મનુ ભાકર : ઓલિમ્પિક શૂટિંગમાં આગવો ઈતિહાસ રચનારી ભારતીય નિશાનેબાજ
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- મોટા ભાઈના પગલે બોક્સર બનવાનું સ્વપ્ન સેવી રહેલી મનુને એક મુકાબલા દરમિયાન ચહેરા પર ઈજા થઈ અને ત્યારબાદ તેેણે બોક્સિંગ છોડીને શૂટિંગને અપનાવ્યું
ક ર્મણ્યેવા ધિકારસ્તે મા ફલેશું કદાચન - ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ જીજ્ઞાસુ અર્જુનને આપેલા અમૃતમય ઉપદેેશમાં આલેખેલો કર્મનો સિદ્ધાંત યુગયુગાંતરથી ભારતીય પ્રજાના જીવનની દિશાને યોગ્ય માર્ગ તરફ વાળતો રહે છે. મનુષ્યનો અધિકાર કહો કે હક એ માત્ર કર્મ કરવા પર છે, પછી ફળ આપવાનું કામ ઉપરવાળાનું છે. દરેક વેળાએ કર્મ કરતા સમયે જ્યારે મનુષ્ય ફળની અપેક્ષા રાખે છે, ત્યારે તેના મનમાં ફળની કે પછી સફળતાની એક પ્રકારની છબી આકાર લે છે અને જ્યારે તેને તેની કલ્પના પ્રમાણેનું ફળ કે સફળતા મળતા નથી, ત્યારે નિરાશા ઘેરી વળે છે. આ જ નિરાશાથી મનુષ્યને બચાવવા માટે ફળની ચિંતા કર્યા વિના માત્ર કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ભગવાને કુરુક્ષેત્રમાં કરેલો એ ઉપદેશ આજે પણ જિંદગીના ક્ષેત્રમાં હતાશ-નિરાશ કે પછી પોતાના કર્તવ્ય અંગે દ્વિધા અનુભવતા તમામ માટે દીવાદાંડીની ગરજ સારે છે.
ધર્મના સિદ્ધાંતો માત્ર પઠન કે ભાષણ કરવા પુરતાં જ નથી, પણ એકાદને પણ જિંદગીમાં ઉતારવામાં આવે તો તેનાથી સમગ્ર જીવન ધન્યતા અનુભવવા લાગે છે. આવો જ અહેસાસ ભારતની ૨૨ વર્ષની મહિલા શૂટર મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક બાદ કરી રહી છે. પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે પહોંચેલી મનુ ભાકરની ઓળખ ભારતના અન્ય હજ્જારો ઓલિમ્પિયિનો જેવી જ હતી. જોકે, પેરિસમાં તેણે વિશ્વના શ્રેષ્ઠ નિશાનેબાજોની વચ્ચે જબરજસ્ત દેખાવ કરતાં એક જ નહીં પણ બબ્બે કાંસ્ય ચંદ્રકો જીતી લીધા. આ સાથે તે ભારતના રમત ઈતિહાસમાં એક જ ઓલિમ્પિકમાં બેવડા ચંદ્રકો જીતનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ. તેણે આ બંને ચંદ્રકો ૧૦ મીટર એર પિસ્તોલની વ્યક્તિગત અને મિક્સ ટીમ સ્પર્ધામાં (સરબજોતસિંઘ સાથે) હાંસલ કર્યા હતા. તેણે ૨૫ મીટર પિસ્તોલ સ્પર્ધાની ફાઈનલ સુધીની સફર ખેડી, પણ બ્રોન્ઝ મેડલ માટેના મુકાબલામાં તે સ્વિડિશ હરિફ વેરોનિકા મેજર કરતાં માત્ર ૦.૧ પોઈન્ટ પાછળ હતી, ત્યારે ચૂકી ગઈ હતી. જો તેેણી ચંદ્રક જીતી હોત તો એક જ ઓલિમ્પિકમાં ચંદ્રકોની હેટ્રિક સર્જનારી સૌપ્રથમ ભારતીય તરીકેનો રેકોર્ડ સર્જી શકે તેમ હતી.
