તારણહાર પ્રકરણ - 10 .

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
તારણહાર પ્રકરણ - 10                          . 1 - image


- પ્રફુલ્લ કાનાબાર

- નેહા, પ્રેમની દરેક ફ્લાઈટ લગ્ન નામના એરપોર્ટ પર જ ઉતરે એ જરૂરી નથી. આપણે સારા મિત્રો છીએ અને હમેશા રહીશું. હવે મુદ્દાની વાત કે તું મને પ્રેમ કરે છે એ તારો ભ્રમ છે

થો ડા દિવસોમાં તો નેહા સ્વપ્નીલ અને રાહુલ ત્રણેય ખાસ મિત્રો બની ગયા હતા. એક વાર નેહાના વિધુર પપ્પા ડો, સુહાસ પટેલે  નેહાની બર્થ ડે પાર્ટી દિલ્હીની ફાઈવ સ્ટાર  હોટેલ 'અશોકા'માં રાખી હતી. નેહાએ સ્વપ્નીલ અને રાહુલને પણ આમંત્રણ આપ્યું હતું. ડો. સુહાસ પટેલની ગણના શહેરના ટોપ ટેન કાર્ડીઓલોજીસ્ટમાં થતી હતી. સ્વાભાવિક રીતે જ શહેરના નામાંકિત ડોકટરો પણ પાર્ટીમાં હાજર હતા. સ્વપ્નીલ અને રાહુલ જીવનમાં પહેલી જ વાર આટલી ઝાકમઝાળ વાળી ભવ્ય પાર્ટી જોઈ રહ્યા હતા. નેહાએ બંને મિત્રોનો એના પપ્પા સાથે પરિચય કરાવ્યો હતો. કેક કાપ્યા બાદ તમામ આમંત્રિત મહેમાનો નેહાને બર્થ ડે વિશ કરવા લાઈનમાં ધીમે ધીમે સ્ટેજ પર જઈ રહ્યા હતા. સ્વપ્નીલ અને રાહુલને એમણે સોલ્જરીમાં નેહા માટે લીધેલી કોમન ગિફ્ટ આપવા જતાં સંકોચ થઇ રહ્યો હતો.

 'મને લાગે છે કે આપણે ફન્કશન પૂરું થાય ત્યારે છેલ્લે જતી વખતે જ નેહાને આ ગિફ્ટ પેક આપી દઈશું'. સ્વપ્નીલે રાહુલના કાનમાં ધીમેથી કહ્યું હતું.  

અચાનક નેહાનું ધ્યાન થોડે દૂર ખૂણામાં ઘૂસપૂસ  કરી રહેલાં બંને મિત્રો પર પડયું હતું. તેણે સ્વપ્નીલને ઇશારાથી આગળ આવવા જણાવ્યું હતું જેથી વિડીઓગ્રાફીમાં બંને મિત્રો પણ આવી જાય. નેહાએ ઈશારો કર્યો એટલે બંને મિત્રો ધર્મસંકટમાં મૂકાઈ ગયા હતા. હવે સ્ટેજ પર ગયા સિવાય છૂટકો જ નહોતો. 

અચાનક સ્વપ્નીલનું  ધ્યાન કોઈકના મોંઘા બૂકેમાંથી નીચે પડી ગયેલ એકદમ તાજા ગુલાબ પર પડયું હતું. તેણે નીચે નમીને ત્વરિત ગતિએ એ ગુલાબ ઉઠાવી લીધું હતું. નેહાને વિશ કરવા બંને મિત્રો સ્ટેજ પર ગયા ત્યારે રાહુલના હાથમાં નાનકડું ગિફ્ટ પેક હતું જેના પર બંને મિત્રોના નામનું સ્ટીકર લગાવેલ હતું. રાહુલે નેહા સાથે હેન્ડશેઈક કરીને ગિફ્ટપેક  આપ્યું ત્યારે નેહાએ વિવેક કર્યો હતો 'રાહુલ, આપણી ફ્રેન્ડશિપમાં ગિફટની ફોર્માલીટી ન હોય'. 

