ડાયાબિટીસ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ
- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક
મારા ઘરમાં કોઈને ડાયાબિટીસ નથી, હું ગળ્યું ખાતો નથી, નિયમિત કસરત કરું છું તેથી મને ડાયાબિટીસ હોઈ જ ના શકે.
ડાયાબિટીસ થવાના ઘણા બધા કારણો હોય છે. વારસાગત કારણ ઉપરાંત તમે વધુ પડતી કેલરીવાળો ખોરાક ખાતા હોવ, વજન વધુ હોય, નિયમિત કસરત ન કરતા હો તો ડાયાબિટીસ થવાની શક્યતા વધારે રહે છે એ વાત સાચી, પણ એનો અર્થ એ નથી કે તમે આ બધું જો નિયમિત કરતા હો તો ડાયાબિટીસ નહીં જ થાય. તેથી કોઈપણ પરિબળો ન હોય કોઈ પણ ચિન્હો ન હોય તો પણ ૩૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે એકવાર ડાયાબિટીસની તપાસ કરાવી લેવી જોઈએ.
મને હજી ડાયાબિટીસની શરૂઆત છે, બોર્ડર પર જ ડાયાબિટીસ છે તેથી સારવારની જરૂર નથી.
હકીકતમાં જ્યારે ડાયાબિટીસની શરૂઆત હોય અથવા બોર્ડર પર હોય ત્યારે જ જો ડોક્ટરની સલાહ લઈને વ્યવસ્થિત સારવાર ચાલુ કરવામાં આવે તો ડાયાબિટીસના મોટાભાગના કોમ્પ્લિકેશનથી બચી શકાય છે અને ઓછામાં ઓછી સારવાર લેવી પડે છે. તેથી નિદાન થાય પછી સમય બગાડયા વગર ડોક્ટરની સલાહ લો,આહાર નિયમન કરો, નિયમિત વ્યાયામ કરો અને ડોક્ટરની સલાહ મુજબ દવા પણ ચાલુ કરી દો.
આવું કરવામાં આવે તો ઓછામાં ઓછા ડોઝથી ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય છે અને ભવિષ્યમાં મોટાભાગના કોમ્પ્લિકેશનથી બચી શકાય છે.
ડાયાબિટીસ માટે એલોપેથી કરતા આયુર્વેદિક દવાઓ વધુ સુરક્ષિત છે. કુદરતનો નિયમ છે કે જે વસ્તુની અસર હોય એની કંઈક ને કંઈક આડઅસર તો હોય જ છે. તેથી આયુર્વેદિક દવાઓની આડ અસર નથી તેવું માનવું ભૂલ ભરેલું છે. એલોપેથીની દવાઓ પુષ્કળ પરીક્ષણ પછી બજારમાં મૂકવામાં આવે છે અને તે પછી પણ તેની કોઈ અસર કે આડઅસર હોય તેની જાણ તમારા ડોક્ટરને સારી રીતે હોય છે. તેથી એ દવા લેવાથી કોઈ આડઅસર હોય તો ડોક્ટર તમને અગાઉથી જાણ કરી શકે અથવા તમને કોઈ એવી અસર થાય તો ડોક્ટર તેનું નિદાન પણ સમયસર કરી શકે.
સામાન્ય રીતે બજારમાં મળતી ડાયાબિટીસની બધી જ એલોપેથી દવાઓ તમારી કિડની, હૃદય અને લીવર તેમજ બીજા અવયવો માટે સુરક્ષિત છે, તેથી જ તે દવાઓને બજારમાં મૂકવાની પરમિશન આપવામાં આવે છે
મને ડાયાબિટીસ હોવા છતાં કોઈપણ જાતની તકલીફ નથી, છાતીમાં દુખાવો થતો નથી, પેશાબ પણ બરાબર થાય છે તો પછી કિડની અને હૃદયની તપાસ શા માટે કરાવવી જોઈએ.
ડાયાબિટીસના દર્દીને કિડની, હૃદય કે પગની તકલીફો સાઇલેન્ટલી એટલે કોઈ પણ જાતના ચિન્હો વગર થતી હોય છે. તેથી નિદાન થાય પછી એકવાર અને ત્યારબાદ વર્ષે ઓછામાં ઓછી એક વાર કિડની, હૃદય અને પગની તપાસ તેમજ આંખની તપાસ અવશ્ય કરાવવી જોઈએ.
જો તપાસમાં નાની મોટી તકલીફ જણાય તો તેની સારવાર તરત જ થઈ શકે અને એ તકલીફ વધતી અટકાવી શકાય.
ડાયાબિટીસ છે એટલે ખાંડ ન ખવાય પણ ગોળ ખાઈ શકાય
આ માન્યતા સાવ ખોટી છે ખાંડ અને ગોળ બંનેથી શુગર વધારવાની ક્ષમતા લગભગ એકસરખી જ છે એટલે ખાંડ કે ગોળ બંને તમારે ખૂબ જ મર્યાદિત માત્રામાં લઈ શકાય, વધુ ન લેવાય.
આજકાલ ડાયાબિટીસ મટી જશે એવા ઘણા બધા વિડીયો ફરી રહ્યા છે એટલે એનો અર્થ એ થયો કે હવે ડાયાબિટીસ મટી શકે છે.
સામાન્ય રીતે જેનું વજન વધુ હોય અને વજનના કારણે ડાયાબિટીસ થયો હોય એ લોકો ૧૫% જેટલું વજન ઉતારી દે તો ટેમ્પરરી ડાયાબિટીસ નોર્મલ થઈ જાય છે. એનો અર્થ એ નથી કે એ લોકોએ દવા બંધ કરી દેવી જોઈએ. જો વજન ઉતારવાથી તમારો HbA1C નો રિપોર્ટ સાવ નોર્મલ આવતો હોય તો પણ ડોક્ટરની સલાહ મુજબ ઓછામાં ઓછો દવાનો ડોઝ ચાલુ રાખવો હિતાવહ છે. એટલે ડાયાબિટીસ સંપૂર્ણપણે REVERSE થઈ જશે એ માન્યતા ભૂલ ભરેલી છે.