Get The App

ભારત ‌વિરુદ્ધ ચીનની વોટર વોર: જળથી થાય તે બળથી ન‌હિ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
ભારત ‌વિરુદ્ધ ચીનની વોટર વોર: જળથી થાય તે બળથી ન‌હિ 1 - image


- એકનજરઆતરફ - હર્ષલપુષ્કર્ણા

-‌ તિબેટમાં ઉદ‍્ભવતી અને ભારતને મળતી નદીઓને બહારવ‌ટિયું ચીન વન બાય વન હાઈજેક કરી રહ્યું છે. હવે બ્રહ્મપુત્રનો વારો છે, જેના પર તે ‌વિશ્વનો સૌથી ‌વિરાટ ડેમ બાંધવા જઈ રહ્યું છે.

- વોટર વોરમાં પાણી નામનું ‘શસ્‍ત્ર’ પાવરફુલ, મારકણું ‌અને વ્‍યાપક તારાજી સર્જી શકનારું સા‌બિત થાય છે. કળથી થાય તે બળથી ન થઈ શકે એ પ્રચ‌લિત ઉ‌ક્તિને ચીન નવેસરથી લખવા જઈ રહ્યું છે, જેમાં ‘કળ’નું સ્‍થાન ‘જળ’ શબ્‍દ લેશે.

‌જ્યોર્જ ‌જિન્‍સબર્ગ અને માઇકલ મેથોસ દ્વારા ‌લિ‌ખિત 'Communist China and Tibet: The First Dozen Years' પુસ્‍તકમાં એક વાક્ય ફરી ફરીને વાંચવા જેવું છે—

‘‌તિબેટ પર જેનું આ‌ધિપત્‍ય હોય તેનો ‌હિમાલય ક્ષેત્રમાં દબદબો રહે... ‌હિમાલયમાં જેની આણ હોય તેનો ભારતીય ઉપખંડ પર દમામ રહે—અને ભારતીય ઉપખંડ પર જે પોતાની ધાક જમાવી શકે તે સમગ્ર એ‌શિયાનો અધિપતિ બની શકે.’

વાક્ય હજી એકાદ-બે વાર વાંચી લો—અને ત્‍યાર પછી તેનું ‌વિશ્લેષણ આપણા શત્રુ નંબર વન ચીનના સંદર્ભે કરવા બેસો, તો સ્‍ટેપ-બાય-સ્‍ટેપ ઘટનાક્રમ કંઈક નીચે મુજબનો બને—

(૧) હિમાલય ક્ષેત્રમાં પોતાનો રાજકીય દબદબો પ્રસ્‍થા‌પિત કરવા માટે ૧૯પ૧ની સાલમાં ચીની ડ્રેગન ‌૧૨,૨૧,૬૦૦ ચોરસ ‌કિલોમીટરના તિબેટને એક જ કો‌ળિયે ઓ‌હિયાં કરી ગયો. 

(૨) ‌ભારત-ચીન વચ્‍ચેથી ‌તિબેટ નામનું ‌વિશાળ બફર ઝોન હટી જતાં ચીન માટે ‌ભારતીય સરહદો તરફ પેસારો કરવાનું સાવ સરળ બન્‍યું. ચીની સૈન્‍યએ ઘૂસણખોરી તો કરી, પણ ગુપચુપ ન‌હિ, બલકે ખુલેઆમ! વર્ષ ૧૯પ૭માં આપણા લદ્દાખના અક્સાઈ ચીન પ્રાંતની આરપાર ‌બિનધાસ્‍ત રીતે પાકી સડક બનાવીને ‌બિ‌જિંગ સરકારે ભારતને જાણે મૂક દમદાટી મારી કે... જાવ, થાય તે કરી લો!

