ભારતને ભીંસમાં લેવાનો ચીન-પાકિસ્તાનનો કારસો
- હોટલાઈન- ભાલચંદ્ર જાની
- ભારતની મહેમાનનવાજી માણી ચૂકેલા જિનપીંગનો અસલી ઈરાદો તો જુદો જ છે. ચીન તેના સામ્રાજ્યને વિસ્તારવાના સપનાને પૂર્ણ કરવા ભારત વિરુધ્ધ સોચી સમજી સાજિશ કરી રહ્યું છે.
હા થીની બાબતમાં એવું કહેવાય છે કે તેના બતાવવાના દાંત અને ચાવવાના દાંત જુદાં હોય છે. આપણા પાડોશી ચીનની બાબત પણ આવું બેશક કહી શકાય. ચીની દૈત્યના ચાવવાના અને બતાવવાના દાંત જુદાં છે.
આ લખાય છે ત્યારે ચીની સૈન્યએ ગલવાન ઘાટીમાંથી દોઢ કિલોમીટર પીછે હઠ કરી હોવાના સમાચાર આવ્યા છે. આવનારા દિવસોમાં એ તેના તંબુડેરા પણ ઊઠાવી જશે. પણ પછી શું? આવુ તો અગાઉ ડોકલામમાં પણ ચીને પીછેહઠ કરી હતી. પરંતુ ફરી જાત બતાવી. ચોરટા ચીન પર ભરોસો કરાય નહીં.
બબ્બે વાર દોસ્તીનો ડોળ કરી ભારતની મહેમાનનવાજી માણી ચૂકેલા જિનપીંગનો અસલી ઈરાદો તો જુદો જ છે. ચીન તેના સામ્રાજ્યને વિસ્તારવાના સપનાને પરિપૂર્ણ કરવા ભારત વિરુધ્ધ સોચી સમજી સાજિશ કરી રહ્યું છે. એ વાત મોદીજીને પણ હવે સમજાઈ ગઈ છે.
ગયા સપ્તાહે અચાનક લડાખ ખાતેના ફોરવર્ડ બેઝ પર જઈ મોદીએ જવાનોનું જોશ વધાર્યું હતું એટલું જ નહીં, લેહની ૧૫૦૦૦ ફૂટની ઊંચાઈએથી ગર્જના કરતા કહ્યું હતું કે સામ્રાજ્યવાદના સપના જોનારા ચકનાચૂર થઈ ગયા છે અને ભવિષ્યમાં પણ વેરવિખેર થઈ જશે.
કોઈને પ્રશ્ન થાય કે ૧૯૬૨માં ખેલાયેલા જંગ પછી ભારત-ચીન વચ્ચે છેલ્લાં સાડા પાંચ દાયકામાં એક પણ યુદ્ધ થયું નથી. તો હવે એકાએક બેઉ પાડોશી વચ્ચે આટલો ઊગ્ર વાદવિવાદ, મોરચાબંધી કઈ રીતે શરૂ થઈ. ખરું પૂછો તો હાલની તંગ પરિસ્થિતિ માટેનું એકમાત્ર કારણ ચીનની મેલી મૂરાદ છે. ચીન તેનીસામ્રાજ્ય વાદનીનીતિને ધીમી પણ મક્કમ ગતિએ આગળ ધપાવી રહ્યું છે. આ વાતને બરાબર સમજવાઆપણે થોડી વિસ્તારથી ચર્ચા કરીએ.
વર્ષોથી ઊંઘતો જણાતો આ દૈત્ય વાસ્તવમાં સૂતો નથી. પરંતુ એક મોટો ફૂંફાડો મારવા પુષ્કળ તાકાત એકઠી કરી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ફોરમ પર શાંતિનો જાપ જપતાં ચીનના નેતાઓ ઘરઆંગણે એક મોટું યુદ્ધ ખેલવાનું હોય એ રીતે લશ્કરી શસ્ત્રસરંજામનું ધમધોકાર ઉત્પાદન કરી રહ્યાં છે.
