Get The App

કર્મ તે જ ધર્મ અને મેદાન તે જ મંદિર .

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
કર્મ તે જ ધર્મ અને મેદાન તે જ મંદિર                                      . 1 - image


- યુવાશક્તિ જેમના કેન્દ્રસ્થાને રહી છે તેવા સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિન છે : સ્વામી વિવેકાનંદની નજરે ધર્મની વ્યાખ્યા શું હતી?

- પાઠ, પૂજા, શ્રવણ અને દર્શનનો અતિરેક પણ, આપણામાં પરિવર્તન આવ્યું હોય તેવો સુખદ સમાજ દેખાય છે ખરો?

- શ્રીરંગ અવધૂત મહારાજે પણ વિવેકાનંદ જેવો જ 'પરસ્પર દેવો ભવ' મંત્ર આપ્યો હતો

આ જે સ્વામી વિવેકાનંદનો જન્મદિન છે. કોઈપણ મહાપુરુષને જોડીને એમ કહેવાની જાણે ફેશન થઈ ગઈ છે કે 'શું આ મહાપુરુષે જે ઉપદેશ આપ્યો કે જેવું જીવન જીવ્યા હતા તે આજે પ્રસ્તુત છે?'

જેમ કે શું મહાત્મા ગાંધીનું જીવન અને સંદેશ વર્તમાન વિશ્વમાં અનુકરણીય છે? યાદી લાંબી પણ બનાવી શકો છો.

આવા વિષય પર લેખ લખાય, વક્તવ્યો અને નિબંધ સ્પર્ધા પણ યોજાતી હોય છે.

આમ જોઈએ તો આપણું કોઈ સ્ટેન્ડ કે સ્પષ્ટ વિચારધારા જ નથી કેળવાયેલી હોતી. જે મહાપુરુષની જયંતિ હોય તેના વિચારો અને ઉપદેશ વિરોધાભાષી હોય તો પણ જે તે જયંતિએ તેને યથાર્થ ઠેરવતા હોઈએ છીએ.

ગાંધીજીને પણ મહાન ઠેરવી શકે અને ગોડસેએ પણ સમયની માંગ પ્રમાણે તાર્કિક રીતે યોગ્ય કર્યું હતું તેમ  ચાલુ ગાડીએ ચઢી જનારા કહેવાતા બૌદ્ધિકો પણ છે.ગાંધીજી પણ આઝાદીનો અહિંસક માર્ગ અપનાવાર મહામાનવ અને સુભાષચંદ્ર બોઝથી માંડી ભગત સિંઘનો પણ જયજયકાર થાય.જેની જયંતિ.

આ જ કારણે આપણે કેવી રાજનીતિ રાખવી, એક ગાલ પર કોઈ તમાચો લગાવે તો બીજો ગાલ ધરવો કે પછી નિર્લજજ રીતે પેશ આવનારને પહેલો તમાચો મારીને પાઠ ભણાવવો. ઉપવાસ આંદોલન કરીને દાયકાઓ વીતાવી પરિણામ મેળવવું કે પછી ગૃહ યુદ્ધ કે હિંસક બળવો પોકારીને ધાર્યો ધ્યેય પ્રાપ્ત કરવો તે અંગે માનવ જગત દ્વિધા અનુભવે છે. આદર્શની રીતે તો વિશ્વના માનવીઓએ અહિંસા, પરસ્પર પ્રેમ, સહનશીલતા, ધીરજ અને અનુકંપા - માનવતા તેમજ સમદ્રષ્ટિ સાથે રહેવું જોઈએ તે જ યોગ્ય છે પણ શું ખરેખર વિશ્વના નાગરિકો અને વિશેષ તો નેતાઓ તે રીતનો સમાજ નિર્માણ કરે છે ખરા?

ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણથી માંડી સંતો અને મહાત્માઓએ આમ કહ્યું અને આમ કર્યું હતું તેની ૧૦૦૦મી કથા થતી રહે છે. વિચારો, એક વ્યક્તિ તેના ૬૦- વર્ષના જીવનમાં ૫૦૦ પ્રસંગો અને ધર્મગ્રંથોની ઝલક મેળવવા પછી પણ તેની પ્રકૃતિ અને સોચમાં  બદલાવ ન લાવી શકતો હોય તો તેનો અર્થ શું? આખરે તો વ્યકિતએ તે પ્રેરણા થકી જીવવાનું હોય છે.

સ્વામી વિવેકાનંદ આથી જ કદાચ વર્તમાન સમયમાં સાંપ્રત છે.

સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે '‘Religion is not in the books, nor in theories,nor in dogmas,nor in talking ,not even in resoning .it is being and becoming’ આ વાક્યનો અર્થ ધર્મની વ્યાખ્યા પણ સમજાવી જાય છે કે ધર્મ કોઈ ગ્રંથોમાં કેદ નથી, ધર્મ કોઈ વાદ કે થિયરીમાં પણ નથી,ધર્મ ગ્રંથો અને ધર્મગુરુઓ કહે તેમ જ જીવન વ્યતીત કરવું તેવી જડતા એટલે પણ ધર્મ નહીં, ધર્મ એટલે બડી બડી ધાર્મિક અને આધ્યાત્મિક વાતો કરતા રહેવી તે પણ નહીં, ધર્મ કોઈ કારણ કે તર્કથી જીતી શકાય તે બાબત પણ નથી. ધર્મ એટલે આપણું હોવું અને તેના બળ પર કંઇક બનવું તેમાં છે.'

આજે આપણે જોઈએ છીએ કે ધર્મ,સંસ્કૃતિ, ધર્મ ગ્રંથો, તત્ત્વ જ્ઞાન અને ભગવાનના જીવન અને કવન પરના દ્રશ્ય શ્રાવ્ય, માત્ર શ્રાવ્ય કાર્યક્રમોની ભરમાર ચાલે છે. પંડિતો અને બૌધ્ધિકોનો તેમાં અહમ્ પોષાય છે. શ્રોતાઓ વધતા જાય છે કેમ કે શ્રોતાઓ એમ માને છે કે આવા કાર્યક્રમો અને કથા, સેમિનાર અને શિબિરમાં ભાગ લઈને અમે પણ સુસંસ્કૃત, શિક્ષિત અને હેતુ પૂર્ણ જીવન વીતાવીએ છીએ. આયોજકો અને સંસ્થાઓએ બજેટ ફાળવ્યું હોય છે તેઓને પણ પોતે સામાજિક અને સંસ્કારની જાળવણી કરે છે તેમાં પ્રદાનનો સંતોષ મેળવવો છે. આમાં કંઈ ખોટું તો નથી જ. પણ મુખ્ય સવાલ એ છે કે આ બધું શ્રવણ અને દર્શન કરતાં રહેવા છતાં આપણામાં કોઈ પરિવર્તન આવ્યું છે ખરું?

સ્વામી વિવેકાનંદ આથી એ વાત પર ભાર મૂકે છે કે જ્યાં સુધી તમારામાં કંઈ પરિવર્તન નથી આવતું, તમે કંઇક સ્થૂળ દેખાય તેવું શિષ્ટ વર્તન કે વિચાર ધરાવતા નથી થતા કે  સમાજ, દેશ, વિશ્વમાં કંઇક બદલાવ લાવે તેવું કર્મ નથી કરતા ત્યાં સુધી તમે ધાર્મિક છો કે તત્વજ્ઞાની, શિક્ષિત અને સાક્ષર તેનાથી શું ફર્ક પડે છે. ધર્મ કોઈ જડ માન્યતા કે રૂઢિ આધારિત નથી. ધર્મ પાળવા માટે નથી પણ કંઇક બનવા માટે, હતા તેના કરતાં વધુ માનવીય દ્રષ્ટિ કેળવવા માટેનો ધ્યેય સાકાર કરે તેના માટે હોય છે.

