બપોરનું ભર્યા પેટનું ઝોલું સિએસ્ટા .
- યે આરામ કા મામલા હૈ, અપુન કી ચોઇસ કા મામલા હૈ!
- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- તહેવારોની મોસમ આવી છે ત્યારે યાદ રાખવું કે ભરપેટ જમીને બપોરે આડા પડખે થઈને ફિકર મૂકીને નીંદર કરવી એ પણ ડેઇલી ફેસ્ટિવલ છે!
આ જે યુદ્ધના નગારા વગાડતા ઈરાનમાં ઇઝરાયેલે કથિત રૂપી ઉડાવી દીધેલા હમાસના વડા હોય એ ઇસ્લામ કેવી રીતે આવ્યો ? પર્શિયા યાને ઇરાન તો મૂળ આપણા પારસીઓ યાને જરથોસ્તીઓનું વતન હતું. ત્યાં આરબોએ ફત્તેહ કેવી રીતે કરી બતાવી? એ વખતે યુદ્ધકળામાં ડંકો વગાડનાર મૂળ પર્શિયનોને કેવી રીતે હરાવીને ભગાડયા?
દંતકથા મુજબ ૧૦મી સદીમાં ઇરાનના પર્સોપોલીસ ઉપર જયારે આરબોએ આક્રમણ કરવાનો તખ્તો ગોઠવ્યો, ત્યારે રવિવારે બપોર પછી હુમલો કર્યો! પર્શિયન યોદ્ધાઓ પરંપરા મુજબ રવિવારે બપોરે તજમાં વધારેલા ભાત, માંસ-મસાલાથી ભરપૂર 'ધાનશાક' આરોગે. જે ખાધા પછી ઓડકાર બોલાવતા મજાની મીઠી નીંદરમાં પોઢી જવા સિવાય છૂટકો નહિં! મોકો જોઇને ભરબપોરે આરબોએ હલ્લો કરીને એ યોદ્ધાઓને રીતસર ઉંઘતા જ ઝડપી લીધા! (સેકસ પછી, ટોયલેટ પહેલા અને ઉંઘ દરમ્યાન માણસ સૌથી વઘુ નબળો / વલ્નરેબલ હોય છે!)
સદીઓ પછી બહારથી મુઘલ બાદશાહ ઝહીરૂદ્દીન બાબર દિલ્હી પર તખ્તનશીન થયો. પોતાની આત્મકથા 'તુઝુક-એ-બાબરી'માં બાબરે લખ્યું છે: 'ભારતનું ગરમ અને બફારાવાળુ વાતાવરણ બપોરે ખાધા પછી ઘેન લઇ આવે છે!' (એટલે જ મુઘલ બાદશાહોએ ભાતભાતના ફુવારાઓવાળા બાગ બગીચાઓ બનાવ્યા, અને કદાચ પાછળથી અંગ્રેજોએ આજના તમામેતમામ હિલસ્ટેશન્સ વિકસાવ્યા!)
પણ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂત ચંદ્રચૂડ સાહેબે પણ રાજકોટને બપોરે ઊંઘી જતું નગર કહીને યુરોપિયન સ્ટાન્ડર્ડમાં મૂકી દીધેલું એ તો યાદ છે ને !
રાજકોટની રેડિયસમાં રહેવાથી 'ગ્લોબલ સિટિઝન' વગર વિઝાએ બની જવાની એક આદત બંદાને બચપણથી ગિફટરૂપે મળી છે, બપ્પોરે. (ઘોડા વેંચીને કે ભાડે દઇને, વોટએવર!) ઘસઘસા...ટ ઉંઘી જવાની! ઓહ, વોટ એ બ્લિસ! જાણે ઝરમર વરસાદમાં પ્રિયતમાના ગાઢ આશ્લેષમાં ભીંસાવાનો મખમલી અહેસાસ રોજેરોજ મળે છે!