રાહુલે ફોડ પાડયો હતો  'નેહા, એટલે જ અમારા બે વચ્ચે એક જ ગિફ્ટ આપીએ છીએ'. રાહુલે ગિફ્ટ પેક નેહાના હાથમાં મૂક્યું કે અચાનક રાહુલની પાછળ ઉભેલો સ્વપ્નીલ આગળ આવ્યો હતો. કેમેરાના સતત ફ્લેશની વચ્ચે સ્વપ્નીલે નેહાને બર્થ ડે વિશ કરીને તેના હાથમાં એકદમ ફિલ્મી સ્ટાઈલથી ગુલાબનું ફૂલ પકડાવી દીધું હતું!  નેહા ચમકી હતી. 

સ્વપ્નીલે સસ્મિત ચહેરે કહ્યું હતું  'મારી ખ્વાહીશ તો આજે તને ગુલાબનો  આખો બગીચો આપવાની હતી, પરંતુ ફિલહાલ તો મારી પાસે જે છે તે આ જ છે' 

નેહા હસી પડી હતી. સ્વપ્નીલ એના ગાલમાં પડી રહેલા ખંજનમાં ખોવાઈ ગયો હતો. એ પાર્ટીમાં સ્વપ્નીલે પહેલી વાર વ્હીસ્કીનો ટેસ્ટ કર્યો હતો.તેણે રાહુલને પણ એકાદ પેગ લગાવવાનું  કહ્યું હતું પરંતુ રાહુલ મક્કમ રહ્યો હતો. રાહુલ પાસે બચાવમાં દલીલ પણ હતી 'દોસ્ત, કદાચ તને નશો ચડે તો તને સંભાળવા માટે પણ મારે  તો હોશમાં રહેવું જ પડશે ને?' 

રાત્રે હોસ્ટેલ પર પરત ફરતી વખતે સ્વપ્નીલ નશામાં હતો. રીક્ષામાંથી ઉતર્યા બાદ તેના પગ લથડીયા ખાતા હતા. રાહુલના ખભે હાથ રાખીને તે ચાલી રહ્યો હતો. અચાનક સ્વપ્નીલ બોલ્યો હતો 'યાર, બર્થ ડે વિશ કરતી વખતે બર્થ ડે કિસનો પણ રીવાજ હોવો જોઈએ'.    'દોસ્ત, એ તો તું જયારે એનો પતિ થઈશ ત્યારે તને એવો ચાન્સ મળશે' 

'રાહુલ,  એ દિવસ ક્યારે આવશે કે હું નેહાનો પતિ હોઈશ?'  

'દોસ્ત, એ દિવસ પણ ચોક્કસ આવશે. તારા પપ્પા ડોક્ટર છે.દાદાજી પણ ડોક્ટર હતા.  લૂક વાઈઝ પણ આખા ક્લાસમાં નેહાની સાથે તારી જોડી જામે તેવી છે'. 

'રીઅલી? કરોડપતિ ડોક્ટરની એકની એક દીકરી મને મળે તો યાર, મારી તો લાઈફ બની જાય. બધું તૈયાર મળી જાય..નેહા તો બોનસમાં જ ગણાય' સ્વપ્નીલ નશામાં જ હતો. રાહુલ ચમક્યો હતો કારણકે તે જાણતો હતો કે નશામાં માણસ મોટે ભાગે મનમાં હોય તે સાચું બોલી નાખતો હોય છે. બંને મિત્રો હોસ્ટેલની રૂમ પર પહોંચ્યા ત્યારે ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું. રૂમ પર આવીને સ્વપ્નીલ શુઝ કાઢીને મોજાં સાથે જ પહેરેલા કપડે બેડ પર ઘસઘસાટ ઊંઘી ગયો હતો. રાહુલે તેને ધાબળો ઓઢાડયો હતો. 

