Get The App

'નિશેલ નિકોલ્સ : ધ ગ્રેટ બર્ડ ઓફ ધ ગેલેક્સી'

Updated: Sep 10th, 2022


Google NewsGoogle News
'નિશેલ નિકોલ્સ : ધ ગ્રેટ બર્ડ ઓફ ધ ગેલેક્સી' 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

પો તાની આત્મકથામાં એ વ્યક્તિ નોંધે છે કે 'જેમના માટે હું પ્રેરણામૂર્તિ હતી, તેવી મહાન પ્રતિભા હૂપી ગોલ્ડબર્ગ અને ડૉ. મે જેમિસનનો આભાર માનું છું. તેઓ મારી પ્રેરણા છે. તેમણે મને આત્મકથા લખવા માટે પ્રેરણા આપી છે. જીન રોડનબેરી એવું ઇચ્છતો હતો કે, તેના મૃત્યુ બાદ, નાં કોફીન હોય,  ના કોઈ પ્રાર્થના કે ના કોઈ મીણબત્તીઓ.' અને આ પ્રકારની શ્રદ્ધાંજલિ તેણે ફોરેસ્ટ લોન સિમેન્ટરીમાં  'હોલ ઓફ લિબર્ટી' ખાતે આપી પણ ખરી. શ્રદ્ધાંજલિ સભામાં તેમના હાથમાં જે એક તકતી હતી. તેના ઉપર લખ્યું હતું. 'ટુ ધ ગ્રેટ બર્ડ ઓફ ધ ગેલેક્ષી'. સાથે રહેલ ગોલ્ડ પ્લેટેડ કોમ્પેક્ટ ડિસ્ક ઉપર  એક ગીત રેકોર્ડ કરેલું હતું. જેનું ટાઈટલ હતું 'જીન'.  અંતરીક્ષ ક્ષેત્રે આમ તો એનું યોગદાન, નગણ્ય ગણાય. છતાં અંતરિક્ષ વિજ્ઞાાન અને  આમ આદમીને જોડતી, તે એક કડી હતી. એક બ્રિજ હતી. અમેરિકા અને રશિયા વચ્ચે શરૂ થયેલા 'સ્પેસ વોર'નાં  શરૂઆતના દિવસોમાં, એક આખી યુવા પેઢીને, તેમણે ઘેલી કરી હતી. ભારતમાં ટેલીવિઝન લોકપ્રિય બનવા લાગ્યું ત્યારે, સાયન્સ ફિક્શન આધારિત ટીવી સીરીયલે પણ  એક પેઢીને અંતરીક્ષક્ષેત્રનું આકર્ષણ ઉભુ કર્યું હતું. જેમાં જીન રોડનબેરીની  ટીવી શ્રેણી 'સ્ટાર ટ્રેક' મોખરાના સ્થાન ઉપર હતી. આજની યુવા પેઢીને અજાણ્યું લાગે તેવું એક નામ એટલે; નિશેલ નિકોલ્સ. આકર્ષક નીગ્રો પ્રજાનાં લોકપ્રિય કેરેક્ટરને  આકાર આપનાર અભિનેત્રી 'નિશેલ નિકોલ્સ'નું જુલાઈ-૨૦૨૨ના અંત ભાગમાં  અવસાન થયું છે. અમેરિકન અંતરિક્ષ સંસ્થા 'નાસા'માં  પોતાની લાક્ષણિક રીતે સેવા આપવાની શરૂઆત કરનાર, 'નિશેલ'  પોતાના સમય કરતા આગળ દોડી રહી હતી.  સાયન્સ ફિકશન, અંતરિક્ષ વિજ્ઞાાન અને  મનોરંજનનો ત્રિવેણી સંગમ કરાવનાર 'નિશેલ નિકોલ્સ', આફ્રિકન અમેરિકન માટે આવનારા દાયકામાં પણ 'આઇકન'નું કામ કરશે. શા માટે  આપણે  'નિશેલ નિકોલ્સ'ને  યાદ રાખવી જોઈએ?

