નાની ગુડિયાની અકાળે યૌવન પ્રાપ્તિથી વડીલો ચિંતાતુર
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- બીજા શબ્દોમાં કહીએ તો દરેક માતા-પિતાએ પોતાના સંતાનો સાથે પ્રત્યેક નાની-મોટી બાબતમાં સંવાદનો યોગ્ય સેતુ સાધવાની આવશ્યક્તા છે
એ ક સુખી અને સાધન સંપન્ન પરિવારની છઠ્ઠા ધોરણમાં ભણતી બાળકી રાણી (નામ બદલ્યું છે) અત્યંત તેજસ્વી અને હોશિયાર બાળકી છે. અભ્યાસમાં હંમેશા ટોચ ઉપર રહેતી આ બાળકીને તેની બાળસખીઓ અને વિવિધ પ્રકારની ઢીંગલીઓ સાથે રમવાનું ખૂબ જ ગમે છે. પરંતુ ભણવામાં હોનહાર, સુંદર નિર્દોષ રાણી માટે તેની માતા સુમતી (નામ બદલ્યું છે) ખૂબ જ ચિંતિત છે. કારણ કે રાણીનો શારીરિક વિકાસ તેની વયની અન્ય બાળકીઓની સરખામણીએ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. સુમતીને આ બાબત થોડી વિચિત્રતાભરી ભાસે છે. પોતાના શારીરિક પરિવર્તનો અંગે રાણી સ્વયં ભારે ઉત્તેજીત અને જીજ્ઞાાસુ છે. આ સંદર્ભમાં તેના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. આ પ્રશ્નો તે તેની માતાને પૂછે છે પણ માતા સુમતી પાસે રાણીના પ્રશ્નોના કોઈ ઉત્તર નથી.
આટલી નાની વયે પોતાની દીકરીના સ્તનનો વિકાસ જોઈને વ્યાકુળ બની ઉઠેલી સુમતીને એવી શંકા ગઈ કે રાણીને ગાંઠ નીકળી છે. આ શંકા અને ભયને કારણે તે રાણીને ડોક્ટર પાસે લઈ ગઈ. ડોક્ટરે તેને સમજાવ્યું કે રાણી બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તે શારિરીક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સંપૂર્ણ પણે સ્વસ્થ છે, માત્ર રાણીની જે સમસ્યા છે, તે આજે વૈશ્વિક સમસ્યા છે. આ સમસ્યા પ્રત્યેક માતા-પિતાને મુંઝવી રહી છે.
ફેડરેશન ઓફ ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ સોસાયટી ઓફ ઈન્ડિયા (ફોગ્સી) દ્વારા તાજેતરમાં ભારતનાં વિવિધ સો નાનાં મોટા શહેરોમાં એક સર્વેક્ષણ કરાયું હતું. આ અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે કન્યાઓ હવે ૧૩ના બદલે ૧૧ દસમા વર્ષે જ પુખ્તાવસ્થા પ્રાપ્ત કરી લે છે. આ સર્વેના તારણમાં એવું જણાવાયું છે કે ફિલ્મો અને ટીવી સિરિયલો તથા અન્ય પ્રોગ્રામોમાં અશ્લીલ દ્રશ્યોની ભરમારને કારણે તથા બિભત્સતાની હદ વટાવી જતાં ફેશન શોને પ્રતાપે પણ ટીવી જોતી કુમળી વયની બાળા જાતીયતા બાબત જલદી સભાન બનવા લાગી છે. આ પરિવર્તનનો એક ગંભીર અંજામ એ જોવા મળે છે કે નાની વયે ગર્ભવતી બનતી કિશોરીઓની સંખ્યા વધતી જાય છે. કન્યાઓમાં એઈડ્સ જેવા જાતીય રોગોનું પ્રમાણ પણ ભવિષ્યમાં ચિંતાજનક હદે વધેલું જોવા મળશે.