(૩) પાંચેક વર્ષ પછી ઓક્ટોબર, ૧૯૬૨માં લદ્દાખ અને અરુણાચલ પ્રદેશનાં ‌પર્વતીય ક્ષેત્રોમાં ચીની લશ્‍કર ઓ‌ચિંતું ઘૂસી આવ્યું. ભારતીય સેના ‌વિરુદ્ધ ભીષણ સશસ્‍ત્ર સંગ્રામ ખેલ્યો અને આપણો બહુ મોટો ભૌગો‌લિક પ્રદેશ પોતાની એડી નીચે લાવી દીધો. આપણે તે પ્રદેશ ગયા ખાતે માંડી વાળવો પડ્યો હોત, પણ નસીબજોગે ચીની લશ્‍કર (તેના અંગત કારણોસર) પીછેહઠ કરી જતાં એડી આપોઆપ ખસી ગઈ.

(૪) આ બનાવ પશ્ચાત્ કેટલાંક વર્ષ તંદ્રામાં ખેંચી કાઢ્યા બાદ ચીની ડ્રેગન આળસ મરડીને જાગ્યો. સમગ્ર લદ્દાખનું અને અરુણાચલ પ્રદેશના ઉત્તરી ‌વિસ્‍તારોનું બટકું કાપી લેવા માટે ‌બિ‌જિંગ સરકારે સરહદી ‌‌વિસ્‍તારોમાં લડાકુ ‌વિમાનોનાં એરબેઝ અને લશ્‍કરી થાણાં સ્‍થાપવાનું શરૂ કર્યું.

(પ) આજે તે થાણાંના ચીની સૈ‌નિકો વારતહેવારે ભારતીય સીમામાં ઘૂસી આવે છે. સ્‍થા‌નિક ગામલોકોનાં ઢોરઢાંખર ધાપી જાય છે, સરહદ નજીક સડક બનાવતા આપણા શ્ર‌મિકોને કામ અટકાવી દેવા માટે ડરાવે-ધમકાવે છે અને ભારતીય સેનાના જવાનો સાથે હાથા-પાઈમાં પણ ઊતરે છે.

■■■

જોયું? સૌ પહેલાં ‌તિબેટ, પછી ‌હિમાલય ક્ષેત્ર, ત્‍યાર બાદ ભારતીય સીમાવર્તી પ્રદેશો એમ તબક્કાવાર ચીની ગા‌‌ળિયો સમયાંતરે કસાતો રહ્યો છે. સમગ્ર એ‌શિયા ફરતે પોતાનો સત્તાકીય ફંદો નાખી તેના અ‌ધિપ‌તિ બનવા માટે ચીન ગઈ કાલે પ્રયત્‍નશીલ હતું, આજે પણ છે અને આવતી કાલે સુદ્ધાં પ્રયત્‍નશીલ રહેવાનું છે. 

અલબત્ત, આવતી કાલ માટે તેનો ગેમ પ્‍લાન જરા જુદો છે. ભારત સ‌હિત બીજા કેટલાક એ‌શિયાઈ દેશો ‌વિરુદ્ધ તે વોટર વોર યાને જળ યુદ્ધ ખેલવા માગે છે. તોપ, ટેન્‍ક, મોર્ટાર, મશીન ગન, લડાકુ ‌વિમાન, ‌‌મિસાઈલ વગેરે જેવાં પરંપરાગત આયુધોની એવા યુદ્ધમાં આવશ્‍યકતા નથી. વોટર વોરમાં પાણી નામનું ‘શસ્‍ત્ર’ ક્યાંય પાવરફુલ, મારકણું ‌અને વ્‍યાપક તારાજી સર્જી શકનારું સા‌બિત થાય છે. કળથી થાય તે બળથી ન થઈ શકે એ પ્રચ‌લિત ઉ‌ક્તિને ચીન નવેસરથી લખવા જઈ રહ્યું છે, જેમાં ‘કળ’નું સ્‍થાન ‘જળ’ શબ્‍દ લઈ લેવાનો છે.

આખરે શો છે, ચીનનો વોટર વોરનો ગેમ પ્‍લાન? ચાલો, જરા ‌વિસ્‍તારથી સમજીએ. 

