જવાં હો યારો, યે તુમકો હુઆ ક્યા? .
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- યૌવન જીવનની વસંત છે, પણ એમાં કોઈની પઢાવેલી પટ્ટીના પોપટ બનવાથી પાનખર આવી શકે છે. અહીં ઓનલાઈન જુવાનીનો વેડફાટ નહિ અટકાવીએ તો ખરેખર આગળ લઇ જાય એવા યુવકયુવતીઓ ઓફલાઈન પરદેશ ઉડવા લાગશે !
ઓ સ્કાર સુધી ગાજેલી ૨૦૨૨ની જર્મન ફિલ્મ 'ઓલ ધ ક્વાયેટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ' એના યુદ્ધના દ્રશ્યોને લીધે ખાસ્સી મશહૂર બની છે. પણ એમાં એ વાત નથી જે એટલી જ પ્રખ્યાત એવી એ જ નામની મૂળ નવલકથામાં છે. એ કથા ઓલરેડી જર્મની તરફથી પહેલું વિશ્વયુદ્ધ લડી ચૂકેલા સૈનિક એરિક મારિયા રેમાર્કે લખેલી. ૧૯૨૮માં પ્રગટ થઇ ત્યારે જ એવી લોકપ્રિય થઇ કે ૨૫ લાખ કોપીઝ એ જમાનામાં વેંચાઈ ને ૧૮ ભાષામાં અવતરી. ૧૯૩૦માં અમેરિકામાં એના પરથી ફિલ્મ પહેલીવાર બનેલી! અને નેચરલી એના યુદ્ધની હિંસક કરુણતા સમજાવતા કલિંગબોધને લીધે નાઝી જર્મનીમાં એના પર બેન મૂકી એની પ્રતિઓ સળગાવવામાં આવેલી!
પણ મૂળ કથાના આરંભ સાથે આજે આપણને મતલબ છે, જે નવી ફિલ્મમાં નથી. એની શરૂઆત નાયક પોલ અને એના મિત્રો ભણે છે ત્યાંથી થાય છે. એ બધા તરુણો છે. નહિ કિશોર નહિ યુવાન એવી સોળ સત્તર વર્ષની અવસ્થાએ આવેલા. એ બધા નાનકડા રળિયામણા ગામમાં રહે છે. યુદ્ધમાં ભાગ લેવા માટે ઉત્સાહ પ્રેરતા જોશીલા દેશદાઝથી છલકતા ભાષણો સાંભળે છે. એક ગુલાબી ઘેન રોમાન્સની જેમ જ એ કાચી ઉંમરે એમનામાં રાષ્ટ્રવાદનું પેદા થાય છે. દેશપ્રેમનો અર્થ દુશ્મનો સામે ઝેરીલી નફરત અને કાતિલક્રૂર હિંસા જ હોય એવો દાખલો કૂમળા મગજમાં ઠસી જાય છે. આ જંગ શું કામ ને શા માટે છે, એ પૂરું સમજ્યા વિના જ એમને બધાને શૂરાતન ચડે છે એમાં ઝૂકાવવાનું.
વોર ઈઝ બેડ જેવા ચીલાચાલુ ઉપદેશ કરતા આ કથાનો મૂળ મર્મ છે, ગ્લોરિફિકેશન ઓફ ધ વોરની યુવા ચિત્ત પર અસર. જેને લીધે યુદ્ધના ફિલ્મી મનોરંજન જેવા આકર્ષણથી આ બીજું કશું કરવામાં કે ભણવામાં કંટાળો અનુભવતા યુવાઓ ઉત્તેજિત થઇ જાય છે. એમને લાગે છે કે આ જ જીવનનો પરાક્રમી મકસદ છે. એ બધા એક્સાઈટેડ છે, કે યુદ્ધ થશે ને આમ ભાંગી નાખીશું ને તેમ ભૂક્કા કરી નાખીશું.
