Get The App

મૃત્યુલોકનો માનવી દેવોની દુનિયાની સફરે! .

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
મૃત્યુલોકનો માનવી દેવોની દુનિયાની સફરે!                             . 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- ધર્મ, સંપ્રદાય, જાતિ, કબીલા અને કુટુંબ દરેકને પોતપોતાના અલાયદા દેવો હોય છે. વિશ્વના જુદા જુદા ખંડના દેવોની સૃષ્ટિમાં લટાર લગાવીએ

- જાપાનનાં સાત શુકનવંતા દેવો

આ પૃથ્વીલોક પર કેટલા બધા દેવો વિહરે છે! ધર્મ, સંપ્રદાય, જાતિ, કબીલા અને કુટુંબ દરેકને પોતપોતાના અલાયદા દેવો હોય છે. વિશ્વના જુદા જુદા ખંડના દેવોની સૃષ્ટિમાં લટાર લગાવીએ, ત્યારે આપણે પારાવાર આશ્ચર્યમાં ડુબી જઈએ! પ્રાચીનકાળથી માંડીને અર્વાચીનકાળ સુધી માનવીએ કેવા કેવા દેવોની ઉપાસના કરી છે અને તે પણ કેવા કેવા પ્રયોજન કે નિષ્પ્રયોજનથી. જરા વિચારીએ.

દુનિયાનાં દેવસમૂહમાં જુદાં જુદાં ખંડના દેવો પર દ્રષ્ટિપાત કરીએ, તો પહેલી વાત કરવી પડે સુદાનના કોથ નામના દેવની. દક્ષિણ સુદાનની નુએર જાતિનો આ સૌથી સમર્થ ઈશ્વર આજે સુદાનમાં લાંબા સમયથી ચાલતા ભયંકર હત્યાકાંડને કારણે કેવી વ્યથા અને વેદના અનુભવતો હશે! સુદાનનો આ સર્વશ્રેષ્ઠ દેવ એ વ્યક્તિના શ્વાસ અને આત્મા સાથે સંલગ્ન છે. એ હવામાં, વાયુમાં, આકાશમાં અને સર્વત્ર વિધ્યમાન છે. વરસાદ અને વીજળીમાં પણ એનો સંચાર છે અને કહે છે કે, 'મેઘધનુષ એ તો કોથના ગળાનો નેકલેસ છે.'

તમને સર્જનહાર અને વિનાશકર્તા બંને દેવની યાદ આ કોથ દેવ અપાવશે, કારણ કે એ જીવનદાતા અને મૃત્યુદાતા બંને છે. એ વીજળી રૂપે ત્રાટકીને પૃથ્વી પરથી મર્ત્ય માણસને દૂર કરીને એમના આત્માને પોતાના કામને માટે આકાશમાં લઈ જાય છે. એ સારા કર્મ કરનારને સહયોગ આપે છે, દૂષ્કર્મ કરનારને સજા કરે છે અને એ રીતે માનવજીવનમાં ન્યાય પ્રવર્તાવે છે.

આફ્રિકાના સુદાનમાંથી હવે એશિયાના દેવો તરફ નજર કરીએ. ચીન અને જાપાનમાં કેટલાક દેવો નામફેર સાથે સમાન અને સહિયારા દેવો છે. એનું કારણ એ છે કે ચીનનો બૌદ્ધ ધર્મ જાપાનમાં ગયો અને બૌદ્ધોની કેટલીક જાતિઓ જાપાનમાં સ્થાયી થઈ, આથી ચીનમાં પશ્ચિમ પ્રદેશના બુદ્ધ અથવા તો અમાપ પ્રકાશપુંજ એવા અમિડા બુદ્ધની ઉપાસના કરવામાં આવે છે. ચીનમાં આ ભગવાન બુદ્ધને અમિતાભ કહે છે તો જાપાનમાં અમિડા કહે છે. કહેવાય છે કે 'નામુ અમિડા બાત્સુ' એટલે કે અમિડા બુદ્ધને અમારી વંદના એવો મંત્રોચ્ચાર કરવાથી વ્યક્તિ સ્વર્ગસમી અમિડાના આશીર્વાદથી પવિત્રભૂમિ પર પુનર્જન્મ પામે છે.