અત્યાર સુધી એવી માન્યતા હતી કે બાર-તેર વરસે બાળકી રજસ્વલા થાય અને એની છાતીનો ઉભાર ઉપસવા માંડે. પરંતુ વાસ્તવિકતા જુદી છે. નિષ્ણાત ડૉકટર્સ કહે છે કે બાળકીએા વહેલી પુબર્ટીને વરે છે. પુબર્ટીને સરળ ભાષામાં કૌમાર્યવસ્થા કહી શકાય. દોઢ દાયકા પૂર્વે કોઇએ આ ચેતવણી ગંભીર ગણી નહોતી. પરંતુ આજે આખી દુનિયા કહે છે કે ગર્લ્સ આર હિટીંગ પુબર્ટી બિફોર નાઇન !
છોકરીઓમાં આઠ વર્ષની અથવા છોકરાઓમાં નવ વર્ષની ઉંમર પહેલા તરુણાવસ્થા શરૂ થાય છે. જ્યારે કેટલાક કિસ્સાઓ ટયુમર જેવી ગંભીર પરિસ્થિતિ પણ ઉદ્ભવે છે ત્યારે મોટાભાગના આઇડિયોપેથિક (ઓળખી શકાય તેવા કારણ વગર) સારવાર શરૂ કરી દેવી યોગ્ય છે.
મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં પેડિએટ્રિક એન્ડોક્રિનોલોજીના કન્સલ્ટન્ટ ડો. આકાંક્ષા પરીખ પાસે આવો જ એક કેસ આવ્યો.
રાજકોટની એક સ્ત્રી તેની સાત વર્ષની દીકરી ડો. આકાંક્ષા પાસે લઈ આવી. માતા-પિતા દીકરીના સ્તનના વિકાસ અંગે ચિંતિત હતા. એક વર્ષ અગાઉ તેના સ્તનનો વિકાસ શરૂ થઈ ગયો હતો. જેનો અર્થ એ થયો કે જ્યારે તરુણાવસ્થા શરૂ થઈ ત્યારે માત્ર છ વર્ષની હતી. હોસ્પિટલમાં તેના મગજના એમઆરઆઈ સહિત બીજા વ્યાપક પરીક્ષણો હાથ ધરવા છતાં કોઈ સ્પષ્ટ કારણ મળ્યું નથી.
એ તેની સગર્ભાવસ્થાની ઉંમર માટે નાની હતી. તેનું વજન માત્ર ૩ કિલો હતું અને તેની સારવાર શરૂ કરી ત્યાં સુધીમાં તેનું વજન વધી ગયું હતું.
છોકરાઓમાં આ સ્થિતિ ઓછી જોવા મળે છે છતાં એ હકીકત છે કે તેમના વિકાસમાં પણ નોંધપાત્ર ફેરફાર થયો છે. ભૂતકાળમાં છોકરાઓને ૧૬ થી ૧૮ વર્ષની વય વચ્ચે અવાજમાં ફેરફાર અને ચહેરાના વાળની વૃદ્ધિનો અનુભવ થતો હતો. હવે આવું પરિવર્તન જલદી જોવા મળે છે.
તબીબોનું કહેવું છે કે છોકરી કે છોકરાના શરીરમાં થતા ફેરફાર ચિંતાજનક જણાય ત્યારે પ્રારંભિક તપાસ મુખ્ય છે, તબીબો પણ વહેલી તપાસના મહત્વ પર ભાર મૂકે છે.
આ બાબતમાં માતાપિતાએ જાગ્રત રહેવાની જરૂર છે. સ્તનનો વહેલો વિકાસ, ઝડપી વૃદ્ધિ અથવા શરીરના વાળ જેવા ચિહ્નો માટે બાળરોગના એન્ડોક્રિનોલોજિસ્ટની મુલાકાત લેવાની જરૂર છે.
હવે વિદેશની વાત કરીએ કોપનહેગનની યુનિવર્સિટી હૉસ્પિટલે તાજેતરમાં એક સર્વે કર્યો હતો એમાં હજારેા સ્કૂલ ગર્લ્સને તપાસવામાં આવી હતી. સર્વે કરનારા વિદ્વાન ડૉક્ટર્સે જુદાં જુદાં પરિબળોને ધ્યાનમાં લીધાં હતાં. છોકરીઓ દ્વારા લેવાતો ખોરાક, તેમની રહેણીકરણી, ઊંઘવાના કલાકો, બીજા છોકરા-છોકરીઓ સાથેનો તેમનો સંબંધ અને વ્યવહાર, ફૅશનના બહાને પોશાકમાં થતો ફેરફાર અને ટીવી પ્રોગ્રામ જોવાની તેમની ઘેલછા.
