જુનૂનને જતનથી જાળવી રાખજો!
- આજકાલ-પ્રીતિ શાહ
- એમના માટે સન્માનની વાત એ છે કે ઝીઆનની સ્કૂલોના સાતમા ધોરણમાં એમની જીવનયાત્રા વિશે પાઠયપુસ્તકમાં એમનો પાઠ શીખવવામાં આવે છે.
વ્ય ક્તિનો શોખ જુનૂન બની જાય અને એ જુનૂન વ્યક્તિના જીવનને કેવાં કેવાં આયામો સુધી લઈ જાય છે, તેની રસપ્રદ વાત દેવ રતૂડીના જીવનમાં જોવા મળે છે. ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લાના કેમરિયા સૌરમાં ૧૯૭૬માં દેવ રતૂડીનો જન્મ થયો હતો. એના પિતા ખેડૂત હતા. માતા-પિતા અને પાંચ ભાઈબહેનો સાથે પથ્થરના એક નાના ઘરમાં પરિવાર સાથે દેવ રહેતો હતો. એની પાસે પોતાની જમીન નહોતી, તેથી એનું જીવન સંઘર્ષમય હતું. સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતાં દેવને માર્શલ આર્ટ પ્રત્યે અનોખું આકર્ષણ હતું. છઠ્ઠા ધોરણમાં હતો, ત્યારે 'ડ્રેગન : ધ બ્રૂસ લી સ્ટોરી' ફિલ્મ વીડિયો કેસેટ લાવીને જોઈ. છઠ્ઠા ધોરણમાં એબીસીડી લખતા આવડતું હતું, પણ અંગ્રેજી આવડે નહીં, આમ છતાં બ્રૂસ લીની ફિલ્મમાં તેને થોડું ઘણું સમજાયું અને ખૂબ રસ પડયો. માર્શલ આર્ટ અને બ્રૂસ લીના જીવને એના મન પર એટલી ઊંડી છાપ છોડી કે આજે પણ તેની વાત કરતાં એની આંખોમાં ચમક આવી જાય છે.
૧૯૯૩માં દસમા ધોરણનો અભ્યાસ પૂરો કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે એ ભાવનાથી દિલ્હી ગયો. અહીં તેણે દૂધ વેચવાનું, ગાડી ચલાવવાનું તેમજ હોટલમાં વેઇટર તરીકે કામ કર્યું. મુંબઈમાં તેના ભાઈ પ્રોડક્શન હાઉસમાં કામ કરતા હતા, તેથી ૧૯૯૮માં તે તેના ભાઈ પાસે મુંબઈ ગયો અને ત્યાં વૉચમેન તરીકે નોકરી કરી. ક્યારેક એ એના ભાઈ સાથે સેટ પર જતો. ત્યાં એની પ્રથમ મુલાકાત મહાભારત ધારાવાહિકમાં દુર્યોધનની ભૂમિકા ભજવી હતી તે પુનિત ઈસ્સાર સાથે થઈ. એ સમયે તેઓ 'હિન્દુસ્તાની' ધારાવાહિક બનાવી રહ્યા હતા. દેવ રતૂડીના મનમાં અભિનેતા બનવાની ઇચ્છા તો હતી જ, તેવામાં તેમણે દેવને કેમેરા સામે ડાયલોગ બોલવાનું કહ્યું. દેવ ખૂબ ઉત્સાહમાં હતો. ડાયલોગ યાદ કરીને આવ્યો હતો, પરંતુ લાઇટ્સ, કેમેરા અને એક્શન કહેતા એક તેજ રોશની એના પર પડી અને તેના પગ ધ્રૂજવા લાગ્યા. તેને સમજાયું કે આ કામ તે માનતો હતો તેટલું સહેલું અને સરળ નથી. નિરાશ થઈને દેવ દિલ્હી પાછો આવીને હોટલમાં વેઇટર તરીકે નોકરી કરવા લાગ્યો.