સેવાભાવી (?) સંસ્થાઓના પુષ્કળ પ્રયત્નો છતાં પણ રંગીલા રાજકોટમાં બપોરે ઘણી જગ્યાએ જનતા કર્ફ્યુ જેવો સોપો પડી જાય છે. રીક્ષાવાળાઓ પણ ભાડાની તુચ્છ મોહમાયાભરી લાલચ ત્યાગીને શહેનશાહી ઠાઠમાં પોઢી જાય છે. બપોરે બેથી ચાર/પાંચ વાગ્યા સુધી નગર જંપી જાય છે. ફોન ખાસ રણકતા નથી. ડોરબેલ ગુંજતી નથી. બહારના અબૂધ જીવાત્માઓ હવનમાં હાડકા નાખતા રાક્ષસ બનવાના પાપમાં ન પડે, એ માટે લેન્ડ લાઇનના રિસિવર પણ નીચે મૂકી દેવાના દાખલા બને છે! ડોકટર હોય કે શાકભાજીવાળો કાછિયો, આ બાબતમાં માર્કસવાદી સમાનતા સિદ્ધ કરી બતાવે છે! અરે, ડોકટરો પાસે ઓન ઇમરજન્સી સિવાય કોઈ દોડતું નથી ને ભિખારીઓ વાટકા ઊંધા કરીને કે રીક્ષાવાળા માટે છાપું ઢાંકીને જાહેરમાં પોઢી જાય છે !
એટલે સ્તો ગુજરાતમાં કયાંય નથી એટલા ઇવનિંગર્સ(સાંઘ્ય દૈનિક) રાજકોટમાં ધમધમે છે. એટલે જ ગુજરાતના બીજા મહાનગરોની સાપેક્ષે રાજકોટની રાતો વગર ઉનાળે પણ લાંબી હોય છે. 'નાઇટલાઇફ' તો ખેર ગુજરાત આખામાં કયાંય નથી. પણ રાજકોટની નાઇટમાં 'લાઇફ' હોય છે. દિલ્લીની અજંપાભરી શાંતિ હોતી નથી. જવાન લડકા - લડકીઓ લ્હેરથી રાતના સાડાબાર- એક વાગે આઇસ્ક્રીમ ખાવા નીકળે છે. ઘણી ખરી દુકાનો રાતના દસેક વાગ્યા સુધી ગ્રાહકો મેળવવા માટે ખુલ્લી રહે છે. ઓફિસો નવેક વાગ્યા સુધી ખુલ્લી રહે છે. કારણ છે, બપોરે સુતા પછી રિજુવિનેટ (તાજામાજા) થયેલા નગરવાસીઓને રાતના નીંદર નથી આવતી. રાજકોટમાં ખાસ ટિફિન કલ્ચર નથી જમવા બધા ધંધા મૂકીને ઘેર આવી જાય છે. આવું ભારતમાં પૂનાના અમુક પોશ વિસ્તારોમાં જોવા મળે છે, જયાં 'ડોન્ટ ડિસ્ટર્બ બિટવિન ૨ પીએમ ટુ ૪ પીએમ'ના સાઇનબોર્ડ રીતસર મકાનોની બહાર લગાવેલા હોય છે. લેખક રજનીકુમાર પંડયાએ સૂચના છપાવેલી અમદાવાદ રહેવા આવીને કે બપોરે ૨ થી ૪ કોઈએ મળવા આવવું નહિ!
ધેટ્સ વેરી ટ્રુ! અગત્યના કામ વગર કે અગાઉથી સમય લીધા વિના ભરબપોરે બેથી પાંચ સુધી કોઇને ફોન કરવા કે ઘેર ટપકી પડવું, એ રાતના બાર પછી જસ્ટ મેરિડ કપલના બેડરૂમમાં ટપકી પડવા જેટલું જ આઉટ ઓફ કર્ટસી બિહેવિઅર છે. આપત્તિજનક છે. જેમ શરાબના બંધાણીના પેટમાં પેગ ન પડે તો નસો તૂટવા લાગે, આંખે અંધારા આવે કે માથું ફાટફાટ થાય- એવું જ બપોરની ઉંઘના તલબગાર બંધાણીઓને થતું હોય છે! (ફિફ્ટી યર્સ કા એકસપિરિયન્સ હૈ!) ધરતીનો છેડો ઘર એટલા માટે કે ત્યાં કોઇની શરમ રાખ્યા વિના, મન ફાવેેે એમ ટારઝનછાપ વસ્ત્રોમાં પથારીમાં આળોટતા આળોટતા ઉંઘી શકાય! પરોઢિયે ઘ્યાનસ્થ થઇને સમાધિ લાગી જવાની અનુભૂતિથી આ અનુભવ કંઇ કમ નથી! એ તો જે માણે, તે જ જાણે! બંધ બારીબારણાથી તડકો રોકતા અંધારામાં ફરફરતા ફેન તળે ઘોંટાઇ જવામાં આંતરિક અજવાળુ પ્રગટતું હોય છે! ઓશિકા-ગાદલાં સાથેની આ ઝપ્પીમાં પરમતત્વની પપ્પી મેળવ્યા જેટલો આહલાદક સંતોષ છે!
