મનના ગુલામને બદલે મનના શિલ્પી બનીએ !
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- જે વસ્તુઓ બદલી શકાતી નથી, તેના પ્રત્યે વ્યક્તિએ સ્વીકારભાવ સેવવો જોઈએ. જે છે તેનો અસ્વીકાર કરશે તો એને કદી આનંદ મળશે નહીં
મા નવજીવન એટલે બજાણિયાનો કરામતભર્યો ખેલ. રસ્તા પર ખેલ કરતા બજાણિયાને તો તમે જોયો જ હશે. ઢોલ વાગતો હોય અને બજાણિયો એક દોરડા પર વાંસની મદદથી સંતુલન કરીને ધીરે ધીરે આગળ ડગ ભરતો હોય છે. આ જગતમાં માણસની પણ આવી જ દશા છે ને ! એની ચારે બાજુ સંસારનો, વ્યવહાર જગતનો ઢોલ ઢમાઢમ વાગતો હોય છે, દોરડા પર એક એક ડગ સાવધાનીથી આગળ ભરતો સમસ્યાઓનો એ સામનો કરતો હોય છે અને બહાર કે ભીરતના વાંસની મદદથી એ જીવનનો ખેલ કરતો માનવી બની જાય છે. દોરડા પરથી નીચે પડી જાય નહીં, તે માટે એ લાંબા વાંસથી બેલેન્સ કરતો હોય છે. આપણે આપણી સમસ્યાઓનું આવી જ રીતે બેલેન્સ કરતા હોઈએ છીએ, પણ હકીકતમાં માણસનું જીવન બજાણિયાના ખેલ જેવું છે. એને સતત સમતોલન સાધવું પડે છે અને એ સમતોલન છે શરીર, મન અને અધ્યાત્મનું.
માનવી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એ ત્રણ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે. પેલા બજાણિયાની માફક એણે આ ત્રણેય વચ્ચે સમતોલન સાધવાનું છે. સંગીતસભામાં ગાયકનો અવાજ, તબલાની થાપ અને સિતારનું વાદન એ ત્રણેય એકબીજાના તાલમાં ચાલવા જોઈએ. જો ગાયક બેસૂરો બની જાય કે તબલાવાદક તબલાની ખોટી થાપ આપે કે સિતારવાદક ખોટા તાર રણઝણાવે, તો શ્રોતા એ સંગીતસભામાંથી તક મળ્યે વિદાય લઈ લે છે. આ ત્રણેય એક સાથે તાલમાં હોવા જોઈએ, એ જ રીતે માણસે પણ એની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક - એમ ત્રણેય બાબતો સાથે તાલ મેળવવો જોઈએ.
પણ માણસ સૌથી પહેલો બેતાલ એની શારીરિક બાબતમાં બને છે. સામાન્ય માનવીને પૌષ્ટિક ખોરાક નથી મળતો, તેથી એનું શરીર મજબૂત બનતું નથી. તો બીજી બાજુ કેટલાય ચટાકેદાર ભોજનની પાછળ પોતાના સ્વાસ્થ્યને હોમી દે છે. કોઈ વળી વ્યસનનો શિકાર બનીને શરીરમાં રોગને સાદર નિમંત્રણ આપતો રહે છે, તો કોઈ મોડી રાત સુધી ઉજાગરા કરીને બહાર ફરતા હોય કે પછી ઉટપટાંગ જીવન જીવતા હોય, તેઓ શરીરના આરોગ્ય તરફ બેદરકાર રહે છે. કેટલાક પ્રગતિની દોડમાં શરીરની કશી પરવા કરતા નથી અને પરિણામ એવું આવે છે કે માણસ આખી જિંદગી વૈતરુ કે મહેનત કરીને સંપત્તિ પ્રાપ્ત કરે છે, પરંતુ એ સંપત્તિની પ્રાપ્તિ પછી સુખ, આરામ કે આનંદ મેળવવાનો સમય આવે છે, ત્યારે શરીર એને સાથ આપતું નથી.
આજના સમયમાં જીમ અને યોગ વગેરે દ્વારા શરીરની મજબૂતાઈ પર કેટલાક લોકો ધ્યાન આપે છે, પરંતુ મોટેભાગે તો જીવનની કશ્મકશમાં માણસ એના શરીરના સ્વાસ્થ્યની પરવા કરતો નથી અને ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે સ્ટ્રેસની ફરિયાદ કરતો રહે છે. એક-બે દવાઓ નહીં, આખું દવાખાનું સાથે રાખે છે ! માણસના જીવનની બીજી બાબત એ એનું માનસિક સ્વાસ્થ્ય છે. કેટલાક જિંદગીભર પોતાનું મન જેમ દોડાવે, તેમ દોડતા હોય છે. મનમાં એક વિચાર આવ્યો એટલે કશુંય વધુ વિચાર્યા વિના બોલી નાખતા હોય છે અને વગર વિચાર્યા બોલાયેલાં વચનો અંતે એના જીવનમાં પારાવાર વિવાદ અને વિખવાદ સર્જતા હોય છે.
