દેશના 32.5% કોલેજિયન્સમાં ઉદ્યોગ સાહસિક બનવાના ગુણ છે, પરંતુ....
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- રાષ્ટ્રીય યુવા દિન
રૂરલ એરિયામાં રહેતા ૪૪% યુવાનોને ઉદ્યોગ સાહસિક બનવાના સપના આવે છે, પરંતુ પૂરતી તકો મળતી નથી એટલે નોકરી કરીને જીવન કાઢી નાખવું પડે છે
સરફિરા.
સતત ફ્લોપ ફિલ્મોની ભરમારથી થાકેલા અક્ષય કુમારે આ ફિલ્મમાં ઉદ્યોગ સાહસિક જીઆર ગોપીનાથનો રોલ પ્લે કર્યો છે. આમ તો એમાંય ટિપિકલ અક્ષય સ્ટાઈલનો 'ભારતકુમાર બ્રાન્ડ' રાષ્ટ્રવાદનો તડકો ચડાવાયો છે, છતાં ફિલ્મની ખાસ ચર્ચા થઈ નથી. ફિલ્મ તો જાણે એવરેજ છે, પણ એમાં ભારતના યુવાનોની સિચ્યુએશન બયાઁ કરતું એક દૃશ્ય આવે છે. મિસાઈલમેન અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિ હતા ત્યારે કોઈ સ્થળે વિદ્યાર્થીઓને સંબોધન કરે છે. તેમને પૂછવામાં આવ્યું કે લાઈફમાં કંઈક કરી બતાવવા માટે શું સલાહ આપશો? કલામ સાહેબ જવાબ આપે છે: બહુ સિમ્પલ છે. તમારે માત્ર ચાર બાબતો યાદ રાખવાની છે.
નંબર વન, એઈમ. લક્ષ્ય. હેતુ.
નંબર ટુ, નોલેજ. જ્ઞાાન. જાણકારી.
નંબર થ્રી, હાર્ડવર્ક. આકરી મહેનત.
નંબર ફોર, ડીટર્મિનેશન. દૃઢનિર્ધાર. સંકલ્પ.
તેમના વકતવ્ય વચ્ચે અક્ષય કુમારનું પાત્ર મોટેથી બોલે છે: સર! પાંચમી બાબત પણ છે. આ ચાર ઉપરાંત દેશના યુવાનોને પાંચમા ફેક્ટરની જરૂર છે. જેનું નામ છે- ઓર્પોચ્યુનિટી. તક. સર, આ બધું હશે પણ મોકો નહીં મળે તો શું થશે?
વેરી વેલ સેઈડ! કલામ સાહેબના પુસ્તકમાંથી રેફરન્સ તરીકે લઈને ફિલ્મમાં બતાવેલા આ ચાર તબક્કા એકદમ બરાબર છે, અનિવાર્ય છે. લક્ષ્ય હશે તો કંઈક સિદ્ધ કરવા માટે નોલેજ મેળવવા કવાયત થશે. લક્ષ્ય અને નોલેજ હશે તો હાર્ડવર્ક કરવાનું બળ મળશે. હાર્ડવર્ક કર્યા બાદ પણ સફળતા ન મળે ત્યારે દૃઢનિર્ધારથી વધુ મહેનત કરવાનું જોમ જાગશે, પરંતુ એ બધું છતાં તક ન સર્જાય તો લક્ષ્યનું કરવાનું શું?
આ પીડા વર્ષોથી દેશના યુવાનોની છે. એમાં છેલ્લાં દોઢેક દશકાથી થોડુંક પરિવર્તન આવ્યું છે ખરું, પણ એટલો મોટો ફરક પડયો નથી. યુવાનો માટે તક સર્જવાની બાબતમાં આપણો દેશ આજેય ઘણો પાછળ છે.
***
આઈઆઈટી મંડીના સર્વેમાં જણાયું કે દેશના ૩૨.૫ ટકા યુવાનોમાં ઉદ્યોગ સાહસિક બનવા માટે જેટલા ગુણોની જરૂર હોય એ બધા છે. એમનામાં ઉદ્યોગ સાહસિક બનવાની ભૂખ છે. સાહસ કરી છૂટવાનો મિજાજ છે. તે એટલે સુધી કે ૧૯થી ૨૩ વર્ષની વયે આ યુવાનો કંઈક સાહસ પણ કરે છે. પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે જેટલી સમજ હોય એ પ્રકારના પ્રયાસો કરે છે.