ભારતના ઓલિમ્પિકના ઈતિહાસમાં આ પહેલા એક જ વખત એવું બન્યું હતુ કે, જ્યારે એક ખેલાડી બે વ્યક્તિગત સ્પર્ધામાં ચંદ્રક જીત્યો હતો. તે ઘટના બરોબર ૧૨૪ વર્ષ પહેેલા પેરિસમાં જ યોજાયેલા ઓલિમ્પિકમાં ઘટી હતી. ત્યારે કોલકાતામાં જન્મેલા બ્રિટિશ નાગરિક નોર્મન પ્રિચાર્ડે એથ્લેટિક્સની સ્પર્ધાઓમાં બે રજત ચંદ્રકો જીત્યા હતા. તે ભારતમાં જન્મ્યો હોવાથી તેના ચંદ્રકો ભારતના નામે નોંધાયા, પણ તે ભારતીય નહતો. આ પ્રકારે પણ મનુની સિદ્ધિ ખુબ જ મહત્વની બની જાય છે.
મનુની કારકિર્દીના આ બીજા ઓલિમ્પિક છે. ત્રણ વર્ષ પહેલા કોરોના કારણે એક વર્ષ સ્થગિત રહેલા ટોકિયો ઓલિમ્પિક ૨૦૨૧માં યોજાયા, ત્યારે પણ ૧૯ વર્ષની મનુ ભાકર ભારતની ઓલિમ્પિક ટીમમાં સામેલ હતી. જોકે ત્યારેે ૧૦ મીટરની એર પિસ્તોલની સ્પર્ધા દરમિયાન અચાનક જ તેની પિસ્તોલ જામ થઈ ગઈ. મનુ આ કારણે ખુબ જ અપસેટ થઈ ગઈ અને તેને તેની પિસ્તોલની ટેકનિકલ ખામી દૂર કરાવવા માટે થોડો સમય માટે બહાર આવવું પડયું હતુ. આ કારણે તેની એકાગ્રતાનો ભંગ થયો અને તે ચંદ્રક જીત્યા વિના જ બહાર ફેંકાઈ.
કારકિર્દીના પહેલા જ ઓલિમ્પિકમાં થયેલા કડવા અનુભવને કારણે મનુ જાણે નિરાશાની ગર્તામાં સરી પડી. તેના વર્લ્ડ ચેમ્પિયનશિપથી લઈને એશિયન ગેમ્સ, વર્લ્ડ કપ તેમજ યુથ ઓલિમ્પિકના ચંદ્રકો પણ તેને શૂટિંગમાં ટકાવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. ટોકિયો ઓલિમ્પિકના આઘાતમાંથી બહાર આવવાની રાહ તેને ભગવદ્ ગીતામાંથી મળી. ગીતાજીનો કર્મનો સિદ્ધાંતથી તેને અહેસાસ થયો કે, મનુષ્યનું કામ માત્રને માત્ર તેનો શ્રેષ્ઠ દેખાવ કરવાનું છે, પછી પરિસ્થિતિ ગમે તેવી હોય. પરિણામ ગમે તે આવે, પણ દરેક વેળાએ આપણે આપણાથી બનતો શ્રેષ્ઠ પ્રયાસ કરતાં રહેવાનું છે. બસ આ કર્મના સિદ્ધાંતે જ તેની દુનિયાને બદલી નાંખી. એકાગ્રતા અને ધીરજની કસોટી કરતી આ રમતમાં ટોચ પર પહોંચવા માટે તેણે યોગ અને પ્રાણાયામનો પણ સહારો લીધો, જેનાથી તેનામાં સ્થિરતાનો વધારો થયો અને વિચારોમાં પણ વિશેષ હકારાત્મકતા જોવા મળી. આ સાથે તેનો નિષ્ફળતાનો ભય પણ દૂર થઈ ગયો. જેના સહારે જ તેણે પેરિસ ઓલિમ્પિકમાં બબ્બે ઐતિહાસિક કાંસ્યચંદ્રકો જીતી બતાવ્યા. તેની આ સિદ્ધિ ૧૦૦ કરોડથી વધુ વસ્તી ધરાવતા ભારત માટે પણ એટલા માટે મહત્વના હતા કારણ કે મનુએ જ પેરિસ ઓલિમ્પિકમાં ચંદ્રક જીતનારા દેશોની યાદીમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતુ અને તેને બેવડાવી પણ દીધું હતુ. દરેક નિષ્ફળતા એ કોઈ પણ રાહનો અંત નથી, પણ નવી શરુઆત કરવાનું આવાહ્ન છે. તે સાર્વત્રિક સત્યને મનુએ પોતાના અડગ મનોબળથી સાબિત કરી બતાવી છે.
બેવડાં કાસ્ય સાથેે આંતરરાષ્ટ્રીય રમતવિશ્વમાં ભારતને આગવું ગૌરવ અપાવનારી મનુ ભાકરની સફળતાની રાહ માત્ર ત્રણેક વર્ષ જૂની નથી. તે છેલ્લા સાત વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેતી આવી છે અને તેનો સાત વર્ષનો આંતરરાષ્ટ્રીય શૂટિંગનો અનુભવ આખરે જે રંગ લાવ્યો તે આખા દેશને પેરિસ ઓલિમ્પિકમાં જોવા મળ્યો.
