બાયોમેગ્નેટિક્સ - અસરકારક ઉપચાર પદ્ધતિ
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- ચુંબક દરેક ઉંમર સ્ત્રી-પુરુષ માટે લાભકારક છે. ચુંબકથી ઊર્જા ઉત્પન્ન થાય છે, એનાથી એ જ્યાં મૂક્યું હોય તે અંગોપાંગોની ક્રિયાઓ સુધરી જાય છે, એનો રક્ત સંચાર વધી જાય છે
વિ જ્ઞાાનીઓની દ્રષ્ટિએ પૃથ્વી એક ચુંબકીય શક્તિથી ભરેલો ગોળ પદાર્થ છે. એમાં રાસાયણિક પદાર્થોનું અસ્તિત્વ તો છે જ, પણ એમની ક્ષમતા, કાર્ય પ્રણાલી, પરિવર્તન પદ્ધતિ, સંમિશ્રણથી થતી રૂપાંતરણની પ્રક્રિયા જેવી હલચલ પાછળ વિદ્યુત શક્તિ કામ કરે છે. આ વિદ્યુત શક્તિ પદાર્થના પ્રાણ રૂપ છે. તે સજીવ અને નિર્જીવ બન્નેમાં રહેલી છે. એનાથી જ માનવી સક્રિય, તેજસ્વી, સ્ફૂર્તિવાન, સુંદર, આકર્ષક અને પ્રતિભાવાન બને છે.
વિદ્યુત અને ચુંબક પરસ્પર ધનિષ્ટ સંબંધ છે. ડાયેનેમોની રચના સ્પષ્ટ કહે છે કે ચુંબકીય ક્ષેત્રનું પરિવર્તન વિદ્યુત દ્વારા ઉત્પન્ન કરે છે. એ જ રીતે જો વિદ્યુત ધારાને કોઈ લોખંડના ટુકડામાં પ્રવાહિત કરવામાં આવે તો તે પણ ચુંબક બની જાય છે. આ હકીકત એમ દર્શાવે છે કે ઊર્જા શક્તિ જ ચુંબકના રૂપમાં પરિણામે છે અને ચુંબકીયતા ઊર્જાના રૂપમાં પરિવર્તિત થાય છે.
શરીરનો પ્રત્યેક કોષ વિદ્યુત ઈકાઈ ધરાવે છે. જેમ વૃક્ષો-વનસ્પતિ એમના પાંદડા દ્વારા આકાશમાંથી વાયુ ગ્રહણ કરી શ્વાસ લે છે એવી રીતે આ કોષાણુ આકાશીય વાયુ મંડળમાંથી ફ્રિકવન્સી-આવૃત્તિ ખેંચે છે. એના આધારે જ એ એમનો કંપન અને દોલન ક્રમ ચલાવે છે. પૂર્વે સ્વિટ્ઝરલેન્ડના પ્રખ્યાત તબીબ સંશોધક ડૉક્ટર ફિલિપ્પસ ઓરોલસ પેરાસેલ્સસ (Philippus Aureolus Paracelsus) દ્વારા એવું જણાવાયું હતું કે ઘણી બધી બીમારીઓનું કારણ શરીરના ચુંબકત્વની વિકૃત્તિ, વિશૃંખલતા, વધઘટ જ હોય છે. એવા ઘણા રોગો જેનું કારણ તબીબો સમજી શક્યા નહોતા અને એમને દૂર કરવા ચિકિત્સકીય ઉપાયો કરાયા છતાં એમાં સફળતા મળી નહોતી તે ડૉક્ટર ફિલિપ્પસે રોગગ્રસ્ત કેન્દ્ર મૂળોમાં ચુંબકત્વની જરૂરી માત્રા પહોંચાડી મટાડી દીધા હતાં. તેમણે જણાવ્યું હતું કે મેગ્નેટ થેરેપી ખૂબ અસરકારક છે. ચુંબકત્વનો ઉત્તર ધુ્રવ જીવાણું ક્રિયાને નિયંત્રિત કરે છે અને દક્ષીણ ધુ્રવ શક્તિ અને પોષણની જરૂરિયાત પૂરી પાડે છે. બીમારીને આ બે વર્ગોમાં વહેંચીને નક્કી કરવું જોઈએ કે ચુંબકની આ બે ધારાઓમાંથી કોનો, ક્યાં અને કેટલો ઉપયોગ કરવો જોઈએ.
મુખ્ય રીતે ચુંબક ચિકિત્સાની બે પદ્ધતિઓ પ્રચલિત છે. એક સાર્વદૈહિક પ્રયોગ અને બીજી સ્થાનિક પ્રયોગ. સાર્વદૈહિક પ્રયોગ વિધિ અનુસાર ઉત્તરી ધુ્રવ અને દક્ષિણી ધુ્રવવાળા ચુંબકોની એક જોડ લેવામાં આવે છે. શરીરના વિદ્યુતીય સહસંબંધોના આધાર પર સામાન્ય રીતે ઉત્તરી ધુ્રવવાળા ચુંબકનો પ્રયોગ શરીરની જમણી બાજુએ, આગળની તરફ અને ઉપલા ભાગો પર કરવામાં આવે છે. જ્યારે દક્ષિણી ધુ્રવવાળા ચુંબકનો પ્રયોગ શરીરના ડાબા ભાગો પર, પીઠ પર અને નીચલા ભાગો પર કરવામાં આવે છે. આ નિયમ ચુંબકોના સાર્વદૈહિક પ્રયોગ પર જ લાગુ કરાય છે જ્યારે સ્થાનિક પ્રયોગની સ્થિતિમાં રોગ સંક્રમણ, વેદના, સોજો વગેરે પર વધારે ધ્યાન આપવામાં આવે છે. ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવા માટે જ્યારે રોગ અથવા એનો ફેલાવો નાભિની ઉપરના ભાગમાં હોય તો ચુંબકોને હથેળીઓ પર રાખવામાં આવે છે જ્યારે નાભિથી નીચેના ભાગમાં રોગ થયેલો હોય તો પગના તળિયા પર ચુંબકોને રાખવામાં આવે છે.