અને જ્યારે આ બધા મિત્રો ખરેખરા કરપીણ સંગ્રામમાં સૈનિક બનીને ઝૂકાવે છે, ત્યારે એમને અહેસાસ થાય છે યુદ્ધની વિભીષિકાનો. એની ભયાનકતાનો. એની હાડમારીનો. આકરી શિસ્ત ને ભોગ માંગી લેતી તાલીમ. એના પછી પરિવારથી દૂર શુષ્ક જીવન. પગાર ખાતર કે નેતાઓના નારા ખાતર ઓળખતા પણ ના હો એના પ્રાણ લેવા કે પોતાના દેવાની આહુતિ. વેઠવો પડતો ભૂખમરો, પગમાં પડતા ફોડલાં, લોહી સાથે ભળતો પરસેવો, ઓળખી ના શકાય એવા ચહેરા. તૂટતા અંગો, થાકની બેહોશી. સતત સંભળાતી મરણચીસો, ઊંઘમાં પણ દઝાડતી આગની જ્વાળાઓ, દારૂગોળાની તીવ્ર વાસ, ફાટેલાં જૂતાં, મેલા કપડાં અને દિમાગમાં ઉઠતો ખાલીપાનો શોર...
નાયક પોલને ધીમે ધીમે પોતે ક્યાં ભેરવાઈને જુવાની બરબાદ કરી નાખી છે, કોઈના ધર્મ કે કોઈના રાજકારણ કે કોઈના ઉદ્યોગના હાથા બનીને એ સમજાય છે. પણ એ એક ઓર્ડિનરી સિટીઝન ને સોલ્જર છે. કોઈ વાર કોઈ ખેતરમાં કામ કરતી યુવતી દેખાય એમાં જીવનના રસનું માર્દવ ચમકે કે કોઈ ઘરમાં બનતા સરસ ભોજનની ખૂશ્બો નાકમાં પ્રવેશે ત્યારે એ બધાની રૂટિન લાઈફમાં કૈંક રાહત મળે છે ક્ષણજીવી. બાકી કદી ખતમ ના થનાર યુદ્ધમાં ધકેલાઈ ગયાનો અજંપો છે. અરાજકતા યાને કેઓસ ટી શર્ટ પરના પેઇન્ટિંગ તરીકે સરસ લાગે, પણ એક્ચ્યુઅલી જીવવાની આવે તો નરક લાગે. આવા યુદ્ધ જીતાય પછી પણ પૂરા નથી થતા અને સરહદો બદલાતી હશે, જીવન નથી બદલાતા એ બધાને સમજાવા લાગે છે.
પણ એનો ખરો ધક્કો નાયકને ત્યારે લાગે છે, જ્યારે પોતાના તરફથી જ ઘાયલ એવા શત્રુપક્ષના એની જ ઉંમરના યુવા સૈનિકને એ એમ જ ઘાયલ થઈને તરફડતો જુએ છે. (નવી ફિલ્મમાં પણ દ્રશ્ય બહુ અસરકારક રીતે રજુ થયું છે) એ એને ગોદમાં લે છે, ચોમેર ચાલતા તાંડવ વચ્ચે. એને જોઇને ખબર પડી જાય છે કે આ લબરમૂછીયો (કેવા અદ્ભૂત શબ્દો છે આપણી પાસે યૂથ માટે!) પણ પોતાના અને પોતાના સાથીઓની જેમ કોઈ અંગત અદાવત વિના કોઈનું ખપ્પર ભરવા જાન દેવા ચાલી નીકળ્યો હતો. એ ય ગુમરાહ, પોતે ય ગુમરાહ. ને બેઉ જિંદગી એમ જ ફના, આખી સ્વયં એક સૈનિકે લેખક બનીને લખેલી કથાનો સાર જ એ છે કે કોઈની વાતમાં ભટકીને યુવા પેઢી પોતાનું સર્વસ્વ હોમી દે છે, બધું ગુમાવે છે અને છતાં જગતને એની કશી પડી હોતી નથી. એ મરી પણ જાય ત્યારે દુનિયા તો પોતાની ઘટમાળમાં મસ્ત ચાલતી રહે છે, સમય એના માટે થંભી નથી જતો. ધરતી કંઈ ફાટી નથી જતી. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ નથી થતી. કેટલાય રોજ લડતા હોય એમાં કોઈક ભાગ્યશાળીને ગ્લોરી એટલે કીર્ર્તિ મળે છે મહાનતાની કે કોઈકને વિજેતા થઈને સુખ ભોગવવા મળે છે. બાકીના તો બસ ખપી જાય છે એમ જ ગુમનામીની ગર્તમાં ટોળાનો ટુકડો બનીને હૈસો હઈસો કરતા. ઇટ્સ એ વેસ્ટેડ લાઈફ.