કેટલીક વ્યક્તિઓ તો સામેની વ્યક્તિ હજી બોલવાનું પૂરું કરે એ પહેલાં એની પાસેથી 'માઈક' ઝૂંટવી લે છે. તો કેટલાક પ્રતિક્રિયા આપવાની સતત ઉતાવળ કરતા હોય છે. કેટલીક વ્યક્તિઓ એ વિષયમાં કશો ઊંડાણથી વિચાર કર્યો ન હોય તો પણ વચ્ચે પ્રતિક્રિયાનો 'જંપ' લગાવી દેતી હોય છે. એની ઉતાવળ એને જ નુકસાનકારક બનતી હોય છે અને ક્યારેક તો આવી ઉતાવળ વાદ-વિવાદ, બોલાચાલી કે કટુતા સર્જી જાય છે. આથી મનને કેળવવું જોઈએ, એને ખામોશ રહેતા શીખવવું જોઈએ. એ તરત પ્રતિક્રિયા આપે તેને બદલે શાંતિથી એ વાત અંગે વિચારવું જોઈએ. ઘણી વ્યક્તિઓ મન દોડે ત્યાં દોડવા લાગે છે, જે ક્ષણે મન ઈચ્છે તે કરવા લાગે છે, ક્યારેક એ સારું છે કે નરસું એનો વિચાર પણ મન કરતું નથી અને ક્યારેક સાચું શું છે એ જાણવા છતાં મનને મારીને એ ખોટું કહેતો હોય છે. કેટલાક સતત કાર્યરત રહે છે અને મનને થાક ખાવાનો તો શું, પણ નિરાંતે શ્વાસ લેવાનો પણ સમય આપતા નથી.
આનું પરિણામ એ આવે છે ક્યાં તો એમનું મન જીવનની સમસ્યાઓની સપાટી પર રહે છે. એની નિદ્રામાં પણ એનું મન એટલું દોડતું હોય છે કે જેથી એના નસીબમાંથી શાંત નિંન્દ્રા છીનવાઈ જાય છે. ક્યાંક તો કમાલની ટ્રેજેડી સર્જાય છે, માંદલા ઘોડા જેવું થાય છે. ઘોડો બીમાર હોય કે વૃદ્ધ હોય, પણ છતાં એનો માલિક એને ચાબુક મારીને દોડાવે છે, એ જ રીતે માનવીનું શરીર નબળું હોય છતાં અતિ સ્ફૂર્તિ ધરાવતું મન એને ચાબુક મારીને દોડાવતું રાખે છે. જીવનના અંતકાળ પહેલાં મળેલી વ્યક્તિઓ વિશે વિચારીએ ત્યારે ખ્યાલ આવે છે કે એ બધા પાસે જીવનમાં જે કર્યું હતું, તેનો આનંદ નહોતો, પણ જે કરવાનું બાકી છે એનો ગાઢ વિષાદ હતો. એમના પાછલા જીવનની પ્રત્યેક ક્ષણ ભાવમાં નહી, પણ અભાવમાં પસાર થતી નથી.
બીજી બાજુ કેટલીક વ્યક્તિઓ એમના જીવનમાં સઘળું છોડીને નિવૃત્તિના આશ્રયસ્થાને જીવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એની નિવૃત્તિ જ ધીરે ધીરે માનવીને નબળો પાડી દે છે. ક્યાં તો એ નાની નાની વસ્તુઓની પળોજણમાં ડૂબી જાય છે અથવા તો સમય કઈ રીતે પસાર કરવો એનો એની સામે સવાલ હોય છે. માણસની વૃત્તિઓ એ એની સૌથી મોટી દુશ્મન છે. હકીકતમાં વૃત્તિની આંખે જ મન ચકળવકળ થતું હોય છે. જેમકે વ્યક્તિમાં દ્વેષ જાગ્યો તો એ દ્વેષ સતત એને બાળતો રહેશે અને સમય જતાં એ દ્વેષ એને અનિદ્રા અને અસુખની પીડા આપશે. વાસનાગ્રસ્ત માનવીના મનમાં રહેલું જાતીયતાનું આકર્ષણ એને જીવનની સંધ્યા ટાણે પણ કામવાસનાની ખોજ કરતો રાખશે.
