ભાવનાનો અનોખો સેવા અધ્યાય .
- આજકાલ- પ્રીતિ શાહ
- 'વ્હાય મી'ને બદલે મારા જેવા અનેક લોકોનું શું થશે એમ વિચારવાથી મારા જીવનનો બીજો અધ્યાય શરૂ થયો.'
એ જાણીતી ઉક્તિ છે કે અનુભવ જેવો બીજો કોઈ શિક્ષક નથી. વ્યક્તિ સ્વાનુભવથી જે શીખે છે, તેમાંથી અન્યને મદદરૂપ થવાની ભાવના જાગે છે. આવી જ વાત છે' કેરગિવર સાથી'ની સ્થાપક ભાવના ઈસ્સરની. લાંબા સમયથી બીમાર રહેતી વ્યક્તિઓની સંભાળ લેતા લોકોને સશક્ત બનાવવા માટેનું આ પ્લેટફોર્મ છે. એક દિવસ ભાવનાની ઑફિસમાં કામ કરતી મહિલાએ એને કહ્યું કે એની માતાને એની ઘરના કામ માટે જરૂર છે તેથી હવે તે કામ પર આવી શકશે નહીં, ત્યારે ભાવનાને આંચકો લાગ્યો, પણ આશ્ચર્ય ન થયું, કારણ કે તે પણ આવા તબક્કામાંથી પસાર થઈ ચૂકી હતી. ભાવના જ્યારે એકવીસ વર્ષની હતી, ત્યારે તેના પિતાને મલ્ટીપલ સિસ્ટમ એસ્ટ્રોફી રોગનું નિદાન થયું હતું. એમ.બી.એ. કરતી ભાવનાના મનમાં દ્વિધા હતી કે અભ્યાસ ચાલુ રાખવો કે પરિવારને આર્થિક મદદ મળે તે માટે નોકરી કરવી? પરંતુ તેના માતા-પિતા નહોતા ઇચ્છતા કે તે નોકરી છોડે. માતા ઇચ્છતી હતી કે અભ્યાસ પૂરો કરીને આર્થિક રીતે પગભર બને.
પિતાના અવસાન પછી કુટુંબમાં કેટલીક વ્યક્તિઓની સંભાળ ભાવના રાખતી હતી. ભાવનાએ જવાબદારી સંભાળી હતી, પરંતુ આ અંગે કોઈની સાથે વાત ન કરી શકવાને કારણે માનસિક બોજો વધી ગયો અને જીવનનો થાક લાગવા માંડયો હતો. મોટરબાઈક પર ફરવું તે એનો શોખ હતો. પોતાની પ્રિય રોયલ એનફિલ્ડ થંડરબર્ડ ૫૦૦ લઈને નીકળી પડતી. ભાવના કહે છે કે તેના જીવનમાં મોટરબાઈકનું ઘણું યોગદાન છે. કૉલેજમાં અભ્યાસ માટે કે અન્ય કામ માટે જવાના પરિવહન સાધન તરીકે, પસંદગીના શોખ તરીકે અને પિતાના અવસાન સમયે દુઃખ દૂર કરવાની જરૂર હતી, ત્યારે થેરાપી તરીકે મોટરબાઈક એની સાથી રહી છે. એક વખત મોટરબાઈક લઈને નીકળી, ત્યારે તેને વિચાર આવ્યો કે, 'મારા જીવનનો ઉદ્દેશ શો? હું શું કરવા માગું છું? પિતા ચોપન વર્ષની ઉંમરે અવસાન પામ્યા તો મારી પાસે હવે કેટલો સમય હશે?' આવા પ્રશ્નો મૂંઝવતા હતા અને એના મનોમંથનમાંથી કેરગિવર સાથીનો જન્મ થયો.
ભાવના કહે છે કે તેના પિતા એક સમયે એરફૉર્સમાં પાયલટ હતા. પણ બીમારીને કારણે તે એક ડગલું પણ ભરી શકતા નહોતા, ત્યારે તેનાં માતા અને દાદીએ એમની સેવા કરી. ત્યારે લાગ્યું કે જેનો કોઈ ઉપાય નથી તેવા દુઃખ મન પર કેટલા ભારરૂપ બની શકે છે? ૨૦૧૫ની શરૂઆતમાં તો આવી સંભાળ લેનાર લોકો માટે શું થઈ શકે અને તે અંગે જાગૃતિ ફેલાવવામાં સમજણ આપવામાં તેનો ઘણો સમય ગયો, પરંતુ કોવિડ મહામારી પછી ૨૦૨૦માં તેનું કોર્પોરેટ મોડલ બનાવ્યું. ઘરમાં જ્યારે સમસ્યા ઊભી થાય છે, ત્યારે સ્ત્રીઓએ નોકરી છોડવી પડે છે. આવી વાસ્તવિકતાનો આધાર લઈને કેરગિવર સાથીની ડિઝાઇન બનાવવામાં આવી છે.