■■■

આર્ક‌ટિક (ઉત્તર ધ્રુવ) અને એન્‍ટાર્ક‌ટિકા (દ‌ક્ષિણ ધ્રુવ) પછી ધરતી પર મીઠા પાણીનો સૌથી મોટો પુરવઠો ક્યાંય હોય તો તે ‌તિબેટમાં! એ‌શિયાના કુલ ૧૧ દેશોમાં લગભગ ૨ અબજ લોકોને પીવા-વાપરવા લાયક તેમજ ખેતીલાયક જળ પૂરું પાડતી ૧૦ નદીઓનું ઉદ‍‍્ગમ સ્‍થાન ‌તિબેટમાં છે. દસેય નદીઓ ક્યારેય સૂકાતી નથી, કેમ કે ‌હિમાલયની સેંકડો ‌હિમનદીઓનો બરફ પીગળવાથી ‌વિપુલ જળરા‌શિ એ નદીઓમાં ઠલવાતી રહે છે. આ જ કારણસર ‌તિબેટને water tower of Asia/ એ‌શિયાની જળટાંકીનું ‌બિરુદ મળ્યું છે. વોટર વોરની રણની‌તિના ભાગરૂપે ચીન એ ટાંકીનો હવાલો પોતાના હાથમાં લઈ રહ્યું છે. આ માટેના ગેમ પ્‍લાનનું પ્રમુખ પગલું દસેય નદીઓનો જળપ્રવાહ કાપવાનું છે, જે માટે ચીને તેમના પર ‌વિરાટ બંધ ચણવાની યોજના હાથમાં લીધી છે. ‌બંધ એકલદોકલ ન‌હિ, પણ ડઝનબંધ છે. જેમ કે,

■ ‌તિબેટમાં જન્‍મ લેતી મેકોંગ નદી પર ચીની ઇજનેરોએ  ‘માનવાન’ અને ‘દચાઓશાન’ નામના બે ગંજાવર બંધ ઊભા કરી દીધા છે. કુલ ૪,૧૮૦ ‌કિલોમીટર લાંબી મજલ કાપતી મેકોંગના જળનો અસ્‍ખ‌‌લિત લાભ મ્‍યાનમાર, થાઇલેન્ડ, લાઓસ, કમ્બોડિયા તથા વિયેતનામ એમ પાંચ દેશોને મળતો હતો. પરંતુ ચીને બબ્‍બે બંધ વડે મેકોંગ નદીને બાન પકડી ત્‍યારથી હેઠવાસ તરફ જતો મેકોંગનો જળપ્રવાહ નોંધપાત્ર રીતે ઘટી ગયો. આની માઠી અસરો હેઠવાસના પાંચેય દેશો પર પડી. ઉદાહરણ તરીકે, અગાઉ કમ્બોડિયાને મેકોંગના સમૃદ્ધ વહેણમાંથી વા‌ર્ષિક વીસેક લાખ ટન માછલાં મળતાં, પરંતુ બંધને કારણે જળપ્રવાહ કપાતાં નદીની ઊંડાઈ ઘટી, માછલાંની સંખ્‍યા ઘટી અને મેકોંગ પર નભતો મત્સ્યોદ્યોગ ડચકાં ખાવાં લાગ્યો. કમ્‍બો‌ડિયાની જેમ વિયેતનામ, લાઓસ, મ્યાનમાર અને થાઇલેન્ડના લોકો પીવા-વાપરવા માટેના તથા ખેતી માટેના પાણીનું રેશ‌નિંગ વેઠી રહ્યા છે. મેકોંગના વહેણની ‘ચકલી’ (ડેમના સ્‍લૂઇસ ગેટ) ક્યારે અને કેટલી ખોલવી તેનું ‌‌રિમોટ કન્‍ટ્રોલ હવે ‌બિ‌જિંગ સરકારના હાથમાં છે.