૫૦૦૦ લડાયક વિમાનોનો કાફલો ધરાવતું ચીનનું હવાઈદળ વિશ્વમાં ત્રીજા નંબરે આવે છે. ત્રીસ લાખથી વધુ સૈનિકો ધરાવતું ચીનનુું લશ્કર (પીપલ્સ લિબરેશન આર્મી) સંખ્યાબળની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટું છે.
ભારત આજ સંરક્ષણ અને સલામતી બાબત અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. ૧૪,૧૦૩ કિલોમીટરનો સરહદી જમીન વિસ્તાર ધરાવતા ભારતની સીમામાં એ ૭૦૦૦ કિ.મી.નો પણ સમાવેશ થાય છે. જેના અંગે ભારત પાકિસ્તાન તથા ચીન સાથે વિવાદ ચલાવી રહ્યું છે.
ઉપરાંત ૭૬૦૦ કિ.મી. લાંબી દરિયાઈ સરહદ અને અઢી કરોડ ચોરસ કિ.મી.નો ઈકોનોમિક ઝોનની રક્ષા પણ ભારતે કરવાની છે. આ સિવાય ૫૦૦થી વધુ ટાપુ અને તેલ-ગેસના કૂવાના સંરક્ષણની જવાબદારી પણ ભારતીય સૈન્યના શિરે છે. હિમાલયન સરહદનું સંરક્ષણ પણ ભારતીય સૈન્ય માટે પડકારરૂપ છે.
ઉત્તર હિમાલયના દુર્ગમ પહાડો, ઉત્તર-પૂર્વના આસામ, નાગાલેન્ડના પર્વતીય જંગલો, પશ્ચિમે રણપ્રદેશ તથા દક્ષિણે વિશાળ હિન્દી મહાસાગર છે. ભૌગોલિક રીતે એકબીજાથી અલગ પડતાં આ સીમાડાનું રક્ષણ કરવા સૈન્યએ વધુ સુસજ્જ રહેવું પડે છે.
એકબાજું ચીને વર્ષો પહેલા પચાવી પાડેલો ૩૮,૦૦૦ ચો.કિ.મી. વિસ્તાર તો પાછો આપ્યો નથી અને હજુ અરુણાચલ પ્રદેશના ૯૦,૦૦૦ ચોરસ કિ.મી. પર તેનો ડોળો છે. લડાખનો આપણો ૧૦,૦૦૦ ચો.કિ.મી. વિસ્તાર પાકિસ્તાને ચીનને સોંપી દીધો છે. પાકિસ્તાનના કબ્જા હેઠળના આઝાદ કાશ્મીરમાં ત્રાસવાદીઓને તૈયાર કરીને ભારતીય સીમાડાને ભડકતાં રાખવાનું પાકિસ્તાનનું કૃત્ય પણ આપણા માટે માથાના દુખાવા સમાન છે. હવે તો ચીને પણ આઝાદ કાશ્મીરમાં પોતાની સૈન્ય ટુકડી મોકલી છે.
ચીન અણુસત્તા તો છે જ. હવે તેના સૈન્યને વધુ અદ્યતન શસ્ત્રોથી સુસજ્જ કરી ચીન જગતના દાદાનો રોલ ભજવવાની તૈયારી કરી રહ્યું છે. તિબેટને પચાવી પાડવાની અને તિબેટીયન નાગરિકો પર જોર-જુલમ કરવાની તેની નીતિ જગજાણીતી છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તિબેટમાં લશ્કરી થાણાં, મિસાઈલ સેન્ટર તેમ જ હવાઈ અડ્ડા બાંધ્યા પછી ચીને લાંબુ યુદ્ધ ખેલવાની ક્ષમતા કેળવી લીધી છે. છેક અમેરિકાને આંબી શકે તેવી મિસાઈલ ચીને બનાવી છે.
ગામ ગજાવ્યા વિના ગુપચુપ રીતે વર્ષોથી ચીન તિબેટમાં રસ્તા, પાઈપ લાઈન, વિમાનપટ્ટીઓનું બાંધકામ કરી માળખાકીય સુવિધા ઊભી કરી રહ્યું છે. જેથી છેક નેપાળ અને ભારતની સરહદ સુધી ઝડપી લશ્કરી હેરફેર થઈ શકે. ગોંગકોર એરપોર્ટનો રનવે બીજા ૪૦૦૦ મીટર લંબાવવામાં આવ્યો છે.