છેલ્લા વર્ષમાં સ્વપ્નીલ નેહાની નજીક જવામાં સફળ રહ્યો હતો. એક વેલેન્ટાઈન ડેએ  સ્વપ્નીલે હિમત કરીને નેહાને પ્રપોઝ કરી નાખ્યું હતું. જવાબમાં નેહાએ  કહ્યું હતું 'સ્વપ્નીલ, આ છેલ્લું વર્ષ આપણે સાચવી લેવાનું છે. અર્જુનને જેમ માછલીની આંખ જ દેખાતી હતી તેમ તને પણ એક્ઝામ જ દેખાવી જોઈએ'. 

તે દિવસે રૂમ પર આવીને સ્વપ્નીલે નેહા સાથે થયેલી તમામ વાત રાહુલને કરી હતી. 'નેહાની વાત સાચી છે. અત્યારે તારી પ્રાયોરીટી માત્ર અને માત્ર અભ્યાસની જ હોવી જોઈએ. તારા અને નેહાના લગ્નમાં સૌથી વધારે હું નાચીશ' રાહુલે ભાવુક થઈને કહ્યું હતું. સ્વપ્નીલ રાહુલને પ્રેમથી ભેટી પડયો હતો.

છેલ્લા સેમિસ્ટરની પરીક્ષા પૂરી થઇ ત્યારે સતત ઉજાગરાઓને કારણે સ્વપ્નીલની આંખો લાલ થઇ ગઈ હતી. બપોરે  રૂમ પર આવીને તેણે તેનો સેલ ફોન સ્વીચ્ડ ઓફ કરીને રાહુલને  કહ્યું હતું  'મને લાગે છે કે મારે આરામની જરૂર છે. કાલે સવાર પહેલાં મને ઉઠાડતો નહી.' 'યાર, રાત્રે જમવા માટે પણ નહી ઉઠે?' રાહુલે પૂછયું હતું. 'ના, તું તો જાણે છે કે  છેલ્લા ત્રણ દિવસથી મેં આંખનું મટકું પણ માર્યું નથી'. 

'હું તને વર્ષોથી કહું છું કે રાત્રે બે ચાર કલાકની ઊંઘ લઇ લેવી સારી પણ તું મારું ક્યાં માને જ છે? ઉંઘ ન આવે તેની દવા લેવાથી આખરે તો શરીરને નુકશાન જ થાય છે'. રાહુલે ટેબલ પર પડેલ ગોળીના રેપરને હાથમાં લઈને કહ્યું હતું. રાહુલ જાણતો હતો કે સ્વપ્નીલને અમદાવાદની હોસ્ટેલમાં હતો ત્યારથી પરીક્ષાના સમયે એ ગોળી લેવાની ખરાબ આદત પડી ગઈ હતી. સતત ત્રણ રાતના ઉજાગરાને કારણે થોડી વારમાં જ સ્વપ્નીલ બેડ પર ઉંધો ફરીને નસકોરા બોલાવવા લાગ્યો હતો. 

રાહુલે પણ તેના બેડ પર જઈને ઉંઘી ગયો. એકાદ કલાક બાદ અચાનક તેના ફોનની રીંગ વાગી. રાહુલે જોયું કે સ્ક્રીનમાં નેહાનું નામ ડિસ્પ્લે થતું જતું. નેહા અભ્યાસના કામ સિવાય રાહુલને ભાગ્યે જ ફોન કરતી. આજે તો ફાયનલ પરીક્ષાનું છેલ્લું પેપર પણ અપાઈ ગયું હતું. રાહુલને નવાઈ લાગી. 'બોલ નેહા.' 

'શું કરે છે?'  'ઊંઘતો હતો... સ્વપ્નીલને ઉઠાડું ?' 'ના એને ઊંઘવા જ દે..એનું કામ નથી. રાહુલ, મારે તારું જ કામ છે'. નેહાએ સામે છેડેથી કહ્યું.

'હા તો કાલે મળીએ...સ્વપ્નીલ પણ સાથે આવશે...આમ પણ આજે ફાયનલ પરીક્ષા પૂરી થઇ છે તો કાંઇક પાર્ટી કરીને એન્જોય કરીએ'.