■ કૈલાસ પર્વતની તળેટીમાં આવેલા પ‌વિત્ર માનસરોવરથી નીકળતી ‌સિંધુ નદીને પણ ચીન બહારવ‌ટિયું ખેલીને બાન પકડવા માગે છે. ‌સિંધુ તેની ૩,૧૦૦ ‌કિલોમીટર લાંબી સફરમાં ભારતના લદ્દાખ, જમ્‍મુ-કાશ્‍મીર અને પા‌કિસ્‍તાનના ‌સિંધમાંથી વહે છે. બેઉ પ્રાંતોમાં થતી ‌વિ‌વિધ પાકની વ્‍યાપક ખેતી માટે ‌સિંધુનું જળ જીવાદોરી સમાન છે. ભારતે ‌સિંધુનું જળ મેળવવા માટે ૪૦ મુખ્‍ય નહેરો તથા અન્‍ય નદીઓ સાથે જોડાણ ધરાવતી ૧૨ પેટાનહેરો રચી છે. આ નેટવર્ક મારફત ‌સિંધુનું જળ સેંકડો ગામો તથા ખેતરો સુધી પહોંચે છે.

ચીને તિબેટમાં વહેતી ‌સિંધુ નદી પર બંધ ચણીને કેટલોક પ્રવાહ ‌સિં‌ક્યાંગ પ્રાંત તરફ ફંટાવ્યો છે. ભારતને મળવાપાત્ર ‌સિંધુના જળમાં કટૌતી લાવનાર ‘બાશા’ અને ‘બુન્‍જી’ નામના બે મોટા ડેમ ચીન અત્‍યારે ‌ગિલ‌ગિટ-બા‌લ્‍ટિસ્‍તાનમાં બનાવી રહ્યું છે. બેઉ ડેમ કાર્યરત થયા પછી ભારતને ‌સિંધુનું હાલ કરતાં ૩૬ ટકા ઓછું અને પા‌કિસ્‍તાનના ‌‌‌સિંધ પ્રાંતને તો વર્તમાનની તુલનાએ ૬૩ ટકા ઓછું ‌જળ મળે તેવી સંભાવના છે.

‌■ વેગીલા પ્રવાહને કારણે હિમાલયના પાવરહાઉસ તરીકે ઓળખાતી સતલુજ પણ બહારવ‌ટિયા ચીનના ‌હિટ ‌લિસ્‍ટ પર છે. કૈલાસ પર્વતની દ‌ક્ષિણે રાક્ષસ તાલ કહેવાતા સરોવરથી નીકળતી સતલુજના વહેણમાંથી વીજળી કાંતવા માટે ઉત્તર ભારતમાં જુદાં જુદાં સ્‍થળે કુલ ૩,૬૦૦ મેગાવોટનાં જળ‌વિદ્યુત મથકો ઊભાં કરાયાં છે. આવતી કાલે ચીન જો સતલુજનો પ્રવાહ ધીમો પાડી દે અથવા ફંટાવી દે તો આપણાં ‌જળવિદ્યુત મથકોના ચરખા ધીમા યા બંધ પડે.

■■■

ભારત માટે વધુ ‌ચિંતાજનક કેસ તો બ્રહ્મપુત્ર નદીનો છે. ‌તિબેટમાં જન્‍મ લેતી એ નદી પર ચીન ૧૩૭ અબજ ડોલરના માતબર ખર્ચે વિશ્વનો સૌથી ‌વિરાટ ડેમ બાંધવા જઈ રહ્યું છે. આ મેગાપ્રોજેક્ટ ચીને જાહેર કર્યો ત્‍યારથી તેની સામે ભારતે ‌વિરોધ નોંધાવ્યો છે. પરંતુ ‌‌‌બિ‌જિંગ સરકાર ઠાવકા રાજદ્વારી શબ્‍દો વડે ‌વિરોધનું શમન કરતી આવી છે.

તિબેટમાં કૈલાસ પાસે જન્મ લેતી (અને તિબેટમાં ત્સાંગ-પો તરીકે ઓળખાતી) બ્રહ્મપુત્ર નદીને તેની અસાધારણ જળરા‌શિને કારણે હિંદુ પુરાણોએ નદ તરીકે ઓળખાવી છે. બ્રહ્મપુત્રનું વહેણ તિબેટના મેતોંગ નામના સ્‍થળેથી વળાંક લેતું સડસડાટ નીચે ઊતરે છે, અરુણાચલ પ્રદેશમાં દાખલ થાય છે અને આસામમાં વહીને છેવટે વાયા બાંગલા દેશ અરબી સમુદ્રને મળે છે. આ લાંબી સફરમાં ભારતના ૧.૯પ લાખ ચોરસ ‌કિલોમીટર પ્રદેશને બ્રહ્મપુત્રના જળનો લાભ મળે છે. ભારતને તેના વહેણ દ્વારા પ્રાપ્‍ત થવા પાત્ર જળવિદ્યુત ૨૮,૫૦૦ મેગાવોટ કરતાં ઓછી નથી, જેને નાથવા માટે ‌વિ‌વિધ સ્‍થળોએ આઠેક ડેમ ચણવામાં આવ્યા છે.