અને આ તો ઠીક, કમ સે કમ એક્ચ્યુઅલ યુદ્ધ તો હતું! આજકાલ તો આ જ વેડફાટ વર્ચ્યુઅલ સાઈબરસંગ્રામમાં અનેકગણો વધ્યો છે. કોઈ ઓળખે નહિ, કશું મળે નહિ ને ક્યારેક તો પ્રોફાઈલ પણ ફેક હોય ને એમાં થતી પોસ્ટ પણ ઓળખ ના હોય એવા સોર્સમાંથી સીધી કોપી પેસ્ટ થતી ઉધારની હોય એવી રીતે થતી લાઈફની બરબાદી. ટોયલેટમાં સરખું ફલશ કરતા ના આવડે એવા પણ દેશ બચાવવાની વાતો કરતા ગોબરજ્ઞાાન આપવા લાગે, ત્યારે થાય કે જવાની આમ જ ફેંકાઈ જવાની ?
***
ભારત એક યુવા દેશ છે, પણ આપણું ચિત્ત એટલું યુવા નથી થતું એકવીસમી સદી ૨૫ વર્ષની થયા પછી પણ. ઉલટું, પહેલા કરતા વધુ સંકુચિત ચિત્ત થયું છે કે અગાઉ ટેસથી રિલીઝ થયેલી ફિલ્મો પણ આજે જોઈ ના શકાય એવા લાગણીદુભાઉ અભણ યુવકયુવતીઓના ટોળા વધી પડયા છે. સ્વામી વિવેકાનંદ કે જેમનો જન્મદિન રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવાય છે, એમનુ મૂળ નામ નરેન્દ્ર. કલકત્તા કોલેજમાં ભણતા ત્યારે એવરેજ સ્ટુડન્ટ હતા. ગાંધીજીની જેમ કોઈ તેજસ્વી ટોપર નહોતા. અમેરિકા જઈને પ્રવચનોથી સુખ્યાત બનનારના અંગ્રેજીમાં ૪૭ જેટલા સાધારણ માર્ક હતા. બધી પરીક્ષાઓ વર્ગમાં લેવાય એ નથી હોતી. લાઈફ એક એક્ઝામ છે.
વિવેકાનંદને રામકૃષ્ણ જેવા ગુરુ મળ્યા તો ટકોરો લાગ્યો ને તેજી હણહણ કરતી દોડી. વેદાંતમાં ઊંડા ઉતર્યા તો એ એક બાબત પૂરતા બધાને ઈમ્પ્રેસ કરી જાય એવા ઓજસ્વી નીવડયા. વકતૃત્વશક્તિ કેળવી પણ સાથે ખુલ્લું મન પણ વિકસાવ્યું જે યૌવનને રમતગમત કે કસરત માટે પણ પ્રેરે અને કેવળ અધ્યાત્મિક ત્યાગની જ વાત ના કરે. જે દેશમાં વકરી ગયેલા કેવો ચાંદલો ક્યાં કરવો ને એનું શું મહત્વ જેવા વિતંડાવાદની ચરબી ચડાવવાને બદલે (આ સ્વામી વિવેકાનંદના જ શબ્દો છે, જો વાંચો તો ખબર પડે ને !) પરસ્પર વિભાજન કરીને જીવવાને બદલે ઉલટું પશ્ચિમની પ્રજા પાસેથી આધુનિકતા શીખવા જેવી વાતો કરી શકે. આજે તો એમને આ માટે પણ ટ્રોલ કરી નાખે એવા ટપોરીઓ રખડે છે. જેમને કોઈ જાતનો અભ્યાસ નથી ને કોઈ ઉસ્તાદે એમનો સ્વાર્થ સાધવા જે પટ્ટી પઢાવી હોય એના ઝોમ્બી થઇ કરડવા માટે રખડતા હોય છે.