રાત્રે કોઇ સુંવાળા સહચાર સાથે શયન કરવાના (જેમાં ખરેખર ઉંઘવાનું હોતું નથી, ઉલ્ટું સૂવાને લીધે જાગવાનું હોય છે!) વૈશ્વિક નિત્યાનંદ પછીના નંબરે આવતો આનંદ કોઇ સહવાસ ન હોય, તો પણ બપોરે બ્રેક લઇને લંચ પછી તક મળે તો મંચ ઉપર પણ નિંદ્રાધીન થવામાં છે! એમ તો કાઠિયાવાડી 'સ્લેન્ગ'માં એક શબ્દ છે: બપોરિયા! યાને બપોરે થતી યુગલની રતિક્રીડા! પણ એ સુખાનુભૂતિ માટે જરા ભાનમાં, હોશમાં રહેવું પડે. લેકિન, કેસર કેરીનો રસ, ગરમાગરમ ફુલકા રોટલી, રીંગણા બટાકાનું ભરેલું શાક, કોથમીર- લસણની ચટણી, સીંગ-ટોપરા- ટમેટાથી વઘારેલી ફળફળતી તુવેરની દાળ અને ગાયના ઘીથી ચળકતાં બાસમતી ચોખાનું ભોજન કરી, માથે લોટો ભરીને છાશ પીધા પછી ભારે થઇ જતા આંખના પોપચાં ઉંચકવામાં તો જેસીબી મશીન પણ સફળ ન થઇ શકે! નીંદરની ખરી ગોળી તો પૂરણપોળી અને બટાકાનું શાક કે ઘીમાં લચપચતા દીવાલ પર ચોંટે એવા ચુરમાના લાડવા છે ! ઓડકાર ખાવા માટે ખુલ્લા થયેલા મોંમાં બગાસાં કયારે પ્રવેશી જાય છે, એ તો એફબીઆઇની ફોરેન્સિક લેબ. પણ જાણી ન શકે!
ભારતમાં જમીને ડાબા પડખે થોડી મિનિટો આડા પડખે પડવા (રીતસર સૂવા માટે નહિં) 'વામકુક્ષી' શબ્દ સંસ્કૃતમાં છે. પણ કેટલાક આયુર્વેદ નિષ્ણાંતો સંસ્કૃતના શ્લોક ટાંકીને 'બપોરે ભૂંડની જેમ ઘોરતા' આળસુના પીરો માટે એ ઉંઘ મેદવૃદ્ધિ અને પિત્તપ્રકોપને કુમકુમપત્રિકા મોકલવા જેવું મહાપાપ માને છે. રાત્રે દોઢ કલાક સ્ફૂર્તિથી ચાલવું હોય, અને સવારે ઉઠીને દોડવું હોય તો થાકમાં ઉતરી ગયેલો ટાવર ચાર્જ કરવા બપોરે ઉંઘવું જોઇએ. કારણ કે એ વાસ્તવમાં એદીપણાની નિશાની નથી, પ્રાકૃતિક 'સર્કાડિયન રિધમ'ના ખોળે માથું મૂકવાની વાત છે! એનાથી ઇકોનોમિક લોસ થતો હશે, પણ ફેમિલી કોમ્યુનિકેશન સ્ટ્રોંગ બને છે!
વિશ્વના બે જીનિયસ વિજ્ઞાનીઓ આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને થોમસ આલ્વા એડિસન બહારગામ જવાનું ન હોય ત્યારે અચૂકપણે આફટરનૂનસિએસ્ટાના મેઘધનુષી ડ્રીમવર્લ્ડમાં ખોવાઇ જતાં. ઘણાંખરા નામાંકિત નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ બપોરે સૂઇ જતાં હોય છે. ચાર્મિંગ પ્રેસિડેન્ટ જહોન કેનેડીએ તો જમીને એક કલાકના સ્નૂઝટાઇમ માટે પોતાને ખલેલ ન પહોંચાડવાનો હુકમ બહાર પાડયો હતો. વિન્સ્ટન ચર્ચિલ, બિલ કિલન્ટન પણ બપોરે જરા આડા પડખે થઇ જતાં. ઇસ્લામમાં પાંચ નમાજ પછી રાતના 'તહાજ્જુદ'ની ઇબાદત કરવા માટે બપોરે થોડું ઉંઘી જવાની છૂટછાટ ગરમ રેતીના રણમાં મુસ્લીમો લેતાં.
