Get The App

સાયન્સ ફિક્શન કોને કહેવાય?

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
સાયન્સ ફિક્શન કોને કહેવાય? 1 - image


- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

વિ શ્વપ્રસિદ્ધ વિજ્ઞાન જર્નલ 'સાયન્સ'ની વેબસાઈટ ઉપર, ૨૦ જૂનના રોજ એક આર્ટિકલ અપલોડ થયો છે. જેનું શીર્ષક છે : How science fiction helped me become a better science communicator?  કેવી રીતે સાયન્સ ફિક્શને મને વધુ સારા વિજ્ઞાન કોમ્યુનિકેટર બનવામાં મદદ કરી? આર્ટીકલના લેખકનું નામ છે : કાર્લો જી. ક્વિન્ટાનિલા. તેઓ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ચાઇલ્ડ હેલ્થ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટમાં આરોગ્ય વિજ્ઞાનનીતિ વિશ્લેષક અને વિજ્ઞાની છે. આર્ટીકલ વાંચ્યા પછી એક સવાલ એ થયો કે 'સાયન્સ ફિક્શન, વિજ્ઞાનની રજૂઆત કરવા માટે કે સારા વિજ્ઞાન લેખન કરવા માટે, કાર્લો જી. ક્વિન્ટાનિલાને કેવી રીતે ઉપયોગી બન્યું હશે? એના જવાબ તો લેખમાં આપેલા જ છે. 

મૂળ સવાલ, ગુજરાતી વિજ્ઞાન સાહિત્ય લેખન વિશે વિચારતા થાય છે? વિશ્વ આખું જ્યારે સાયન્સ ફિક્શન અને સસ્પેન્સ સ્ટોરી અને થ્રિલર  પાછળ પાગલ છે, ત્યારે ગુજરાતી સાહિત્યના પ્રતિષ્ઠિત સાહિત્યકારો અને સાહિત્ય જગત, વિજ્ઞાન કથા સાહિત્યને સાહિત્ય ગણવા જ તૈયાર નથી. તેમની સાહિત્યને લગતી વ્યાખ્યાઓ, વિશ્વની વ્યાખ્યાઓ કરતા અલગ પડતી લાગે છે. શા માટે ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાન કથા સાહિત્યમાં ખેડાણ ઓછું થયું છે? આ પ્રશ્નની ચર્ચા કરવા માટે એક નવો આર્ટીકલ લખવો પડે. આજે મૂળ વાત અંગ્રેજી ભાષામાં રચાઇ રહેલા સાયન્સ ફિક્શનની કરવાની છે! આખરે સાયન્સ ફિક્શન એટલે કે વિજ્ઞાન કલ્પનાકથા સાહિત્ય શું છે? ૨૧મી સદીમાં સાયન્સ ફિક્શન કઈ દિશામાં જઈ રહ્યું છે? તો કલ્પના કરવાની છોડી દો? અને હકીકતની દુનિયામાં જરા ટાઈમ ટ્રાવેલ કરી લઈએ.

સાયન્સ ફિક્શન એટલે... ? 

સાયન્સ ફિક્શન, જેને ઘણીવાર સાય-ફાઇ તરીકે સંક્ષિપ્તમાં ઓળખવામાં આવે છે, તે સાહિત્યનો એક વિશિષ્ટ પ્રકાર છે. જેમાં તમને ભવિષ્યવાદી સેટિંગ્સ, અદ્યતન ટેકનોલોજી, અવકાશ સંશોધન, ટાઇમ ટ્રાવેલ, પેરેલલ યુનિવર્સ -સમાંતર બ્રહ્માંડો અને બ્રહ્માંડમાં અન્ય ગ્રહો ઉપર રહેનારા એલિયન્સ ની અજીબો ગરીબ દાસ્તાન કહે છે. સાયન્સ ફિક્શનના મૂળિયા ખૂબ ઊંડા છે પરંતુ, નજીકના ભૂતકાળમાં નજર નાખીએ તો, સાયન્સ ફિક્શનની ઉત્પત્તિ ૧૯મી સદીની શરૂઆતમાં થઈ હતી તેમ કહી શકાય. ૨૦મી સદીમાં ઝડપી તકનીકી પ્રગતિ અને વૈજ્ઞાનિક શોધોના આગમન સાથે સાયન્સ ફિક્સનની ગાડી ટોપ ગિયરમાં દોડવા લાગી હતી. ૨૧મી સદીના સાયન્સ ફિક્શનને ટેકનોલોજી, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મેડિકલ સસ્પેન્સ અને ટાઈમ ટ્રાવેલના  સંયોજનથી નવું સ્વરૂપ મળ્યું છે.  