એક રંગીન રોશની બુઝાઈ ગઈ

૩૦ જુલાઈના રોજ 'સ્ટાર ટ્રેક'ની એક રંગીન રોશની  બુઝાઈ ગઈ. સ્ટાર ટ્રેકમા તે ગેલેક્સીની 'કોમ્યુનિકેશન ઓફિસર લેફ્ટનન્ટ ન્યોટા ઉહુરા' તરીકે જાણીતી બની હતી. સિલ્વર સિટી, ન્યુ મેક્સિકોમાં ૮૯ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા, ત્યારે  વિતાવેલી વસંત જેવી જિંદગીના, પાનખરના દિવસો ખતમ થયા. બે વાર લગ્ન કરનાર, નિશેલ  ખૂબ જ ટૂંકા ગાળાનું લગ્નજીવન માણી શકી. બાકીની જિંદગી પોતાની રીતે જીવી. એવું જીવો કે લોકો તેને યાદ કરે. ૧૯૮૨માં સાયન્સ ફિક્શનના સરદાર ગણાતા રોબર્ટ એ. હેઈનલેઈને એને કેન્દ્રમાં રાખીને 'ફ્રાયડે' નામની નવલકથા લખી. ટીવી ક્ષેત્રના તેના પદાર્પણને‘Hollywood walk of fame'  એવોર્ડથી નવાજવામાં આવ્યુ. ૨૦૧૦માં લોસ એન્જલસ મિશન કોલેજે તેમને માનદ્ ડિગ્રી એનાયત કરી. ૨૦૧૬માં નિશેલ નિકોલ્સને 'એકેડેમી ઑફ સાયન્સ ફિક્શન, ફૅન્ટેસી અને હૉરર ફિલ્મ્સ' તરફથી 'લાઇફ કૅરિયર એવોર્ડ' એનાયત થયો. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ મહિલા હતા. કોમિક બુક, કાર્ટુન  સીરીઝ, એનિમેશન અને સાયન્સ ફિકશનમાં કામ કરનારી વ્યક્તિને ખાસ એવોર્ડ આપવામાં આવે છે. જે 'ઇન્ક્પોટ' તરીકે ઓળખાય છે. ૨૦૧૮માં તેમને 'ઇન્ક્પોટ' એવોર્ડ પણ આપવામાં આવ્યો.

'નિશેલ નિકોલ્સ' એક અમેરિકન અભિનેત્રી, ગાયિકા અને નૃત્યાંગના હતી.  જેઓ સ્ટાર ટ્રેક અને તેના ઉપરથી  બનેલી ફિલ્મ સિક્વલમાં 'ન્યોટા ઉહુરા'ના અભિનય માટે જાણીતા હતા. અમેરિકન ટેલિવિઝન પર આફ્રિકન અમેરિકન અભિનેત્રીઓ માટે ઉહુરાનું નિકોલ્સનું ચિત્રણ એક નવો યુગ  શરૂ કરનાર 'ગ્રાઉન્ડ બ્રેકિંગ' હતું. ૧૯૭૭થી ૨૦૧૫ સુધી, નિકોલ્સે  NASAના કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા અને મહિલાઓ અને વંશીય લઘુમતીઓ સહિત વિવિધ અવકાશયાત્રીઓની ભરતી કરવા માટે પોતાનો સમય સ્વૈચ્છિક રીતે આપ્યો હતો.  નિશેલે પ્લેબોયથી જાણીતા બનેલા, પ્રકાશક હ્યુ હેફનરનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. હ્યુ હેફનરે  નિશેલ નિકોલ્સને શિકાગો પ્લેબોય ક્લબ માટે ગાયિકા તરીકે બુક કરી અનેક વાર સ્ટેજ પર ગીત ગવડાવ્યા હતાં.

