ચોર .

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
ચોર                                                                      . 1 - image


- 'સાહેબ આપ તો દૂરદર્શી છો. તેનાથી મોટો ફાયદો એ થશે કે લાંચ રૂશ્વત વિરોધી ખાતું જ બંધ થઇ જશે. અને કરોડો રૂપિયાની કાયમ માટે બચત થશે.' 

- ગુસ્સાથી લાલચોળ ચહેરે આંખો નચાવી રહ્યાં, 'કઇ સગલીને કાળાં કપડાં પહેરાવી લઇ આવ્યા છો ? બધાં કે'તાં,'તાં પણ હું... આજ તો નજરોનજર...'

રા ત્રિના અંધકારમાં એક માનવ-ઓળો, બારીમાંથી કૂદીને ઓરડાની અંદર પ્રવેશ્યો.

'ક્...ક્...ક્...કોણ ?' મંત્રીશ્રી ઊંઘમાંથી ઝબકી ભયમિશ્રિત સ્વરમાં પોતા પર ઝળુંબી રહેલી માનવ-આકૃતિને તાકી રહ્યા.

'તિજોરીની ચાવી લાવો.' પગથી માથા સુધી કાળા લિબાસમાં, બે ચળકતી આંખોની વેધકતા, ડીમલાઇટમાં પણ તેમને ધુ્રજાવી ગઇ.

'એમાં જનતાના પરસેવાની કમાણી છે. હું એને લૂંટાવા નહીં દઉં.' તે ઝડપથી  ધુ્રજારીને કાબૂમાં લેવા મથી રહ્યા.

'જનતાના પૈસા સરકારી તિજોરીમાં હોય.' હાથમાં ચમકતી છરી અને પલંગ પર ટેકવેલ પગ પર કોણી મૂકી ઝૂકી રહેલો બુકાનીમાંથી ડોકાતો ચહેરો ડારતા અવાજથી સખ્ત બની રહ્યો.

'તે અમે જ સરકાર છીએ ને ! પછી ત્યાં રહે કે અહીં, શો ફરક પડે ?' ઝડપથી બેઠા થઇ નેતાજી અસલ અવાજમાં રણકી રહ્યા.

'આધાર કાર્ડ છે ?'

'ના.'

'તો તો પાનકાર્ડ પણ...'

'ના.'

'ચૂંટણી કાર્ડ તો હશે ને...!'

'ના.'

'રેશનકાર્ડ લાવ્યો છે ?'

'તારું આઇ.ડી. ?'

'ના.'

'ઘરવેરાની પાવતી ?'

'ના.'

'તો શું અડધી રાતે હાલી નીકળ્યા છો ? ઊંઘ બગાડવા !' મંત્રીશ્રી ગુસ્સે થઇ ગયા. 'તને ખબર છે ?... તું આ દેશનો જ ચોર છે તેનો કોઇ પુરાવો નથી. તેથી આતંકી કે કોઇ દુશ્મન દેશનો જાસૂસ પણ હોઇ શકે. અને એ  માટે જેલમાં જીવનભર સબડવું પડે !...' મંત્રીશ્રી ઉત્તેજિત સ્વરમાં બોલી ઊઠયા.

'ના, ના, સાહેબ !' ચોર રડમસ અવાજે બે હાથ જોડી રહ્યો. 'હું આ દેશનો જ છું. પહેલી નજરે જ નથી લાગતો !'

'હ...મ્..મ્' મંત્રીશ્રી દાઢી પર આંગળી ટેકવી તેને નખશીખ નિહાળતાં ડોકુ હલાવી રહ્યા. 'લાગે છે તો સુદામાના દેશનો જ.' તેમની પારખુ નજર તેની દેહયષ્ટિ પર ફરી રહી.

ચોર જમીન પર બેસી રહ્યો. તેનો ગભરાટ અને ડર પામી ગયો. તે અસલ મિજાજમાં આવી ગયા.

