Get The App

અમે તો આખી મુંબઈ નગરી સ્મશાન સમાન જોઈએ છીએ!

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
અમે તો આખી મુંબઈ નગરી સ્મશાન સમાન જોઈએ છીએ! 1 - image


- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, ''ક્ષણભરનો પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ છે, એ વાક્ય મહાત્મા શંકરાચાર્યનું છે અને તે યથાર્થ જ લાગે છે.''

વ ળી આ સત્સંગ એ જગતને બતાવવાના બાહ્ય હેતુ, ભૌતિક કે સ્થૂળ કામનાથી કરવામાં આવે, તો તે સહેજે ફળદાયી થતો નથી. એનું કારણ શું ? સૌથી મહત્વની બાબત એ કે જો સત્સંગની પાછળ કપટ અને માયા હોય તો જીવનમાં એકાંત સર્જાતું નથી. આ એકાંત વિશે શ્રીમદ્ રાજચંદ્રે એક નવી જ વિભાવના આપી છે. સામાન્ય રીતે એકાંત એટલે માનવસમુદાયથી દૂર રહીને વ્યક્તિ એકલી હોય તે પરંતુ શ્રીમદ્ તો સમૂહમાં સત્સંગ કરતા માનવીને ભીતરમાં અધ્યાત્મભાવો જગાડતું એકાંત સર્જવાનું કહે છે. મુમુક્ષુઓનો પરસ્પરનો સહવાસ પ્રત્યક્ષ મુમુક્ષુમાં એક વિશિષ્ટ એકાંત સર્જે છે. એ સમૂહમાં હોવા છતાં એની આધ્યાત્મિક ભાવનાઓ ભિન્ન ભિન્ન હોય છે. આ એકાંતનું સર્જન સમૂહમાં કોઈ સંત-સમાગમ થાય ત્યારે સર્જાતું હોય છે.

મુમુક્ષુના આ એકાંતમાં જ અધ્યાત્મનું પુષ્પ ખીલે છે. શ્રીમદ્ રાજચંદ્ર સ્વયં કેવી રીતે જીવન વ્યતીત કરતા હતા તે જોવા જેવું છે. તેઓ નિવૃત્તક્ષેત્રમાં હોય ત્યારે પ્રથમ પહોરે વનમાં ધ્યાન, બીજા પ્રહરે સ્વાધ્યાય, ત્રીજા પ્રહરે આહાર વગેરે અને વળી ચોથા પ્રહરે વનમાં ધ્યાન કરતા હતા. રાત્રિના શેષ પ્રહરમાં સ્વાધ્યાય અને સતત ધૂન ચાલતી. દિવસરાત અપ્રમત્તપણે ગાળતા હતા. આથી તેઓએ 'મોક્ષમાળા'ના ચોવીસમા શિક્ષાપાઠમાં નોંધ્યું છે કે ''તત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એવો કર્યો છે કે, સર્વ સંગપરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી વિરક્ત રહી એકાંતનું સેવન કરો. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે.''

પરમ આત્મજ્ઞાની વ્યક્તિ પ્રત્યેક ભાવને પોતાની અનુપમ દ્રષ્ટિથી જોતી, પામતી અને આલેખતી હોય છે. પર્વતની તળેટી પર ઊભા રહીને જોનારને માત્ર આજુબાજુની સૃષ્ટિ દેખાય છે, જ્યારે શિખર પર ચડીને સૃષ્ટિ નિહાળનારને વિરાટ જગતનું દર્શન થતું હોય છે. આવું વિરાટ જગતનું આધ્યાત્મિક દર્શન શ્રીમદ્ રાજચંદ્રમાં જોવા મળે છે. એમનાં પ્રત્યેક વચન એ ગહન આત્મજ્ઞાન અને ઊંડા આત્માનુંભવમાંથી પ્રગટે છે, તેથી એકાંતમાં સર્જતા સત્સંગનો એક વિશિષ્ટ અર્થ શ્રીમદે આપ્યો છે. કેટલાક કથાશ્રવણને સત્સંગ કહે છે. ક્યાંક સારા વિચાર ધરાવતી વ્યક્તિઓનાં આદાન-પ્રદાનને સત્સંગ કહેવામાં આવે છે. પરંતુ શ્રીમદ્ રાજચંદ્ર આ પ્રચલિત ભાવનાને તદ્દન જુદા સ્વરૂપે દર્શાવીને એક આગવું દર્શન આપે છે.

