ઘોંચપરોણો એટલે? .
- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- ઘોંચવું એટલે ધારદાર ખીલી ખોસવી. પરોણો એટલે સીધી લાકડી, કે જેનાથી બળકોને હાંકવાનું કામ થાય
ત મને થશે કે આ ઘોંચપરોણો એટલે શું ? આ સામાસિક શબ્દ છે તેમાં 'ઘોંચ' અને 'પરોણો' બે સ્વતંત્ર પદ છે. ઘોંચવું એટલે ધારદાર ખીલી ખોસવી. પરોણો એટલે સીધી લાકડી, કે જેનાથી બળકોને હાંકવાનું કામ થાય. ગાડે જોડેલા, ખેડ કરતા બળદોની ગતિ ક્યારેક ધીમી પડી જાય, અટકી જાય ત્યારે માલિક આરવાળી લાકડી તેની પુંઠે સ્હેજ સાજ ઘુસાડી ડચડચ ડચકારા કરી ઝડપથી ચલાવે. બળદોની ચામડીમાં ખીલી ઘોચાય એટલે ઝડપથી ચાલવા લાગે આ અણિયાળી લાકડી ભોંકવાની ક્રિયા ઘોંચપરોણો કહેવાય.
ઘોંચપરોણો ડરામણું હથિયાર છે. ડર દેખાડી ઇચ્છિત પરિણામો મેળવવા માટે તેનો ઉપયોગ થાય છે. બળદો સાથે એનો પ્રયોગ થતો પણ એ શબ્દની અર્થવ્યાપ્તિ થઈ છે. સમાજમાં પણ એવા ઘોંચપરોણા કરવાવાળા લોકો હોય છે. સીધી રીતે કામ કરતા નોકરોને માલિક આવા ઘોંચપરોણા કરે છે. ઘોંચપરોણા મારનારો માલિકી ભાવ ધરાવે છે. પોતાના અહમનો અને લોભનો આગ્રહ તેને શોષિત બનાવે છે ત્યારે આવાં હથિયારોનો તે ઉપયોગ કરે છે. વધારે ઉત્પાદન લેવાની લાહ્યમાંને લાહ્યમાં, પોતાનો દાખલો બેસાડવા માલિકી પોતાના હાથ નીચેના ઉપર આવો પ્રયોગ કરે છે. ક્યારેક સીધી રીતે કોઈ કામ કરતું હોય તો તેને કરવા દેવાને બદલે તેમાં ખોડખાંપણો કાઢી, લડી-ઝઘડી જે હેરાન-પરેશાન કરવાની વૃત્તિ છે તે પણ ઘોંચપરોણા છે. આડખીલીઓ છે. આપણા ઈરાદાપૂર્વકના શબ્દો ક્યારેક સામેની વ્યક્તિ માટે ઘોંચપરોણા બની જાય છે સાસુ અને બહુ વચ્ચેના સમાજમાં વગોવાયેલા સંબંધોમાં ઘોંચપરોણા વધારે જવાબદાર છે. બહુ સૂઝબૂઝથી ઠીકઠીક કામકાજ કરતી હોય તેમ છતાં સાસુના શબ્દનો ત્રાસ વહુને પજવણીરૂપ લાગે છે તે ઘોંચપરોણા છે. સહજ સ્થપાતા સંબંધો, સહજ થતાં કાર્યો, સહજ ચાલતા વ્યવહારોમાં જે બિનજરૂરી અડચણો દાખલ કરવામાં આવે છે તે સર્વે ઘોંચપરોણાનાં દ્રષ્ટાંતો છે.
ઉપલા અધિકારીઓ નીચલા કર્મચારીઓને સરખી રીતે કામ કરવા દેવાની સ્વતંત્રતા છીનવી લેતા હોય છે, તેમના કામમાંથી કોઈ નાની મોટી ભૂલો કાઢ્યા કરે છે ત્યારે પેલા નાના કર્મચારીઓને અધિકારીઓનાં સૂચનો ઘોંચપરોણા લાગતાં હોય છે. બીજી બાજુ સાધનાના માર્ગે નવા સાધકને થતા ગુરુના સમ્યક્ ઘોંચપરોણાં દીવાનું કામ કરે છે.
વિકાસશીલ દેશ અલ્પવિકસિત દેશ સાથેના વ્યવહારોમાં આવાં જ નિરીક્ષણો હાથ લાગે. ક્યારેક કોઈના કામની, કોઈ વ્યક્તિની કોઈ ગામની કોઈ પરિવારની સમજ્યા વિના જે કૂથલી કરીએ ટિપ્પણી કરીએ તે બરાબર નથી. એમાં તટસ્થ ભાવે દર્શન કરીએ તો તમે જેની ટીકા કરો છો - એની પ્રગતિ થઈ રહી છે તેને તમે સોંપી શકતા નથી અથવા તેવા વિકાસને તમે સહન કરી શકતા નથી એની સફળતાને યશ આપવાની તમારામાં હિંમત નથી એટલે ટીકારૂપે એ સફળતા સંદર્ભે ગમે તેમ બકવાસ કરો છો તે ઘોંચપરોણા છે - કારણ કે ઘોંચપરોણાનું કામ જ ગતિભંગ કરવાનું છે. 'ગાડું ઘોંચમાં પડયું' કહીએ છીએ ત્યારે પણ કામ અટકી જવાની વાત કરતા હોઈએ છીએ.