મિશન નિશેલ : સ્પેશિયલ એન્ટરપ્રાઇઝ ફ્લાઇટ

દાયકાઓથી માનવ અવકાશ ઉડાન અને લઘુમતી અવકાશયાત્રીઓની ભરતીની અથાક ચેમ્પિયન રહેલી નિશેલ નિકોલ્સને, તેઓ જીવતા હતા ત્યારે તેમને ક્યારેય અવકાશમાં મુસાફરી કરવાની તક મળી ન હતી. પરંતુ હવે ટેક્સાસ સ્થિત કંપની સેલેસ્ટિસ દ્વારા તેમના અંતિમ સંસ્કારના બાદ વધેલા અવશેષો સ્વર્ગમાં જશે. સેલેસ્ટિસ એવા લોકો માટે 'મેમોરિયલ સ્પેસ ફ્લાઇટ સેવાઓ' પ્રદાન કરે છે. જેઓ પૃથ્વીની બહારના અનુભવ સાથે કોઈ પ્રિય વ્યક્તિના જીવનની ઉજવણી કરવા માંગતા હોય. ૨૫ ઓગસ્ટનાં રોજ સેલેસ્ટિસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે 'નિકોલ્સને સેલેસ્ટિસના પ્રથમ ડીપ સ્પેસ મિશન પર સન્માનિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. તેણીના અગ્નિસંસ્કારના અવશેષો અને ડીએનએ નમૂના કંપનીની આગામી 'એન્ટરપ્રાઇઝ ફ્લાઇટ' પર મૂકવામાં આવશે. નિકોલ્સની 'લેગસી'માં નેટવર્ક ટીવી શ્રેણીમાં અગ્રણી ભૂમિકામાં પ્રથમ અશ્વેત મહિલા હોવાનો સમાવેશ થાય છે. તેઓ  વંશીય અવરોધોને તોડવા માટે આશાની દીવાદાંડી સમાન હતાં. ૧૯૭૭ અને ૨૦૧૫ની વચ્ચે, તેમણે સ્પેસ શટલ પ્રોગ્રામ માટે સક્ષમ મહિલા અને લઘુમતી ઉમેદવારોને શોધવા માટે  NASAના મુખ્ય ભરતી અધિકારી અને પ્રવક્તા તરીકે સેવા આપી હતી. તેમના અસાધારણ પ્રયાસોએ નાસાની મહિલા અવકાશયાત્રી ઉમેદવારોની સંખ્યા ૧૦૦થી વધીને ૧,૬૪૯ અને લઘુમતી ભરતીની સંખ્યા ૩૫થી વધીને ૧,૦૦૦ સુધી પહોંચી હતી.

નાસા એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને નિકોલ્સનાં મૃત્યુ બાદ, તેમને શ્રદ્ધાંજલિ આપતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'એપોલો ૧૧ પછી, નિશેલે મહિલાઓ અને બ્લેક લોકોને, નાસામાં જોડવા અને બ્રહ્માંડનું અન્વેષણ કરવા પ્રેરણા આપવાનાં કાર્યને પોતાનું મિશન બનાવ્યું. નિશેલનું મિશન શછજીછનું મિશન છે,' નેલ્સને ઉમેર્યું. 'આજે નિશેલના મિશન પ્રમાણે, અમે આર્ટેમિસ હેઠળ પ્રથમ મહિલા અને પ્રથમ બ્લેક વ્યક્તિને ચંદ્ર પર મોકલવાનું કામ કરીએ છીએ.' કોઈપણ વ્યક્તિ માટે આનાથી મોટી શ્રદ્ધાંજલિ કઈ હોઈ શકે?