 'રાહુલ, તું તો ડોબો જ રહ્યો. હું કહું છું કે મારે તારું આજે જ કામ છે તો તું આવતીકાલે  સ્વપ્નીલની સાથે આવવાની વાત કરે છે'.

'એનીથિંગ સીરીયસ?'

'નથીંગ સીરીયસ યાર, અત્યારે જ તું હોસ્ટેલની પાછળ કાફેટેરિયા છે ત્યાં આવી જા. ચા આપણે સાથે જ પીશું'

'ઓકે નેહા, આઈ વિલ રીચ ધેર વિધીન ટ્વેન્ટી મીનીટસ'

રાહુલે જોયું કે સ્વપ્નીલ ઘસઘસાટ ઊંઘતો હતો. રાહુલ ફ્રેશ થઇને ડ્રેસ ચેન્જ કરીને ચાલતો  જ નીકળી પડયો. એ  વિચારી રહ્યો.. નેહાને વળી એવું તે શું અરજન્ટ કામ આવી પડયું હશે? વળી તેની વાત પરથી એવું લાગી રહ્યું હતું કે તે સ્વપ્નીલની ગેરહાજરીમાં જ વાત કરવા માંગે છે. એવી તે શું વાત હશે? 

રાહુલ  કાફેટેરિયા પર પહોંચ્યો ત્યારે નેહા ખૂણાના ટેબલ પર કપાળ પર ગોગલ્સ ચડાવીને  રાહુલની જ રાહ જોઈ રહી હતી. 'હાય નેહા.' રાહુલ તેની સામેની ખુરશી પર બેસતાં બોલ્યો. નેહાએ વેઈટરને ચાનો ઓર્ડર આપી રાખ્યો હતો તેથી તરત બે કપ ચા આવી ગઈ. રાહુલે શાંતિથી ચાની પહેલી ચૂસ્કી લીધી ત્યાં અચાનક નેહાએ રાહુલનો બીજો હાથ જે ટેબલ પર હતો તે પકડીને કહ્યું  'રાહુલ, આઈ લવ યુ. આઈ વોન્ટ ટૂ મેરી વિથ યુ'.  

અચાનક નેહાએ પ્રપોઝ કર્યું તેથી રાહુલ ચમક્યો. વીજળીનો કરન્ટ લાગ્યો હોય તે રીતે રાહુલે નેહાના હાથમાંથી પોતાનો હાથ છોડાવીને પાછો ખેંચી લીધો. તેના બીજા હાથમાં ચાનો કપ એમ ને એમ જ રહી ગયો હતો.

'રાહુલ, તને પ્રપોઝ કરવા માટે હું ફાયનલ એક્ઝામ પૂરી થાય તેની જ રાહ જોતી હતી'. નેહાએ રાહુલની આંખમાં જોઇને કહ્યું.

'નેહા, તું હોશમાં તો છે ને ?'

'કેમ શું થયું ?'

'સ્વપ્નીલનો વિચાર કર. આપણે બે તો સારા મિત્રો છીએ જ'.   

'સ્વપ્નીલે મને છ મહિના પહેલા વેલેન્ટાઇન ડેએ જ પ્રપોઝ કર્યું હતું. મેં તેને અભ્યાસમાં ધ્યાન દેવાની સલાહ આપી હતી. એ વખતે જો હું તેને સીધે સીધી ના પાડી દેત તો તેનું દિલ દુભાઈ જાત અને તેની વિપરીત અસર તેના રીઝલ્ટ પર પડત.. તેથી તેના હિતમાં જ મેં તેને સ્પષ્ટ ના નહોતી પાડી'.

'નેહા, સ્વપ્નીલને ના પાડવા જેવું મને તો કાંઈ જ દેખાતું નથી. નસીબદાર છોકરીને જ સ્વપ્નીલ જેવો જીવનસાથી મળે. તેનું ફેમીલી બેકગ્રાઉન્ડ પણ ખૂબ જ સારું છે. તેના પપ્પા ડોક્ટર છે'. 