સ્વામી વિવેકાનંદે સર્વાંગી વિકાસની વાત પર ભાર મૂક્યો છે.

(૧) શારીરિક : સૌથી પહેલા તો દેશની પ્રત્યેક વ્યકિતએ સ્નાયુબદ્ધ અને સ્ફૂર્તિ ધરાવતા બનવાનું છે કેમ કે આપણી કાર્યક્ષમતા તો જ વધશે. આપણે વિપરીત સંજોગો અને આબોહવામાં પણ વખત આવે ટકી શકીશું. માત્ર શારીરિક રીતે મજબૂત હશો પણ માનસિક રીતે બીમાર અને ઢીલા પોચા હશો તો પણ કંઈ અર્થ નહીં સરે. તમારા સ્નાયુ પોલાદી હોવા જોઈએ અને જ્ઞાનતંતુઓ લોખંડી હોવા જોઈએ. (શંકર આઇ.એ.એસ. સંસદમાં એક વિદ્યાર્થીએ  જણાવ્યું હતું કે વિવેકાનંદે દેશની વ્યક્તિ '‘Muscles of iron and nerves of steel’ની માલિક હોય તેમ ઈચ્છતા હતા.)

વિવેકાનંદ માનતા કે વ્યક્તિ તેની અંગત નોકરી, વ્યવસાય કે પારિવારિક અને દેશ પ્રત્યેના પ્રદાનમાં તો જ ખીલી ઉઠે જો તે શારીરિક અને માનસિક મજબૂત હોય. આથી જ તેઓ કહેતા કે દેશનો  કિશોર કે યુવા મંદિર નહીં જાય તો ચાલશે પણ તે ફુટબોલના (રમતના) મેદાનમાં જોવા મળશે તો ભગવાન વધુ ખુશી અનુભવશે.

આજકાલ મોટીવેશન લેક્ચર કે બેસ્ટ સેલર પુસ્તકો જે કહે છે કે 'તમે સારું ઇચ્છશો તો સારા બનશો અને ખરાબ માર્ગનું વિચારશો તો તેવા બનશો.. તમે ઈચ્છા ધરાવો તે બની શકો છો ..મેળવી શકો છા' તે ઉપદેશ વિવેકાનંદે વેદાંતને ટાંકીને આપ્યો હતો.

(૨) સામાજિક : પ્રત્યેક વ્યક્તિએ એકબીજાને બેઠા કરવાની, મદદ કરવાની, ગરીબી ટાળવાની ભાવના સાથે માનવતાવાદી પ્રદાન આપવાનું છે. વંચિતોને શિક્ષણ, હોસ્પિટલ અને ઘર આપવા તરફ આપણો ધ્યેય હોવો જોઈએ. વિવેકાનંદે એટલે સુધી કહ્યું કે 'જો તમે જરૂરિયાતમંદને બેઠો કરતા હો અને તમારા બધા ભગવાનને એક બાજુએ મૂકી દેશો તો પણ તે સેવામાં ભગવાનની ભક્તિ છુપાયેલી છે તેમ જ માનશો.

નારેશ્વરમાં જેમણે સાધના કરી હતી તેવા બ્રહ્મલીન  શ્રીરંગ અવધૂત મહારાજે  તો  'પરસ્પર દેવો ભવ'નો મંત્ર જઆપ્યો છે.

(૩) બૌદ્ધિક પ્રદાન : જે વ્યક્તિ શિક્ષિત છે તેણે જેને જરૂર છે તેને શિક્ષા આપી તેના જ્ઞાન અને સમયનું દાન કરવું જોઈએ. જેઓને જ્ઞાનની ભૂખ છે તેઓને વધુ ઉત્કર્ષ સાધવા તરફ લઈ જવા જોઈએ.વિવેકાનંદે એમ પણ કહ્યું હતું કે શિક્ષણનું લક્ષ્ય માત્ર ડિગ્રી અને રોજી મેળવવા માટે ન હોવું જોઈએ. શિક્ષણની તો સમાજ અને રાષ્ટ્ર નિર્માણ કરવાની તાકાત છે. શિક્ષણ થકી ચારિત્ર્ય ઘડતર થાય, વિદ્યાર્થી આગળ જતા ઉમદા માનવ બને સંસ્કૃતિનો રખેવાળ બને તે પ્રકારનો અભ્યાસક્રમ અને ધ્યેય હોવો જોઈએ.