છેલ્લા ૨૦૦ વર્ષમાં સાયન્સ ફિક્શનમાં ઘણો ફેરફાર આવી ગયો છે. વિવેચકો કહે છે કે સાયન્સ ફિક્શનના મૂળ મેરી શેલી જેવા લેખકોની કૃતિઓમાં રહેલા છે. જેમની નવલકથા 'ફ્રેન્કેસ્ટાઇન' (૧૮૧૮) ઘણીવાર વિજ્ઞાન સાહિત્યના પ્રારંભિક ઉદાહરણોમાંની એક ઉમદા રચના માનવામાં આવે છે. જુલે વર્ન અને એચ.જી. વેલ્સે 'ટ્વેન્ટી થાઉઝન્ડ લીગ્સ અન્ડર ધ સી' (૧૮૭૦) અને 'ધ વૉર ઓફ ધ વર્લ્ડ્સ' (૧૮૯૮) જેવા સાહસ અને વૈજ્ઞાનિક અજાયબીઓ, સાયન્સ ફિક્શનને એક અલગ મુકામ ઉપર લઈ જાય છે. આ પ્રારંભિક કૃતિઓએ વૈવિધ્યસભર અને હંમેશા વિકસતી શૈલીનો પાયો નાખ્યો હતો. જેને આગળ ખેંચીને આઇઝેક અસિમોવ, આર્થર સી. ક્લાર્ક, રોબર્ટ એ. હેનલીન,રે બ્રેડબરી અને ફિલિપ કે. ડિક જેવા સર્જકોએ, સાયન્સ ફિક્શનને સંપૂર્ણ  યૌવન બક્ષ્યું છે. તેઓ જુલે વર્ન,જ્યોર્જ ઓરવેલ, એલ્ડસ હક્સલી, અને મેરી શેલી જેવા સર્જકોની આંગળી ઝાલીને આગળ વધ્યા છે. તેમના ખભા ઉપર, આ સર્જકોનું બાળપણ વિત્યું છે. જેથી તેઓ ભવિષ્યમાં વધારે દૂર સુધી જોઈ શક્યા છે. વૈભવશાળી દંતકથા જેવો સાયન્સ ફિક્સનના સર્જકોનો વારસો અને બાગડોર, અંગ્રેજી સાહિત્યના નવલોહીયા લેખકો સકવ્હવી અને જાળવી રાખ્યો છે. 

કલ્પના જ્યારે, હકીકતમાં ફેરવાઈ જાય છે

વિજ્ઞાન કથાની વાત આવે ત્યારે, આર્થર સી. ક્લાર્કને અવશ્ય યાદ કરવા પડે. ૧૯૪૫માં આર્થર સી. ક્લાર્ક નામના વિજ્ઞાનીએ, એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ રિલે નામનો નવો કોન્સેપ્ટ આપ્યો હતો. જેના કારણે આજની આપણી સેટેલાઈટ કોમ્યુનિકેશન વ્યવસ્થાનો વિકાસ થયો છે. જીઓ સ્ટેશનરી સેટેલાઈટ દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણા સુધી સંદેશા વ્યવહાર ચાલી શકે છે.  એચ.જી.વેલ્સ 'ધ વર્લ્ડ સેટ ફ્રી' નામની વિજ્ઞાન કથામાં પરમાણુ શક્તિ આધારિત એટોમિક બોમ્બની કલ્પના કરે છે. જે માત્ર ૩૦ વર્ષના સમયગાળા બાદ વાસ્તવિકતામાં ફેરવાઈ જાય છે. જેના કારણે બીજા વિશ્વ યુદ્ધનો અંત આવે છે. રોબોટિક દુનિયાની કલ્પના કરતા, આઇઝેક અસિમોવે 'થ્રી લો ઓફ રોબોટિક્સ'ની વાત કરી હતી. આજની આધુનિક ટેક્નોલોજીયુક્ત દુનિયામાં, રોબોટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મનુષ્યો વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરતી વખતે, આ ત્રણેય સિદ્ધાંતો ખૂબ જ ઉપયોગી બને છે. સાયન્સ ફિક્શન રાઇટર વિલિયમ ગિબ્સન એક અનોખી સાયબર સ્પેસ વ્યવસ્થા વિશે વિચારે છે. જેમાંથી 'ન્યુરોમેન્સર' વિજ્ઞાન કથાનો જન્મ થાય છે. આજે તેમની સાયબર સ્પેસ વ્યવસ્થાની વિભાવનાએ, ઇન્ટરનેટ અને વર્ચ્યુઅલ રિયાલિટી સ્વરૂપે વાસ્તવિકતા બની ચૂક્યું છે. આજની સાયન્સ ફિક્શન નવલકથાઓમાં, બ્રેઈન સ્ટીમ્યુલેટર, આર્ટિફિશિયલ લીમ્બ, માનવી અને રોબોટના સમન્વયે, આભાસી દુનિયામાં, મૃત પામેલ વ્યક્તિનો પુનર્જન્મ, સાયબર સ્પેસમાં વ્યક્તિના ડિજિટલ ડુપ્લીકેટ, પેરેલલ અને ઓલ્ટરનેટ યુનિવર્સિટી, મનુષ્યના બદલાયેલા કેરેક્ટર અને સમયકાળ વગેરે દર્શાવવામાં આવે છે. આ સાયન્સ ફિક્શન આવનારી એકાદ સદીમાં વાસ્તવિકતા બનવાની સંભાવના અને શક્તિ ધરાવે છે.૧૮૬૫માં અંતરીક્ષાન અને અંતરીક્ષ મુસાફરીની કલ્પના, જુલે વર્ને તેમના પુસ્તક 'ધ ફ્રોમ અર્થ ટુ મૂન'માં  કરી હતી.  જે આજે વાસ્તવિકતા બની ચૂક્યું છે. ૧૯૦૮માં  એચ .જી. વેલ્સ દ્વારા 'ધ  વોર  ઇન ધ  એર' રજુ થઈ હતી.  જેમાં  યુદ્ધમાં ડ્રોનની કલ્પના કરવામાં આવી હતી.  ૧૯૫૦માં  'આઈ,  રોબોટ' પ્રકાશિત થઈ હતી.  જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કલ્પના કરવામાં આવી હતી.

વિજ્ઞાનકથા સાહિત્યની શું જરૂર છે?

સાયન્સ ફિક્શનનું સૌ પ્રથમ તો બે ભાગમાં વિભાજન થાય. એક હાર્ડકોર સાયન્સ અને બીજું સોફ્ટકોર સાયન્સ ફિક્શન. સામાન્ય માણસની ભાષામાં વાત કરીએ તો, આખી વિજ્ઞાન કથા વાંચી ગયા પછી, વાંચકને એમ લાગે કે આમાં તો વિજ્ઞાન જેવું કંઈ નથી? ત્યારે માનવું કે આ સોફ્ટકોર સાયન્સ ફિક્શન છે. આ પ્રકારના સાયન્સ ફિક્શનને પચાવવા માટે, તમારે વિજ્ઞાનનો વધારે આશરો લેવો પડતો નથી. જ્યારે હાર્ડકોર સાયન્સ ફિક્શનમાં ૩૦ થી ૬૦ ટકા જેટલું વિજ્ઞાન હોય છે. જો સાયન્સ ફિક્શન લેખક, સજાગ, સરળ અને સ્પષ્ટ રચનાકાર હોય તો, વાચકને વિજ્ઞાનનો સંદર્ભ સમજવામાં મુશ્કેલી નડતી નથી. હાર્ડકોર સાયન્સ ફિક્શન, વૈજ્ઞાનિક ચોકસાઈ અને ટેકનિકલ વિગત ઉપર વધારે ભાર મૂકે છે. '૨૦૦૧ ઃ અ સ્પેસ ઓડિસી' (૧૯૬૮) માટે જાણીતા આર્થર સી. ક્લાર્ક અને કિમ સ્ટેનલી રોબિન્સનની માર્સ ટ્રાયોલોજી તેનું ઉમદા ઉદાહરણ છે. આ વિજ્ઞાન કથાઓમાં વૈજ્ઞાનિક રીતે બુદ્ધિગમ્ય વિશ્વોની રચના શ્રેષ્ઠ રીતે રજુ કરવામાં આવેલી છે. ઘણીવાર પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ કે સામાજિક પરિવેશની ખામીઓને ઉજાગર કરવા માટે કટાક્ષરૂપે સાયન્સ ફિક્શનની રચના થતી હોય છે. જ્યોર્જ ઓરવેલની એનિમલ ફાર્મ આ પ્રકારની નવલકથા છે. વાચકને કદાચ સવાલ થાય કે 'વિજ્ઞાનકથા સાહિત્યની શું જરૂર છે?'

સાયન્સ ફિક્શન મનુષ્યની કલ્પના શક્તિને વિકસાવે છે અને નવી ટેકનોલોજી વિશે વિચારવા માટે મોકળુ મેદાન આપે છે. દુનિયાની કેટલીક શોધ માટેની વાસ્તવિક પ્રેરણા આવા સાહિત્યમાંથી મળે છે. આજના મોબાઇલ ફોન, ઇન્ટરનેટ સેવા વગેરેના શિક્ષણમાં રહેલા છે. કેટલીક વાર સાહિત્યમાં જે વાત સ્પષ્ટ રીતે કરી શકાતી નથી, તેને સાયન્સ ફિક્શનનો અવતાર આપી કરી શકાય છે. સાયન્સ ફિક્શનમાં  સામાજિક સમસ્યાઓ, રાજકીય વિરોધ, પર્યાવરણની સમસ્યાઓ, આર્થિક અને શારીરિક શોષણ, સભ્યતાનો વિનાશ વગેરે વાતો, સાયન્સ ફિક્શનના માધ્યમથી આસાનીથી કરી શકાય છે. આ પ્રકારનું વાંચન કરતાં વાચકોમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો લગાવ વધે છે. જેના કારણે ભવિષ્યમાં તેઓ ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ વધવા માટે કટિબદ્ધ બને છે.