'રાહુલ, તારું ફેમીલી બેકગ્રાઉન્ડ ક્યાં ખરાબ છે ? તારા પેરેન્ટ્સનું નાની ઉમરે અવસાન થયું હતું તેમાં તારો શું વાંક છે? તારી દાદીએ તને મોટો કર્યો તેમાં ખોટું શું છે?'

'નેહા, તું  સાચી વાત જાણતી જ નથી. એ મારા દાદી નથી. નેહાનું મન પોતાના તરફથી   પાછું વળી જાય તે હેતુથી રાહુલે પોતાની જિંદગીની કિતાબનું એ પાનુ પણ ખુલ્લું મૂકી દીધું, જે વાત માત્ર સ્વપ્નીલ જ જાણતો હતો. આખી વાત પૂરી કરીને રાહુલ બોલ્યો 'નેહા, હું એકદમ ગરીબ મા બાપનો દીકરો છું. મારી મા તો એને બંગલે ઘરકામ કરતી હતી, જેને આજે હું દાદી કહું છું. તારી બાજુમાં પતિ તરીકે ઉભા રહેવાની મારી કોઈ લાયકાત જ નથી'. 

'રાહુલ, હું એવું નથી માનતી. આજે ડોક્ટર તરીકે આપણે આપણું સ્ટેટસ જોવાનું હોય આપણા પેરેન્ટસનું નહી'.

'નેહા સૌથી મહત્વની વાત તો એ છે કે સ્વપ્નીલ તને ચાહે છે. રહી વાત મારી.. તો  મારી મંઝીલ અલગ છે. હું લગ્ન કરવા જ નથી માંગતો.'

'કેમ?'  નેહાને નવાઈ લાગી.

 'નેહા, મારો ડોક્ટર બનવા પાછળનો એક જ હેતુ છે..માત્ર અને માત્ર સમાજસેવા'. 'રાહુલ, હું તારી પત્ની બનીને સમાજસેવાના તારા યજ્ઞામાં જોડાઈ જઈશ'. નેહાએ ફરીથી રાહુલનો હાથ પકડી લીધો. રાહુલને લાગ્યું કે નેહા એમ નહી માને તેથી તેણે બ્રહ્માસ્ત્ર ફેંક્યું..  'નેહા, મને તારા પ્રત્યે એવી ફીલિંગ ક્યારેય થઇ જ નથી'. 

'મને ખબર છે કે તું ખોટું બોલે છે.. સ્વપ્નીલ માટે થઇને' નેહા બોલી ઉઠી. 'નેહા, સાવ સાચું કહું છું. હવે આ વાતની સાબિતી તો હું તને કઈ રીતે આપું? એટલો તો તારે મારા પર વિશ્વાસ મૂકવો જ પડશે'. રાહુલે મક્કમતાથી કહ્યું.

બંને વચ્ચે ભારેખમ મૌન પથરાઈ ગયું. 'નેહા, સ્વપ્નીલને અપનાવી લે. મહત્વકાંક્ષી છે. ખૂબ આગળ વધશે. દેખાવમાં પણ એ મારા કરતાં વધારે હેન્ડસમ છે'. 

'રાહુલ, દેખાવમાં તો સ્વપ્નીલ મને પસંદ છે જ.. પણ તે મેડીકલના વ્યવસાયમાંથી કોઈ પણ માર્ગ અપનાવીને અઢળક પૈસા બનાવવા માંગે છે એવું તેણે જ મને એક વાર કહ્યું હતું. બસ તે ચર્ચા બાદ મને તેના પરથી મન ઉતરી ગયું. એટલે જ તે દિવસે મેં તેની પ્રપોઝલને સ્વીકારી નહોતી.જયારે તેના વિચારોની તારા વિચારો સાથે સરખામણી કરું છું તો મારી પસંદગીનું પલ્લું તારા તરફ વધારે ઢળે છે'. નેહાએ નિખાલસતાથી કહ્યું હતું.  