'તારા યુનિયન-પ્રમુખનો ફોન નંબર આપ. ખખડાવવા પડશે. સભ્ય ફી ઉઘરાવી લે છે અને ઓળખપત્ર પણ....!'

'સાહેબ, અમારું યુનિયન  ન હોય.' ચોર દીનભાવે બોલ્યો.

'કેમ ન હોય ?' મંત્રીશ્રી તકિયાને અઢેલી, આરામથી પગ લંબાવી રહ્યા.

'ગઇકાલે જ મેં 'ઓલ ઈન્ડિયા બેગર્સ યુનિયન'ની વાર્ષિક મિટિંગનું ઉદ્ઘાટન કર્યું છે. લોકડાઉનમાં તેમના ધંધા પણ ભાંગી પડયા છે. તેમના માટે 'બેગર્સ-કેર ફંડ' ઊભું કરવાનું, સરકારમાં જોરદાર રજૂઆત કરવાનું વચન આપ્યું છે. દરેક ધંધા-વ્યવસાયનું યુનિયન હોય છે.' મંત્રીશ્રી આશ્ચર્યથી તાકી રહ્યા. 'લોકશાહીમાં તો આ સહજ છે.'

ચોર અહોભાવથી  નિહાળી રહ્યો. 'પણ  સાહેબ માન્યતા...!'

'ચિંતા ન કર દોસ્ત ! હું ધારદાર રજૂઆત કરીશ. તમારું પણ આગવું ફંડ હોવું જોઇએ.' મંત્રીશ્રી પથારીમાં મુઠ્ઠી પછાડી રહ્યા. 'તમને ન્યાય અપાવવા જરૂર પડયે ગાંધીજીની પ્રતિમા આગળ ધરણાં કરીશ.' બાજુમાં પડેલ સિગારેટ-કેસમાંથી વિદેશી સિગારેટ કાઢી, સળગાવી ઊંડા કસ ખેંચી ધુમાડો છોડતા રહ્યા.

'તો તો પછી સાહેબ, અમને ધંધાના વિકાસ માટે લોન મળે ?' ચોર જિજ્ઞાસાથી  સરખો બેઠો.

'મળે ને !' મંત્રીશ્રી ખાતરી આપતા સ્વરમાં ગૂંજી રહ્યા. 'જો, કોઇ ધંધો નાનો કે ખરાબ નથી હોતો. તમારી નિષ્ઠા અને પરિશ્રમ મહત્ત્વનાં છે.'

'પણ સાહેબ ચોરી માટે...!' ચોરને વચ્ચે અટકાવી મંત્રીશ્રી આગળ ઝૂક્યા. 'કૃષ્ણને 'માખણ-ચોર'નું બિરુદ નથી મળ્યું ? લોકો જૂતાં બદલવા મંદિર નથી જતા ?' 'કર-ચોરી, કામચોરી, દિલચોરી... નથી ? પરીક્ષામાં તેં ચોરી કરી'તી ને ! મેં પણ...' વધુ પડતા ઉત્સાહને તેમણે રોકી લીધો. 'અરે, ધનિક પરિવારની મહિલાઓ પણ શોપીંગ-મોલમાંથી વસ્તુઓ તફડાવતી આવી છે. તેથી ચોરી એ માનવનો ઈશ્વરદત્ત ગુણ છે.' મંત્રીશ્રી ફરીથી તકિયાને અઢેલી રહ્યા. અચાનક તે ચોર તરફ ખસ્યા. સાવધાની ભર્યા સ્વરમાં બોલ્યા, 'તારી પાસે વિદેશ જવાનો પાસપોર્ટ તો નથી ને ?'

'અરે સાહેબ, અહીં બે ટંકનાં ફાંફાં છે ત્યાં...' ચોર કપાળ કૂટી રહ્યો.

'તો, વાંધો નહિ !' મંત્રીશ્રી હળવા બની ગયા.

