Get The App

પૈસા ખાતર પારકી ભૂમિ ખૂંદવા નીકળનારા કમોતે મરે છે

Updated: Feb 13th, 2022


Google NewsGoogle News
પૈસા ખાતર પારકી ભૂમિ ખૂંદવા નીકળનારા કમોતે મરે છે 1 - image


- ગેરકાનૂની માર્ગે  વિદેશમાં વસવાટ કરવાની ઘેલછા

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- સ્થાનિક એજન્ટ વિદેશ જવાના ફાયદા વર્ણવી અણસમજુ યુવાનોને જવા લલચાવે છે. યુરોપિયન દેશોમાં લઈ જવાના બેથી અઢી લાખ, દક્ષિણ એશિયાઈ દેશોના લાખ રૂપિયા પડાવવામાં આવે છે. 

ખૂ બ પૈસાદાર બનવું હોય, પણ ભારતમાં કંઈ મેળ પડતો ન હોય તો શું કરવું? વેલ, વર્ષો  જૂની મહેશ ભટ્ટની ફિલ્મ 'નામ'ના સંજય દત્તની જેમ ગેરકાયદેસર પધ્ધતિથી વિદેશ ભાગી જવું. આપણા દેશના ઘણા લોકો એમ માને છે કે એકવાર વિદેશની ધરતી પર પહોંચી ગયા પછી કોઈ જાતનું જોખમ નહિ. હા, થોડો સમય સ્થાનિક સત્તાવાળાઓની નજરથી બચતા રહેવું અને ક્યાંક નાની-મોટી નોકરી શોધી લેવી. વખત જતાં વિદેશની સરકાર જ તેમને કાયદેસરના વસાહતીનો દરજ્જો આપી દેશો. બસ, પછી તો સ્વર્ગ હાથવેંતમાં જ છે.

પરંતુ આપ મૂવા વિના સ્વર્ગે જવાનો શોર્ટકટ અજમાવતા આવા લોકોનો અંજામ મોટેભાગે કરુણ જ આવે છે. કાં તો વિદેશ પહોંચ્યા પછી સ્થાનિક સરકાર તેમને પકડીને જેલમાં પૂરી દે છે અથવા તો ભારત પાછા મોકલી દે છે. જો કે ઘણી વખત તેઓ વિદેશી સત્તાવાળાઓની નજરથી બચવામાં સફળ થાય તો પણ તેમને ગુલામ જેવી સ્થિતિમાં નોકરી કરવી પડે છે. તેમને નોકરીએ રાખનારા વિદેશી એ વાત બરાબર સમજે છે કે પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપવાથી ગેરકાયદેસર આપણા દેશમાં ઘૂસી આવેલો વસાહતી ચિંધ્યું કામ કરી આપશે. વળી, તેમને બજારભાવ કરતા ઓછો પગાર આપવામાં આવે છે અને કેટલીક વખત તેમનું જાતિય શોષણ પણ થાય છે.

તાજેતરમાં જ અમેરિકામાં ગેરકાનૂની ઘૂસણખોરી કરવાના પ્રયાસનો કેવો કરુણ અંજામ આવ્યો તે આપણે જોયું. કલોલ નજીકના ડીંગુચાનો એક આખો પરિવાર કેનેડાની સરહદેથી અમેરિકામાં પ્રવેશતી વખતે કાતિલ ઠંડીમાં થીજીને મૃત્યુ પામ્યો હતો. જેમાં પતિ-પત્ની અને તેમના બે સંતાનોનો સમાવેશ થતો હતો.