પૂર્વ ભારત, બાંગલાદેશ, પાકિસ્તાન ઉપરાંત ચીનમાં પણ બપોરે સૂવાનું ચલણ હતું, જે વિએતનામમાં પહોંચ્યું. (વામકુક્ષીનો ચાઇનીઝ પર્યાય છે: વુજીઆઓ!) યુરોપમાં સ્પેન, પોર્ટુગલ, ઇટાલી આ સિએસ્ટાએકિટવિટીમાં નંબર વન હતાં (અને છે!) સ્પેનમાંથી જ વસતિની સાથે આ આદત દક્ષિણ અમેરિકાના દેશો બ્રાઝિલ, મેકિસકો, ચીલી, આર્જેન્ટિના, વેનેઝુએલા વગેરે દેશોમાં પહોંચી, એમ તો આફ્રિકા, તાઈવાન, સાયપ્રસ, ગ્રીસ, ક્રોએશિયા, સ્લોવાનિયા, ઈરાન, ફિલિપાઈન્સ, બોસ્નિયા, આલ્બેનિયામાં પણ બપોરે સૂવાની આદત હતી.
એ માટે વપરાતો સ્પેનિશ ભાષાનો શબ્દ 'સિએસ્ટા' મૂળ વાયા રોમ લેટિનમાંથી આવ્યો છે. વૃક્ષની નીચે છાંયડામાં નિરાંતે ઊંઘી જવા માટેનો લેટિન શબ્દ છે : સાઈનેટ્ટે અને સ્પેનિશમાં 'હોરા સેકસ્ટા' એટલે છઠ્ઠો કલાક. અગાઉના જમાનામાં સૂર્યોદય પછી છ કલાક કામ કરી, મઘ્યાહ્નકાળે બાર વાગે જમીને સૂઈ જતા સ્પેનિયાર્ડોએ એટલે સાઈનેટ્ટે અને સેકસ્ટા ભેળવીનેસિએસ્ટાશબ્દ બનાવ્યો, એવું મનાય છે. આ ઝોકાંને પેનીસેલ્લા કે પિસોલિના પણ કહે છે. રોમનો પણ સૌંદર્ય અને શૌર્યની ક્રાંતિ કરવા બપોરે સૂઈ જતાં ને અને કહેતા રિપોસો !
એક થિઅરી એવું ય કહે છે કે ઘણા ખરા ગરમ પ્રદેશોમાં (સૂરજના તાપને લીધે તાંબાવરણી ત્વચા ધરાવતી પ્રજાના મુલકોમાં) બપોરે તાપને લીધે કાર્યક્ષમતા ઘટી જતાં સૂઈ જવાની ટેવ પડી ગઈ. ભારત જેવા વિષુવવૃત્તીય દેશમાં તો આ વાત નકારી ન જ શકાય. ધૂળિયા ગરમ પવનો વચ્ચે, ઉકળાટમાં નીતરતા પસીનાથી ચીકણા થયેલા કપડાંની બદબૂ વચ્ચે કામ કરવાનો કંટાળો તો આવે જ. મગજના દરવાજા જાણે સેન્ટ્રલી લોક્ડ થઈ જાય. હાથપગમાં મસ્તીને બદલે સુસ્તી ચડી જાય. ડોકું રીંગણા જોખતું ઝોકાં ખાવા લાગે. જો ઝોકું ન ખાવ, તો સાંજે છ શોટ ટકીલા પીધા પછી સવારે થતા હેંગઓવર જેવી હાલતમાં મૂકાઈ જાવ! લમણું તંગ બનીને ભારે રહે, સતત થાક અને બેચેની વર્તાયા કરે! માટે બચ્ચે જ નહિ, બડેબૂઢે હર કોઈ રહે નેપ્પીમેં ભી હેપ્પી!
વેલ, ૧૯૭૫માં ઓટાવા યુનિ.ના ડો. રોબર્ટે સંશોધન શરૂ કર્યા પછી સાયન્સ આજે એવું માનતું થયું છે કે નેપ (ઝોલું) તો નેચરલ છે! (એ ન લેવો કે એમાં ગેપ પાડવો, એ તબિયત/ આયુષ્ય પરનો 'રેપ' છે!) નાનું બચ્ચું માત્ર રાતના જ નહિ, અમુક - અમુક કલાકોના અંતરે સૂઈ જાય છે. દરેક માણસની બ્લડ સરકયુલેશનની એક બોડી રિધમ (સર્કાડિયન રિધમ) બને છે. જેમાં મોટા થયા પછી અમુક કલાકો એ ઝપાટાબંધ કામ કરવાના ફોર્મમાં રહે છે. જયારે અમુક કલાકો એ કોથળા જેવો લોથપોથ રહે છે! કોઈને વહેલી સવારે તાજગી લાગે, તો કોઈને મોડી રાત્રે! પણ મેમલ્સ (સ્તનપાયી) સજીવોમાં બપોરે ઊંઘ તો સાર્વત્રિક છે. શ્વાનથી સિંહ સુધી!