એક દિવસ એક રેસ્ટોરન્ટના માલિક સાથે તેની મુલાકાત થઈ કે જેની ચીનમાં ભારતીય રેસ્ટોરન્ટ હતી. તેમણે દેવને ત્યાં વેઇટરની નોકરી માટે પ્રસ્તાવ મૂક્યો અને દેવે તરત તેને સ્વીકરી લીધો. ૨૦૦૫માં એ ચીન ગયા. ત્યાં વેઇટર તરીકે કામ કરવા કરતાં માર્શલ આર્ટ શીખવા મળશે તેવી લાલસા વધુ હતી. તેને કુંગ ફૂ માસ્ટર બનવું હતું, તેથી દિવસે કામ પૂરું કર્યા પછી રાત્રે માર્શલ આર્ટ શીખતો. તેને યાદ આવ્યું કે બ્રૂસ લી પણ ચીની રેસ્ટોરન્ટમાં ડિશવોશરનું કામ કરતો હતો. દેવ આઠ કલાકને બદલે અઢાર કલાક કામ કરતો હતો. નિષ્ફળતાઓમાંથી સતત શીખતો અને પોતાને સુધારવાનો પ્રયત્ન કરતો. બેજિંગની જર્મન રેસ્ટોરન્ટમાં જનરલ મેનેજર તરીકે કામ કરવા લાગ્યો. પાંચ વર્ષમાં જ તે વેઇટરમાંથી સુપરવાઇઝર, જનરલ મેનેજર, એરિયા મેનેજર અને સીઈઓ સુધીના પદ સુધી પહોંચી શક્યો. હોટલ મેનેજમેન્ટની કોઈ ડિગ્રી તેની પાસે નહોતી, તેમ છતાં મહિને પંદર હજારમાંથી સાડા ત્રણ લાખ કમાવા લાગ્યો. આજે ચીનમાં આઠ ચેઇન રેસ્ટોરન્ટના માલિક છે.
૨૦૧૧માં ભારત આવી લગ્ન કરીને ચીન પાછા જઈ ૨૦૧૩માં 'અંબર પેલેસ' નામની રેસ્ટોરન્ટ શરૂ કરી. ઝીઆન પ્રાંતમાં મિત્રની મદદથી 'રેડફોર્ટ' ઇન્ડિયન રેસ્ટોરન્ટ શરૂ કરી. તેમની હોટલમાં ભારતના હોળી, જન્માષ્ટમી, દિવાળી, યોગ-ડે જેવા તહેવારોની ઉજવણી થાય છે. ચીની નિર્દેશક ટેંગે હોટલના સેટિંગથી પ્રભાવિત થઈને એક નાનકડું દ્રશ્ય શૂટ કરવાની યોજના બનાવી અને દેવને એક નાની ભૂમિકા ભજવવા કહ્યું. મુંબઈની ઘટના યાદ કરીને દેવે પોતાની જાતને તૈયાર કરી અને 'સ્પેશ્યલ સ્વાટ' નામની ફિલ્મમાં નાનો નગેટિવ રોલ કર્યો. ત્યારબાદ 'સ્ટ્રીટ રીબર્થ'માં ગેંગસ્ટર તરીકે, 'ધ ટ્રેપ્ડ'માં ડૉક્ટર તરીકે અભિનય કર્યો. આ ઉપરાંત 'માય રૂમમેટ ઈઝ ડિટેક્ટીવ', 'સ્ટ્રેંજ લીજેંડ ઑફ ટેંગ ડાયનેસ્ટી', 'વુલ્ફ પેક' જેવી ફિલ્મોમાં કામ કર્યું. આજે પાંત્રીસથી વધુ ફિલ્મ અને ટેલિવિઝન ધારાવાહિકમાં કામ કરી ચૂકેલા દેવ રતૂડી પોતાના વતનને ભૂલ્યા નથી. તેમને ત્યાં આશરે દોઢસો કર્મચારીઓ કામ કરે છે. તેમની એક રેસ્ટોરન્ટમાં સિત્તેર કર્મચારીઓમાંથી ચાળીસ કર્મચારી ઉત્તરાખંડના છે. પોતાની આવકમાંથી ત્રીસ ટકા દાન કરે છે. દેવ રતૂડી કહે છે કે એમના માટે સન્માનની વાત એ છે કે ઝીઆનની સ્કૂલોના સાતમા ધોરણમાં એમની જીવનયાત્રા વિશે પાઠયપુસ્તકમાં એમનો પાઠ શીખવવામાં આવે છે. દેવ રતૂડી પર વીસ જેટલી ડોક્યુમેન્ટરી બની છે. તેઓ ચીનની ઘણી યુનિવર્સિટીઓમાં વક્તવ્ય આપવા જાય છે. તેમનું કહેવું છે, 'ઉત્તરાખંડના નાના ગામમાં જન્મ્યા પછી ક્યારેય આટલી સફળતાની કલ્પના કરી નહોતી, પરંતુ તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મારી અંદર રહેલા જુનૂનને ક્યારેય મરવા દીધું નહોતું.'