દર વર્ષે આવા સેંકડો કિસ્સા બહાર આવે છે, પરંતુ ગેરકાયદે  વિદેશ જનારાની સંખ્યામાં ઓટ આવવાના આસાર દેખાતા નથી. હજુ થોડા સમય પહેલા જ સંયુક્ત આરબ અમિરાતમાંથી ૭૦,૦૦૦ ગેરકાયદે વસાહતીઓને ભારત પાછા મોકલવામાં આવ્યા હતા. '૭૦ અને '૮૦ના દાયકાના મુકાબલે આજે અખાતી દેશમાં કાયદેસર રીતે પ્રવેશ પામવાનું અતિ  દુષ્કર બની ગયું છે એટલે ત્યાં જવા લોકો જાતજાતના નુસખા અપનાવે છે, પરંતુ આખરેફાયદો તો તેમને વિદેશ મોકલતા એજન્ટોને જ થાય છે. દુબઈમાં તમારા માટે નોકરી તૈયાર જ છે. અમને ફક્ત બે લાખ ચૂકવો એટલે તમે છૂટ્ટા. તમને દુબઈ પહોંચાડવાની અને નોકરીમાં ઠરીઠામ કરવાની જવાબદારી અમારી. એવા મધ જેવા મીઠાં વચનો આપી દલાલો વર્ષે દહાડે સેંકડો અણસમજુ લોકોને બકરાં બનાવે છે. સૌ પ્રથમ તો તેમનો નકલી પાસપોર્ટ તૈયાર કરવામાં આવે છે. નકલી વિઝા મેળવવામાં પણ બહુ વાર નથી લાગતી. આ વિધિ પતે પછી ગ્રાહકે ચૂકવેલા દામ મુજબ તેમને હવાઈ, સમુદ્રી કે જમીન માર્ગે પરદેશ મોકલવામાં આવે છે. એ વાત તો દેખીતી જ છે કે ધીકતા ધંધામાં દલાલો, ટ્રાવેલ એજન્ટો ઉપરાંત દેશ-વિદેશની સરકારના અધિકારીઓનો પણ ભાગ હોય છે. ગલ્ફના દેશોએ તાજેતરમાં ઘડેલી નીતિ મુજબ હવે ત્યાં બિનમુસ્લિમ વસાહતીઓને આવકારવામાં ખાસ ઉમળકો દાખવવામાં આવતો નથી. આથી ભારતના હજ્જારો હિન્દુ કારીગરોની પરદેશ જઈ ધન કમાવાની આશા પર પાણી ફરી વળ્યું છે. આનો સીધો ફાયદો પરદેશ મોકલવામાં મદદ કરતા વટેચિયાને થયો છે. હિન્દુધર્મીઓના મુસ્લિમ નામના પાસપોર્ટ-વીઝા તૈયાર કરવાનો તથા તેમને યોગ્ય ઠેકાણે મોકલવાનો ધંધો તેજીમાં છે. થોડા વર્ષ અગાઉ ગલ્ફ જતાં એક ઉતારુ વિમાન સાથે અન્ય વિમાન ટકરાયું અને બંને વિમાન હરિયાણાના ચરખી-દાદરી ગામની સીમ નજીક પટકાયા. ઉતારુ વિમાનના મૃતક લોકોના પરિવાર માટે સરકાર અને સંબંધિત એરલાઈન્સે વળતરની જાહેરાત કરી, પરંતુ ૪૦ જેટલા મરેલાં લોકોના પરિવારમાંથી કોઈ વળતર માટે દાવો કરવા આગળ આવ્યું નહિ. સત્તાવાળાઓએ વધુ તપાસ કરતા જણાયું કે તેઓ નકલી પાસપોર્ટ પર પ્રવાસ કરી રહ્યા હતા. આનો મતલબ એ થયો કે સરકારના દાવાથી વિપરીત દેશવાસીઓને ગેરકાયદે પરદેશ મોકલવાનો કસદાર ધંધો વિના રોકટોક ચાલુ જ હતો. સરકારી અધિકારીઓ સાથે સાંઠગાંઠ વગર આમ શક્ય બને તે વાતમાં જરાય માલ નથી.

અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાના બે માર્ગ છે. એક છે કબુતરબાજી અને બીજો છે સરહદેથી ઘૂસણખોરી. વિઝાના નિયમો કડક બન્યા બાદ કબુતરબાજીમાં ઓટ આવી છે જ્યારે સરહદે જોખમ ખેડવાની ઘટના સતત બની રહી છે. ડીંગુચાનો પરિવાર એજન્ટના ભરોસે સરહદ ક્રોસ કરવા ગયો હશે અને બર્ફીલી સ્થિતીનો ભોગ બન્યો હશે.

કબુતર બાજીમાં લોકો ગરબાના ગૃપ, મ્યુઝીકના ગૃપ કે ધાર્મિક ગૃપ સાથે જોડાઇને અમેરિકામાં વિઝીટર વિઝા પર જાય છે અને પછી ત્યાં અદ્રશ્ય થઇ જાય છે. બાહોશ એવી અમેરિકી સરકારની આંખમાં ધૂળ નાખવામાં ગુજરાતીઓ ઉસ્તાદ સાબિત થયા છે. અમેરિકામાં ઘૂસ્યા પછી એજન્ટને પૈસા આપવાનું નક્કી થયું હોય છે. આવી સ્કીમના કારણે લોકોને એજન્ટો પર ભરોસો બેસતો હોય છે.અમેરિકામાં ઘૂસેલા લોકોની લાઇફ નર્ક સમાન બની જાય છે. 