થાકેલા બળદને માલિક સમજી શકતો નથી એને પરિણામ લાવવાની ઉતાવળ હોય છે એટલે બળદને ઘોંચપરોણા કરી ગતિ વધારે છે. નિંદા કરનારાને પણ કોઈ ભાવના હોય છે તેને પૂર્ણ પણે સમજ્યા વગર આપણે નિંદકની ઉપેક્ષા કરીએ છીએ અને તેની નિંદાને ઘોંચપરોણા કહીએ છીએ એમ પણ બને નિંદાની પાછળ શુભ હેતુ રહ્યો પણ હોય, અલબત્ત ગેરસમજ થવી ના જોઈએ. ઘોંચપરોણા માનવસર્જિત પ્રતિક્રિયા છે. જ્યાં દ્વન્દ્વ છે, બે પક્ષ છે ત્યાં ઘોંચપરોણા હોય જ છે.
દ્વન્દ્વ છે ત્યાં સ્પર્ધા છે, સ્પર્ધા છે ત્યાં ઘોંચપરોણા હોય જ છે. જ્ઞાાન-વિજ્ઞાાન એટલે જીવન વિશેના કૌતુક અંગેની એક લાગણી, ધર્મ એટલે જીવન વિશેના આદરની એક લાગણી અને સાહિત્ય એટલે જીવનની ભવ્યતા અંગેની લાગણી આવી લાગણીનાં જ્યાં જ્યાં દર્શન થતાં હોય છે ત્યાં તેની પણ બસ ટીકા કરી એના વિશે તાર્કિક ખોટાં વિધાનો કરી એના વિકાસની નોંધ જ ના લેવી, તેવી પ્રતિક્રિયાઓ, ટીકાઓ ઘોંચપરોણા છે. ઘોંચપરોણા દીવાસળી છે જે આગ પણ પ્રગટાવે અને દીવો પણ. દીવો પ્રગટાવનારા ઘોંચપરોણા આવકાર્ય છે.
કોઈપણ કાર્યની પ્રતિક્રિયા હોય છે. આ ઘોંચપરોણા પણ એ રીતે, એક પ્રકારની પ્રતિક્રિયા છે. ઉત્તમ બનાવવાનો ખ્યાલ તેમાં ઓછો હોય છે - ઘોંચપરોણાનું પરિણામ તેની ગતિ મંથર થઈ જાય છે અથવા બંધ પડી જાય છે. સારાં પરિણામો દેખાતાં જવલ્લે જ હોય છે. કોઈ સદ્કૃત્ય કોઈના શબ્દોથી થતું અટકી જાય ત્યારે તે શબ્દો ઘોંચપરોણાના બની જાય છે.
પ્રકૃતિમાં ખેતરમાં લ્હેરાતો મોલ જુઓ ! અંકુર ફૂટયાથી શરૂ કરી ડૂંડે દાણા બેસે ત્યાં સુધી એ એની મેળે જ ખેતરમાં લહેરાય છે, અને પવન સાથે પ્રીત કરે છે. ત્યાં એ પોતાનો વિકાસ પોતાની રીતે કરે છે. વૃક્ષો પણ મેળે મોટાં થાય છે. એ વૃક્ષો-વનસ્પતિ-મોલને કોઈ ઘોંચપરોણા કરતું નથી ત્યારે એ પોતાની ક્ષમતાથી ધરતી બહાર માથું કાઢી વટભેર ઊભાં રહે છે. આપણા બાળકોને તેવી રીતે મોટાં થવા દેતા નથી. સતત માળી બની જઈ વધારે પડતી કાળજી રાખવાના જે પ્રયત્નો કરીએ છીએ, તે વધારે પડતી કાળજી નથી એના વિકાસની આડે ઊભા કરેલા ઘોંચપરોણા છે. આપણે ઘોંચપરોણા દ્વારા એક ભયનું તત્ત્વ દાખલ કરીને એની સાહજિક યાત્રાને ઠેસ પહોંચાડીએ છીએ. પક્ષ-વિપક્ષ ઊભા કરીએ છીએ. દ્વેષ પ્રગટ કરવાનું દ્વાર છે ઘોંચપરોણા એ કોઈની પ્રગતિ, વિકાસ કે એકતાની આડે આવે છે ત્યારે અનર્થો સર્જે છે. સમગ્ર સૃષ્ટિનું સંચાલન પરમતત્ત્વના ઘોંચપરોણા વગર થઈ રહ્યું હશે?