કોપનહેગનની યુનિવર્સિટી હૉસ્પિટલ એવા તારણ પર આવી કે હવે નવથી દસ વર્ષની બાળકી કિશોર વયની થઇ જાય છે અને એની સેક્સ વિશેની જિજ્ઞાાસા પ્રબળ બની જાય છે. એ સમયે જો એને યોગ્ય માર્ગદર્શન ન મળે તો એ અવળે રવાડે ચડી જાય છે. આ અગાઉ ૧૯૯૧માં આવો સર્વે થયો હતો. એ સમયે સાડા અગિયારથી બાર વર્ષની તરુણી જાતીય બાબતો અંગે મેચ્યોર જણાઇ હતી. અત્યારે આઠ વર્ષ અને નવ વર્ષની સગીરા આવી મેચ્યોરિટી ધરાવતી થઇ ગઇ છે. આ અત્યંત લપસણી ઉંમર છે. નિષ્ણાતોનેા એક વર્ગ એમ પણ માને છે કે ઇન્ટરનેટ અને વિવિધ વેબસાઇટ બાળકો માટે જ્ઞાાનના સાતે સાત મહાસાગર ખુલ્લા મૂકી દે છે તેમ એનાં ભયસ્થાનો પણ ઘણાં છે. માત્ર અને માત્ર કુતૂહલ ખાતર બાળકો અમુક પોર્ન વેબસાઇટ એકવાર જોઇ લે પછી જાણ્યે અજાણ્યે એનું આકર્ષણ વધી જાય છે.
આટલું ઓછું હોય તેમ હવે સ્વાદિષ્ટ વાનગીના નામે વધુ ને વધુ મસાલેદાર ફાસ્ટ ફૂડ આજનાં બાળકો ખાતાં થયાં છે. એમાંય મોંઘવારીને પહોંચી વળવા માતા-પિતા બંને જણ નોકરી કરતાં હોય તો ઘણીવાર બાળકને બહારથી ટીન ફૂડ કે તૈયાર પેકેટ લઇને ખાવાનું પ્રોત્સાહન આપી દે છે. ઘણા પરિવારોમાં તો અઠવાડિયે એકાદ-બે વાર અચૂક બહાર જમવા જવાનો
જાણે નિયમ થઇ પડયો છે. આમ એક તરફ ટીવી પરના રેઢિયાળ પ્રોગ્રામ, બીજી તરફ ઇન્ટરનેટ અને ઉશ્કેરણીજનક વેબસાઇટ, ત્રીજી તરફ આરોગ્યને પ્રતિકૂળ એવો ખોરાક- આમ આ બધાં પરિબળો બાળકના શારીરિક-માનસિક વિકાસને અસર કરે છે. પોતે પણ મોટાં થઇ ગયાં છે એવો ભ્રામક ખ્યાલ આ બાળકોનાં અંગ-ઉપાંગ પર અવળી અસર કરે છે.
નિષ્ણાતો એક અજીબ ભયસ્થાન તરફ અંગુલિનિર્દેશ કરે છે. આ લોકો કહે છે કે કૌમાર્યવસ્થા જલદી આવી જવાનો એક અર્થ એ છે કે આ કન્યાઓ એસ્ટ્રોજન નામના રસાયણના સંપર્કમાં વધુ રહે છે પરિણામે વહેલે-મોડે આ છોકરીઓ હાર્ટ પ્રોબ્લેમ અને સ્તન કેન્સરનો ભોગ બનવાની શક્યતા વધી જાય છે. માનવ શરીરમાં વિવિધ રસાયણો, એન્ઝાઇમ્સ અને પ્રોટિન્સની સમતુલા આપોઆપ જળવાઇ રહે એવી વ્યવસ્થા કુદરતે કરેલી છે. પરંતુ આધુનિક શહેરીજીવને સર્જેલી રહેણીકરણી આ સમતુલાને ખોરવી નાખે છે પરિણામે તન-મનનો અકુદરતી વિકાસ થાય છે જે રાસાયણિક અસમતુલા પેદા કરે છે અને વિવિધ રોગો અચાનક હુમલો કરી બેસે છે.