'સાહેબ, આ ભ્રષ્ટાચાર, કાળાં નાણાંના હોબાળા, એક પ્રકારની ચોરી નથી ?' ચોર મૂંઝવણ અનુભવી રહ્યો.

'તારી વાત સાચી છે.' મંત્રીશ્રી ઘડીભર છત તરફ તાકી રહ્યા. પછી નિશ્ચયાત્મક સ્વરમાં ગર્જી ઊઠયા. 'રોજ રોજ એ બહાને સંસદની કાર્યવાહી ઠપ્પ થઇ જાય, વિકાસનાં કામો અટવાઇ જાય એ ન ચાલે. લોકોના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા આમ વેડફાઇ જાય...' તે માથુ ધુણાવી રહ્યા.

ચોર આતુરતાથી એકાગ્ર બની ગયો.'માટે હવે અમે એ નિર્ણય પર આવ્યા છીએ કે...' મંત્રીશ્રી ઘડીભર અટકી આગળ વધ્યા. 'આ સમસ્યા કોઇ એક દેશની નથી. સમગ્ર વિશ્વની છે. પણ આપણે તો વિશ્વગુરુ છીએ. ગુરુ પરંપરા આપણી સંસ્કૃતિ છે. દુનિયાને ખ્યાલ આવી ગયો છે.' મંત્રીશ્રી ખુલ્લી બારીમાંથી તારાઓથી ચમકતા આકાશને સ્થિરનજરે નિહાળી રહ્યા.

'ભ્રષ્ટાચારને મૂળભૂત અધિકારોમાં જ સામેલ કરી દઇએ. જેથી નિશ્ચિંત મને લોક-કલ્યાણનાં કાર્યો કરી શકાય. જગત પણ એમાંથી બોધ લેશે.'

'અરે સાહેબ ! તો તો નૂતન ભારતના નવનિર્માણમાં આપના અમૂલ્ય યોગદાનની ઈતિહાસ જરૂર નોંધ લેશે.' ચોર બે હાથ જોડી માથુ નમાવી રહ્યો. મંત્રીશ્રી પોતે જ મનોમન શાબાશી આપી રહ્યા. 'આ હું એટલા માટે કહું છું કે.... તને મૂળભૂત અધિકારો યાદ છે ? નથી ને ? મને પણ નહિ એટલે સમય જતાં લોકો આને પણ એની જેમ ભૂલી જશે.'

'સાહેબ આપ તો દૂરદર્શી છો. તેનાથી મોટો ફાયદો એ થશે કે લાંચ રૂશ્વત વિરોધી ખાતું જ બંધ થઇ જશે. અને કરોડો રૂપિયાની કાયમ માટે બચત થશે.' ચોર આભારવશ  બની રહ્યો.

'પણ સાહેબ !' ચોર માથુ ખંજવાળવા લાગ્યો. 'હું તારા મનની મૂંઝવણ સમજું છું. સસંદમાં એ કાયદો બનશે કે કેમ ! આખરે બંધારણનો મામલો છે.' મંત્રીશ્રીનો આત્મવિશ્વાસ દ્રઢ બની રહ્યો. 'આ તો સર્વસંમતિથી તુર્ત જ પસાર થઇ જશે. પછી ધીમા સ્વરે ખંધુ હસી રહ્યા. 'વારા પછી વારો, મારા પછી તારો !'

ચોરને કશું ન સમજાયું.

'જો ભાઇ, તારે બહુ વિચારવું નહિ. તારે માત્ર એક જ કામ કરવાનું. દર પાંચ વરસે એક વાર ઈવીએમ પર બટન દબાવી આવવાનું. બાકી બબધું અમે સંભાળી લઇશું. હંમેશની જેમ.' મંત્રીશ્રીનો આદેશાત્મક સ્વર રણકી રહ્યો.

