કશું ન વિચારવું તે વિચારવાની શ્રેષ્ઠ રીત છે
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
જો મેં બધા નિયમો અને આદેશોનું પાલન કર્યું હોત તો હું ક્યાંયે પહોંચી ન હોત.
- મેરલીન મનરો
વિદ્રોહમાં વિચાર છે, વિકાસ છે, પ્રયોગ છે. તેવી જ રીતે સંદેહમાં તરસ છે, ખોજ છે, સમાધાન છે. સવાલ પછી જવાબ મળે છે અને સંદેહ પછી સમાધાન મળે છે. વોલ્ટર કહેતા, સંદેહ આનંદપ્રદ નથી, પીડાદાયક છે. જ્યારે નિશ્ચિતતા તો સાવ અતાર્કિક અને નિરર્થક છે. આપણો મારગ શોધવા માટે દિશા અને ગતિના પ્રશ્નો યોગ્ય જ છે. આપણે નથી જાણતા તે જાણવા માટે પ્રશ્નો પૂછવા જોઈએ અને જાણીએ તેના પર સંદેહ પર અનિવાર્ય છે.
વિશ્વ આખામાં સંદેહ અને વિદ્રોહની સમાંતરે વહેતી ધારાઓ છે. સંગીતમાં બીથોવને મોત્ઝાર્ટ પર, ચિત્રકલામાં પિકાસોએ માઈકલ એન્જેલો પર અને વિજ્ઞાાનમાં આઈન્સ્ટાઈને ન્યુટન પર સંદેહ કર્યા અને તેમની સામે વિદ્રોહ કર્યો. અમેરિકન વૈજ્ઞાાનિક રીચર્ડ ફેઇનમેને પારંપારિક ગણિત સામે આમ જ કર્યુ અને નોબેલ પ્રાઈઝ મેળવ્યું. કદાચ અહીં આ અસ્તિત્વમાં અંતિમ, નિરપેક્ષ, શાશ્વત કશું નથી. હવે તો વૈજ્ઞાાનિકો-સંશોધકો કહે છે કે આજે આપણી માનવજાત જે પણ કાંઈ છે તે આપણી પ્રશ્ન પૂછવાની અને સંદેહ કરવાની ક્ષમતાને લીધે છે. આ પ્રશ્ન પૂછવાની ક્ષમતા માણસમાં જ જોવા મળે છે. તેઓ તો ત્યાં સુધી કહે છે કે કશું ન વિચારવું પણ વિચારવાની જ શ્રેષ્ઠ રીત છે.
ભારતીય દાર્શનિકોએ તો પ્રશ્નને ઉપનિષદની ઊંચાઈએ પ્રતિષ્ઠિત કર્યા છે તો પશ્ચિમે હરતા ફરતા અને પ્રશ્નો પૂછતા સોફિસ્ટો-સોક્રેટીસને આદર આપ્યો છે. કદાચ, સમાધાનના ઉજાસ પૂર્વ સંદેહનો અંધકાર અનિવાર્ય છે. રબ્બાઈ સિમીઅન કહે છે.
'અંધકાર એટલે પવિત્ર ગ્રંથની પાવક સ્યાહી (લિખિત શબ્દ) અને પ્રકાશ એટલે શ્વેત પાનનો અવકાશ..'
સ્વયંને શોધી કાઢવા અને પામી જવા માટે કશાકમાં ખોવાઈ જવું ઇચ્છા યોગ્ય છે. તે માટે પ્રમાદને પડકારવાનો છે, ટેવને ટપારવાની છે અને નિંદ્રાને નકારવાની છે. આપણી અધૂરપ, અભાવ, અણગમા, અસ્વીકાર જ દારૂગોળો છે. આત્મ વિસ્ફોટ માટે. જીવન સાધના એટલે સંદેહ અને વિદ્રોહની પાંખે અનામ-અજ્ઞાાતના આકાશમાં ઉડયા કરવું.
જો આપણી પાસે બધા જ સવાલોના જવાબો હોત તો આપણે તેના બોજ નીચે દબાઈ મર્યા હોત- તેના કેદી હોત, ગુલામ હોત. આપણી પાસે પસંદગીઓ, વિકલ્પો અને સ્વાતંત્ર્યની મોજ ન હોત. સંદેહ અને વિદ્રોહ તો અસામાન્ય સાહસ છે. જીવનનો ખરો આનંદ ઉત્તરો સાથે જીવવામાં નથી પણ સવાલની તડપ અને ઉત્તર માટેની તરસમાં છે. કોઈ અશક્ય, અવ્યાખ્ય તત્વની ખોજમાં નીકળી પડવામાં છે. ચાલો, માનવજાતમાં પ્રથમ પ્રશ્ન કોણે પૂછ્યો તેવા પ્રશ્ન સાથે ખોજ આરંભીએ... લેટ્સ ડિસ્કવર ધ જોય ઓફ ડાઉટિંગ!