ગ્લોબલ યુનિવર્સિટી એન્ટરપ્રેન્યોરિયલ સ્પિરીટ સ્ટૂડન્ટ્સના સર્વેમાં જણાયું કે ૪૦ ટકા સ્ટૂડન્ટ્સ ગ્રેજ્યુએટ થયા પછી તુરંત જ કંઈનો કંઈક બિઝનેસ શરૂ કરે છે. રસપ્રદ બાબત એ છે કે આફ્ટર ગ્રેજ્યુએશન બિઝનેસ શરૂ કરવાની ગ્લોબલ એવરેજ માત્ર ૧૫.૭ ટકા છે. ભારતીય યુવાનો એ રીતે તો ગ્લોબલ ટ્રેન્ડથી બમણો ઉત્સાહ બતાવે છે. બિઝનેસ શરૂ કરવા માટે કેટલી બાબતો જાણવી જરૂરી છે - એવા સાત સવાલો પૂછાયા એમાં ભારતીય સ્ટૂડન્ટ્સ એવરેજ ૪.૬ જવાબો જાણતા હતા.
એ પોઈન્ટના જવાબમાં ગ્લોબલ એવરેજ ૩.૭ હતી. ટૂંકમાં, વિશ્વભરના વિદ્યાર્થીઓ કરતાં ભારતીય યુવાનો બિઝનેસને સફળ બનાવવાની એક કળા વધુ જાણતા હતા. યાદ રહે, ૧૯થી ૨૩ વર્ષની વયે તેમને બિઝનેસમાં જરૂરી સાતમાંથી ચાર બાબતોની જાણકારી છે.
***
આ પ્રકારનો બીજો એક સર્વે થયો રૂરલ એરિયામાં. ડેવલપમેન્ટ ઈન્ટેલિજન્સ યુનિટ અને ડેવલપમેન્ટ અલ્ટરનેટિવ્સે ગ્રામ્ય ભારતના યુવાનોમાં ઉદ્યોગ સાહસિક બનવાની કેવી ઝંખના છે એનો સ્ટડી કર્યો હતો. એ પ્રમાણે ૪૪ ટકા ગ્રામ્ય યુવાનો ઉદ્યોગ સાહસિક બનવા ઈચ્છે છે. તેમનામાં ગ્રેજ્યુએટ થયા પછી કે તે પહેલાં જો તક મળે તો બિઝનેસ શરૂ કરવાની હામ છે.
આ યુવાનોની ઉંમર માત્ર ૧૬થી ૨૯ વર્ષની વચ્ચે હતી. ૧૦મું પાસ થયા હોય એવા અનેક કિશોરોની આંખોમાં ઉદ્યોગ સાહસિક બનવાનું સપનું અંજાયું હતું. એમાંના ઘણાંની આર્થિક સ્થિતિ ખૂબ સાધારણ હતી. અમુકના પેરેન્ટ્સ તો સાવ અભણ કે પછી બહુ જ ઓછું ભણેલા હતા એટલે પરિવારમાંથી ઉદ્યોગ સાહસિક બનવાની પ્રેરણા મળે એમ ન હતી. બીજાને જોઈને કે કોઈ સફળ ઉદ્યોગપતિની સ્ટોરી વાંચી-સાંભળીને ઉદ્યોગ સાહસિક બનવાનો વિચાર આવ્યો હતો.
પણ હા, તેમનામાં ઉદ્યોગ શરૂ કરવા માટે જરૂરી સમજ એટલી વિકસેલી જોવા મળતી ન હતી. સર્વેમાં જણાયું કે તેમના વિચારો એકદમ રૉ હતા. બિઝનેસના જોરદાર ઈનોવેટિવ આઈડિયા તેમની પાસે ન હતા. મોટાભાગના યુવાનો ફૂડ, કપડાં જેવા બિઝનેસમાં ઝંપલાવવા ધારતા હતા. તેમને પૂછાયું કે જો વધુ સારા ને ઈનોવેટિવ આઈડિયાઝ મળે કે એવા બિઝનેસ પાર્ટનરનો ભેટો થાય તો એ બિઝનેસ કરવામાં રસ ખરો? એમાંથી ૭૨ ટકાએ નવા આઈડિયા હોય તો એવા બિઝનેસમાં ઝંપલાવવાનું કમિટમેન્ટ બતાવ્યું.