જાપાનના દેવોની દુનિયામાં સિચીફુકુજિન એ એક જુદા જ પ્રકારના દેવ છે. આપણે ત્યાં જેમ દેવો ચતુર્મુખ હોય છે, તો જાપાનનો આ દેવ સપ્તમુખી છે. વળી સામાન્ય રીતે આપણે ત્યાં ચતુર્મુખી મૂર્તિમાં એક જ દેવ હોય છે, જ્યારે આમાં સદ્ભાગ્ય આપતા સાત દેવોનો સમૂહ છે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ સાત દેવોમાં બૌદ્ધ, શિન્તો, હિંદુ અને દોઈસ્ત દેવોનો સમાવેશ થાય છે. આ સાતે દેવો જાદુઈ જહાજમાં ખજાનાઓ અને ચમત્કારો ધરાવતી ચીજવસ્તુઓ સાથે સફર કરતા હોય છે. એમાં એક એવી હેટ હોય છે, કે જે એને બનાવનારને અદ્રશ્ય કરી શકે છે અને એક એવી પર્સ હોય છે કે જે હંમેશા નાણાંથી ભરેલી હોય છે. આપણા કુબેર ભંડાર જેવી.

આ સપ્તદેવમાં એક દેવનું નામ છે ડીકોકૂ. આ કૃષિ અને સમૃદ્ધિનો દેવ ગણાય છે અને એની પાસે એક જાદુઈ મોગરી હોય છે, જેનાથી એ માનવીઓની ઈચ્છાઓને તૃપ્ત કરે છે. આ ડીકોકૂનો પુત્ર ઈબીષુ માછીમાર છે અને શિન્તોનો દેવ એ સમૃદ્ધિનો દેવ છે. જ્યારે બેન્ટન નામની દેવી એ ડ્રેગન પર સવારી છે અને એ પ્રેમ અને સુખી દામ્પત્યની દેવી છે. આમાં જે હિંદુ ઈશ્વર મળે છે એનું નામ છે બિશમોન. આ બિશમોન એ યુદ્ધનો દેવતા છે અને એ યોદ્ધાના વસ્ત્રો ધારણ કરે છે. એની પાસે અણીદાર ભાલો છે અને સાથે પેગોડા પણ છે. આ બધા પ્રતીકો એ દર્શાવે છે કે આ હિંદુ ઈશ્વર એ સૈનિક પણ છે અને ધર્મશિક્ષક પણ છે.

ફુકુરોકુજુ એ આયુષ્ય વધારતો દેવ છે, તો જુરોજિન એ વ્યક્તિને બુઢાપામાં સારું જીવન આપનારો દેવ છે. આ દેવોમાં હોટી નામનો એક દેવ છે. એ સ્થૂળકાય દેવ મોટા કોથળા પર બિરાજમાન હોય છે અને એને ભૈતિક ચીજવસ્તુઓની સંતુષ્ટિનો દેવ કહેવામાં આવે છે. છે ને અજાયબ એવી આ જાપાનની સપ્તેશ્વરી અર્થાત્ સાત ઈશ્વરોનો સમૂહ!

આફ્રિકા અને એશિયાના દેવોને જોયા પછી જરા નજર કરીએ અમેરિકાના મૂળ વતનીઓનાં દેવો તરફ. એક સમયે દક્ષિણ અમેરિકામાં ઈન્કા સામ્રાજ્યનો પ્રભાવ હતો. દરિયાકિનારા પર આવેલા રણ પર, એડ્રિયન પર્વતો પર અને ગીચ જંગલોનાં વિસ્તારોમાં એમનું સામ્રાજ્ય હતું. આ બધા મોટે ભાગે શિકારી હતા. તેઓ કુદરતની સાથે સુમેળ સાધીને જીવતા હતા અને માનતા હતા કે જગતનું સર્જન એ કોઈ દેવી આત્માએ કરેલું છે. આ ઈન્કાનો સર્જક ઈશ્વર 'વિરોકોચા' નામ ધરાવે છે અને એણે સૌથી પહેલા પૃથ્વી અને આકાશનું સર્જન કર્યું. એણે પૃથ્વી પર વિરાટકાય જાતિનું સર્જન કર્યું, પણ કહે છે કે એના પહેલા સર્જનથી એટલા બધા નાખુશ થઈ ગયા કે એમણે એ વિરાટકાય માનવીઓની જાતિઓના સંહાર કરી નાખ્યો. કેટલાકને પથ્થર બનાવી દીધા અને આજે ઈન્કા સામ્રાજ્યના કેટલાક શહેરોમાં આવી વિરાટકાય માનવમૂર્તિઓ મળે છે.