બીજા દેશોમાં ગેરકાયદે ઘૂસ મારવાનો ગોરખધંધો આમ તો વર્ષોથી ચાલે છે અને જગતના તમામ મોટા દેશો આ ષડયંત્રનો શિકાર બને છે. ગેરકાયદે ઈમિગ્રેશન અપાવતી એજન્સીઓ ભારત સિવાય ત્રીજા વિશ્વના અનેક દેશોમાં ધમધોકાર ધંધો કરે છે. આવા એજન્ટોની એક આખી શૃંખલા વ્યવસ્થિત તંત્ર ચલાવે છે. જેમાં પરદેશ જવા લાલચુ વ્યક્તિને જે તે દેશમાં સેટ કરનારા 'પુશર' અને 'ક્રોસર'ની આખી ટીમ હોય છે. 'પુશર' તેના ગ્રાહકને તે જે ઇચ્છે તે દેશમાં પહોંચવાનો માર્ગ-રૂટ નક્કી કરે છે. વિમાનમાં ક્યાંથી ક્યાં જવાનું, દરિયાઈ સફર ખેડવી પડશે કે બસ યા મોટરમાં કયા સ્થળે જવાનું તથા ગેરકાનૂની રીતે આશરો ક્યાં લેવાનો એ નક્કી થાય છે. ક્રોશરની ભૂમિકા ભજવનાર તમે જે તે દેશની જમીન પર કે નજીકના કોઈ નાના દેશ કે ટાપુ પર પહોંચ્યા પછી બોર્ડર ક્રોસ કરાવવાનું કામ કરે છે. એજન્ટો આ 'સેવા'ના બદલે રૂા.૧૦ લાખથી એક કરોડ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. હમણાં જ પ્રકાશમાં આવેલા કલોલના એક કિસ્સામાં એક યુગલને અમેરિકા મોકલવા માટે એક કરોડ રૂપિયાથી વધુ રકમનો સોદો થયો હતો.

દાયકા પૂર્વે ૩૦૦ ભારતીયોના શમણાં આવી જ રીતે માલ્ટા અને સીસીલી ટાપુ વચ્ચેના આયોનિયન સમુદ્રમાં ધરબાઈ ગયા. એ રાત પૂનમની હતી. ૪૬૪ ઉતારુઓ ધરાવતું યાહોન નામનું ૧૫૦૦ ટનનું જહાજ ચંદ્રમાંના પ્રકાશમાં ઈટાલીના કોઈ અજ્ઞાાત કિનારા તરફ જઈ રહ્યું હતું. ઉતારુઓનાં મોટા ભાગના ભારતીય પંજાબીઓ હતા. બાકીનામાં પાકિસ્તાન અને શ્રીલંકાના વતનીઓ પણ હતા. મધરાત બાદ દૂરદૂર ટચૂકડા વહાણની બત્તી દેખાવા માંડી ત્યારે 

તૂતક પરના ઉતારુઓ ગેલમાં આવી ગયા. તેમને કહેવામાં આવ્યું કે ત્રણ ફેરીબોટ તેમને લેવા આવી રહી છે અને સવાર થતાં સુધીમાં તો તેમને ઈટાલી પહોંચાડી દેવાશે. ઉતારુઓમાંના ઘણાંના સગાંવ્હાલાં કે મિત્રો ઈટાલીમાં કાયદેસર અથવા ગેરકાયદેસર રીતે વસતા હતા. તેમની પ્રગતિના સમાચાર સાંભળીને જ તેમણે દરિયાઈ માર્ગે ગેરકાનૂની રીતે ઈટાલી જવાની હિમ્મત કરી હતી, પરંતુ તેમના કમનસીબે ત્રણની જગાએ એક જ ફેરી બોટ આવી. ફેરી બોટમાં ઉતરવાનો આદેશ મળતા જ યાહોન પરથી લોકો ધડાધડ નાના વહાણમાં ઉતરવાં લાગ્યાં. ફેરી બોટ તેમની ક્ષમતા કરતા વધુ ભરાઈ ગઈ પરિણામે હાલકડોલક થતી બોટ ઊંધી વળી ગઇ જેમાં ૩૦૦થી વધુ  કમનસીબોએ વહાણ સાથે ઠંડાગાર સમુદ્રમાં જ જળસમાધિ લીધી.