પ્રમાણિકતાનો અમાપ પ્રભાવ
'શાર્ક ટેંક ઇન્ડિયા' સીઝન થ્રીમાં ભાગ લેનાર રાધિકા ગુપ્તા તેની સફળતા પાછળ માતા-પિતાના પ્રેરણાત્મક સાથને માને છે
રા ધિકા ગુપ્તાનો જન્મ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ૧૪ સપ્ટેમ્બર ૧૯૮૩ના રોજ થયો હતો. તેના પિતા યોગેશ ગુપ્તા મૂળ તો ઉત્તર પ્રદેશના ગંગોહના રહેવાસી હતા, પરંતુ સિવિલ સર્વિસ પરીક્ષામાં સાતમા નંબરે ઉત્તીર્ણ થઈ ભારતીય વિદેશ સેવામાં જોડાયા હોવાથી ભારતમાં રહેવાનું ઓછું બન્યું. માતા એક સ્કૂલમાં આચાર્યા તરીકે કામ કરતા હતા. રાધિકાને જન્મ સમયે જ કેટલીક મુશ્કેલીઓ ઊભી થયેલી અને તેને કારણે એની ડોક ઝૂકેલી રહે છે. તેથી સહુ તેને 'ધ ગર્લ વિથ એ બ્રોકન નેક' તરીકે ઓળખવા લાગ્યા. રાધિકાનું શિક્ષણ ઈટાલી, નાઈજિરિયા, અમેરિકા - એમ જુદી જુદી જગ્યાએ થયું. મેરી માઉન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ ઑફ રોમમાં અભ્યાસ કર્યા પછી નાઈજિરિયામાં અમેરિકન ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ખૂબ શ્રીમંત કુટુંબમાંથી આવતા અને ઘોડેસવારી જેવા શોખ રાખતા. આ બધું જોઈને રાધિકાએ પોતાની ઇચ્છા જાહેર કરી, ત્યારે તેની શારીરિક મર્યાદાને ધ્યાનમાં રાખીને તેના માતાપિતાએ બ્રીજ શીખવાનું કહ્યું. અત્યંત મહેનત કરીને તે શીખી અને તેર વર્ષ સુધી તે બ્રીજ રમી.
એ પછી જ્યારે અમેરિકામાં આઈવી લીગ કૉલેજમાં પ્રવેશ મેળવવાનો આવ્યો, ત્યારે તેને લાગ્યું કે ત્યાં તેને પ્રવેશ નહીં મળે. તેણે તેની માતાને કહ્યું કે તેની પાસે ઓલિમ્પિક મેડલ નથી, સંગીતમાં કોઈ ઍવૉર્ડ જીત્યો નથી કે અન્ય કોઈ સ્પર્ધામાં જઈ શકી નથી તો આઈવી લીગમાં તેના જેવી સામાન્ય વિદ્યાર્થિનીને કોણ પ્રવેશ આપશે? રાધિકા સ્કૂલમાં હતી ત્યારથી તેની વાંકી ગરદનને અને ભારતીય ઉચ્ચારવાળી ભાષાને કારણે ઘણા વિદ્યાર્થીઓ તેની મજાક-મશ્કરી કરતા હતા. તેથી તેને એટલું દુઃખ થતું હતું કે એક વખત સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી દર્શાવતી પોસ્ટ લખી હતી, પરંતુ માતાએ એને કહ્યું કે તે તેની જાત સાથે પ્રામાણિક રહીને જે પરિસ્થિતિ છે તેની વાત કરે. તેની સચ્ચાઈ અને પ્રમાણિકતાને કારણે તેને વોર્ટન બિઝનેસ સ્કૂલમાં પ્રવેશ મળી ગયો. તેણે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં જેરોમ ફીશર પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ અને ટૅક્નૉલૉજી વિશે અભ્યાસ કર્યો. કમ્પ્યૂટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી અને અર્થશાસ્ત્રમાં ફાયનાન્સ તથા મેનેજમેન્ટ સાથે ધ વોર્ટન સ્કૂલમાંથી ૨૦૦૫માં ફરી સ્નાતકની ડિગ્રી મેળવી.