એકતામાં  અનેક્તાનાં  દર્શન

સાયન્સ ફિક્શનના સાતથી આઠ અન્ય પેટા-પ્રકાર પણ છે. સાયબરપંક પ્રકારના ફિક્સનમાં અદ્યતન ટેકનોલોજી, રોબોટિક્સ, સાયબરનેટિક્સનો પ્રભુત્વ ધરાવતા ભવિષ્યની કલ્પનાઓનું નિરૂપણ થયું હોય છે. વિલિયમ ગિબ્સનનું 'ન્યુરોમેન્સર' (૧૯૮૪) એનું ઉદાહરણ છે. અવકાશમાં વસેલી સભ્યતાઓ, તેમની વચ્ચેના વિરોધાભાસ, વૈરભાવ વગેરે રાજકીય ષડયંત્ર ધરાવતી કથાઓનો સમાવેશ સ્પેસ ઓપેરા વર્ગમાં થાય છે. ફ્રેન્ક હર્બર્ટની 'ડયુન' (૧૯૬૫) અને આઇઝેક એસિમોવની 'ફાઉન્ડેશનધ' શ્રેણીઓ, શ્રેષ્ઠ સ્પેસ ઓપેરા ગણાય છે. એચ.જી. વેલ્સની 'ધ ટાઈમ મશીન', સમયના એક અનોખા કાળખંડનું દર્શન કરાવે છે. કોઈક યંત્ર દ્વારા ભવિષ્ય અને ભૂતકાળમાં જઇ શકાય છે. આ પ્રકારની કથાઓનો સમાવેશ ટાઈમ ટ્રાવેલમાં થાય છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને તેમનાં સાપેક્ષતાના સિદ્ધાંત સમજાવતાં  કહ્યું હતું કે પ્રકાશના વેગની સરખામણીમાં, ૯૦ ટકા વેગ ધરાવતાં અંતરિક્ષયાન વડે ટાઈમ ટ્રાવેલ થઇ શકે છે. ત્યાર બાદ આ સિદ્ધાંત આધારિત ટાઈમ ટ્રાવેલની અસંખ્ય વિજ્ઞાન કથાઓ લખાઈ છે.  ફિલિપ કે. ડિકનું 'ધ મેન ઇન ધ હાઇ કેસલ' (૧૯૬૨) અલ્ટરનેટ હિસ્ટ્રીમાં એક એવી દુનિયાની કલ્પના કરે છે, જ્યાં એક્સિસ પાવર એટલે કે જર્મની, જાપાની, ઇટાલી જેવી શક્તિઓએ બીજા વિશ્વયુદ્ધમાં જીત મેળવે છે. બાયોટેકનોલોજી, જિનેટિક્સ, ઈવોલ્યુશન, બાયો એન્જિનિયરિંગ વગેરેનો આધાર લઈને રચવામાં આવતી વિજ્ઞાન કથાઓ બીઓ-પંક  શ્રેણીમાં આવે છે. પાઓલો બેસિગાલુપીની 'ધ વિન્ડઅપ ગર્લ' તેનું ઉદાહરણ છે. જે વિજ્ઞાન કથાઓ લશ્કરી ટેકનોલોજી, નવા નવા શસ્ત્રો, બે સભ્યતાનો વિગ્રહ જેવા મુદ્દા લઈ, ભવિષ્યવાદી યુદ્ધ અને લશ્કરી ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેવી વિજ્ઞાન કથાઓ મિલિટરી સાયન્સ ફિક્શન ગણાય છે. રોબર્ટ એ. હેઈનલેઈનનું 'સ્ટારશીપ ટ્ પર્સ' તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિક્ટોરિયન યુગની સૌંદર્ય અને ઔદ્યોગિક ક્રાંતિના સમયનો પરિવેશ ધરાવતા, વરાળ યંત્ર આધારિત ટેકનોલોજીની વાત કરનાર વિજ્ઞાન કથાઓ, 'સ્ટીમપંક' તરીકે ઓળખાય છે. ચેરી પ્રિસ્ટની 'બોનેશેકર' એક નોંધપાત્ર સ્ટીમ્પંક સાયન્સ ફિક્શન નવલકથા છે.


Google NewsGoogle News