મંત્રનો જાપ ઊંચા સ્વરે કરવો કે મનમાં?

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
મંત્રનો જાપ ઊંચા સ્વરે કરવો કે મનમાં? 1 - image


- સનાતન તંત્ર -પરખ ઓમ ભટ્ટ

- આધ્યાત્મિક માર્ગે નવાસવા આગળ વધી રહેલાં સાધકને ઈશ્વર ઘણો દૂર જણાતો હોય છે. આથી, ઈશ્વર અને પોતાની વચ્ચેનું અંતર ઘટાડવા માટે તે વાચિક જપમાં રુચિ દાખવે. 

ગા યત્રી તંત્રવિજ્ઞાન અંગે ઊંડાણમાં ઉતરતાં પહેલાં કેટલીક પાયાની બાબતો અંગે સ્પષ્ટતા મેળવવી વધારે જરૂરી છે. સમાજનો ખાસ્સો મોટો વર્ગ એ ભ્રમણામાં છે કે ગાયત્રી મંત્રનો જાપ ઊંચા સ્વરે એટલે કે મોટેથી બોલીને ન કરવો જોઈએ. વાસ્તવિકતા ભિન્ન છે. જેવી રીતે સ્ત્રીઓએ ગાયત્રી મંત્રનો જાપ ન કરવો જોઈએ એ વાત વેદોમાં ક્યાંય લખાયેલી નથી, એવી જ રીતે ગાયત્રી મંત્રનો જાપ ઊંચા સ્વરે ન કરવો જોઈએ એ બાબતનો કોઈ જ ઉલ્લેખ ચાર વેદો - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં ક્યાંય નથી.

મંત્રોચ્ચારણની મૂળ ચાર પદ્ધતિઓનું વર્ણન શાસ્ત્રોમાં મળી આવે છે: (૧) વાચિક (૨) ઉપાંશુ (૩) માનસિક (૪) અજપ. આ ચારેય પ્રકારો વિશે સમજૂતી મેળવવી જરૂરી છે.

(૧) વાચિક: મંત્રોનું ઊંચા સ્વરે જ્યારે ઉચ્ચારણ કરવામાં આવે, ત્યારે એ 'વાચિક જપ' કહેવાય છે.

(૨) ઉપાંશુ: ઉચ્ચારણ વેળા માત્ર હોઠ ફફડે, પરંતુ સ્વર/ધ્વનિ બહાર ન આવે એ પ્રકારના જપની ગણતરી 'ઉપાંશુ'માં થાય છે. બાજુમાં બેઠેલાં માણસને પણ ખ્યાલ ન આવે કે તમે કયા મંત્રનો જપ કરી રહ્યા છો, એ પદ્ધતિ એટલે ઉપાંશુ.

(૩) માનસિક: કેટલાક લોકોને એવી ગેરમાન્યતા છે કે મનમાં જપ કરવાની વિધિને 'માનસિક જપ' કહેવાય, પરંતુ એ સત્ય નથી. માનસપટ ઉપર જ્યારે મંત્ર છપાયેલો આવે અને નાટિસ બૉર્ડ પર વાંચી શકાતાં અક્ષરોની માફક જ્યારે સાધક મંત્રને પોતાની મનની આંખોથી વાંચે, એ પદ્ધતિને માનસિક જપ કહેવાય છે.

(૪) અજપ: 'અજપ જપ' એ એવો પ્રકાર છે, જેમાં સાધકે જાતે મહેનત કરીને મંત્રનું ઉચ્ચારણ કરવાની આવશ્યકતા નથી. સમયની સાથે જ્યારે સાધક આધ્યાત્મિક માર્ગ પર આગળ વધતો રહે, ત્યારે તેના અંતરમનમાં મંત્ર કોતરાઈ જાય અને એ પછી આપોઆપ લૂપમાં ચાલતો રહે. જેવી રીતે મનપસંદ ગીતને યાદ રાખવા માટે મહેનત નથી કરવી પડતી, એવી જ રીતે અજપ અવસ્થામાં પહોંચ્યા પછી સાધક ભલે કોઈ પણ પ્રવૃત્તિ કરી રહ્યો હોય પરંતુ મનના એક ખૂણે એનો મંત્ર સતત ચાલતો રહેશે.