'સેલેસ્ટિસ'નું મેમોરિયલ મિશન : નામ અમર કરવાની જિજીવિષા

આ વર્ષે યુનાઈટેડ લૉન્ચ એલાયન્સ સાથે મળીને વલ્કન રોકેટ ઉપર, નિશેલ નિકોલ્સ, 'સ્ટાર ટ્રેક'ના સર્જક જીન રોડનબેરી, તેમની પત્ની મેજેલ બેરેટ રોડનબેરી, પ્રખ્યાત 'સ્ટાર ટ્રેક' એન્જિનિયર જેમ્સ 'સ્કોટી' ડૂહાન સાથે '૨૦૦૧-સ્પેસ ઓડિસી'નાંVFX વિઝાર્ડ ડગ્લાસ ટ્રમ્બુલના અવશેષો, અંતરિક્ષમાં જશે. નિકોલ્સ સાથે  તેના પુત્ર, કાયલ જ્હોન્સન પણ જોડાશે. તે તેના પોતાના ડીએનએ નમૂના સબમિટ કરશે, જેને તેની માતા સાથે આ દુર્લભ મુસાફરી કરવા દેવામાં આવશે. વલ્કન  રોકેટનો  સૌથી ઉપરનો ભાગ, 'સેંટોર' સ્ટેજ અવકાશમાં પ્રદક્ષિણા કરવાનું ચાલુ રાખશે.તે સૂર્યની ફરતે ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. આખરે એન્ટરપ્રાઇઝ સ્ટેશન તરીકે ઓળખાતી પૃથ્વીથી અતિ દૂર આવેલા  અંતરીક્ષ સ્ટેશન બનશે.

આંતરજાતીય ચુંબનનું પ્રથમ ઉદાહરણ

પોતાની આત્મકથા Beyond Uhura, Star Trek and Other Memoriesમાં નિશેલ, જિંદગીની અને ખાટી મીઠી વાતોને  સાહિત્યિક ભાષામાં વાગોળે છે.  સ્ટારટ્રેક એક તબક્કે જ્યારે લોકપ્રિય બની રહી હતી ત્યારે, નિશેલ સ્ટારટ્રેક છોડવા માગતી હતી. આ સમયગાળા દરમિયાન એની મુલાકાત, માટન લ્યુથર કિંગ જુનિયર સાથે થઈ હતી.  જેમણે તેને સ્ટારટ્રેક સીરીયલ ન છોડવા માટે સમજાવી હતી. ૧૯૬૦ના દાયકામાં 'સ્ટારટ્રેક' શરૂ થાય તે પહેલાં જ નિશેલ, સ્ટાર ટ્રેકના સર્જક જીન રોડનબેરીનાં પ્રેમમાં પડી હતી. આજ સિરિયલમાં કામ કરનાર મેજલ બેરેટ સાથે પણ જીનના સુંવાળા સંબંધો હતા. જીન  છેવટે મેજલ બેરેટ સાથે લગ્ન કરી લે છે. ૨૪ ઓક્ટોબર ૧૯૯૧ના રોજ જીન રોડનબેરીનું શ્વાસ અને હૃદયની તકલીફના કારણે, ડોક્ટરની  ચેમ્બરમાં જ અવસાન થયું હતું. ૧૯૯૨માં નાસાએ  સ્પેસ શટલ કોલમ્બીયા દ્વારા, સ્ટારટ્રેકના ખ્યાતનામ સર્જકો જીન રોડનબેરીની અંતિમ સંસ્કાર થયેલી રાખને  અંતરિક્ષમાં  વહાવી હતી. ઓગસ્ટ ૨૦૨૧માં જીન રોડનબેરીનાં  જન્મ શતાબ્દી વર્ષ હતું ત્યારે નાસાએ, ૧૯૭૬માં રેકોર્ડ થયેલ જીન રોડનબેરીનાં શબ્દોને, ડીપ  સ્પેસ  નેટવર્કનાં  રેડિયો ટેલિસ્કોપ દ્વારા  અંતરિક્ષમાં '૪૦ એરિડાની' સ્ટાર સિસ્ટમ એટલે કે  તારામંડળ તરફ  મોકલ્યા હતા. નિકોલ્સે બે વાર લગ્ન કર્યા હતા. ૧૯૫૧માં પ્રથમવાર ડાન્સર પતિ ફોસ્ટર જોહ્ન્સન સાથે તેઓએ  લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે છૂટાછેડા પણ લીધા હતા. આ સંબંધોથી જન્મેલું જ્હોન્સન અને નિકોલ્સનું એક  બાળક એટલે કાયલ જોન્સન. તેણીએ બીજી વખત ૧૯૬૮માં ડયુક મોન્ડી સાથે લગ્ન કર્યા હતા. ચાર વર્ષ બાદ ૧૯૭૨માં તેમના છૂટાછેડા થયા હતા. લેફ્ટનન્ટ ઉહુરા તરીકેની ભૂમિકામાં, નિકોલ્સે ૨૨ નવેમ્બર, ૧૯૬૮ના સ્ટાર ટ્રેક એપિસોડ 'પ્લેટોના સ્ટેપચિલ્ડ્રન'માં કેપ્ટન જેમ્સ ટી. કિર્કનામનાં પાત્ર તરીકે એક્ટિંગ કરનાર ગોરા અભિનેતા વિલિયમ શેટનરને ચુંબન કર્યું હતું. એપિસોડને યુ.એસ. ટેલિવિઝન પર આંતરજાતીય ચુંબનના પ્રથમ ઉદાહરણ તરીકે ટાંકવામાં આવે છે.