હરિયાણાના જઝ્ઝર જિલ્લામાં આવેલા ગોરિયા નામના ગામમાં રહેેતા સંપન્ન પરિવારમાં જન્મેલી મનુ ભાકરે ક્યારેય શૂટિંગમાં ભાગ લેવા વિશે વિચાર્યું નહતુ. તેના પિતા રામકિશન મર્ચન્ટ નેવીમાં ચીફ એન્જિનિયર તરીકે જવાબદારી સંભાળતા. જ્યારે તેની માતા ડા. સુમેધા ગામમાં આવેલી તેમના પરિવારની શાળામાં આચાર્યા હતા. સંસ્કૃત ભાષામાં ડોક્ટરેટની પદવી ધરાવતા સુમેધા દરેક ભારતીય માતા-પિતાની જેમ ઈચ્છતાં હતા કે, મનુ ભાકર ભણી-ગણીને મોટી ડોક્ટર બને. જોકે મનુનું ભાગ્ય તેને અલગ જ દિશામાં દોરી રહ્યું હતુ.
મનુનો મોટોભાઈ અખિલ બોક્સિંગની તાલીમ લેતો હતો. તેના પગલે મનુએ પણ બોક્સિંગ પર હાથ અજમાવ્યો. મનુને બધી રમતોમાં રસ હતો. તે બોક્સિંગની સાથે સ્કેટિંગ, મણીપુરી માર્શલ આર્ટ- થાંગ તા તેમજ ટેનિસ જેવી રમતોમાં રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સફળતા મેળવી હતી અને કેટલીક સ્પર્ધાઓમાં તો તેણે આંતરરાષ્ટ્રીય ચંદ્રકો પણ જીત્યા હતા. આ જ કારણે મનુએ રમત ગમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાની સલાહ તેના એક શિક્ષકેે તેના માતા-પિતાને આપી. પિતાની ઈચ્છા તેને બોક્સર બનાવવાની પણ હતી. જોકે એક વખત મનુને બોક્સિંગમાં ચહેરા પર જોરદાર પંચ વાગ્યો અને તેના કારણે તેની આખ સૂજી ગઈ હતી.આ ઘટના બાદ તેની માતાએ તેને બોક્સિંગના ગ્લોવ્ઝ કઢાવી નાંખ્યા અને આ પછી ૧૪ વર્ષની ઉંમરે તેનો શૂૂટિંગની રમતમાં પ્રવેશ થયો.
પહેલેથી રમત ગમતમાં વિશેષ રુચી ધરાવનારી મનુએ ઝડપથી શૂટિંગની રમતમાં સફળતા મેળવવા માંડી. માત્ર બે વર્ષની સખત મહેનતના પરિણામે તેણે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં નોંધપાત્ર દેખાવ કર્યો. અનિલ જાખરના માર્ગદર્શનમાં શૂટિંગ શરુ કરનારી મનુએ ૨૦૧૭માં કેરળ નેશનલ ગેમ્સમાં નવ ગોલ્ડ મેડલ જીતીને આગવો ઈતિહાસ રચી દીધો. આ સાથે ભારતીય શૂટિંગ સંઘે પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં યુવા શૂટરોને પ્રાધાન્ય આપવાની નીતિ અપનાવી અને માત્ર ૧૬ વર્ષની ઉંમરે મનુએ ૨૦૧૮ની ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને નવા અધ્યાયનો પ્રારંભ કર્યો.
માત્ર ૧૬ વર્ષની વયે કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન બનેલી મનુએ ત્યાર બાદ પાછું વળીને જોયું નથી. તે પેરિસ ઓલિમ્પિકને કાંસ્ય સહિત આંતરરાષ્ટ્રીય શૂટિંગમાં ૧૭ ગોલ્ડ, ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. જેમાં વર્લ્ડ ચેમ્પિયનશિપનો ગોલ્ડ અને સિલ્વર તેમજ એશિયન ગેમ્સનો ગોલ્ડ પણ સામેલ છે. પેરિસ ઓલિમ્પિકમાં મળેલી સફળતા બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો છે અને હવે તે ૨૦૨૮ના લોસ એંજલસ ઓલિમ્પિકમાં નવો ઈતિહાસ રચવા તરફ મીટ માંડી રહી છે.