જે વિરાટ કોહલી પોતે પણ એના સંતાનોના ભવિષ્યને મન અને તન બેઉના પ્રદૂષણથી મુક્ત રાખવા પરદેશ જવાની તૈયારી કરે એવા વાવડ આવે એની ટીકા માટે ઓળખાણ વગર પણ બ્રાન્ડના બાબુડિયા થઈને લડી લેશે પણ પોતાનો ઉદ્ધાર કરવાના વિચાર નહિ કરે. શાહરૂખને શિખામણ દેવા નીકળશે પણ પોતે ગરીબીમાંથી બહાર નીકળી પોતાનો બંગલો બનાવવા જેટલું પણ પેશન નહિ જાળવે. વિવેકાનંદ તો સાધુ હોવા છતાં વૈજ્ઞાાનિક અભિગમમાં માનતા. આજકાલ તો આયુર્વેદથી લઈને વેદના મામલે આપણો વારસો જ બેસ્ટ ને બાકી બધું નકામુંનબળું જેવા મિથ્યાભિમાનના સુનામી આવ્યા છે. સાયન્ટીફિક ને મોડર્ન એવા શબ્દો બોલો ત્યાં તો એના ફળ જેવા સોશ્યલ નેટવર્ક પર ખદબદતા કીડા જેવા કેટલાય નાદાર નમૂનાને નખશિખ કરચલા બટકાં ભરતા હોય એવા કકળાટ ઉપડે છે. પોતાના જ પૂર્વજો ખોટા કે બેવકૂફ હતા ને બધી સમજણ મોબાઈલને લીધે હોય એવા ગુમાનમાં રખડતી મૂર્ખમર્કટ પ્રજાતિઓ માટે જે હજુ નથી થઇ એવી વસતિગણતરીમાં કોઈ આગવું ખાનું નથી હોતું, બાકી દોઢ અબજમાં અબજ તો આવા દોઢ નીકળે !
દર ચોથો આજકાલ ઇન્સ્ટા રીલમાં યુવતીઓએ કેવા કપડાં પહેરવા એનો કાજી થઈને રખડે છે, પણ પોતે જ ડોળા ફાડીને એ જોયા કરે છે એ નિખાલસ થઈને કબૂલવામાં એની સંસ્કૃતિ ભ્રષ્ટ થઇ જાય છે. સાન્તાક્લોઝથી લઈને સેક્સ, અને કોલ્ડપ્લેથી લઈને કાર્ટૂન સામે કલ્ચરના નામે લડવા નીકળતા તાલિબાની નક્લચી વલ્ચર્સ દેશ માટે એસેટ નથી. લાયાબિલીટી છે. લગ્નોમાં બધે પિત્ઝાના કાઉન્ટર પર ભીડ કરવી ને પાછી સ્વદેશીના નામે સાદગીની અપીલો કરવી એ વહેવાર નથી, ઘર કરી ગયેલો દંભ છે. વેસ્ટર્ન વર્લ્ડના જલસા અપનાવી લેવા છે, પણ દેખાડો એવો કરવો છે પોતે ભારતનું ભવિષ્ય છે. પશ્ચિમની પારદર્શકતા અને શિસ્ત અપનાવે તો પણ જીન્સમાં ઘુસી ગયેલ ભ્રષ્ટાચાર ને જૂઠ ઘટે. સતત ફલાણા આમ કરે તો આપણે કેમ નહીંની વાહિયાત સરખામણીની બોગસ દલીલ આગળ કરીને ખોટા સાથે સરખામણી કરીને સ્વનું સત્વ ગુમાવવા દોડતી જંગલી જનરેશન જોઇને સનાતનના દ્રષ્ટા એવા ઋષિઓએ ઉદારના સ્થાને ઉધાર બનેલા વંશજો નીરખી કપાળ કૂટયું હોત !
આઝાદી પહેલા એના જોદ્ધા એવા ઝવેરચંદ મેઘાણીએ ડાયરાના નામે કેવળ જૂનવાણી જોશ જ ભર્યા કરતી રખડતી જવાની માટે ટકોર કરેલી :
અણદીઠને દેખવા, અણતગ લેવા તાગ.
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ
લોપવી સીમ, અણદીઠને દેખવું
તાગવો અતલ દરિયાવ-તળિયે જવું
ઘૂમવા દિગ્દિગંતો, શૂળી પર સૂવું
આજ યૌવન ચહે એહ વિધ જીવવું.
ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ !
આમાં બે પંક્તિઓ ગોખીને સ્પર્ધાઓમાં તાળી ઉઘરાવવા બોલનારને બાકીની સમજાય પણ છે ? નવું શીખવા ને સ્વીકારવાનું જોમ ક્યાં ગયું ? ક્યાં ગયું નવું શોધવા ને જાણવામાણવા માટેનું સાહસ ? કમાણી માટે સ્ટાર્ટઅપ કરવું એ કોઈ ઈલોન મસ્ક જેવું ઇનોવેશન નથી. શેર કે ક્રિપ્ટોમાં જુગાર રમવો એ કોઈ ટ્રેડરની દલાલ માનસિકતા છે કટ મેળવવાની. એ કોઈ ઉદ્યમ માંગતો ઉદ્યોગ નથી. જિંદગી એક જોખમ છે. પણ ઉડઝૂડ હપ્તા ઉભા કરીને આર્થિક દેવું કરવું કે મોબાઈલ મચડીને ભણતરમાંથી ભાગવું એ રિસ્ક નથી, ડફોળાઈ છે. જોખમ તો નવું જ્ઞાાન ને નવા આનંદ માટે રસ લઈને લેવાય એ કહેવાય. બીજાને માટે સાચું કહેવાની હિંમત ખુલે એ કહેવાય. છે કોઈ એવી આવડત કેળવવાની ફિતૂરી વળગેલી, કે જેના જોરે આવક મળે નીતિથી બેઈમાની વિના ? છે કોઈ એવી સજ્જતા જેના જોરે બંધ થયેલા દરવાજા સામેથી ખૂલે ? છે કોઈ એવી કુનેહ કે કૌશલ્ય કે જેના માટે બીજા પોતાનો સમય ને સંપત્તિ ખર્ચીને ચાહે ને દીવાના બને ? વીસ પચ્ચીસની ઉંમર એ સફળતા નથી. પણ એ ઉંમરે પચાસ-સાઠ અનુભવ જેટલું ડહાપણ આવી જાય એ વિઝન મળે એ યૂથ પાવરની સકસેસ છે. પ્રેશર હેન્ડલ થાય ને રિજેકશનનું પેઈન સહન થાય ત્યારે યૌવનની કાચી કેરી પાકી બને. લીલી ખટાશમાં સોનેરી મીઠાશ આવે. ત્રણ શબ્દોનું બિલીપત્ર છે : મહેનત, ધીરજ, આનંદ.
યુવાનીના વર્ષો ઝપાટાબંધ પસાર થાય છે, પણ એને લીધે જે સપના જોઈએ એ બધું તરત જ મળવાનું નથી એ અક્કલ વહેલી આવી જવી જોઈએ. એ સમયની રાહ જુઓ, ત્યાં સુધી કામ કરવાની ટેવ રાખો. આરામ ત્યારે મજા આપશે ત્યારે કામનો થાક લાગ્યો હશે. બાકી આરામનો અતિરેક જીવન હરામ કરી નાખશે. પારકા યુદ્ધો લડવામાં ધર્મ કે દેશના નામે ગમારગડબા થઈને બીજાના જજ બનવા ધસી જવાને બદલે પહેલા પોતાની કૈંક ઓળખ બને એટલું આત્મનિરીક્ષણ કરો મારા પ્યારા યુવાનો. કૃષ્ણ જેવી ગોપીરાસથી ભરપૂર યુવાની જોઈએ તો એ સમય આવ્યે વડીલોની મથુરાનો વારસો છોડીને પોતાને કાંડે દ્વારકા ઉભી કરવાની કૌવત પણ જોઈએ અને અભ્યાસ પણ. નોલેજની આરાધના કરશો તો કોલેજ ગયાની સાધના સાર્થક થશે. કોઈ તપીશ કોઈ, કોઈ ઝુમ્બીશ જોઈએ. પણ દુનિયા બદલાવી નાખવા નહિ. ખુદને બેહતર બનાવવા. પ્રોફાઈલ પર કોઈ પ્રચારધારાના ધાર્મિક મઝહબી કે સામ્યવાદી ઘેટા બનીને કેસરીલીલાલાલ ઝંડા ખોડી રાખવા નહિ, નવીનતાના મોકળાશભર્યા સ્વીકારની ક્રાંતિ કરવા માટે. યુવા હોવું એટલે અધૂરપ અને અધીરાઈના કૂવામાં ડૂબી મરવું એમ નહિ !
રઘુપતિ સહાય યાને ફિરાક ગોરખપૂરી કહેતા એમ
पाल ले इक रोग नादां जिंदगी के वास्ते
सिर्फ सेहत के सहारे उम्र तो कटती नहीं
ફાસ્ટ ફોરવર્ડ
डोर,चरखी,पतंग,
सब कुछ तो था...
सिर्फ उसके घर की तरफ
हवा न चली....
- फेहमी बदाइयुनी