બાકીનાં વિરાટકાય વ્યક્તિઓને અગ્નિ કે પાણીથી નષ્ટ કરી દીધા અને પછી 'વિરોકોચા' દેવ ફરી પૃથ્વી પર પાછા આવ્યા અને પુન:સર્જનનો પ્રારંભ કર્યો. પોતાના નવ સર્જનને પ્રકાશ આપવા માટે એમણે ચાંદા-સૂરજનું સર્જન કર્યું. માટીમાંથી માનવજાત ઉપજાવી અને એનાં વસ્ત્રો પર એણે સુંદર ચિત્રકામ કર્યું. એણે દરેક માનવીને અન્ન, ગીતો, રિવાજો અને એથીયે વધારે હેરસ્ટાઈલ પણ આપી. એણે આવા પૂર્વજોને ગુફાઓ, પર્વતો અને સરોવરો પાસે મુક્યા અને એ રીતે પૃથ્વી પર વસ્તીનો પ્રારંભ થયો. આ ગુફાઓ, પર્વતો અને સરોવરો એ ઈન્ડિયન પ્રજાનાં પવિત્ર સ્થાનો છે. પોતાનું આ કાર્ય પુર્ણ કરીને સર્જક 'વિરોકોચા' દેવે વિદાય લીધી અને ક્ષિતિજમાં અદ્રશ્ય થઈ ગયા.

હવે વાત કરીએ યુરોપ ખંડની અને તે પણ ૧૯મી સદીમાં જે દેવનાં અનેક ચિત્રો અને સ્થાપત્યો મળે છે, તેવા નોર્વેના દેવ બાલ્ડરની. તમામ દેવોમાં સર્વશ્રેષ્ઠ ગણાતા બાલ્ડર એ અત્યંત દયાળુ અને ખુબ નમ્રવાણી ધરાવતા દેવ છે. એમને બુદ્ધિ અને પ્રકાશના દેવ કહેવામાં આવે છે. એ પોતે બ્રેડાબ્લીકના ભવ્ય મંદિરમાં રહેતા હતા. આ એવું સ્થાન હતું કે જ્યાં કોઈ અશુદ્ધિ પ્રવેશી શકતી નહોતી. ઓડિન અને ફ્રિગના પુત્ર એવા બાલ્ડર ઘણા ચમત્કારિક હતા. એમણે દુ:સ્વપ્નમાં પોતાનું મૃત્યુ જોયું, ત્યારે એમની માતા ફ્રિગે માતૃપ્રેમ દાખવતાં દરેક જીવંત ચીજવસ્તુઓ પાસે પ્રતિજ્ઞાા લેવડાવી કે કોઈ એને ઈજા પહોંચાડશે નહીં. જોકે એની માતા અમરવેલને ભૂલી ગઈ હતી. જે વેલ બાલ્ડરના અંધ ભાઈ હોડરે એને મારી અને બાલ્ડર તત્કાળ મૃત્યુ પામ્યો. સમય જતાં બાલ્ડરનું પુનરાગમન થયું અને નવા જગતને એણે પવિત્ર ભૂમિ બનાવીને એના પર સામ્રાજ્ય કર્યું. એના જિસસ ક્રાઈસ્ટ જેવા ખુલ્લા બે હાથવાળા દેખાવને કારણે કેટલાક બાલ્ડરનું જિસસ ક્રાઈસ્ટ સાથે સામ્ય જુએ છે.

હવે બાકી રહ્યો ઑસ્ટ્રેલિયા ખંડ. ઓસેનિયા તરીકે ઓળખાતા પ્રદેશમાં ઑસ્ટ્રેલિયા અને પેસિફિક હજારો ટાપુઓનો સમાવેશ થાય છે. ઈ.સ. પૂર્વે પાંસઠ હજાર વર્ષ અગાઉ ઑસ્ટ્રેલિયાના ખંડના પેસિફિક ટાપુઓમાં વસ્તી હતી. તાજેતરનું ઑસ્ટ્રેલિયા છેલ્લા એક હજાર વર્ષમાં સ્થપાયું. ઑસ્ટ્રેલિયાની આદિવાસી પ્રજાને ઘણા કપરા સંજોગો વચ્ચે જીવવાનું આવ્યું અને આ પ્રજાએ પશુપાલન, ખેતી, માછીમારી અને શિકાર કરીને પોતાનું જીવન પસાર કર્યું. ઑસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં ખોરાક અને પાણીની સતત તંગી રહેતી અને વરસાદ આવે, ત્યારે એકાએક આવતો હોય અને ભારે પૂરની સ્થિતિ સર્જાતી. એની સઘળી ધાર્મિક માન્યતાઓ આશ્ચર્ય પમાડે તેવી છે, કારણ કે ધરતી અને એની પેદાશ માટેના હક્કો મેળવવા એમણે ઑસ્ટ્રેલિયનો સામે લડત ચલાવી. કોઈ અભાવ પણ ઈશ્વરનું સર્જન કરે એ રીતે આદિવાસી ઑસ્ટ્રેલિયનો મેઘધનુષી આકારના સર્પને પાણીના પ્રતિક તરીકે અને વર્ષાઋતુની કલ્પના તરીકે જુએ છે. ઑસ્ટ્રેલિયાના રણપ્રદેશમાં એની આદિવાસી જાતિને માટે પાણીની શોધ એ એક સનાતન શોધ હતી અને તેથી સર્પના વળાંકોમાં એ જમીન પર વળાંકમાં વહેતી નદીનું સ્વરૂપ જોતા હતા. કોઈ કોઈ એમાં મેઘધનુષની કલ્પના કરતા હતા. પાણીની જેમ જ આ 'રેઈનબો સ્નેક' જીવનદાતા છે, પણ ક્યારેક એ માનવીને માટે ભયજનક અને વિનાશક પણ બની શકે છે. કેટલીક કથાઓમાં તો આ 'રેઈનબો સ્નેક' આખા માણસને ગળી જતો હોય તેવી વાતો પણ મળે છે. એક અર્થમાં ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓની ઈશ્વર વિશેની વિભાવના પોતાના પ્રદેશની પરિસ્થિતિ સાથે વિશેષપણે સંકળાયેલી છે.