'સાહેબ, એ તો મારા પિતા, દાદા વરસોથી કરી રહ્યા હતા. અમે પણ...!' ચોરને વચ્ચે જ અટકાવી મંત્રીશ્રી તેના ખભા પર હાથ મૂકી સહાનુભૂતિ ભરી દ્રષ્ટિથી આશ્વાસન આપી રહ્યા. 'આપણે આપણી 'પવિત્ર ફર      જ' નિભાવતા રહ્યા છીએ તેથી એનાં માઠાં... સોરી !... મીઠાં ફળ નથી ભોગવી રહ્યા ?'

મંત્રીશ્રી ટી-પૉય પર પડેલ વિદેશી દારૂની બોટલમાંથી થોડુંક પ્રવાહી ગ્લાસમાં રેડી ઘૂંટ ભરી રહ્યા. 'ખરું કહું ? તને લાગતું હશે કે... પરંતુ આ તો કાંટાની પથારી છે. એમને એમ હીરો ઘોઘે જઇ ડેલે હાથ દઇ પાછો ફરે તો 'ખાયા પિયા કુછ નહીં, ગિલાસ તોડા બારહ આને.'વાળો ઘાટ થાય.' મંત્રીશ્રી ખુલ્લા દિલે હસી પડયા. 'ઘરનાં હડધૂત કરે એ નફામાં !'

'તેં કદી ઊંટની સવારી કરી છે ?' મંત્રીશ્રી તેની નજીક આવ્યા. 'નહિને ! મેં પણ નથી કરી. પરંતુ તેનો નિયમ છે કે ઊંટની ચાલ અને ગતિ, લય સાથે તાલ ન મિલાવો તો શરીર, કમર બધું અકડાઇ જાય. ચાલવા જેવા ય ન રહો. તને કદાચ એ નહિ સમજાય.' બાજુમાં પડેલ ચાંદીના મુખવાસના ડબ્બામાંથી કાજુ, બદામના દાણા લઇ મુખમાં નાંખ્યા.

'સાહેબ, એક વાર... ફક્ત એક વાર લક્ષ્મી માતાનાં દર્શન કરાવોને !' તે બે હાથ જોડી કરગરવા લાગ્યો. 'મેં કદી એકી સાથે રૂપિયા જોયા નથી.' ચોરનું ગરીબડું મોં અને આજીજી આગળ મંત્રીશ્રી ઢીલા પડયા. 'સારુ, તુ ભી ક્યા યાદ કરેગા !' તેમણે તિજોરી અડધી ખોલી. નોટોની મોટી મોટી થપ્પીઓ અને ઝવેરાતનું આંજી નાંખતું તેજ ચોર ફાટી આંખે નિહાળી સ્તબ્ધ થઇ ગયો.

'મને હતું જ કે આ તારું કામ નહિ.' ઝડપથી તિજોરી બંધ કરી. ચોર દંડવત્ પ્રમાણ કરી રહ્યો. 'ધન્ય થઈ ગયો સાહેબ ! જીવન સફળ  થઈ ગયું.'

'અડધી રાતે કોની સાથે વાતે વળગ્યા છો ?' બાજુના ઓરડામાંથી શ્રીમતીજીની ત્રાડ સાંભળી મંત્રીશ્રીના શરીરમાંથી ભયનું લખલખુ પસાર થઇ ગયું. પથારીમાં સરખા ગોઠવાય ત્યાં તો ધસમસતાં તે આવી ચઢ્યાં. 'અચ્છા ! તો આ ખેલ છે ?' તેમની  આંખોમાંથી આગ વરસી રહી.

ગુસ્સાથી લાલચોળ ચહેરે આંખો નચાવી રહ્યાં, 'કઇ સગલીને કાળાં કપડાં પહેરાવી લઇ આવ્યા છો ? બધાં કે'તાં,'તાં પણ હું... આજ તો નજરોનજર...'