તેઓ કહે છે  ''આત્માને સત્યનો રંગ ચઢાવે તે સત્સંગ'' જગતની વિભૂતિઓએ સત્યની ઉપાસના કરી છે. સોક્રેટિસ સત્યને કાજે હસતે મુખે ઝેરનો પ્યાલો ગટગટાવી ગયા. મહાત્મા ગાંધીએ સદૈવ સત્યની પ્રતિષ્ઠા કરી. પોતાની આત્મકથાને 'સત્યના પ્રયોગો' એવું નામ આપીને જીવનનું પરમ લક્ષ્ય સત્યપ્રાપ્તિ છે એવંો સૂચન કર્યું. 'પ્રશ્નવ્યાકરણ' નામના આગમગ્રંથમાં કહ્યું છે કે, ''સચ્ચં લોગમ્મિ, સારભૂયં, ગંભીરતરં મહીસમુદ્દાઓ'' અર્થાત્ ''આ લોકમાં સત્ય જ સાર તત્વ છે તે મહાસમુદ્રથી પણ ગંભીર છે.'' જ્યારે શ્રીમદ્ રાજચંદ્રજીએ એક સ્થળે એમ કહ્યું, ''પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ.''

જીવનમાં પરમલક્ષ્ય છે સત્યપ્રાપ્તિનું. સામાન્ય રીતે વ્યક્તિ તથ્યને જોતી હોય છે. પોતાની આસપાસની હકીકતને જોતી હોય છ, પરંતુ એને પાર રહેલું પરમ સત્ય દેખાતું નથી. સામાન્ય વ્યક્તિને સ્મશાનભૂમિ કેવી લાગે છે ? એને એમાં કશું નવું ન લાગે. વધુમાં વધુ ક્ષણિક એવા સ્મશાન-વૈરાગ્યનો અનુભવ થાય છે. જ્યારે શ્રીમદે સ્મશાનભૂમિ જોયા પછી જે ભાવ પ્રગટ કર્યા તે અનન્ય છે. આમાં લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક દ્રષ્ટિનો ભેદ પ્રગટ થાય છે. અહીં તથ્ય અને સત્ય વચ્ચેનો તફાવત જોવા મળે છે.

એક વાર શ્રીમદ્ મુંબઈના નિવાસસ્થાન દરમિયાન ફરવા નીકળ્યા હતા. ફરતાં ફરતાં સ્મશાનભૂમિ આવતાં પોતાની સાથે ફરવા આવેલા સજ્જનને શ્રીમદે પૂછયું, ''ભાઈ! આ શું છે ?''

પેલા સજ્જને સ્વાભાવિક રીતે જવાબ આપ્યો, ''આ તો સ્મશાનભૂમિ છે.''

આ સાંભળી શ્રીમદે માર્મિક વચનો કહ્યાં, ''અમે તો આખી મુંબઈ નગરી સ્મશાન જોઈએ છીએ.''