આ રીતે વિશ્વમાં જુદાં જુદાં ખંડમાં ચાલતી જગતસર્જક ઈશ્વરની ઉપાસનાની પાછળ ચોપાસની પરિસ્થિતિએ કેવાં કેવાં નોખા-અનોખા ઈશ્વર સર્જ્યા છે, તે જોવું રસપ્રદ બની રહે!

ક્ષણનો સાક્ષાત્કાર

અંતિમ દિવસોમાં  વિશાળ વિલામાં રહેતા વસંતભાઈના મુખમાંથી સતત નિસાસા નીકળતા હતા. જાણે જીવનયુદ્ધમાં હારી ગયેલો યોદ્ધો અંતિમ શ્વાસ લેતો હોય એવી એમની પરિસ્થિતિ હતી. થોડાક વર્ષો પૂર્વે જોયેલા વસંતભાઈની એક જુદી જ તસવીર મનમાં હતી. એમની વિશાળ ઑફિસમાં અનેક કર્મચારીઓની સાથે સતત ઉત્સાહભેર ફરમાનો કરતા એમને જોયા હતા. સતત વધતી જતી કમાણીનો ઉમંગ એમના વર્તનમાં વારંવાર છલકાતો હતો. પોતાની પ્રાપ્તિનો ગર્વ પ્રગટ કરવા માટે એકઠી કરેલી સંપત્તિના આંકડાઓનું કશાય સંદર્ભ વિના યશોગાન કરતા હતા.

આજે એ વસંતભાઈની જુદી જ છબી જોવા મળી ! ઉત્સાહની એ વસંતને બદલે નિરાશાની પાનખર નજરે પડી. યુવાનીનું એ ઉછળતું જોશ જોવા ન મળ્યું. જાણે બુઢાપો બારણે ટકોરા મારીને એમને ભર ઊંઘમાંથી જગાડતો ન હોય ! અફસોસ સાથે આપવીતી કહેતા એ બોલ્યા કે, 'આખીય જુવાની ધન-સંપત્તિ મેળવવા પાછળ દોડધામમાં ખર્ચી નાખી. વધુને વધુ ધનપ્રાપ્તિ માટે ઉજાગરા વેઠયા, ન ભોજનનું ઠેકાણું, ન રોગની પરવા, પારાવાર સ્ટ્રેસ વચ્ચે ગુસ્સો એ જ મારો ગુણધર્મ બની ગયો હતો. આ બધા વચ્ચે તંદુરસ્તીનું ધ્યાન ન રાખ્યું અને આજે કેટલાય રોગો મને બાનમાં રાખીને બેઠા છે. અતિ પરિશ્રમ, ઉજાગરા, અપૌષ્ટિક ખોરાક અને અનિયમિતતા ભર્યા એ જીવનમાં તંદુરસ્તીની ઐસી-તૈસી કરીને મનની મોજથી મન ફાવે તેમ રહેતો હતો. આજે એ સઘળી સંપત્તિ વ્યર્થ લાગે છે. ક્યારેક એમ પણ થાય છે કે યુવાની અઢળક સંપત્તિ મેળવવામાં ગાળી નાંખી અને હવે બુઢાપામાં એ સંપત્તિને પાણીની જેમ સામે ચાલીને પારકાને આપવાનો સમય આવ્યો. સંપત્તિની દોડમાં સ્વાસ્થ્યને ભૂલ્યો. હવે જિંદગીના શ્વાસ વધારવા માટે નિ:શ્વાસ સાથે સંપત્તિના ઉચ્છ્વાસ સતત લેવા પડે છે. તમારી સંપત્તિ એ હકીકતમાં તમારી સંપત્તિ નથી. એ તો માત્ર અડધો ભાગ છે, એનો પૂરો ભાગ તો સંપત્તિ સાથે સ્વાસ્થ્ય મળે ત્યારે થાય.


Google NewsGoogle News