(૪)આધ્યાત્મિક સજ્જતા : વ્યક્તિ પાસે શિક્ષણ હોય, આર્થિક સધ્ધરતા હોય, તેનું  મનોબળ  મજબૂત હોય અને તે માનવતાવાદી પણ હોય આમ છતાં તે આધ્યત્મિક રુચિ અને પગથિયું ચઢવા ન માંગતો હોય તો તે એક પ્રકારની અધૂરપ કહી શકાય. તનાવ, ડિપ્રેશન, આત્મઘાતી વિચારો અને માનસિક સ્વાસ્થ્ય તો શિક્ષિત અને જ્ઞાનીઓનું વધુ કથળેલું જોઈ શકાય છે. આ માટે દેશની દરેક વ્યક્તિએ પશ્ચિમનું માત્ર સારું જ ગ્રહણ કરવાનું છે પણ આપણા વેદો અને ઉપનિષદોમાં જણાવ્યું છે તે રીતે બીજી વ્યક્તિ જે વિશ્વ પરત્વે સહાનુભૂતિ દૃષ્ટિ રાખવાની છે. યોગ, ધ્યાન, હિન્દુ તત્ત્વ જ્ઞાન અને મન તેમજ ઇન્દ્રિયો પર સંયમ માર્ગના યાત્રી બનવાનું છે. વ્યક્તિમાં પોતે શું છે? શા માટે પૃથ્વી પર આવ્યો છે તે ચિંતન તો હોવું જોઈએ. જીવનને માણવાનું જ છે પણ હેતુ અને કર્તવ્ય સાથે.

(૫) રાષ્ટ્ર નિર્માણ : રાષ્ટ્ર આખરે તો જે તે દેશના નાગરિકો થકી બને છે કે અધોગતિ સ્તરે જતું હોય છે. ઉપરના ચારેય ધ્યેય જો સિદ્ધ થાય તો રાષ્ટ્રનું આપોઆપ નિર્માણ થાય જ છે. વ્યક્તિને રાષ્ટ્ર માટે ગૌરવ હોવું જોઈએ જે ધર્મ કરતા પણ આગળનું સ્ટેજ છે.સમાજમાં જો નાત, જાત, ધર્મ અને આર્થિક માપદંડના આધારે ભેદ અને વૈમનસ્ય હશે તો દેશ ખંડિત અને વિભાજીત રહેશે જે દેશને નબળો બનાવશે.

કમનસીબે નેતાઓ  મતપેટીને નજરમાં રાખીને જ ભેદ જન્માવે છે.

વિવેકાનંદ કર્મયોગી કહી શકાય કે જેઓ કર્મ પર જ ભાર મુકતા. તેઓ માનતા કે  દેશના નાગરિકો અને દેશ સુખી અને આબાદ તો જ રહી શકે કે પ્રત્યેક નાગરિક તેની ફરજ સાથે કર્મ કરે. માત્ર પૂજા પાઠ અને વાણી વિલાસથી અર્થ નહીં સરે. પરસ્પર એકબીજાને એક જ સવાલ હોવો જોઈએ કે સામી વ્યક્તિ, પરિવાર, સમાજ અને દેશ માટે તમે પ્રત્યક્ષ કે પરોક્ષ શું પ્રદાન આપ્યું?

ચાલો સ્વામી વિવેકાનંદના સ્વપ્ન જેવું આપણું જીવન જીવીને ભારતનું નવનિર્માણ કરીએ. એક એક વ્યક્તિ અને એક એક પરિવાર જોડાઈને જ દેશ બનતો હોય છે. ચાલો આપણાથી જ શરૂઆત કરીએ. 


Google NewsGoogle News