આમ વીતરાગી શ્રીમદ્ને જગતનું અણુ માત્ર પણ ગમવાપણું નહોતું. સામાન્ય માનવીને મુંબઈ નગરી મોહમય લાગતી હતી, જ્યારે શ્રીમદ્ને એ નગરી અમોહ સ્વરૂપે ભાસતી હતી. આ રીતે સત્સંગમાં આત્મસિદ્ધિને તેઓ મહત્વની માને છે. જેના વડે આત્મસિદ્ધિ થઈ શકે નહિ, તે સત્સંગ નથી. સત્સંગમાં કેન્દ્રસ્થાને આત્મસિદ્ધિની વાત મૂકીને પ્રચલિત શબ્દના અતિપ્રચલિત અર્થને તેઓ નવી આભા આપે છે. આનું ઉદાહરણ આપતાં શ્રીમદ્ કહે છે કે મલિન વસ્ત્રને જેમ સાબુ અને જળ દૂર કરે છે, તે જ રીતે આત્મામાં રહેલી મલિનતાને શાસ્ત્રબોધ અને સત્યપુરુષોનો સમાગમ દૂર કરે છે અને તે રીતે આત્મશુદ્ધિ થાય છે.

'જેવો સંગ તેવો રંગ' એ પ્રચલિત કહેવતનો મર્મ ઘણો ઊંડો છે. કેટલાક સંગ મનને આકર્ષનારા હોય છે, દુર્બુદ્ધિને ઉત્તેજનારા હોય છે, ખોટું કરીને ફાવી જઈશું એવું વિચારનારા હોય છે. આવા કુસંગનું પરિણામ અંતે તો વ્યક્તિને ભોગવવું જ પડે છે. આ રીતે બાહ્ય પ્રલોભનો તરફ જેટલું આકર્ષણ હોય, બાહ્ય જગત પ્રત્યે જેટલી આસક્તિ હોય અને બાહ્ય વસ્તુઓ માટે જેટલું મમત્વ હોય, તો તે કુસંગરૂપ હોવાથી સત્સંગમાં વિરાધક બને છે. આથી જ 'પ્રશ્નવ્યાકરણ' નામના આગમશાસ્ત્રમાં કહ્યું છે, ''ઈહલોએ તાવ નઠ્ઠા, પરલોએ વિ ય નઠ્ઠા'' અર્થાત્ ''વિષયાસક્ત જીવ આ લોકમાં વિનાશ પ્રાપ્ત કરે છે  અને પરલોકમાં પણ.''

આત્માને સત્સંગ સાંપડે તો જ સારું શું અને ખોટું શું ? એનો એને ખ્યાલ આવે છે. સત્સંગના અભાવે એ સત્યને જાણી શકતો નથી. સત્સંગ પ્રાપ્ત થાય ત્યારે જ એને ખ્યાલ આવે છે કે બાહ્ય વસ્તુઓનું એનું આકર્ષણ કુસંગરૂપ છે. ધીરે ધીરે એ પણ સમજ જાગે છે કે જેમ જેમ આત્માનુભવ વધતો જશે, તેમ તેમ બાહ્યવસ્તુમાંથી વ્યક્તિની આસક્તિ દૂર થતી જશે અને એને સમજાશે કે એક અવિનાશી આત્મા સિવાય બીજુ બધું નશ્વર છે. આ રીતે ''સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે'' એવો શ્રીમદ્નો બોધ છે.