જેથી ત્યાં ભારેખમ મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન પણ ઊતારી શકાય. તિબેટમાંની લશ્કરી તજવીજનો ટેસ્ટ લેવા ચીન અવારનવાર મિલિટરી કવાયત કરે છે અને યુદ્ધનું ક્રેસ રિહર્સલ પણ કરે છે!
છેલ્લે બે વર્ષ પહેલાં એરફોર્સની કવાયત થઈ ત્યારે ચીનની ૧૪૯ એરબોર્ન ડિવિઝનને માત્ર ૩૬ કલાકમાં લિચુઆના થી લ્હાસા રવાના કરાઈ હતી. ચીન પાસે ૫૦૦ થી વધુ અણુબોમ્બ અને મિસાઈલો છે. લોપ નૉર ખાતે ભૂગર્ભ અણુધડાકા કરવાનું ચીને ચાલુ જ રાખ્યુ ંછે. ચીને તેની અનેક સબમરીનો તથા યુદ્ધ જહાજોને અણુમિસાઈલથી સજ્જ કર્યા છે. કેટલાંકમાં તો ન્યુટ્રોન બોમ્બ અને લેસરશસ્ત્રો પણ છે.
ચીનનું બગલું બચ્ચું પાકિસ્તાન ભારત સામે ચાર વાર યુદ્ધે ચઢ્યું છે (૧૯૪૮, ૧૯૬૫, ૧૯૭૧,૧૯૯૯) અત્યારે પણ ભારતમાં ત્રાસવાદ ફેલાવવાના તંગદિલી સર્જવાના પાકિસ્તાની કાવતરા ચાલુ જ છે. હવે તો છેક ઉત્તર-પૂર્વમાં પણ ત્રાસવાદને ભડકાવવાના પેંતરા પાક.એજન્સી આઈ.એસ.આઈ. ખેલી રહી છે.
ચીન આ વાંદરાને દારૂ પાવાનું કામ કરી રહ્યું છે. ચીને છેલ્લાં દસ વર્ષમાં પાકિસ્તાનના લશ્કરને સર્વાંગી રીતે એટલું સધ્ધર બનાવી દીધું છે કે ભારતના સંરક્ષણ નિષ્ણાતો આ વાતને નજર અંદાજ કરી જ ન શકે. અગાઉ ત્રણ યુદ્ધ વખતે પાકિસ્તાન ભારત કરતાં લશ્કરી દ્રષ્ટિએ ઘણું પછાત હતું. હવે ઘણા ક્ષેત્રમાં પાકિસ્તાની સૈન્ય ભારતની બરોબરી કરી શકે તેમ છે. હાલ ચીનના ઈજનેરો મોટા પાયે પાકિસ્તાની વિમાનો અને ટેન્કોને નવેસરથી સુસજ્જ કરી રહ્યા છે.
પાકિસ્તાનને અણુશસ્ત્રો વિકસાવવામાં ચીન સક્રિય રીતે તમામ સહાય પૂરી પાડી રહ્યું છે અને લોપ નૉર ખાતે અણુધડાકો કરવાની સુવિધા પણ આપી છે! છેલ્લાં અંદાજ મુજબ પાકિસ્તાને ચીનની સહાયથી ૧૦૦ અણુબોમ્બ બનાવી લીધા છે અને બીજા ૨૦ અણુશસ્ત્રો બનાવી શકાય તેટલું સમૃદ્ધ યુરેનિયમ તેના કબ્જામાં છે. ચીનની મદદથી પાકિસ્તાને હફ્ત-૨ અને હફ્ત-૩ ટૂંકા અંતરના તથા ઘોરી અને ગઝનવી જેવા લાંબા અંતરના ક્ષેપકાસ્ત્ર વિકસાવ્યા છે.
એ સિવાય અણુબોમ્બ ગોઠવી શકાય તેવી એમ-૧૧ મિસાઈલ્સ ચીને પાકિસ્તાનને પૂરી પાડી છે. આપણા કેટલાંય નિવૃત્ત લશ્કરી અમલદારો વારંવાર એ વાત ઉચ્ચારી રહ્યા હતા કે પૂરતી લશ્કરી તૈયારી કરી લીધા પછી, ચીનનું પીઠબળ મેળવી ફરી એકવાર પાકિસ્તાન કાશ્મીર છીનવી લેવા ભારત પર ચઢાઈ કરશે.