'નેહા, લગ્ન બાદ તું સ્વપ્નીલના વિચારોને કન્ટ્રોલમાં કરીને એના વિચાર પણ તું મારા જેવા જ કરી શકીશ'. 

'રાહુલ, કોઈ કોઈના વિચારને ક્યારેય કન્ટ્રોલમાં કરી શકતું નથી. એક વાર ખોટી ટ્રેનમાં બેઠા પછી તમામ સ્ટેશનો ખોટા જ આવતા હોય છે. લગ્નનું પણ એવું જ છે. કાશ તેં મારો પ્રસ્તાવ આજે સ્વીકારી લીધો હોત!'. નેહાએ રડમસ અવાજે કહ્યું હતું. 

'નેહા, પ્રેમની દરેક ફ્લાઈટ લગ્ન નામના એરપોર્ટ પર જ ઉતરે એ જરૂરી નથી. આપણે સારા મિત્રો છીએ અને હમેશા રહીશું. હવે મુદ્દાની વાત કે તું મને પ્રેમ કરે છે એ તારો ભ્રમ છે. તું સ્વપ્નીલને જ ચાહે છે. માત્ર તેના અમુક વિચારો સાથે તું સહમત નથી એટલે તેની સરખામણી મારા સાથે કરવા લાગી છે'. 

રાહુલ બીલ ચૂકવીને ઝડપથી ઉભો થઇ ગયો. 'નેહા,  આજે તારે મને એક વચન આપવું પડશે'  રાહુલે જમણો હાથ આગળ કરીને કહ્યું 

'બોલ'. 

'મને વચન આપ કે  આજે તેં મને પ્રપોઝ કર્યું છે તે વાત ક્યારેય ભવિષ્યમાં સ્વપ્નીલને કહીશ નહી. નાહકનો બિચારો દુઃખી થશે. હું બધું જોઈ શકું છું પણ મારા દોસ્તને  દુઃખી થતો ક્યારેય નહી જોઈ શકું'. નેહાએ રડતી આંખે રાહુલના હાથમાં પોતાનો જમણો હાથ મૂકી દીધો હતો. રાહુલના ગયા બાદ ક્યાંય સુધી નેહાના કાનમાં રાહુલે છેલ્લે બોલેલાં શબ્દો પડઘાતા રહ્યા હતા... 'હું બધું જોઈ શકું છું પણ મારા દોસ્તને  દુઃખી થતો ક્યારેય નહી જોઈ શકું.'  

સમયનું ચક્ર આગળ વધી રહ્યું હતું. ફાયનલનું રીઝલ્ટ આવ્યું ત્યારે રાહુલ, સ્વપ્નીલ અને નેહા કોલેજમાં રાબેતા મુજબ ટોપ થ્રીમાં જ હતા. આખરે નેહાએ સ્વપ્નીલના લગ્ન માટેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. બંને પક્ષે રાજી ખુશીથી ધામેધૂમે સ્વપ્નીલ અને નેહાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું  હતું. નેહાના પપ્પાએ દિલ્હીની સૌથી મોંઘી હોટેલમાં નેહા અને સ્વપ્નીલના લગ્ન અને રીસેપ્શનનું આયોજન કર્યું હતું. સામાન્ય રીતે રીસેપ્શન વર પક્ષ તરફથી તેના ગામમાં હોય પણ નેહાના પપ્પાએ સ્વપ્નીલના પપ્પાને અગાઉથી જ એ બાબતે સહમત કરી દીધા હતા કે લગ્નના તમામ  ફન્કશન દિલ્હીમાં જ રાખવામાં આવશે.  અતિશય ભવ્ય લગ્ન સમારંભમાં રાહુલ તેના બા એટલે કે સુધાને લઇને અમદાવાદથી દિલ્હી આવી પહોંચ્યો હતો. તમામ સગા સબંધીઓની પરિચયવિધિ પૂરી થઇ ગયા બાદ  રાહુલ તેના બા સાથે હોલમાં જ્યાં બેઠો હતો ત્યાં નેહા તેના પપ્પા અને દાદીને લઈને આવી પહોંચી હતી. નેહાના દાદી અને સુધા એક બીજાને થોડી વાર  સુધી તાકી રહ્યા. આખરે નેહાના દાદી જ  બોલી ઉઠયા 'અરે સુધા તું ? આટલા વર્ષે ? અહીં દિલ્હીમાં?' 