એક હેવાલ પ્રમાણે ૨૦૩૫ સુધીમાં ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન અને સિંગાપોર જેવાં છ દેશોમાં જી.ડી.પી. અઢીસો બિલિયન ડૉલર ઘટી શકે છે, કારણ કે નોકરી કરતાં લોકો કેરગિવર બની જનારાની સંખ્યા દસ કરોડમાંથી એકસોને વીસ કરોડ થવાની શક્યતા છે. તેથી કોઈ સંગઠન કે કંપની સ્ત્રીઓને પોતાને ત્યાં નોકરી પર ચાલુ રાખવા માગે તો તેમણે સહાયતા પ્રણાલી પ્રદાન કરવી પડે. તેથી ભાવના ઈસ્સર ટૅક્નૉલૉજી આધારિત પ્લેટફોર્મ બનાવી રહ્યા છે. જેમાં આવી સ્ત્રીઓને એને જરૂર છે એવી સહાય મળી શકે. જેમકે એક માતા જેનો પુત્ર ઓટીઝમથી પીડિત છે તેને કેરગિવર સાથી પરથી ઘણી સહાય મળી શકે. એક સહાયક સપ્તાહમાં કેટલાક દિવસ તેના દીકરા સાથે સમય વીતાવવા આવી શકે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભાવના ઈસ્સરે વર્કશોપ, કોચિંગ, કૌશલ્યની તાલીમ આપવાનું શરૂ કર્યું છે. કૅન્સર કે માનસિક રોગ વગેરેથી પીડિત લોકોની સંભાળ લેનાર વ્યક્તિઓ માટે પરામર્શન અને સલાહકાર સેવા આપે છે.
પંદર વર્ષનો એચ.આર.નો અનુભવ ધરાવનાર ભાવના કહે છે કે ત્રણ દાયકા પહેલાં માતાનો સહયોગ ન મળ્યો હોત તો આજે તેની પ્રતિભા નીખરી ન હોત. લેખિકા રોઝલીન કાર્ટર કહે છે કે જીવનમાં ચાર પ્રકારના લોકો છે, જે સંભાળ લેનાર તરીકે રહી ચૂક્યા છે, જે સંભાળ લે છે, જે સંભાળ લેનારા હશે અને જેમને સંભાળ લેનારની જરૂર પડશે. આપણામાંથી દરેક વ્યક્તિ આવી પરિસ્થિતિમાં એક કરતાં વધારે વખત પસાર થયા હશે. ભાવના માને છે કે સંભાળ લેનાર વ્યક્તિને મદદ કરનારના રૂપમાં જોવાને બદલે એની મદદ કરવાના રૂપમાં જોવી જોઈએ. મહત્ત્વપૂર્ણ એ છે કે તમે જે વ્યક્તિની સંભાળ લઈ રહ્યા છો એમના દિવસોમાં એમનું જીવન જોડવાનું કામ કરી રહ્યા છો. એને જીવન જીવવામાં કેવી મદદ કરી તે મહત્ત્વનું છે. સહાનુભૂતિનો થાક દુઃખના ઉપાયનો રસ્તો નથી. દુઃખ એક શક્તિશાળી સંસાધન છે. એવી રીતે જીવવું કે જે ન માત્ર પોતાના પરંતુ બીજાના જીવનને બદલવામાં મદદ કરે. ભાવના પોતાના અનુભવે કહે છે કે, 'વર્ષો સુધી દુઃખ દબાવીને જીવવાથી તે તેના મનને પ્રભાવિત કરી ગયું, પરંતુ ૨૧ વર્ષની ભાવના પાસે નિરાંતે બેસીને જીવનને પ્રશ્ન કરવાનો સમય નહોતો, પરંતુ આજે પચાસ વર્ષની ભાવના તે જાણે છે, 'વ્હાય મી'ને બદલે મારા જેવા અનેક લોકોનું શું થશે એમ વિચારવાથી મારા જીવનનો બીજો અધ્યાય શરૂ થયો.'