પરંતુ હાલની સ્થિતિ જોતા લાગે છે કે એવું પણ બને કે પાકિસ્તાન અને ચીન સંયુક્ત રીતે વ્યૂહ ઘડી કાઢી કાશ્મીર અને ઉત્તર-પૂર્વના આસામ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર જેવા રાજ્યોને હડપ કરી જવાનો કારસો રચે.
માત્ર ૭૦૦ કિ.મી. લાંબો સમુદ્ર કિનારો ધરાવતું પાકિસ્તાન (ભારતનો દરિયાકિનારો ૭૦૦૦ કિ.મી.નો લાંબો છે) તેની જરૂરિયાત કરતાં ઘણું મોટું નૌકાદળ ધરાવે છે. ઈરાનની સરહદ નજીક ગ્વદાર ખાતે પાકિસ્તાને એક અલ્ટ્રામોડર્ન નૌકામથક ઊભું કર્યું છે. અહીં પાકિસ્તાને હવાઈથાણા પણ ઊભા કર્યા છે. આ પાછળનો મકસદ સમજવા જેવો છે.
ઈરાન, ઈરાક અને બીજા અખાતી દેશોમાંથી ભારત દરિયાઈ માર્ગે જે ક્રુડ ઓઈલ આયાત કરે છે તે સ્ટીમરો ઓમાનના અખાત અને પર્શિયન ગલ્ફમાં થઈ હોર્મેઝની ખાડી ઓળંગતી અરબી સમુદ્ર ભણી આવે છે. પાકિસ્તાન ધારે તો તેની નૌકાદળની તાકાત અજમાવી આ તેલ પુરવઠાની લાઈન કાપી નાંખી શકે છે. ભારતીય નૌકાદળને સબક શીખવાડવાના કસમ ખાનાર પાકિસ્તાની નૅવલ કમાન્ડરોએ સબમરીનોની સંખ્યા વધારી દીધી છે.
ભારતીય સંરક્ષણ તંત્રના આયોજકો અત્યાર સુધી એવું માનતા હતાં કે પાકિસ્તાન સાથેનું હવે પછીનું કોઈપણ યુદ્ધ ટૂંકા ગાળાનું હશે. પંરતુ ચીનની વધતી જતી દખલગીરીથી એવું લાગે છે કે હવે પછીના યુદ્ધમાં ચીનના ટેકાથી પાકિસ્તાન લાંબી લડાઈ ખેલશે. આ વખતે ચીનની મિસાઈલો ઉપયોગમાં લઈ ભારતના લશ્કરી મથકો ઉપરાંત ઔદ્યોગિક સંકુલોનો નાશ કરવાના પણ સઘન પ્રયાસો થશે. ચીન બળતામાં ઘી હોમવાનું કામ કરશે. ખરી રીતે તો એમ કહેવું જોઈએ કે ચીની સેનાની આગેવાની હેઠળ પાક. સૈન્ય ભારત સામે વેસ્ટર્ન સેક્ટરમાં યુદ્ધ મોરચો ખોલશે.
એક વાત સમજવા જેવી છે કે મૈત્રીનો ઢોંગ કરતું ચીન આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતને પોતાનો હરીફ ગણે છે. તેથી ભારતીય અર્થતંત્રને જબ્બર ફટકો મારવાનો એકપણ મોકો હવે પછી ચીન જતો નહીં કરે. ભારતે ચીનના હુમલા સામે પોતાના સીમાડા ઉપરાંત ભૂતાનનું રક્ષણ પણ કરવાનું છે.