'અરે માડી ! ધીમે બોલ ! બાજુમાં જ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાનનો  બંગલો છે.' મંત્રીશ્રી ભયભીત સ્વરે શાંત પાડવા  મથી રહ્યા.

'અરે ભાઇ, તું જલદી બોલ, નહિતર નવાણિયા કૂટાઇ જઇશું' તે ડરી ગયા.

'હું ચોર છું.'  તે બેઠો થઇ વેધક  નજરે તાકી રહ્યો.

'ચ્..ચ્..ચ્... ચોર !' ગભરાઇને શ્રીમતીજી દોડીને એક ખુણામાં ભરાઇ ગયાં.

'અરે જોઇ શું રહ્યા છો ? પોલિસને ફોન કરો !'

'ચિંતા ન કરો. આ રજિસ્ટર્ડ ચોર નથી. પોલિસ નહિ આવે.' તે નિરાંતે ગ્લાસમાંથી 'પાણી' પીવા લાગ્યા.

'આપના પતિએ ભ્રષ્ટાચારનાં ઘણાં નાણાં એકઠાં કર્યાં છે.' ચોર ઘોઘરા અવાજે ડારી રહ્યો.

'તે તારા પેટમાં શેનું તેલ રેડાય છે ?' ઝડપથી સ્વસ્થ બની ગયાં. કમર પર બે હાથ ટેકવી, ચોર તરફ સ્હેજ ઝૂક્યાં, 'અમારેય બાળબચ્ચાં છે હોં !  તેમનું નહિ વિચારવાનું ? આ નોકરી તો આજ છે ને કાલ નથી. કાચનું વાહણ. પાછલી જિંદગીનું જોવું પડે ને ! અત્યારની બચત જ કામ લાગે ને !'

'ભાઇ, હવે તું જા. ઘણો સમય થઇ ગયો.' મંત્રીશ્રી તેનો ખભો થપથપાવી રહ્યા. 'બધું થઇ જશે.... અને હા, આ ડ્રેસ બદલી નાંખ. બેગમાં બીજાં કપડાં છે ને !  રસ્તામાં કદાચ પોલિસ મળી જાય તો...!'

'હા સાહેબ ! હું પણ એ જ વિચારું છું.' ચોર બાજુના રૂમમાં ઘૂસી ગયો.

'બચ્ચુ ! તુમ જિસ સ્કૂલ કે વિદ્યાર્થી હો, ઉસકે હમ હેડમાસ્ટર રહ ચૂકે હૈં.' મંત્રીશ્રી મનોમન ગર્વ અનુભવી રહ્યા. હોઠ પર લુચ્ચુ સ્મિત રેલાયું.

'સાહેબ ! બોલો... હવે ચોર લાગુ છું ?' સૂટ-બૂટ અને ટાઇમાં સજ્જ ચોરને નિહાળી મંત્રીશ્રી મોંમાં આંગળા નાંખી વિસ્ફારીત નેત્રે બાઘા બની જોઇ રહ્યા. 'અરે વાહ બેટા ! તું તો છુપો રૂસ્તમ નીકળ્યો !' મંત્રીશ્રી હજી પણ આશ્ચર્યની અવધિમાં ગોથાં ખાતા હતા. 'તું કોઇ મોટા ઓફિસર જેવો લાગે છે ને ! ધૂળિયુ રતન !'

'તમે સાહેબ ! પેલી ઊંટની સવારીનું કે'તા'તા. એવું જ અમારા ધંધામાં પણ છે. અને હા ! મને મારું આઇ.ડી. મળ્યું. કપડાનાં ડૂચામાં જડતું નહોતું.' ચોરના લંબાયેલ હાથમાં રહેલ ઓળખ-પત્ર તરફ દ્રષ્ટિ પડી.

'કમિશ્નર.. સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા, ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ...' મંત્રીશ્રી આગળ ન વાંચી શક્યા.

- ચંડીદાન ગઢવી


Google NewsGoogle News