વેલ, ૩૨.૫ ટકા કોલેજિયન્સ અને ૪૪ ટકા રૂરલ યૂથમાં એન્ટરપ્રેન્યોર બનવાના ગુણ છે, ભૂખ છે. તો પછી તેમને સફળતા કેમ મળતી નથી?
જવાબ છે - તકનો અભાવ.
***
જે રૂરલ યૂથમાં ઉદ્યોગ સાહસિકના ગુણ હોય છે એમાંના ઘણાં તો બિઝનેસ શરૂ કરીને પોતાના પૂરતી સફળતાય મેળવે છે. એ સફળતા ૪૦ અંડર ૪૦માં આવી શકે એવડા મોટા બિઝનેસના સ્વરૂપમાં નથી હોતી, પરંતુ પોતાના આખાય પરિવારને આર્થિક સંકળામણમાંથી બહાર કાઢીને પોતાની ફર્સ્ટ જનરેશન અને સંતાનોની નેક્સ્ટ જનરેશનનું જીવનધોરણ એ બિઝનેસથી સુધર્યું હોય એવું બને છે. એમાંથી અમુક એવાય ઉદાહરણો જોવા મળી જાય છે કે જેમણે બિઝનેસ વિકસાવીને નાના ગામમાંથી ટાઉનમાં દુકાન-શોરૂમ બનાવ્યા હોય.
પરંતુ જો તેમને તક મળી હોય તો ખૂબ સફળ ઉદ્યોગ સાહસિક બની શક્યા હોત. ૩૨.૫ ટકા કોલેજિયન્સ કાચી વચે પાકા સપના જોતા હોય છે, પરંતુ ડિગ્રી પૂરી થાય ત્યાં સુધીમાં ઉદ્યોગ સાહસિક બનવા સામે આવનારા પડકારોની અનુભવે જાણ થાય છે એટલે સપનું સાઈડમાં પાર્ક કરીને નોકરી કરવા માંડે છે. ને આવું સેંકડો યુવાનો સાથે થાય છે. એનોય એક સર્વે જાણવા જેવો છે.
થોડાં વર્ષ પહેલાં તૈયાર થયેલા ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ મોનિટરના રિપોર્ટનું માનીએ તો દેશના હજારો યુવાનો ૨૫ વર્ષ સુધીમાં એટલિસ્ટ એક બિઝનેસમાં ઝંપલાવે છે. એમાંથી સક્સેસ રેટ છે માત્ર પાંચ ટકા. ઉદ્યોગ સાહસમાં ઝંપલાવતી યુવા પેઢી પોતાનો ધંધો જમાવવા માટે સરેરાશ ૩.૫ વર્ષ મહેનત કરે છે. ધીરજ રાખે છે ને પછી ધારેલી સફળતા ન મળતા પડતું મૂકી દે છે. નસીબ અજમાવતા કુલ યુવા ઉદ્યોગ સાહસિકોમાંથી બીજી વખત ઉદ્યોગ શરૂ કરવાનું સાહસ માત્ર ૯ ટકા કરી શકે છે. બાકીના ફરીથી ભાગ્યે જ ઉદ્યોગના સાહસમાં પડે છે.
ભારતમાં યુવા ઉદ્યોગ સાહસિકો સફળ ન થતાં હોવાના મુખ્ય કારણો છે - તકનો અભાવ. માર્ગદર્શનનો અભાવ. સરકારી પરવાનગીઓની લાંબી પળોજણ. ફેમિલી-ફ્રેન્ડ્સનું નેગેટિવ વલણ. ઈન્વેસ્ટમેન્ટનો અભાવ.
