Get The App

ભયની ફેક્ટરી ભારત! .

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
ભયની ફેક્ટરી ભારત!                                            . 1 - image


- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- મહાત્મા ગાંધીજીએ રામનામ દ્વારા ભયનો સામનો કર્યો. મહાવીર સતત ધ્યાનમાં રહ્યા અભય રહ્યા...

અ જ્ઞાન, અંધશ્રદ્ધા, આત્મવિશ્વાસનો અભાવ, આંતરિક શક્તિની શૂન્યતા અને બાહ્ય સાહસવૃત્તિનો અભાવ - આ બધી બાબતોએ દેશના માનવીમાં ઠાંસી ઠાંસીને ભય ભરી દીધો છે. એને ધર્મ કરાવવો હોય તો પણ ભયની જરૂર અને એને આતંકવાદનો ખતરો બતાવવો હોય તો પણ ભયની જરૂર. આ ભયનું કેવું સામ્રાજ્ય છે એનો આપણે ક્યારેય વિચાર કર્યો છે ખરો?

વ્યક્તિનાં વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર એ સઘળા પર ભય વિપરિત અને ભયાવહ અસર કરતો હોય છે. ભય એની વાણીને થંભાવી દે છે, એના વર્તનને તદ્દન વિપરીત બનાવે છે, એના વિચારમાં સચ્ચાઈને બદલે છુપાવવાની વૃત્તિ જગાડે છે અને એના વ્યવહારમાં કાયરતા લાવે છે. આવા ભયથી ઘેરાયેલો માનવી કેવું ડરી ડરીને જીવતો હોય છે. આપણે ત્યાં અજ્ઞાને અનેક ભય ઊભા કર્યા. જેને જાણતા નથી એને વિશે કેટલીયે ભયાનક કલ્પનાઓ કરી અને સતત ડરતા રહ્યા. આકાશમાંથી તારો ખરે અને માનીએ કે કોઈ દેવનાં પુણ્ય પૂરા થયા અને હવે તારા રૂપે પૃથ્વી પર પડેલો દેવ માણસરૂપે જન્મે અને એ કદાચ સાચો જન્મ લે, પણ જો આપણા નસીબ અવળા હોય તો અનિષ્ટકારી મલિનદેવ પણ બને.

નરકની યાતનાનાં વર્ણનો બતાવી બતાવીને લોકોને ધર્મને માર્ગે વાળવા પ્રયાસ કર્યો છે. એ રીતે જીવનને આપણે કચ્ચરિયું કરી નાખ્યું છે અને એના હસતા-રમતા આનંદને દેશવટો આપ્યો છે. જો આપણા જીવન પર ભયનો પ્રભાવ રહે તો જ આપણે ડાહ્યા રહીએ કે ધાર્મિક બનીએ એવો ભાવ સેવ્યો છે.

ભૂત, પ્રેત, ડાકણ એનો તો સતત વસ્તીવધારો થતો જાય છે. પીપળાનાં ઝાડ કે ખીજડાનું વૃક્ષ હોય ત્યાં એ ભૂતને સ્થાયી નિવાસ આપવામાં આવે છે અને આંબલી, કેરડો કે બાવળનાં વૃક્ષમાં વસવાટ આપવામાં આવે છે. અકાળ મૃત્યુ પામનાર સીધેસીધો ભૂત કે પ્રેત બની જાય છે. એના ડરથી લોકો રાત્રે સ્મશાને જતા નથી. કાળીચૌદસે ગભરાટમાં જીવે છે. આપણા સમયમાં જ સ્વામી વિવેકાનંદ અને યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજીએ શાપિત કહેવાતા વૃક્ષ પર કે સ્મશાનમાં જઈને પ્રજાનું ભયનિવારણ કર્યું છે. પરંતુ એનું કોણ સ્મરણ કરે છે! અહીં તો આત્મવિશ્વાસના અભાવે આવા ડર વધતા જાય છે. 

ટ્રેન શરૂ થઈ અને એનું એન્જિન પહેલી વાર સૂરતની તાપી નદીના પુલ પરથી પસાર થવાનું હતું, ત્યારે લોકોએ માન્યું કે, 'આ કાળો રાક્ષસ તો નદીમાં ડૂબી જશે, પણ એ કાળો રાક્ષસ પુલ પાર કરી ગયો. એટલે લોકોએ માન્યું કે આ કોઈ મોટો દેવ છે અને એટલે એન્જિનને ફુલહાર કરવામાં આવ્યા હતા અને એના પરની કાળી મેશથી તિલક કરવામાં આવ્યું હતું.' આ ઘટના આપણે સહુ જાણીએ છીએ.