ચીન તિબેટની ભૂમિ પર ગોઠવેલા મિસાઈલ્સ વડે ભારતીય લક્ષ્યાંકો પર હુમલો કરી શકે છે. પરંતુ ૨૫૦૦ કિ.મી.ની રેન્જ ધરાવતા આપણા અગ્નિ મિસાઈલ પણ ચીનના હાર્દ સુધી પહોંચી શકે તેમ નથી. ચીનની સામે ઝીંક ઝીલવી હોય તો ભારતે તેના અગ્નિ મિસાઈલની રેન્જ ૫૦૦૦ કિ.મી. સુધી વધારવાની દિશામાં ઝડપી યોજના અમલમાં મૂકવી જોઈએ. આપણી સબમરીનોને પણ અદ્યતન મિસાઈલ્સથી સુસજ્જ કરવી જોઈએ.ખુશીની વાત એ છે કે ભારતે આ બંને મુદ્દે પૂરતી તાજવીજ કરી લીધી છે.
ગત જૂન ૧૯૯૩માં બિજિંગ ખાતે એક પુસ્તક પ્રગટ થયું હતું. જેનું શિર્ષક ગુજરાતીમાં કંઈક આવું હતું : ''શું ચીન હવે પછીનું યુદ્ધ જીતી શકશે?'' આ પુસ્તક ચીનના નિવૃત્ત લશ્કરી અધિકારીઓએ સંયુક્તરૂપે લખ્યું હતું. આ પુસ્તકમાં ચીને ભવિષ્યમાં જે દેશો સામે યુદ્ધમાં ઉતરવાની નોબત આવે તેના નામોેમાં કોરિયા, તિબેટ, તાઈવાન, ભારત, જિનઝિયાંગ, મોંગોલિયા, હોંગકોંગ, નેપાળ વગેરેના નામ આપ્યા છે. દક્ષિણ ચીની સમુદ્રમાં આવેલા જપાની ટાપુઓ પર પણ ચીનનો ડોળો છે. તે વાતનો અણસાર પુસ્તકમાંથી મળી જાય છે.
'દૂરના દુશ્મનો' તરીકે આ પુસ્તકમાં અમેરિકાનો ઉલ્લેખ થયો છે. ૨૦૨૦ ની સાલ સુધીમાં અમેરિકા તેનું ધ્યાન યુરોપ પરથી હઠાવી એશિયા-પેસિફિક પ્રદેશ પર કેન્દ્રિત કરશે ત્યારે ચીન માટે ખરો ખતરો ઊભો થશે તેવું ચીની મિલિટરી નિષ્ણાતો માને છે. બીજી વાત તો ઠીક, ચીન જપાનને પણ પોતાનું શત્રુ ગણે છે. જપાનના અર્થતંત્રને ભાંગીફોડી પોતાના હિતો વિકસાવવાની મેલી મૂરાદ ચીન ધરાવે છે. દક્ષિણ ચીની સમુદ્રમાં વિયેટનામ અને કોરિયા જેવા દેશોને પણ અંકુશમાં રાખી પોતાનો હિસાબ સરખો કરી લેવાની નેમ ચીન ધરાવે છે તે વાત આ પુસ્તકમાંથી સ્પષ્ટ થાય છે.
ભારતના સંદર્ભમાં આ પુસ્તકમાં કરેલા નિવેદનોથી એવું ચિત્ર સ્પષ્ટ થાય છે કે ચીન આજે પણ ભારતને તેનોે પ્રથમ શત્રુ ગણે છે. આ સંદર્ભમાં બે અનુમાન બાંધવામાં આવ્યા છે કે ભારત સાથેનું ટૂંકા ગાળાનું યુદ્ધ ખેલાય એવા કોઈ સંજોગો નજીકના ભવિષ્યમાં નથી જણાતા. પરંતુ જ્યારે પણ જંગ છેડાશે ત્યારે એ અતિ ભીષણ, લાંબા ગાળા સુધી ચાલનારો અને ભારતના પક્ષે ખૂબ જ ખુવારી લાવનારો હશે.
રશિયા બાબત આ પુસ્તકમાં એટલો જ ઉલ્લેખ છે કે સરહદને અડીને આવેલો આ દેશ એકવખતે સૌથી ખતરનાક શત્રુ મનાતો હતો. પરંતુ સોવિયેત સંઘના વિઘટન પછી પાંગળા પડી ગયેલા રશિયાનો હવે ચીનને પહેલા જેવો ભય રહ્યો નથી.
જો કે રશિયન નેતા વ્લાદીમીર પુતિન એ વાત ભૂલ્યા નથી કે ચીનનો ડોળો તેના વ્લાડીવાસ્તોક શહેર પર છે.