આ ચારેય પ્રકારના જપને શાસ્ત્રોક્ત માન્યતા પ્રાપ્ત છે. આ કારણોસર, ગાયત્રી મંત્ર સહિત અન્ય તમામ મંત્રોનું ઉચ્ચારણ ઉપરોક્ત પદ્ધતિ સાથે થઈ શકે. શરૂઆતી સમયમાં સાધકને વાચિક જપમાં વધુ આનંદ આવે. જેમ જેમ એકાગ્રતા વધે, એમ એમ ક્રમશઃ ઉપાંશુ અને માનસિક જપમાં એની રુચિ વધતી જાય. એનો અર્થ એ નથી કે વાચિક જપ અયોગ્ય! સાધકના સામર્થ્ય મુજબ ત્રણેય જપ વારફરતી થઈ શકે. ઓમ સ્વામી લિખિત અંગ્રેજી પુસ્તક 'ધ એન્શિયન્ટ સાયન્સ ઑફ મંત્ર'માં એક અદ્ભુત ઉદાહરણ સાથે આ પદ્ધતિઓની મહત્તા એમણે સમજાવી છે. એક સાધુ પોતાના કેટલાક શિષ્યો સાથે દરિયાકિનારે વિચરણ કરી રહ્યાં હતાં. દૂર એક દંપતિ ઝઘડી રહ્યું હતું. ઘટના એમ હતી કે પત્ની ગંગામાં ડૂબકી લગાવવા ગઈ અને ગળામાં પહેરેલો સોનાનો હાર નદીના પ્રવાહમાં તણાઈને ક્યાંય ખોવાઈ ગયો. કિનારા પાસે ઊભેલાં પતિએ એના ગળામાં નેકલેસ ન જોઈને પ્રશ્ન કર્યો અને પત્નીને એ વિશે કંઈ ખબર નહોતી. આથી, મોંઘોદાટ હાર આવી બેદરકારીને કારણે ખોઈ બેસવાને કારણે પતિએ એની પત્ની સાથે ઝઘડો માંડયો અને બંને જોરજોરથી એકબીજા સાથે વાત કરવા માંડયા.

આ જોઈને સાધુએ એના શિષ્યોને પૂછયું કે આપમાંથી કોઈ જણાવી શકે કે બંને પતિ-પત્ની એકબીજાથી સાવ નજીક ઊભા હોવા છતાં આટલા જોરજોરથી કેમ ઝઘડી રહ્યાં છે? એમની વચ્ચેનું અંતર પણ સાવ નજીવું ગણી શકાય એટલું હોવા છતાં આવું કેમ?

શિષ્યોએ પોતપોતાની સમજદારી અનુસાર ઉત્તર આપવાની કોશિશ કરી, પરંતુ સચોટ કારણ કોઈની પાસે નહોતું. થોડા સમય પછી સાધુએ કહ્યું કે, જ્યારે એકબીજાને પ્રેમ કરતાં બે માણસો વચ્ચે ઝઘડો થાય, ત્યારે તેમના અંતરમનમાં ખટરાગ પેદા થાય, જેના કારણે એમની લાગણીમાં પણ તિરાડ પડે. હૃદયમાં પડેલાં આ ભંગાણને સાંધવા માટે તેઓ અજાણપણે જ મોટા અવાજે ઝઘડવા માંડે! પરિણામસ્વરૂપ, એકબીજાથી સાવ નજીક હોવા છતાં તેમની ભાવનાત્મક તિરાડ ઘટાડવા માટે તેઓ ચીસો પાડીને વાત કરવામાં અચકાતાં નથી.

આધ્યાત્મિક માર્ગે નવાસવા આગળ વધી રહેલાં સાધકને ઈશ્વર ઘણો દૂર જણાતો હોય છે. આથી, ઈશ્વર અને પોતાની વચ્ચેનું અંતર ઘટાડવા માટે તે વાચિક જપમાં રુચિ દાખવે. સમયની સાથે જેમ જેમ આગળ વધે, એમ એમ ભગવાન સાથેની નિકટતા વધતી જાય અને ઉપાંશુ તથા માનસિક જપ તરફ તેનો ઝુકાવ વધે. એક સમય એવો આવે, જ્યારે તેને સમજાઈ જાય કે ભગવાન તો તેના અંતરમાં જ વાસ કરે છે અને બરાબર એ ક્ષણે તે 'અજપ જપ' સાથે આગળ વધે.

એકબીજાના ગળાડૂબ પ્રેમમાં રહેતાં પ્રેમી અને પ્રેમિકાને ફોન પર વાત કરતાં જોયા છે? એમની સાવ બાજુમાં બેઠેલી વ્યક્તિને પણ અંદાજ ન આવે કે તેઓ શું વાત કરી રહ્યા છે, એટલા ધીમેથી તેઓ બોલી રહ્યા હોય એ અવસ્થા અને તાદાત્મ્ય જ્યારે ભગવાન સાથે કેળવવામાં આવે, ત્યારે આધ્યાત્મિક ઉન્નતિના શિખરો સર થઈ શકે. આ અવસ્થા સુધી પહોંચવા માટે આપણું કર્તવ્ય નિરંતર ચાલતાં રહેવાનું છે. આથી, જો એક સાધક ઊંચા સ્વરે પણ મંત્રજાપ કરીને ઈશ્વર સાથે સાંનિધ્ય પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરી રહ્યો હોય, તો તેને શાસ્ત્રના નામે ઊભી કરવામાં આવેલી ભ્રમણામાં ન બાંધવો એ આપણી નૈતિક ફરજ છે. 


Google NewsGoogle News