સાહસ વિનાનો ડરપોક વ્યક્તિ દરેક કાર્યમાં ભય અનુભવે છે. જૈન ધર્મમાં આવા સાત ભયનું આલેખન મળે છે. જેમાં બીજા માણસથી ભય, પશુથી ભય, અકસ્માતથી ભય, આજીવિકા ગુમાવવાનો ભય, મરણ ભય, અપયશ ભય એમ સાત પ્રકારના ભયથી માણસ ઘેરાયેલો છે.

આ સમયે યાદ આવે છે કે ભગવાન મહાવીરની ૨૫૦૦મી જન્મકલ્યાણક વર્ષમાં ભગવાન મહાવીર વિશેનાં આચાર્ય મહાપ્રજ્ઞાજીના લેખોનું સંકલન કરવામાં આવ્યું. એ સંકલનને કયું શીર્ષક આપવું તેનો વિચાર ચાલતો હતો, ત્યારે આચાર્યશ્રી મહાપ્રજ્ઞાજીએ એને શીર્ષક આપ્યું 'અભયની સાધના.'

જ્યારે હકીકતમાં આજની મોટાભાગની વ્યક્તિઓ ભયની સાધના કરે છે. આ ભય એ આપણા જીવનને બદબાદ કરતો સૌથી મોટો ખલનાયક છે. વર્તમાન યુગમાં વ્યક્તિ હોય કે વિશ્વ - બધા જ ભયના દબાણ કે પ્રભાવ નીચે જીવે છે. આજના આધુનિક યુગમાં પણ વ્યક્તિનાં વિચાર, નિર્ણય અને કાર્ય ઘણી વાર ભયપ્રેરિત હોય છે. એમાં પણ પોતાના જીવનની પ્રગતિ માટેના એના પ્રયત્નોમાં એના ભીતરમાં રહેલો ભય અવરોધરૂપ બનતો હોય છે. નિષ્ફળતાના ભયથી આજની યુવાપેઢી કેટલી બધી ઘેરાઈ ગઈ છે !

ભય એ વ્યક્તિના વર્તન, વાણી, વિચાર અને સમગ્ર જીવનને પલટી નાખે છે. ક્યારેક તો પહેલી વાર જેને જોતાં ભીતિ ઊભી થઈ હોય, તે આપણા ભીતરમાં ભય રૂપે સ્થાયી આસન જમાવી દે છે. બાળક અને ચિમ્પાન્ઝી માટે એમ કહેવાય છે કે એ અજાણ્યાથી ભયભીત થતા હોય છે. એમાં પણ ચિમ્પાન્ઝી સાપ કે માનવની ખોપરી પહેલી વાર જુએ, ત્યારે ભયભીત થઈ જતા હોય છે. આ ભય પછી તે કોઈ વસ્તુનો હોય, વાહનનો હોય, કાલ્પનિક હોય કે પછી કોઈ માનવીથી હોય. એ ભય વ્યક્તિને પજવે છે. ભય લાગતાં જ શરીર અને મનનાં ભાવોમાં પરિવર્તન આવે છે. કાં તો આંખો પહોળી થઈ જાય છે અથવા તો બંધ થઈ જાય છે, ક્યારેક જડબાં ખૂલી જાય છે અથવા તો એકબીજા સાથે જોરથી ભીંસાઈ જાય છે, હ્ય્દયનાં ધબકારા અને બ્લડપ્રેશર વધી જાય છે, શ્વાસ ઝડપથી ચાલવા લાગે છે, મસલ્સ ટેન્શન અનુભવે છે, શરીરે પરસેવો થાય છે અને પેટમાં 'બટરફલાય'નો અનુભવ થાય છે. વ્યક્તિની મેટાબોલિક એક્ટિવિટી (ચયાપચયની ક્રિયા)માં ખલેલ પહોંચે છે અને બને છે એવું કે આ ભય જ્યારે નિરંકુશ બને છે, ત્યારે એ 'ફોબિયા'માં રૂપાંતરિત થાય છે. વ્યક્તિ માનસિક સ્વસ્થતા ગુમાવે છે અને ક્યારેક મૃત્યુ પણ પામે છે.

ભય એ વ્યક્તિના વિચારો, કાર્યો અને નિર્ણયો પર પોતાનું નિશાન સાધીને એમાં પરિવર્તન આણે છે. ભયને કારણે વ્યક્તિના વિચારો બંધિયાર બની જાય છે અથવા તો અમુક દિશામાં એ વિચારી શકતા નથી. એ જ રીતે ભયને કારણે એનો જીવન વ્યવહાર પલટાઈ જતો હોય છે. જેનાથી ભયભીત હોય ત્યાંથી એ ભાગવાની કોશિશ કરે છે. એના નિર્ણયો પર પણ ભયગ્રસિત નિર્બળ મન અસર કરે છે, આથી વ્યક્તિ જ્યાં સુધી ભયની અસર કે એનો પ્રભાવ અનુભવે છે, ત્યાં સુધી એ મુક્ત રીતે વર્તન કરી શકતો નથી.