સુધા સજળનેત્રે બોલી ઉઠી 'શ્રુતિ તું ? મસૂરી ક્યારે છોડયું?'

આજે અનાયાસે જ  વર્ષો બાદ  મસૂરીની કોલેજ લાઈફની બંને અંતરંગ સખીઓ સુધા અને શ્રુતિ ભેગા થઇ ગયા હતાં. બંનેના વાળમાં સફેદી આવી ગઈ હતી. સુધાની આંખ સમક્ષ અચાનક મસૂરીના બર્ફીલા પહાડો વચ્ચેનો આલોક સાથેનો એ રોમેન્ટિક ભૂતકાળ સજીવન થઇ રહ્યો હતો... જેનો અંત અતિશય દુઃખદ હતો.આલોકનું એરક્રેશમાં અણધાર્યું અવસાન.. કુંવારી દીકરી સુધાની પ્રેગ્નન્સીથી વ્યથિત થઇ ઉઠે કર્નલ પિતાનું પડી ભાંગવું અને હૃદયરોગના હુમલાને કારણે મોતને ભેટવું.. સમાજના ડરથી કુંવારી સુધાએ કરાવેલું એબોર્શન... એ તમામ ઘટનાઓમાં પડછાયાની જેમ સાથ આપનાર એક માત્ર સખી એટલે શ્રુતિ, જે અત્યારે તેની સામે ઉભી હતી.બંનેની આંખો છલકાઈ ઉઠી હતી.બંને એકબીજાને ભેટી પડી હતી. 

સુધા મુંબઈ શિફ્ટ થઇ પછી બે વર્ષ માટે કંપનીએ એને અમેરિકા મોકલી હતી.  તેનો શ્રુતિ સાથેનો સંપર્ક બિલકુલ કપાઈ ગયો હતો. બંને અલગ થયા ત્યારે સુધાએ  આજીવન કુંવારા રહેવાનો એનો નિર્ધાર શ્રુતિને જણાવ્યો હતો. શ્રુતિ લગ્ન કરીને મસૂરીથી દિલ્હી શિફ્ટ થઇ હતી અને ત્યાં જ ઠરીઠામ થઇ હતી. આજે તેના પતિ હયાત નહોતા પણ એક માત્ર ડોક્ટર દીકરો સુહાસ પટેલ દિલ્હીનો સૌથી મોટો ડોકટર બની ગયો હતો, જેની એક માત્ર દીકરી નેહાના લગ્નનો શુભપ્રસંગ આવ્યો હતો. 

નેહાએ જયારે તેની દાદી શ્રુતિ સાથે સુધાનો પરિચય રાહુલના દાદી તરીકે કરાવ્યો ત્યારે શ્રુતિને એ વાતની ભારે નવાઈ લાગી હતી કે આલોકને ભૂલીને સુધાએ લગ્ન કર્યા? 

થોડી વાર બાદ રાહુલ અન્ય મિત્રો સાથે વાતે વળગ્યો તે સમયે શ્રુતિને એકલી જોઇને સુધા તેની પાસે આવી હતી. સુધાએ ધીમેથી સ્પષ્ટતા કરતાં કહ્યું હતું  'શ્રુતિ, હકીકતમાં હું આજે પણ કુંવારી જ છું. રાહુલ મારો દત્તક લીધેલો પૌત્ર છે'. 

રાહુલ તારા ભૂતકાળ વિષે જાણે છે?'. શ્રુતિએ આખરે પૂછી જ લીધું હતું. 

(ક્રમશઃ)


Google NewsGoogle News