બીજી સ્થાનિક પ્રયોગ વિધિમાં ચુંબકોને એ જગ્યાએ રાખવામાં આવે છે જે રોગગ્રસ્ત હોય છે જેમ કે ઘૂંટણ, પગ, કરોડરજ્જુ, આંખ, નાક વગેરે. એમાં રોગની તીવ્રતા અને એના પ્રકાર પ્રમાણે કરી શકાય છે. જેમ કે ઘૂંટણ અને ગરદનના ભારે દુખાવામાં બે ચુંબકોને અલગ અલગ ડાબા-જમણા ઘૂંટણ પર અને ત્રીજા ચુંબકને ગરદનની કરોડરજ્જુ પર મૂકી શકાય છે. આ પ્રયોગ વિધિની ઉપયોગિતા સ્થાનિક રોગ સંક્રમણની અવસ્થામાં પણ થાય છે. અંગૂઠામાં અત્યંત વેદના જેવી અવસ્થામાં ક્યારેક બન્ને ચુંબકોના ધુ્રવોની વચ્ચે અંગૂઠો રાખવાથી તરત આરામ થઈ જાય છે.
ચુંબક દરેક ઉંમર સ્ત્રી-પુરુષ માટે લાભકારક છે. ચુંબકથી ઊર્જા ઉત્પન્ન થાય છે, એનાથી એ જ્યાં મૂક્યું હોય તે અંગોપાંગોની ક્રિયાઓ સુધરી જાય છે, એનો રક્ત સંચાર વધી જાય છે એને લીધે આખા શરીરને શક્તિ પ્રાપ્ત થાય છે, રોગ દૂર થવામાં સહાયતા પ્રાપ્ત થાય છે, થાક અને દુર્બળતા દૂર થાય છે. ચુંબક શરીરમાંથી પીડા ખેંચી લે છે. દરેક રોગમાં કોઈને કોઈ વધારે-ઓછી પીડા તો થતી જ હોય છે. પીડા ગમે તે કારણે કેમ ન થતી હોય, ચુંબકમાં એને ઘટાડવાનો અને દૂર કરવાનો ગુણ હોય છે.
વર્ષો પૂર્વે લોકો મેગ્નેટ થેરેપીનો ઉપયોગ કરતા હતા. અત્યારે અતિ આધુનિક ઉપકરણોથી આવી ચિકિત્સા અપાય છે. એને બાયોમેગ્નેટિકસ કે બાયોમેગ્નેટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકાના શિકાગો શહેરમાં આવેલી બાયોમેગ્નેટિક રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાએ આ સંદર્ભમાં અનેક સંશોધનો કર્યા છે. ભૌતિક વિજ્ઞાાની ડેવિડ કોહેને બાયો મેગ્નેટિઝમ (શરીર દ્વારા ઉત્પાદિત ચુંબકીય ક્ષેત્ર)ની બાબતમાં મહત્ત્વપૂર્ણ સંશોધન કર્યું હતું. તે રીતે જોન વિકસવો અને સેમ્યુઅલ વિલિયમસન નામના વિજ્ઞાાનીઓએ પણ આ વિષયમાં પાયારૂપ શોધ-સંશોધનો કર્યા હતા. મેગ્નેટોએન્સેફેલોગ્રામ (સ્ઈય્) જે મસ્તિષ્કના ચુંબકીય ક્ષેત્રનું માપ લે છે તેનો પણ આ ચિકિત્સામાં ઉપયોગ કરાય છે.
ખ્યાતિ પ્રાપ્ત ચિકિત્સાવિજ્ઞાાની જ્ઞાાસિસ વિક્ટર બ્રોસાઈસ અને હાર્વર્ડ ડી. સ્ટેન્ગલે બાયોમેગ્નેટિક ચિકિત્સા પદ્ધતિના અનેક ઉદાહરણો આપીને દર્શાવ્યું છે કે આ ચિકિત્સા પદ્ધતિ બીજી ચિકિત્સા પદ્ધતિઓ જેટલી જ અસરકારક છે. કેટલીક બીમારીઓમાં તો એ બીજી પદ્ધતિઓ કરતાંય વધુ અસરકારક સાબિત થઈ છે. ડૉ. કે.ઈ.મેકલીન ચુંબકત્વના પ્રભાવક પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપતાં કહે છે - 'દરરોજ ૩૬૦૦ ગ્રાસ ચુંબકીય ક્ષેત્રનો પોતાના શરીર પર પ્રયોગ કરવાને લીધે તે પોતાના શરીરને બિલકુલ રોગરહિત રાખી શક્યા છે. ૬૪ વર્ષની વયે પણ તે ૪૫ વર્ષની ઉમરના હોય એવા લાગે છે એનું રહસ્ય પણ આ જ છે.'
'બાયોમેગ્નેટિકસ'નો સંબંધ શરીરની વિદ્યુત શક્તિ સાથે સંકળાયેલો છે. શરીરની વિદ્યુત શક્તિ એ જ પ્રાણ શક્તિ છે. પ્રાણશક્તિની ઉણપ દૂર કરવા અથવા વધારે પ્રાણશક્તિ ઉત્પન્ન કરવા યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ.