જવાબદારીનો સ્વીકાર એટલે સ્વાતંત્ર્ય
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
- આપણું સ્વાતંત્ર્ય એટલે આપણાં સંદેહો અને નકારો, પૂર્વગ્રહો અને પ્રતિબદ્ધતાઓ, અહંકાર અને અંધકારને સ્વીકારીને સુધારવાની આપણી તૈયારી.
સ્વાતંત્ર્ય નિરપેક્ષ રીતે અનિવાર્ય છે- આરંભમાં, મધ્યમાં અને અંતમાં - જે. ક્રિષ્ણમૂત...
સ્વતંત્રતા એટલે પસંદગીઓ અને નિર્ણયોનું સ્વાતંત્ર્ય, પણ તેનો અર્થ એવો નહીં કે તેમાંથી આવતી જવાબદારીઓ અને પરિણામોમાંથી પણ મુક્તિ. ના! અદભુત ચેતના અને પ્રતિભા ધરાવતા ઓશોનો એક અસામાન્ય પ્રસંગ છે. એક વખત કોઈ શિષ્યે આવીને તેમને પ્રશ્ન પૂછયો, 'આપણે કેટલા સ્વતંત્ર છીએ?' તો ઓશો મૌન જ રહ્યા. થોડા દિવસો પછી તે શિષ્ય તેમને ફરી મળ્યો ત્યારે ઓશો તેને કહે 'તારો એક પગ ઉંચો કર.' અને તેણે જમણો પગ ઉંચો કર્યો. ત્યારે ઓશો તેને કહે, 'હવે તારો ડાબો પગ ઉંચો થઈ શકે?' તો પેલો કહે, ના.
અર્થાત્, આપણી પાસે પ્રથમ વિકલ્પ છે પણ પછી તેના પરિણામો અને જવાબદારીઓ સામે આપણે વિવશ અને બાધિત છીએ. કોઈ વ્યક્તિ એક બેઠકે વીસ બોટલ બીયર પી શકે પણ ત્યારબાદ ઉલટી થવા લાગે તો તે લાચાર છે, સ્વતંત્ર નથી. ચોક પાસે અટકીને વ્યક્તિ ચારમાંથી એક માર્ગ પસંદ કરી શકે પણ પછી અન્ય ત્રણ માર્ગનો વિકલ્પ નથી રહેતો. નોબેલ પ્રાઈઝ વિનર અને અસ્તિત્વવાદી વિચારક, સાર્ત્ર કહે છે, 'ટુ ચૂઝ નોટ ટુ ચુઝ' એ પણ એક રીત છે. અર્થાત્, અવિકલ્પ રહેવાનો એક વિકલ્પ કે ન પસંદ કરવાની પસંદગી. તો તે સમયનો બીજો નોબલ પ્રાઈઝ આલ્બેર કામુ માટે સ્વાતંત્ર્ય એટલે બહેતર બનવાની તક. સ્વાધીન વ્યક્તિ એટલે વિશ્વ સામે નિરંતર વિદ્રોહ કરતી વ્યક્તિ તેમ નહીં. જુઓ... કોઈ દિવ્યાંગ ચાલી નથી શકતો પણ ચાલી શકવાની તેની શક્યતાઓ અસીમ અને અખંડ છે. તેની દિવ્યાંગતાનો સ્વીકાર પણ તેનું સ્વાતંત્ર્ય જ છે, તે યાદ રાખવું. આપણી અનંત સંભાવનાઓ તરફ ખુલ્લા રહેવું એ પણ સ્વાધીનતા છે. આપણે :
પ્રતિક્ષા કે પ્રાર્થના કરવા,
વિશ્વાસ કે મૈત્રી કરવા,
શ્રધ્ધા કે સંદેહ કરવા પણ સ્વતંત્ર છીએ.
આપણી અહિંસા આપણી ચોઈસ છે, લાચારી નથી. આપણું ખરું સ્વાતંત્ર્ય અન્યના સ્વાતંત્રને સમજવા અને સ્વીકારવામાં પણ છે. સ્વાતંત્ર્ય એટલે જવાબદારીનો સ્વીકાર. ફળની આસકિત વિના જ કૃત્ય કરવાની તૈયારી. સ્વતંત્રતા એ મનની અવસ્થા છે, મનની ગુણવત્તા પણ છે. કોઈએ આપેલું સ્વાતંત્ર્ય ખરું સ્વાતંત્ર નથી. કમનસીબે, આપણને સલામતી અને ખાતરી, આધાર અને આશ્વાસન જોઈએ છે. તેથી આપણે જીવન-જગતના કાઉન્ટર પર આપણું સ્વાતંત્ર જમા કરાવીને આ બધું ખરીદીએ છીએ. આપણું સ્વાતંત્ર્ય એટલે આપણાં સંદેહો અને નકારો, પૂર્વગ્રહો અને પ્રતિબધ્ધતાઓ, અહંકાર અને અંધકારને સ્વીકારીને સુધારવાની આપણી તૈયારી. આ સ્વાતંત્ર્ય ત્યાં દૂર, આવતીકાલમાં નથી પણ અહીં, અત્યારે મુક્ત થવામાં છે. આખરે, સ્વાતંત્ર્ય કોઈ ખ્યાલ નથી પણ જીવંત અનુભવ છે. મોશે દાયન તો કહે છે, 'સ્વાતંત્ર્ય એટલે આત્માનો પ્રાણવાયુ.'
વિચારક વિકટર ફ્રેન્કલે એક વખત પૂછેલું, 'અમેરિકાના પૂર્વ કાંઠે 'સ્ટેચ્યુ ઓફ લીબર્ટી' છે તો પશ્ચિમ કાંઠે 'સ્ટેચ્યુ ઓફ રિસ્પોન્સિબીલીટી' કેમ નથી?' ચાલો આપણા આ સ્વાતંત્ર્ય દિવસે આ પ્રશ્ન આપણે સ્વયંને પણ પૂછીએ..