સત્સંગના બે પ્રકાર છે. એક સત્સંગ તે ઉત્તમ શાસ્ત્રોમાં નિરંતર એકાગ્ર રહેવું અર્થાત્ શાસ્ત્રમાંથી બોધ પામવાનો પ્રયાસ કરવો તે. એનો બીજો પ્રકાર એ સત્પુરુષોનો સમાગમ છે. ઉમદા શાસ્ત્રબોધ પામીએ તે પણ સત્સંગનું કારણ છે. સત્ શાસ્ત્રોનાં વાચન દ્વારા સત્સંગ પ્રાપ્ત થાય છે. ઘણી વાર વ્યક્તિ ધર્મ તરફ વળે છે, પણ શાસ્ત્ર તરફ વળી નથી. એ હિંદુ કહેવાતો હોય, પણ ઉપનિષદ્નો અભ્યાસી ન હોય કે ગીતાનંફ અધ્યયન કર્યું ન હોય તેવું પણ બને. જૈન ધર્મનાં ક્રિયાકાંડો કરતો હોય, પરંતુ એનું ધર્મવિશ્વ માત્ર ક્રિયાકાંડ સુધી જ સીમિત રહી જાય છે અને આગમશાસ્ત્રોમાં કે તત્વજ્ઞાનના ગ્રંથોથી એ વિમુખ હોય. શ્રીમદ્ રાજચંદ્રે એમના સ્વજીવનમાં શાસ્ત્રજ્ઞાન પર ઘણો ભાર મૂક્યો હતો. તેઓ કહેતા કે તમે સમજ્યા વગરની ક્રિયાઓ કરો છો એ તો જડ ક્રિયાઓ કહેવાય. એમણે ધર્મના તત્વને સમજવાની વાત પર સતત ભાર મૂક્યો અને પોતાનાં પત્રો તેમજ કાવ્યો દ્વારા ધર્મના તત્વની વાત રજૂ કરી.  'શ્રીમદ્ ભગવદ્ગીતા' હોય કે  'આગમસૂત્રો' હોય, પણ જમાને જમાને સંન્યાસીઓ અને વિદ્વાનોએ એનાં મર્મો પ્રગટ કર્યાં છે.  જીવનમાં સતશાસ્ત્રનું વાંચન એ સત્સંગ બને છે.

સત્સંગની પ્રાપ્તિ દુર્લભ છે. કેવો સત્સંગ મહાદુર્લભ ગણાય તે વિશે શ્રીમદ્ રાજચંદ્રે માર્મિક આલેખન કર્યું છે. તેઓ કહે છે. ''જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન, ધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષોના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહાદુર્લભ છે.''

સત્સંગ એટલે સજ્જનોનો સંગ. પરંતુ અહીં તો શ્રીમદે પરમ સત્સંગની વાત કરી છે જેનું પ્રત્યક્ષ ફળ મોક્ષ છે. આ પરમ સત્સંગનો મર્મ દર્શાવતા શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક ૪૪૯માં કહે છે ઃ''સર્વ પરમાર્થનાં સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, સત્પુરુષનાં ચરણ સમીપનો નિવાસ છે.''

ભારતીય સંસ્કૃતિમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થની વાત કરવામાં આવી છે. સત્સંગ એ કામનો નાશ કરીને મોક્ષ માટેનું પરમ સાધન બને છે. આથી જ શ્રીમદે કહ્યું, ''જેમ પૃથ્વી પર તરાય નહીં તેમ સત્સંગથી બુડાય નહીં.'' વ્યક્તિ જમીન પર તરી શકતો નથી, તરવા માટે તો એને પાણી જોઈએ. એ જ રીતે સત્સંગ એ એવી બાબત છે કે જે વ્યક્તિના જીવનને ક્યારેય ડુબાડશે નહિ અર્થાત્ સત્સંગ એ માનવ-જીવનનો તારક છે, એને કષાયોથી ઉગારનારો અને ઉર્ધ્વ ભૂમિકાએ લઈ જનારો છે. આ જ સત્સંગની ચમકૃતિ છે. અંતે શ્રીમદ્ રાજચંદ્રજી સત્સંગને ''આત્માનું પરમ હિત સધાય છે. આ હિત કઈ રીતે સધાય ? સત્ સમાગમથી, નિરંતર સત્સંગથી સાચી મુમુક્ષુતા પ્રાપ્ત કરતાં આત્માને મહાપુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે. આવો સત્સંગ પામવો એ જીવનમાં અતિ દુર્લભ છે. જો એ અતિ દુર્લભ જીવનમાં મળી જાય તો જીવન તરી જાય છે. શ્રીમદ્ રાજચંદ્ર એક સ્થળે કહે છે, ''ક્ષણભરનો પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ છે, એ વાક્ય મહાત્મા શંકરાચાર્યનું છે અને તે યથાર્થ જ લાગે છે.''


Google NewsGoogle News