અબ્દુલ્લાહીઃ ખુદાનો ખિદમતગાર
આ માત્ર મારી જીત નથી. જેમની સાથે કામ કરું છું. તે સ્વયંસેવકોની જીત છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોની જીત છે
આ જે વિશ્વમાં આશરે પોણા બાર કરોડ શરણાર્થીઓ છે, જેઓ અન્ય દેશમાં કૅમ્પમાં રહીને જીવન વીતાવતા હોય છે. આવું જ એક શરણાર્થી કુટુંબ દક્ષિણ સોમાલિયાથી કેન્યા જાય છે. ૧૯૯૧માં સોમાલિયામાં થયેલા ગૃહયુદ્ધને કારણે કોરીઓલીમાં રહેતા આ કુટુંબમાં ત્રણ વર્ષનો અબ્દુલ્લાહી મિરે પણ માતા-પિતા સાથે કેન્યા આવ્યો. તેમને એમ હતું કે થોડા મહિનામાં દેશમાં શાંતિ સ્થપાશે એટલે વતનમાં પાછા જઈને રહીશું. એમનું વતન કોરીઓલી ખેતી ક્ષેત્રે ઘણું સમૃદ્ધ હતું. કેન્યાના દાદાબ શરણાર્થી કૅમ્પમાં આશરો તો મળી ગયો, પરંતુ કોરીઓલીની સ્વતંત્ર જિંદગીની યાદ સતાવતી હતી.
દાદાબ કૅમ્પમાં નાનકડી જગ્યામાં ઉપર પ્લાસ્ટિક શીટની છત નાખીને તેઓ રહેતા હતા. આ પ્લાસ્ટિક શીટ પર કેટલાક શબ્દો છપાયેલા હતા જે સૂર્યકિરણોથી જમીન પર પડતા હતા. જે જમીન પર સૂતેલા અબ્દુલ્લાહીના મનમાં કૌતુક જગાડતા હતા કે આ કેવી આકૃતિઓ છે? પિતાએ એને એ અક્ષરોનો અર્થ સમજાવ્યો. તેના મનમાં સતત વિચાર આવતો કે આ અક્ષર કેવી રીતે વંચાય ? પિતાની ઇચ્છા હતી કે પોતાનો પુત્ર શિક્ષિત બને. નસીબજોગે વિશ્વના સૌથી મોટા શરણાર્થી કેમ્પમાંના એક દાદાબમાં સ્કૂલની વ્યવસ્થા હતી. તેમાં પ્રવેશ મેળવ્યો. એની શિક્ષણયાત્રાની શરૂઆત થઈ. હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. સામાન્ય રીતે કૅમ્પમાં આટલો અભ્યાસ કરીને કોઈ ને કોઈ કામ કરવા માંડે છે જેથી પરિવારને સહાયરૂપ બની શકે, પરંતુ અબ્દુલ્લાહીએ સ્કોલરશિપ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને તેમાં ઉત્તીર્ણ થયા. તેમણે કેન્યાટા યુનિવર્સિટીમાંથી 'પીઆર, કમ્યુનિકેશન અને મીડિયા સ્ટડીઝ' વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી, કારણ કે તેઓ શરણાર્થી કૅમ્પમાં આવતા પત્રકારોથી ખૂબ પ્રભાવિત હતા.