છેલ્લાં ૧૫૦ વર્ષમાં ચીન પહેલીવાર લશ્કરી તાકાતની સાથે આર્થિક રીતે પણ સધ્ધર જણાય છે. ચીને એકબાજુ પડોશી દેશો સાથે સંબંધ સુધારવાનો ડોળ કરી બીજી બાજુ સમુદ્રમાં પોતાની હાજરી વધારી દીધી છે. રશિયા સાથે સરહદી જમીનના ઝઘડા અંગે ૧૯૯૧માં જે કરાર થયા તેના પગલે ચીને ૧૫૦ ચોરસ કિલોમીટર જમીન રશિયા પાસેથી પાછી મેળવી છે. ચીને બર્મા, શ્રીલંકા, લાઓસ અને કમ્બોડિયા સાથેના રાજદ્વારી સંબંધો સુધારી લઈ એક મહત્ત્વનું પગલું ભર્યું છે. ભવિષ્યમાં દક્ષિણ ચીની સમુદ્રમાં યુદ્ધ ફાટી નીકળે તો આ દેશના બંદરનો ઉપયોગ નૅવલ સ્ટેશન તરીકે કરવાના હક્ક ચીને મેળવી લીધા છે.
ચીને બર્માના કોકો આયલેન્ડ પર રડારમથક સ્થાપીને બંગાળના ઉપસાગર તથા હિંદી મહાસાગરમાં થતી ભારતીય નૌકાદળની તમામ હિલચાલ જાણવાનો બંદોબસ્ત કરી લીધો છે. હવે બાંગલાદેશ સાથે વાટાઘાટ ચલાવી ચીન રામરી ટાપુ પર કયાકપુ ખાતે નૌકામથક સ્થાપવાની વેતરણમાં છે. જો તેની આ ચાલ સફળ થશે તો ભારતના જળસીમાડા પર એક કાયમી ખતરો ઊભો થશે.
ચીનને સુપરપાવર બનવાનો અભરખો છે એ વાત તો હવે જગજાહેર થઈ ગઈ છે. તેનું સામ્રાજ્ય વિસ્તારવાની મહેચ્છા દિવસે દિવસે પ્રબળ બનતી જાય છે. એક તરફ જપાન અને બીજી તરફ અમેરિકા સામે શીંગડા ભરાવવાની હેસિયત તેણે કેળવી લીધી છે. ચીનનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું છે. તેના જેટલો જબ્બર વિકાસદર વિશ્વમાં માત્ર અમેરિકા અને જપાન જ ધરાવે છે. અર્થશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે હોંગકોંગ તાબામાં આવ્યા પછી ચીનનું અર્થતંત્ર એટલું ઝડપથી વિકસ્યું છે કે કોરોના મહામારી નડી ન હોત તો અમેરિકા જપાન પણ પાછળ પડી જાત.
આ સર્વ બાબતો અને ૧૯૬૨માં મળેલો પદાર્થપાઠ યાદ કરીને જ મોદીએ સત્તા પર આવતા જ ચીને લંબાવેલો દોસ્તીનો હાથ પકડયો હતો પરંતુ કેટલાક 'રિઝર્વેશન' રાખ્યા હતા. કારણ કે મોદી એ વાત સુપેરે જાણે છે કે દોસ્તી બગડતાં વાર નથી લાગતી. જ્યારે લશ્કરી તાકાત એક રાતમાં સંગઠીત નથી કરી શકાતી. એને માટે તો વર્ષોનું આયોજન જરૂરી છે. ટૂંકમાં ભારતે પડોશી દેશો સાથે સંબંધ સુધારવાની નીતિ જાળવી રાખી અણુબોમ્બ, મિસાઈલ અને બીજા સંરક્ષણ પાસા અંગે જલ્દીથી નિર્ણય લઈ સૈન્યને સુસજ્જ કર્યું છે. મિલિટરી સ્કુલમાં શીખવાતો એ પાઠ બરાબર યાદ રહે કે યુદ્ધ માટેની પૂરતી તૈયારી એ જ શાંતિ જાળવવાનો સૌથી અસરકારક માર્ગ છે.