અભ્યાસ પૂરો થતાં નોકરીની શોધમાં તેણે સતત સાત ઇન્ટરવ્યૂ આપ્યા, પરંતુ એકેય ઇન્ટરવ્યૂમાં સફળતા ન મળી. નોકરી ન મળતાં તે હતાશ થઈને ડિપ્રેશનમાં સરી પડી. ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ તૂટવા લાગ્યો અને આત્મહત્યા કરવાનું વિચારવા લાગી. રાધિકા કહે છે કે એક દિવસ તે બારીમાંથી કૂદકો મારવાની જ હતી, ત્યાં મિત્રોએ તેને બચાવી લીધી. તેની આવી પરિસ્થિતિ જોઈને તેને મનોચિકિત્સક પાસે લઈ ગયા. ત્યારબાદ એને અમેરિકાની પ્રતિષ્ઠિત મેકેન્ઝીમાં નોકરી મળી ગઈ. મેકેન્ઝી માટેનો તેનો ઇન્ટરવ્યૂ નેવું મિનિટ ચાલ્યો તેમાંથી પંચ્યાશી મિનિટ તેણે બ્રીજ રમત વિશે વાત કરી, કારણ કે ત્યાંની સિનિયર પાર્ટનર બ્રીજ ચેમ્પિયન હતી, તે રાધિકાથી પ્રભાવિત થઈ અને તેને નોકરી મળી ગઈ. જાત સાથે પ્રામાણિક રહેવાની માતાની શિખામણે હંમેશાં તેને સફળતા અપાવી. પિતા પણ તેને અભ્યાસ માટે હંમેશાં પ્રોત્સાહન આપતાં અને કહેતા કે દરેક પેઢીએ મહત્ત્વપૂર્ણ પરિવર્તન માટે સક્ષમ બનીને કઠિન કામને પૂર્ણ કરવું જોઈએ.
મેકેન્ઝીની નોકરી મળ્યા પછી જીવન બદલાયું. ૨૦૦૮માં નલિન મેનિઝ સાથે લગ્ન કરીને ૨૦૦૯માં ભારત આવ્યા અને બંનેએ સાથે મળીને મુંબઈમાં ફોરફ્રન્ટ કેપિટલ મેનેજમેન્ટની શરૂઆત કરી. જે ૨૦૧૪માં એડલવાઇસ ફાયનાન્સ સર્વિસ લિમિટેડે મેળવી. ૨૦૧૭માં રાધિકાએ એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયાના બોર્ડમાં કામ કર્યું અને ૨૦૧૭માં માત્ર ચોત્રીસ વર્ષની વયે તે એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડની સી.ઈ.ઓ. બની તેના નેતૃત્વમાં કંપનીએ ઘણી પ્રગતિ કરી. તેણે ભારતના પ્રથમ કોર્પોરેટ બોન્ડ ઈટીએફ શરૂ કર્યા. જે. પી. મોર્ગન મ્યુચ્યુઅલ ફંડને પોતાના હસ્તક કરી. એડલવાઈસ મ્યુચ્યુઅલ ફંડ ૨૦૧૭માં ત્રીસમા ક્રમાંક પર હતી તે ૨૦૨૩માં તેરમા ક્રમાંકે આવી.
'શાર્ક ટેંક ઇન્ડિયા' સીઝન થ્રીમાં ભાગ લેનાર રાધિકા ગુપ્તા તેની સફળતા પાછળ માતા-પિતાના પ્રેરણાત્મક સાથને માને છે. તેણે પોતાની મર્યાદાને સ્વીકારીને તેને જ પોતાની મોટી શક્તિ બનાવી દીધી. તેણે પોતાના પુસ્તક 'લિમિટલેસ : ધ પાવર ઑફ અનલોકિંગ યોર ટુ પોટેન્શીયલ'માં એક પ્રકરણ છે 'થેન્ક ગોડ આઈ એમ ફ્લોડ'. તેણે તેની મર્યાદાને શક્તિમાં પરિવર્તિત કરી. યંગ ગ્લોબલ લીડર, ફોર્બ્સ વિમેન પાવર, ઈકોનોમિક ટાઇમ્સ ફોર્ટી અન્ડર ફોર્ટી બિઝનેસ લીડર્સ ઍવૉર્ડ મેળવનાર રાધિકા ગુપ્તા માને છે કે આંત્રપ્રિન્યોરશિપ અને નવા વ્યવસાયો ભારતના ભવિષ્યને આકાર આપશે.