સેલેસ્ટિસની એન્ટર પ્રાઇઝ ફલાઇટ

પૃથ્વી-ચંદ્ર પ્રણાલીની બહારનાં 'ડીપસ્પેસ'/ ઊંડા અવકાશમાં, ૯૩ મિલિયન માઇલથી ૧૮૬ મિલિયન માઇલ (૧૫૦ મિલિયનથી ૩૦૦ મિલિયન કિલોમીટર) સુધીની મુસાફરી કરશે. આ મેમોરીયલ મિશનમાં ૨૦૦થી વધુ ફ્લાઇટ કેપ્સ્યુલ્સમાં ખાસ લોકોના અગ્નિસંસ્કાર કરાયેલ રાખના અવશેષો, વિશેષ સંદેશાઓ અને શુભેચ્છાઓ, વૈશ્વિક ગ્રાહકોનાં ડીએનએ નમૂનાઓનો સંગ્રહ હશે. કંપની માત્ર મેમોરીયલ મિશન ફ્લાઇટનો  ઉદ્દેશ્ય રાખતી નથી. સેલેસ્ટિસ, પિટ્સબર્ગ કંપનીનાં  એસ્ટ્રોબોટિકના 'પેરેગ્રીન મૂન લેન્ડર'ને ચંદ્ર ઉપર ઉતારવા માગે છે.

નામ અમર કરવાની જિજીવિષા, નિશેલ નિકોલ્સનાં ભાઈ થોમસને પણ હતી. એક ગુપ્ત સંપ્રદાય 'હેવન્સ ગેટ'નો તે સભ્ય હતો. ૧૯૯૭માં ધૂમકેતુ હેલ-બોપ પૃથ્વીની ખૂબ જ નજીક આવવાનો હતો ત્યારે, 'હેવન્સ ગેટ'નાં  સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી હતી. જેથી ધૂમકેતુની સાથે તેમનો આત્મા પણ બ્રહ્માંડમાં વિલીન થઈ જાય. જે તક,  નિશેલના ભાઈને ન મળી. નિશેલ નિકોલ્સનાં સર્વ પ્રશંસકો સેલેસ્ટિસની વેબસાઇટ પર તેમનું નામ અને નિશેલ નિકોલ્સનાં  શ્રદ્ધાંજલિ સંદેશા મફતમાં સબમિટ કરીને 'નિકોલ્સના જીવનની ઉજવણી' કરી શકશે. પ્રાપ્ત થયેલા તમામ નામો અને સંદેશાઓનું ડિજીટલાઇઝેશન કરવામાં આવશે. એન્ટરપ્રાઇઝ મિશનમાં,  ડિજિટલ ડેટાને  બ્રહ્માંડમાં  મિશન સાથે જ  લોન્ચ કરવામાં આવશે. નિશેલ નિકોલ્સ સાથે તેના ચાહકો પણ પોતાનું નામ અંતરિક્ષમાં અમર કરી શકશે.


Google NewsGoogle News