બાળક હોય કે વૃદ્ધ હોય, દરેક જુદા જુદા પ્રકારનો ભય અનુભવતા હોય છે. આને માટે 'કાં તો ડરો, કાં તો મરો' અર્થાત્ 'ક્યાં તો ભયથી ડરો, નહીં તો મરણિયા થઈને ભયનો સામનો કરો.' એ વાસ્તવિક બાબત છે. આ ભયને આકાર હોતો નથી, પણ આપણે એને આકાર આપીને દુશ્મનને શોધવો જોઈએ.

ભયના નિવારણ માટે સૌથી પહેલી વાત એ છે કે એનો સામનો કરવાની તૈયારી દાખવવી. એને માટે વ્યક્તિએ પોતાના ભયને આકાર આપવાની જરૂર છે. જેવો તમે ભયને આકાર આપશો કે એ તમને સતત ગભરાવતો મોટો ભય નાનો થઈ જશે. એ પછી તમારે ભયને ઓળખીને એને જીતવાનો પડકાર ફેંકવો પડશે.

આ કામ સરળ નથી, પરંતુ વ્યક્તિ પ્રયત્ન કરે તો સિદ્ધ થઈ શકે તેવું છે. જેના ચિત્તમાં ભય સ્થાયી નિવાસ કરતો હશે એના ચિત્તમાંથી આનંદ વિદાય લઈ લેશે. એ બાળક હશે અને જો એનામાં ભૂત કે પોલિસનો ભય હશે તો એ જીવનમાં ડરપોક બની જશે. એ યુવાન હશે અને નિષ્ફળતાથી ગભરાતો હશે કે ઈન્ટરવ્યુમાં હતાશ થઈ જતો હશે. તો સમય જતાં એ ભય એના જીવનને બરબાદ કરી નાખશે. યુવાનો કાર્યશીલ હોવાથી એમને ભય ઓછો પરેશાન કરે છે, પરંતુ વૃદ્ધોને આવો ભય વિશેષ હેરાન કરતો હોય છે. એમને માથે બીમારીનો ભય ઝળુંબતો હોય, આર્થિક ચિંતાઓ કોરી ખાતી હોય અને સૌથી વધુ તો એમને મરણનો ભય હોય છે અને આવે સમયે વ્યક્તિએ આ સઘળાં ભયનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.

મહાત્મા ગાંધીજીએ રામનામ દ્વારા ભયનો સામનો કર્યો. મહાવીર સતત ધ્યાનમાં રહ્યા અભય રહ્યા, જેથી ભય સ્પર્શી શક્યો નહીં. ગૌતમ બુદ્ધ પારાવાર મુશ્કેલીઓની વચ્ચે પણ અડગ રહ્યા અને શ્રીકૃષ્ણની સાહસિકતાએ ભયને વેગળો રાખ્યો. માનવીની ઈશ્વરશ્રદ્ધા પણ ભયનિવારણમાં ઉપયોગી બની શકે છે.

ખેર ! બીજાની વાત તો જુદી પણ આપણે પોતે આપણા ભીતરમાં રહેલા ભયને શોધવો જોઈએ. એ ભય કઈ રીતે ઉત્પન્ન થયો તે જાણવું જોઈએ. એને કોઈ ચિત્ર દ્વારા કે તમારા ચિત્તમાં આકાર આપવો જોઈએ અને પછી સામે ચાલીને એને મળવા જવું જોઈએ. આપણા દેશે જુદા જુદા પ્રકારનાં અનેક ભય દ્વારા વ્યક્તિની હિંમત અને સાહસની વૃત્તિ પર પ્રહાર કર્યો છે અને તેને પરિણામે આપણા જીવન પર ભયનું પ્રભુત્વ જામી ગયું છે. જે આ ભયને પાર કરે એ નિર્ભય દશાને પામે છે અને જીવનની પારાવાર પ્રસન્નતાનો અનુભવ કરી શકે છે.

મનઝરૂખો

કંપનીમાં કામ કરતી અઠયાવીસ વર્ષની ટાઈપિસ્ટ સેરિના રુસો એક વાર ઓફિસમાં પાંચ મિનિટ મોડી પહોંચી. બન્યું એવું કે કંપનીના બોસની એના પર નજર પડી અને એણે સેરિનાને ધમકાવતાં કહ્યું, 'હું તને અત્યારે જ નોકરીમાંથી છુટી કરું છું. ચાલી જા.' સેરિનાને ઊંડો આઘાત લાગ્યો, આ અગાઉ એક સપ્તાહ પહેલાં જ એની નોકરી ગઈ હતી અને માંડ માંડ આ કંપનીમાં ટાઈપિસ્ટ તરીકે નોકરી મળી હતી. સપ્તાહ પૂરું થાય ત્યાં તો અહીંથી પણ રવાનગી મળી અને તે પણ સાવ મામૂલી કારણથી.