૨૦૧૪માં સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી તેમણે અલ-ઝઝીરા, બીબીસી, એએફપી જેવી પ્રતિષ્ઠિત મીડિયા સંસ્થાઓ સાથે કામ કર્યું અને નોવ ર્ેમાં સ્થાયી થવાનો વિચાર કર્યો , ત્યારે ૨૦૧૭માં એક રિપોર્ટ તૈયાર કરવા માટે કન્યામાં હાગડેરા માધ્યમિક સ્કૂલમાં જવાનું થયું. ત્યાં હોદાન બશીર નામની યુવતીએ એક દિવસ અચકાતા અચકાતા સંકોચ સાથે મિરેને કહ્યું, 'ભાઈ, મારા માટે બાયોલોજીનું પુસ્તક ખરીદી આપશો ?' હોદાન ડૉક્ટર બનવા માંગતી હતી હોદાન જેવી પંદર યુવતીઓ બાયોલોજીના એક પુસ્તકથી કામ ચલાવતી હતી. છોકરાઓ તો રાત્રે 'ગ્રુપ સ્ટડી' કરી શકતા, પરંતુ છોકરીઓ માટે તે શક્ય નહોતું. અબ્દુલ્લાહીને પરિસ્થિતિ સમજતા વાર ન લાગી. એને લાગ્યું કે પોતાના નામ અને જીવનને સાર્થક કરવા માટે આનાથી વિશેષ અન્ય કોઈ કાર્ય હોઈ શકે નહીં. અબ્દુલ્લાહીનો અર્થ છે ખુદાનો ખિદમતગાર ! એણે હોદાનને માટે તો પુસ્તક ખરીદ્યું પણ એના જેવા દરેક શરણાર્થી બાળકોને મદદ કરવાનું નક્કી કર્યું. નોર્વેમાં સ્થાયી થવાનો વિચાર માંડવાળ કરીને નૈરોબીમાં રહેવાનું નક્કી કર્યું.
સોશિયલ મીડિયા અને પોતાના સંપર્કોથી વીસ હજાર પુસ્તકો મેળવ્યા. સોમાલિયામાં આઈ.ઓ.એમ. સાથે કામ કરતાં ખ્યાલ આવ્યો કે અશિક્ષિત યુવાનોને ગુમરાહ કરીને કટ્ટરપંથી બનાવવામાં આવે છે. ૨૦૧૮માં શરણાર્થી યુવા શિક્ષણ કેન્દ્ર શરૂ કર્યું. તેઓ બાળકોનું જીવન બદલવા માગતા હતા અને તેનો એકમાત્ર રસ્તો ગુણવત્તાપૂર્ણ શિક્ષણ છે એમ માનતા હતા. તેમણે સાઠ હજાર પુસ્તકો મેળવીને દાદાબમાં ત્રણ સાર્વજનિક પુસ્તકાલયોની સ્થાપના કરી. આજે સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, કતર અને આફ્રિકાની મદદથી તેના કેન્દ્રમાં સાત શિક્ષક અને કર્મચારી છે. એકસોથી વધારે સ્વયંસેવકો શરણાર્થી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. મિરેના આ પ્રયત્નથી ઘણા શરણાર્થી બાળકો અમેરિકાની પ્રિન્સ્ટન જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સુધી પહોંચ્યા છે. ઘણા બાળકો શિક્ષક, લેખક અને પત્રકાર બન્યા છે. કોવિડ મહામારી સમયે સાપ્તાહિક રેડિયો શો કરીને વાઇરસ અંગે મહત્ત્વની માહિતી પૂરી પાડી. ઝીરો બજેટ સાથે કામ કરનાર મિરે સ્વયંસેવકો સાથે અને ફંડ મેળવવા માટે અનેક કાર્યક્રમ કરે છે. તેઓ માને છે કે પુસ્તક તમને સ્વપ્ના જોવાની તક આપે છે. પુસ્તક વાંચો છો ત્યારે તમે વિશ્વનો પ્રવાસ કરો છો. કોઈ સંઘર્ષ કે યુદ્ધને કારણે ટ્રોમામાં રહેલી વ્યક્તિના ઘા પુસ્તકથી રૂઝાય જાય છે. ૩૬ વર્ષના અબ્દુલ્લાહી મિરેને ૨૦૨૩નો યુએનએચસીઆર નાનસેન શરણાર્થી પુરસ્કાર એનાયત થયો છે. તેમનો મુખ્ય ઉદ્દેશ દાદાબના દરેક બાળકના હાથમાં પુસ્તક આપવાનો છે. શિક્ષણ એક એવો પાસપોર્ટ છે જેના દ્વારા પડકારોમાંથી બહાર નીકળી શકાય. જે ઓછા સંસાધનોથી વધુ અસર કરે છે. નાનસેન શરણાર્થી અવાર્ડ સ્વીકારતા તેમણે કહ્યું,' આ માત્ર મારી જીત નથી. જેમની સાથે કામ કરું છું. તે સ્વયંસેવકોની જીત છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોની જીત છે. આ ઍવૉર્ડ મારા જેવા અનેક બાળકોને સમર્પિત કરું છું.' તેમની ઇચ્છા દરેક બાળકને મદદ કરીને તે શિક્ષણ મેળવીને તેમના સ્વપ્ના પૂરા કરે તેવી છે.