આથી સ્વસ્થ મન માટે વૃત્તિઓની ચિકિત્સા મહત્ત્વની છે. જો વૃત્તિઓની ચિકિત્સા થાય નહીં તો માનવીનું મન સ્વસ્થ રહેશે નહીં અને શાંતિ ગુમાવી દેશે. કારણ કે વૃત્તિ એવી છે કે જે તમને સતત દોડાવે છે, સહેજ પછડાવ તો પણ એ સહેજ ઊભા કરીને દોડાવે છે, હાંફી જાવ તો પણ ધક્કો મારીને દોડાવે છે અને એ દોડ જ માણસના જીવનનું પૂર્ણવિરામ બને છે. આથી મનના ગુલામ બનવાને બદલે વ્યક્તિએ પોતાના મનના શિલ્પી બનવાનું છે. શિલ્પી જેમ ટાંકણાથી પથ્થરને કોતરીને સુંદર મૂર્તિ બનાવે છે, એ રીતે માનવીએ પોતાના મનને સુંદર ભાવો, ઉમદા વિચારો અને સેવાભાવના ટાંકણાથી એની મનોરમ મૂર્તિ રચવી જોઈએ.
સામાન્ય રીતે એમ કહેવાય છે કે શરીર એ મંદિર છે, તો મન એ મંદિરમાં બિરાજમાન મૂર્તિ છે. હવે વિચારો કે મંદિર સાવ જીર્ણશીર્ણ હોય તો કોણ એ મૂર્તિ તરફ નજર કરવા જાય. શરીર સાવ માંદલુ હોય તો કોણ એને મહત્ત્વ આપે. એવી જ રીતે મંદિરમાં બિરાજમાન મૂર્તિ પણ મંદિર જેટલી જ પ્રભાવશાળી હોવી જોઈએ.
કેટલીક વસ્તુઓ આપણે માટે અશક્ય હોય છે. મને કોઈ શેરબજારમાં મૂકી દે તો શું થાય ? જેનું કશું જ્ઞાાન ન હોય, તેમાં કઈ રીતે ચંચૂપાત થઈ શકે ? આવી અશક્ય વસ્તુઓનાં સ્વપ્નો સેવવાં જોઈએ નહીં. સાગરમાં ઊંડે સુધી ડૂબકી લગાવનાર અવકાશમાં ડૂબકી લગાવી શકે નહીં. એવી જ રીતે જેમ પાંચેય આંગળીઓ સરખી નથી. એમાં ભિન્નતા છે એ જ રીતે આપણી આસપાસની વ્યક્તિઓ પણ આપણી જેમ જ વિચારતી હોય, આપણી જેમ જ વર્તતી હોય, આપણી જેવા જ શોખ અને આદત ધરાવતી હોય એ શક્ય નથી. એક અર્થમાં કહીએ તો પત્તાંની જોડ જેવું આપણું જીવન છે. જે પત્તા તમારી પાસે આવ્યા, તેથી જ તમારે ખેલવાનું છે. પણ કેટલાક એવા હોય કે બીજાની પાસે જે પત્તાં હોય તેની વધારે ચિંતા કરતા હોય છે. પોતાની પાસે હોય એને પર્યાપ્ત ગણવાને બદલે બીજાની પાસેથી કશુંક ખૂંચવી લેવા ચાહતા હોય છે.
હકીકત એ છે કે તમે જીવનમાં કેટલીક વસ્તુઓ બદલી શકતા નથી. તમે ધારો તો પણ તમારા સ્વજનોને તમે બદલી શકશો નહીં. તમે ઈચ્છો તો પણ તમારી આસપાસના વાતાવરણને ઉપરતળે કરી શકશો નહીં. આમ જે શક્ય જ નથી એની 'ચિંતા તું શીદને કરે.' જે વસ્તુઓ બદલી શકાતી નથી, તેના પ્રત્યે વ્યક્તિએ સ્વીકારભાવ સેવવો જોઈએ. જે છે તેનો અસ્વીકાર કરશે તો એને કદી આનંદ મળશે નહીં. જે છે તેને હસતે મુખે સ્વીકારશે તો એ શાંતિથી જીવી શકશે. આમ શરીરના સ્વાસ્થ્ય સાથે મનનું સ્વાસ્થ્ય પણ મહત્ત્વનું છે અને એ અંગે વધુ હવે પછી વિચારીશું.