ભારતે પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનવું હશે કે વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનવું હશે તો યુવા ઉદ્યોગ સાહસિકો માટે તક સર્જ્યા વગર છૂટકો નથી. અમેરિકામાં જે રીતે યુવા પેઢીને તક મળી અને તેના પરિણામે એક પછી એક મલ્ટિનેશનલ આઈટી-સોશિયલ મીડિયા કંપની વિકસી એવું ભારતે કરવું પડશે. અત્યારે દેશમાં ૪૪ યુવા સાહસિકોમાંથી પાંચ ટકાને જ સફળતા મળે છે. અસફળ રહેતા ૩૯ ટકા યુવાનોને દિશા આપવાથી જ દેશને દિશા મળશે. બિઝનેસમાં યંગ લીડરશિપ ક્રિએટ કર્યા વગર દેશને નિર્ધારિત લક્ષ્યાંકે પહોંચાડવાનું કામ અશક્ય છે.
ગ્લોબલ બિઝનેસ લીડરશિપમાં 13% ભારતીય યુવાનો
દેશમાં ઉત્સાહી યુવાનો તકની શોધમાં રહે છે. બીજી તરફ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સમાં લીડરશિપની પોસ્ટ પર ૧૦થી ૧૩ ટકા ભારતીય યુવાનો છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે આઈટી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એન્જિનિયરિંગ, કસ્ટમર સર્વિસ સહિતના સેક્ટર્સમાં સક્રિય ટોચની મલ્ટિનેશનલ કંપનીઓ સર્વિસ ઓફિસીસ. એ દેશમાં હોઈ શકે અને વિદેશમાં પણ. અત્યારે ભારતમાં જ ૧૬૦૦ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ કાર્યરત છે અને એમાં ૫૦૦૦ ભારતીય પ્રોફેશ્નલ્સ લીડરશિપ પોઝિશનમાં છે. ૧૦૦થી વધુ તો ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર્સ, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ જેવી ચાવીરૂપ ભૂમિકામાં છે. આગામી પાંચ જ વર્ષમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરમાં લીડરશિપ કરતા ઈન્ડિયન યુવાનોની સંખ્યા ૩૦ હજારે પહોંચે તેવો અંદાજ છે. વિદેશી કંપનીઓ યંગ ભારતીયોની સ્કિલનો મેક્સિમમ ફાયદો ઉઠાવે છે. એ તક ભારતની કેન્દ્ર, રાજ્ય સરકારો, સ્વદેશી કંપનીઓ ગુમાવી રહી છે.
ટોચની 500 કંપનીઓમાં CEOની સરેરાશ વય 55 વર્ષ
દુનિયાની વસતિમાં ૪૦૦ કરોડ યુવાનો છે, પરંતુ પોલિટિક્સ, બિઝનેસ જેવા કી સેક્ટર્સમાં યુવાનોની ભાગીદારી ઘણી ઓછી છે. ખાસ તો લીડરશિપ પોઝિશનમાં યુવાનોને એટલી તક મળતી નથી. પોલિટિક્સમાં જેમ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સરેરાશ વય ૫૩ વર્ષ છે એમ બિઝનેસમાં સીઈઓ જેવી ટોપ પોઝિશન પર બેસેલા લોકોની સરેરાશ વય ૫૫ વર્ષ છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ, ફોર્ચ્યુન, એસ એન્ડ પી સહિતના અહેવાલોનું માનીએ તો દુનિયાની રેપ્યુટેડ ૫૦૦ કંપનીઓના સીઈઓની સરેરાશ વય ૫૫થી ૬૦ની વચ્ચે છે. યુવા વસતિ વધી એમ તેમનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ, તેના બદલે છેલ્લાં બે દશકામાં સીઈઓની સરેરાશ વય વધી છે. અગાઉ આ અવરેજ ૪૬ વર્ષ હતી. જો ભારતના સંદર્ભમાં વાત કરીએ તો આપણે ત્યાં ૫૦ યંગ બિઝનેસ લીડર્સમાંથી ૮૨ ટકા ઉદ્યોગ સાહસિક છે. એનો અર્થ એ થયો કે ફેમિલી બેકગ્રાઉન્ડ ન હોય તો દેશમાં ૧૦૦માંથી માત્ર ૧૮ને જ કોઈ કંપનીમાં ટોપ પોઝિશન ઓફર થાય છે.