હવે ચીનની અવળચંડાઈ તરફ ધ્‍યાન આપો. ‌તિબેટમાં ત્‍સાંગ-પો તરીકે ઓળખાતી બ્રહ્મપુત્ર નદી પર આજથી દસેક વર્ષ પહેલાં ચીને ગુપચુપ રીતે ‘ઝાંગ્‍મુ’ નામનો ૧૧૬ મીટર (૩૧૮ ફીટ) ઊંચો બંધ ચણી નાખ્યો. આજે તેની પાછળ બ્રહ્મપુત્ર નદીનું ૮.૬૬ કરોડ ઘન મીટર પાણી કૃત્રિમ તળાવના સ્‍વરૂપે સંગ્રહિત રહે છે, જેમાંનો કેટલોક ‌હિસ્‍સો ચીન ‌સિંક્યાંગ પ્રાંતમાં આવેલા તકલામકાન રે‌ગિસ્‍તાન તરફ પહોંચતો કરે છે. આ મરુભૂ‌મિનો સાથરો ૩,૩૭,૦૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે અને વળી વાર્ષિક ૩ કિલોમીટર લેખે તકલામકાનનો સાથરો ચારેય તરફ ફેલાઈ રહ્યો છે. રણનું આવી જાતનું અ‌તિક્રમણ રોકવું હોય તો તેની પ‌રિસીમામાં મોટા પાયે વૃક્ષારોપણ કરવું જોઈએ. પરંતુ મુદ્દાનો સવાલ એ કે નપા‌ણિયા પ્રદેશમાં વૃક્ષોને ટકાવી રાખવા માટે ‌પાણી લાવવું ક્યાંથી? 

અલબત્ત, ‌તિબેટમાં જન્‍મ લેતી નદીઓ પર બંધ ચણી તેમનો જળપ્રવાહ તકલામકાન તરફ વાળીને! આ કામ ચીન પોતાની હુઆંગ-હો અને યાંગત્સે જેવી નદીઓ વડે પણ કરી શક્યું હોત. મતલબ કે, તેમનો પ્રવાહ તકલામકાન રણ તરફ વાળી શક્યું હોત, પણ એમ કરવામાં એક પ્રોબ્‍લેમ નડે છે. બેઉ નદીઓ પર ચીને ઠેકઠેકાણે જળવિદ્યુત મથકો બનાવ્યાં છે અને સિંચાઈ માટે નહેરોનું ‌વિશાળ નેટવર્ક રચ્‍યું છે. આથી હુઆંગ-હો અને યાંગત્સેના પ્રવાહની ચોટલી મંતરવા કરતાં  તિબેટની નદીઓનો પ્રવાહ બદલવો ‌બિ‌જિંગ સરકારને સ્‍વાભા‌વિક રીતે વધુ પ્રે‌ક્ટિકલ જણાયો છે. ઇજનેરી દૃષ્ટિએ ભલે તે કામ પડકારભર્યું અને આ‌ર્થિક રીતે ભલે ખર્ચાળ છે, પણ આધુ‌નિક ટેક્નોલો‌જિની અને નાણાંની ચીનને ક્યાં કમી છે?