હવે યાહોન પર ટચૂકડાં જહાજમાંથી બચી ગયેલા ૬૯ લોકો સહિત ૧૭૫ ઉતારુઓ હતા. તેમને એ દુર્ઘટના ભૂલી જવાનો આદેશ અપાયો આખરે પાંચ દિવસ બાદ તેમને ઈટાલીના બદલે ગ્રીસના નેફપ્લેઓન જિલ્લાના સિપિયા બીચ પર ત્યજી દેવાયા. મહિનાઓ બાદ ધરતીના દર્શન કરવા પામેલાઓને ગ્રીસમાં રહેવું પણ મંજૂર હતું, પરંતુ બેત્રણ દિવસોમાં જ સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે ૧૦૭ 'ઘૂસણખોરો'ને  ગ્રીસની પોલીસે ઝડપી લીધા. જો કે ૬૮ ઉતારુઓ છટકી જવામાં સફળ થયા.  અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે ગ્રીસમાં સત્તાવાર રીતે ફક્ત ૭૦૦ ભારતીયો જ વસે છે  છતાંય એકલા એથેન્સમાં જ ૫૦૦૦થી વધુ ભારતીયો નજરે પડે છે! દુર્ઘટનામાં બચી ગયેલાને ભારત પાછા મોકલવામાં આવ્યા છે. નવાઈની વાત તો એ છે કે સ્વદેશ પરત આવનારામાંના કેટલાંકે ટીવી ચેનલોને આપેલી મુલાકાતમાં હજુ પણ વિદેશ જવાની તેમની ઇચ્છા છે એવો ફોડ પાડયો છે. દલાલોને ૨ થી ૩ લાખ ચૂકવી વિદેશ જવાનો પ્રયાસ કરનારા અને મોતના મુખમાંથી માંડ માંડ બચી જનારા આ લોકોએ હજુ પરદેશ જઈ ધનવાન થવાના ખ્વાબ જોવાના છોડયા  નથી એ બતાવે છે કે આપણા દેશમાં બેરોજગારીની સમસ્યા કેટલી ગંભીર છે.

  સ્થાનિક એજન્ટ વિદેશ જવાના ફાયદા વર્ણવી અણસમજુ યુવાનોને પરદેશ જવા લલચાવે છે. યુરોપિયન દેશોમાં લઈ જવાના બેથી અઢી લાખ, દક્ષિણ એશિયાઈ દેશોના લાખ રૂપિયા પડાવવામાં આવે છે. અડધો અડધ રકમ અહીંથી પ્રસ્થાન કરતાં પહેલાં જ ચૂકવવી પડે છે. ગ્રાહકને સહીસલામત વિદેશ પહોંચાડી દીધા બાદ તેના પરિવાર પાસેથી બાકીની રકમ વસૂલ કરવામાં આવે છે. ગ્રાહકનો બાયોડેટા તૈયાર કરી દિલ્હી કે મુંબઈના એજન્ટને મોકલાવવામાં આવે છે, જે જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવે છે.

 ત્યારબાદ ગ્રાહકોને એવા દેશમાં લઈ જવાય છે, જ્યાંથી કોઈપણ સરકારી કાર્યવાહી વગર જહાજમાં ચઢવું સહેલું હોય. દક્ષિણ એશિયાઈ દેસમાં ઘૂસવા માગતા લોકોને સૌપ્રથમ થાઇલેન્ડ લઈ જવાય છે, જ્યારે યુરોપના કોઈ દેશમાં વસવાટ કરવા માગનારાને તુર્કી, સાઈપ્રસ કે સીરિયા લઈ જવામાં આવે છે.

ઘૂસણખોરોની હેરફેર કરતાં જહાજો આવા લોકોને મધદરિયે કે કોઈ અનુકૂળ સ્થાનેથી પીક-અપ કરે છે. સંબંધિત દેશ નજીક આવે ત્યારે ઉતારુઓને નાના વહાણ કે મછવાઓમાં ઊતારી દેવાય છે.

 આખરે આ નાના વહાણો જે - તે દેશના અવાવરુ કિનારા પર ઘૂસણખોરોને મધરાતે ઊતારે છે. અહીંથી ઘૂસણખોરોએ પોતાનો માર્ગ જાતે નક્કી કરવો પડે છે.

જોવાનું એ છે કે આ રીતે ગેરકાયદે ઘૂસણખોરી કરતા ભારતીયોની મદદ કરવા ઘણાં  દેશોમાં 'ઇન્ડિયન એસોસિએશન' ચાલે  છે.

શિકાગોમાં યોજાતા આરોગ્ય કેમ્પોમાં આવા નોન રજીસ્ટર્ડ લોકોના આરોગ્યની તપાસ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાય છે.  પોતાનો પરિવાર અમેરિકામાં છે એમ કહીને ભારતમાં  લોકો ગૌરવ બતાવે છે પરંતુ ક્વોલિફાઇડ લોકો પણ ત્યાં નોકરી માટે ફાંફા મારતા હોય છે. તેમના માટે રોજ સંઘર્ષ કથાના નવા એપિસોડ હોય છે. સમજુ લોકો કહે છે કે અમેરિકામાં રહેવા જવાય પણ ત્યાં સ્થાયી થવા માટે મહેનત ના કરાય. પરંતુ જેને અમેરિકા જવાનો ચાન્સ મળે તે ત્યાં સ્થાયી થવાનું પહેલાં વિચારે છે તે પણ હકીકત છે. દ્રાક્ષ ખાટી હોવા જેવી વાત થાય છે.


Google NewsGoogle News