઓળખપત્ર, જન્મ પ્રમાણપત્ર કે પોતાની ઓળખના કોઈ દસ્તાવેજ નથી. જાતિ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા જેવી સરળ પ્રક્રિયા ઘણા લોકોને મુશ્કેલ લાગતી હતી, કારણ કે તે સમુદાયના મોટાભાગના લોકો સ્કૂલે ગયા નહોતા. દસ્તાવેજ ન હોવાને કારણે શિક્ષણના મૂળભૂત અધિકારથી તેઓ વંચિત રહેતા હતા. આ બધી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પારસ બંજારાએ ૨૦૧૮માં ઓળખાણ ટ્રસ્ટની સ્થાપના કરી, જે વિચરતી જાતિઓને દસ્તાવેજીકરણ કરવામાં મદદ કરે. તેમની પાસે સ્વયંસેવકો અને કર્મચારીઓ છે, જે લોકોને સરકારી ઑફિસ જઈને દસ્તાવેજ બનાવવામાં મદદ કરે છે.
ઓળખાણ ટ્રસ્ટના બત્રીસ વર્ષના તેના સાથી રાજમલ ભીલે બસોથી વધારે લોકોને તેમના જાતિ પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરી છે. એ લોકોને પંચાયત કાર્યાલય પહોંચાડીને ફોર્મ ભરી આપે છે. દિવસે મજૂરી કરતા લોકો માટે તેમણે સ્થાનિક સાયબર દુકાન રાત્રે ખોલાવી જેથી પોતાની રોજની કમાણી ગુમાવ્યા વિના દસ્તાવેજ તૈયાર કરી શકે. ટ્રસ્ટ દ્વારા શિબિરોનું આયોજન કરીને આશરે ચારસો વ્યક્તિઓને જાતિનું પ્રમાણપત્ર અને અન્ય સરકારી આઇડેન્ટીટી કાર્ડ મેળવવામાં મદદ કરી છે. રાજસ્થાનની વસ્તીમાં આશરે આઠ ટકા વસ્તી વિચરતી જનજાતિની છે. આ સમુદાયની સૌથી મોટી સમસ્યા જમીનની માલિકીની છે, કારણ કે આ જનજાતિ અસ્થાયી જગ્યાઓમાં રહે છે, તેથી એમના કબજાવાળી જમીન પર કોઈ કાનૂની હક નથી હોતો. તેથી સરકારી અધિકારીઓ અને ગામના સ્થાનિક લોકોની દખલગીરીનો સતત ભય રહે છે.
ઓળખાણ ટ્રસ્ટની સ્થાપના પહેલાં પારસ બંજારાએ મજદૂર કિસાન શક્તિ સંગઠન સાથે મળીને 'પંટ્ટા અભિયાન' શરૂ કરવામાં મદદ કરી હતી, જેનો ઉદ્દેશ વિચરતી જાતિના પરિવારો માટે જમીન અધિકાર સુરક્ષિત કરવાનો હતો. ૨૦૧૨માં જયપુરમાં 'જન સુનવાઈ' સમયે આ જાતિની ફરિયાદ સાંભળી અને નક્કી કર્યું કે બીપીએલ શ્રેણીમાં આવતા લોકોને તેઓ જ્યાં રહે છે ત્યાં 'પટ્ટો' આપવામાં આવશે, પરંતુ પંચાયત કાર્યાલયોમાં કાર્ય કરતા કર્મચારીઓની માનસિકતા અવરોધરૂપ બનતી હતી. તેઓ રૂઢિવાદિતાને કારણે આ જાતિને જમીન આપવા ઇચ્છતા નહોતા. પારસે લોકો સાથે વાત કરવાની શરૂ કરી અને દસ્તાવેજ બનાવવામાં મદદ કરી. માર્ગદર્શન આપ્યું. અરજી કેવી રીતે લખવી તે સમજાવ્યું. જેમને લખતા નહોતું આવડતું તેમને મદદ કરી. પારસ અને તેની ટીમની મહેનતથી ભીલવાડા જિલ્લામાં એક હજાર પટ્ટા મેળવી શકાયા. જોકે હજી ઘણા લોકો ભૂમિહીન છે. આ લોકોને સરનામું મળવાથી રાશન મળવું શરૂ થયું. પારસ બંજારાએ મુખ્ય બંને રાજકીય પક્ષો સાથે કામ કર્યું છે અને આ બધા મુદ્દાઓને ચૂંટણીના ઘોષણાપત્રમાં સામેલ કરવાનો આગ્રહ કર્યો. એ લોકોએ રોજગાર અધિકાર અભિયાનને સહયોગ આપ્યો. પારસ બંજારાએ ભેદભાવ સામે લડવામાં, મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો મેળવવામાં, રાજસ્થાનની વિચરતી જનજાતિ માટે જમીનની માલિકી મેળવવામાં પોતાના જીવનના બે દાયકા સમર્પિત કર્યા છે. ઓળખાણ ટ્રસ્ટ દ્વારા વિચરતી જનજાતિને પોતાની ઓળખ અને અધિકાર મળી શકે, જેના તેઓ હકદાર છે અનેે એ માટે પારસ સતત પ્રયત્નશીલ છે.