આ હકીકતનો લેટેસ્‍ટ પુરાવો બ્રહ્મપુત્ર નદી પર ચીન દ્વારા બાંધવામાં આવનાર જગતનો સૌથી મોટો (૬૦,૦૦૦ મેગાવોટ્સનો) અને સૌથી ખર્ચાળ (૧૩૭ અબજ ડોલર/ રૂ‌પિયા ૧૧,૭૪૬ અબજનો) તો‌તિંગ બંધ છે. ‌તિબેટ-અરૂણાચલ પ્રદેશ સરહદની ઉત્તરે આવેલા મેતોંગથી બ્રહ્મપુત્રનું વહેણ ભારતમાં દાખલ થવા માટે જ્યાં વળાંક લે છે બરાબર ત્‍યાં જ ડેમનું ‌નિર્માણ થવાનું છે. સૂ‌‌ચિત બંધ બની રહ્યા પછી અરુણાચલ પ્રદેશ અને આસામને  બ્રહ્મપુત્રના પાણીની પહેલાં જેવી રેલમછેલ રહેવાની નથી. બલકે, પીવા-વાપરવા લાયક જળની ખેંચ વરતાય એવી શક્યતા પૂરેપૂરી છે. 

જળસંકટની સમસ્‍યા પાછી ફક્ત પેયજળ પૂરતી સી‌મિત ન‌હિ રહે. ખેતપેદાશને પણ બૂરી અસર થવાની છે. દાખલા તરીકે,  બ્રહ્મપુત્રના વહેણે આસામના બહુ ‌વિશાળ ભૌગો‌લિક પ્રદેશને ફળદ્રુપ બનાવ્યો છે. આસામમાં લેવાતી શણની, ચાની અને ડાંગરની મબલખ પેદાશ બ્રહ્મપુત્રને આભારી છે. ચોમાસા દરમ્યાન નદી બે કાંઠે વહેવા માંડે ત્યારે બન્‍ને તરફ ડાંગરનાં ખેતરોને સિંચાઈનું પાણી કુદરતી રીતે મળી રહે છે. બ્રહ્મપુત્ર પર ચીનનો બાહુબલી બંધ બન્‍યા પછી આસામને મળતા જળ પુરવઠા પર ‌બિ‌જિંગ સરકાર કાપ મૂકી દે તો શણ, ચા અને ડાંગરની ખેતી પર માઠી અસરો પડે તેમ છે.

બીજું, ભારતમાં બ્રહ્મપુત્રનો ૯૧૮ કિલોમીટર લાંબો પ્રવાહ માલ-સામાનની અને સ્‍થા‌નિક મુસાફરોની ખેપ કરતી નૌકાઓના જળમાર્ગ તરીકે વપરાય છે. ઉપયો‌ગિતાના દૃ‌ષ્‍ટિકોણે જુઓ તો હાઈવે જેટલું જ તે જળમાર્ગોનું મહત્ત્વ છે. નદીના સામસામા કાંઠા વચ્‍ચે તેમજ ઉપરવાસ અને હેઠવાસ વચ્ચે દરરોજ હજારો નૌકાઓની આવનજાવન રહે છે. આવતી કાલે જો ચીન તેના સૂ‌ચિત સુપરજાયન્‍ટ બંધ વડે બ્રહ્મપુત્રનો જળપ્રવાહ ઘટાડી દે તો નદીની સેંકડો વિશાખાઓ મૂરઝાવા લાગે. નદી સાથે વિશાખાઓનું જોડાણ કપાય તો સમજો કે અનેક ગામડાં જળમાર્ગોના અભાવે વિખૂટાં પડી ગયા! ન ત્‍યાંના રહીશો રોજીરોટી માટે અહીંથી તહીં આવ-જા કરી શકે, ન તેમને જીવન જરૂરિયાતની ચીજો પહોંચાડી શકાય. ‌વિશાખાઓ સૂકાતાં મત્સ્યોદ્યોગનું તો આવી જ બને. દૈ‌નિક ખોરાકમાં માછલી પર નભતા ગરીબ લોકો માટે પેટનો ખાડો પૂરવાનો સવાલ જાગે.

આ છે ચીનનો વોટર વોર પ્‍લાન! વર્ષો પહેલાં પાણીપતના યુદ્ધે ભારતનું ભા‌વિ બદલી નાખેલું. હવે ભારતનું ભા‌વિ સુર‌ક્ષિત રાખવા માટે આપણે ચીન સાથે પાણી માટે થઈને પાણીપત ખેલવાનો વારો આવે તેમ છે.■


Google NewsGoogle News