એ દિવસે આ ટાઈપિસ્ટ યુવતીએ મનોમન નિર્ધાર કર્યો કે હવે બીજે ક્યાંય નોકરી શોધવી નથી અને આવું થવા દેવું નથી. એણે ૧૯૭૯માં ૨૮મા વર્ષે પોતાની ટાઈપિંગ સ્કૂલ શરૂ કરી. અને પછી ધીરે ધીરે એનો વિકાસ કરવા લાગી. એમાંથી જોબ એક્સેસ સ્કૂલ કરી, કોર્પોરેટ ટ્રેનિંગ, ઈન્વેસ્ટમેન્ટ, રિક્રૂટમેન્ટ જેવાં જુદાં જુદાં ક્ષેત્રોમાં નવી નવી કંપનીઓ ખોલી. સૌથી વધુ તો એણે બેરોજગારોને નોકરી આપવા માટેના અનેક આયોજનો કર્યાં.

આજે ઓસ્ટ્રેલિયન, બ્રિટન, ચીન, વિયેટનામ જેવા કેટલાય દેશોમાં બેરોજગાર લોકોને માટે સેરિના આશીર્વાદરૂપ બની છે અને દર વર્ષે કેટલાય બેરોજગારને નોકરી અપાવે છે. આજે તો એનું આર્થિક સામ્રાજ્ય એકસો મિલનય ડૉલરનું છે અને આ માટે એ પેલા એ બોસનો અત્યંત આભાર માને છે કે જેણે એને જોબ આપી નહોતી અથવા તો જેણે એને મામૂલી કારણસર એને નોકરીમાંથી રૂખસદ આપી હતી !

ક્ષણનો સાક્ષાત્કાર

સવાલ એ છે કે આજનો યુવાન ધર્મવિરોધી છે કે પછી આજનો ધર્મ યુવાનવિરોધી છે ? હકીકતમાં આજનો યુવાન એ શિક્ષિત છે. પોતાની તર્કથી ચાલનારો અને બુદ્ધિથી સમજનારો છે. એ વિજ્ઞાનને જાણનારો જ નહીં, બલ્કે એનો જીવનમાં એનો ઉપયોગ કરનારો વૈશ્વિક દ્રષ્ટિ ધરાવનારો આ યુવાન છે. વળી વિજ્ઞાનને કારણે એની દ્રષ્ટિ વિશ્વવ્યાપક બની છે અને સોશિયલ મીડિયાને લીધે આખી દુનિયાની ઘટનાઓ સાથે એ સતત તાલ મિલાવતો રહે છે. આ સંદર્ભમાં જોઈએ તો આજના યુવાનને પરંપરાગત ચાલી આવતી બાહ્ય ક્રિયાઓ નિરસ જણાય છે. ધર્મમાં પ્રવર્તતા વહેમ કે અંધશ્રદ્ધા એના ગળે ઉતરતા નથી. ઘણી કથાઓ એને સમજાતી નથી. પરલોક, સ્વર્ગ કે નરકની કલ્પનાઓ એના મનમાં બંધબેસતી નથી. વળી ધર્મસ્થાનોમાં ચાલતા લડાઈ-ઝગડાથી કંટાળીને એ ધર્મસ્થાનોથી દૂર ચાલ્યો જાય છે. એના સંચાલકો કે ટ્રસ્ટીઓનું આધિપત્ય એને અકળાવનારું લાગે છે. સૌથી વિશેષ તો રાત-દિવસ પોતાના ધર્મપાલનનો સ્વયં મહિમા કરનારનું આચરણ જોઈને એમને આંચકો લાગે છે.  ક્યાંક એ જડતા જુએ છે અને ક્યાંક ધર્મક્ષેત્રે ઝનૂન જુએ છે. આ બધી બાબતો આજના યુવાનને અકળાવે છે.

ધર્મ એ પ્રચારનો નહીં, બલ્કે આચારનો વિષય છે, ત્યારે આજના યુવાનને ઘણી વાર ધર્મનાં પ્રચારકોનાં આચાર સામે પ્રશ્નાર્થ થાય છે. હકીકતે ધર્મનાં શાશ્વત મૂલ્યોને વર્તમાન સંદર્ભમાં મુકવામાં આવે તો આજનો યુવાન ધર્મ પ્રત્યે જરૂર આકર્ષાય અને એના દ્વારા એના જીવનમાં એ આધ્યાત્મિક ક્રાંતિ કે શાંતિ પ્રાપ્ત કરી શકે, પણ આને માટે જરૂરી પરિવર્તન કરવાની કેટલાની તૈયારી છે ?


Google NewsGoogle News