આ વિષયમાં કોરોના કાળ પછીનો તબક્કો વધુ મહત્ત્વનો રહ્યો છે. કોરોનાના ચેપને નિયંત્રણમાં લેવા લાદવામાં આવેલા કોરોના લોકડાઉન દરમ્યાન છોકરીઓમાં વહેલી યુવાની આવવાનું પ્રમાણ ૩.૬ ગણું વધી ગયું હોવાનું એક સંશોધનમાં જણાયું હતું. બાળકો વધારે વહેલા યુવાન થવાનું ચોક્કસ કારણ તો જાણી શકાયું નથી પણ તનાવ તથા સેનેટાઇઝર્સ અને મોબાઇલનો વધારે પડતો વપરાશ આમ થવા માટે જવાબદાર હોવાનું મનાય છે.
જર્નલ ઓફ પેડિયાટ્રિક એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિઝમમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જણાયું હતું કે કોરોના મહામારી પૂર્વે ૪૨૦૮ કિસ્સામાંથી ૫૯ જણાને વહેલી યુવાની આવી હોવાનું જણાયું હતું પણ કોરોના મહામારી દરમ્યાન ૩૦૫૩ કિસ્સામાંથી ૧૫૫ જણાને આ સમસ્યા જણાઇ હતી. બાળકોમાં યુવાની વહેલી આવવાના રોગને ઇડિયોપથિક સેન્ટ્રલ પ્રિકોશિયસ પ્યુબર્ટી તરીકે ઓળખવામાં આવે છે. આ સમયગાળામાં આઠ અને નવ વર્ષના બાળકોમાં યુવાનીના લક્ષણો જોવા મળ્યા હતા.
વાસ્તવમાં ૧૯૯૭માં અમેરિકાના બાળરોગ નિષ્ણાતોએ ત્રણથી ૧૨ વર્ષની વયજૂથની ૧૭,૦૭૭ બાળાઓની જાતીય પુખ્તાવસ્થાનું મુલ્યાંકન કરતાં આ ચર્ચા શરૂ થઈ હતી. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સાત અને આઠ વર્ષની વયે સ્તનનો વિકાસ અને ગુપ્તાંગ પાસે વાળની વૃદ્ધિ થવાનું પ્રમાણ આપણી કલ્પના કરતાં વધુ હોય છે.
બધી વાતનો સાર એ છે કે આજે સામાજિક - સાંસ્કૃતિક પરિમાણો બદલાયા છે, જીવન ધોરણમાં પણ આધુનિકતા સાથે પરિવર્તન આવ્યું છે. મિડિયાનો વ્યાપ વિસ્તૃત બન્યો છે. રોજની સંખ્યાબંધ ચેનલો ટેલિવિઝનના ટચૂકડા પડદા ઉપર વિવિધ પ્રકારના કાર્યક્રમો પ્રસારિત કરી રહી છે. દરેક ક્ષેત્રમાં વ્યાપારિકરણ જોવા મળે છે. એક નાનકડો પરિવાર પણ એમાંથી બાકાત નથી. શું આ બધા માટે આપણે બાળકોને દોષિત ઠરાવીશું? હરગીઝ નહી. બાળકો તો મોટેરાઓએ બનાવેલા વિશ્વમાં જીવતા હોય છે અને તેથી ઉક્ત સમસ્યાના સંદર્ભમાં વડીલોએ જ વધુ વ્યવહારું અભિગમ અપનાવવાની જરૂર છે અને સેક્સુઆલિટી કે જાતિયતાને નવા અભિગમ અને દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક માતા-પિતાએ પોતાના સંતાનો સાથે પ્રત્યેક નાની-મોટી બાબતમાં સંવાદનો યોગ્ય સેતુ સાધવાની આવશ્યક્તા છે. સંતાનોના માતા-પિતા કે વડીલ બની રહેવાને બદલે તેમના મિત્ર બનવું એ આજના સમયનો તકાજો છે. ઝડપથી બદલાતા આજના યુગમાં બાળાઓમાં પ્રવેશતી ઝડપી પુખ્તતાના પડકારનો સામનો કરવા માનસિક આરોગ્ય કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યક્તા છે.
- ભાલચંદ્ર જાની