કારણ કે, સવારથી પ્રવૃત્ત થયા પછી બપોરે ભૂખ લાગતી હોય છે. ભારત જેવા દેશોમાં તો ડિનરને બદલે લંચ હેવી રાખવાની ટેવ છે. (જે સાચી છે!) વિજ્ઞાનીઓએ શોધી કાઢયું છે કે, ખાધા પછી પેટ ભારે અને દિમાગ હલકું થાય, એ કુદરતી વ્યવસ્થા છે. સ્ટીરોનીન નામે ઓળખાતો, માણસને 'મૂડ'માં રાખતો મૂડ એલીવેટર હોર્મોન બ્રેઈનમાં નહિ પણ જઠરમાં બને છે. ખોરાક પેટમાં જાય એટલે પાચન દ્વારા શકિત મેળવવાની ક્રિયા શરૂ થાય છે. એ માટે ગ્લુકોઝ બને છે. એ વખતે દિમાગને જાગૃત રાખતા 'ઓરેકિસન'નું જોર ઘટે છે. (જેથી મગજની, શરીરની ક્રિયાઓ ઘટે અને ગ્લુકોઝનું પ્રોડકશન, સ્ટોરેજ વ્યવસ્થિત, ખલેલ વિના થાય!) ટ્રિપ્ટોફેન નામનો એમિનો એસિડ (પ્રોટીનનો ઘટક) જમ્યા પછીની ડ્રાઉઝીનેસ (ઘેન), લઈ આવે છે. મીઠાઈ કે ફરસાણ જેવા હાઈ સ્યુગર એન્ડ સ્ટાર્ચ ફૂડ લોહીના પ્લાઝમામાં
ટ્રિપ્ટોફેનનું કોન્સન્ટ્રેશન લેવલ વધારે છે. એટલે તરત શિથિલતા આવી જાય છે! (બપોરની ઊંઘ ટાળવી હોય તો સાવ હળવું જમવું. બને તો ફ્રુટસ જ ખાવા! જેથી આ પ્રોસેસનું ટ્રિગર ઓન થાય જ નહિ.)
આ તો જાણે સમજ્યા, પણ રિસર્ચર્સ 'કેવી રીતે' (હાઉ)થી 'શા માટે' (વ્હાય) સુધી આગળ વઘ્યા છે. એ જાણીતી વાત છે કે નિદ્રા બોડી કોમ્પ્યુટરનું 'શટ ડાઉન મિકેનિઝમ' છે. જેમાં નકામી મેમરી પ્રોસેસ થાય છે. ફાલતુ ડેટા ઈરેઝ થાય છે. અંગોને જરૂરી આરામ મળે છે. બપોરની માપસરની નિયમિત ઊંઘ લેનારાઓની 'લોંગ ટર્મ મેમરી' ખાસ્સી ઈમ્પ્રૂવ થાય છે. કારણ કે બ્રેઈનને વધારાનું રિલેક્સેશન મળે છે. ગ્રીસમાં ૨૦થી ૮૬ વર્ષ સુધીના ૨૩,૬૮૧ નાગરિકોનો ૧૯૯૪થી ૧૯૯૯ સુધી હાર્ટ ડિઝીઝ માટે સર્વે કરવામાં આવ્યો! અને ઊંઘ ઉડાડી દે તેવું ચોંકાવનારું તારણ અંતે એ નીકળ્યું કે આફટરનૂનસિએસ્ટાવાળા લોકોને હાર્ટ એટેક આવવાની શક્યતા ૩૭% જેટલી ઘટી જાય છે!
વેલ, આફટરનૂન નેપનો સીધો સંબંધ હેલ્થ સાથે હોતો હશે- જ્યાંસિએસ્ટાનો સદીઓથી કાયમી શિરસ્તો છે, એવા મેક્સિકો, બ્રાઝિલ, સ્પેન કે ઈટાલીની મોનિકા બેલૂચી, સલમા હાયેક, પેનેલોપી ક્રૂઝ જેવી કામણગારી સુપરસેક્સી હરીભરી સુંદરીઓની ચળકતી ત્વચા અને માંસલ મેગ્નેટિક બદન જોઈને જ સમજાઈ જાય એવી વાત છે! દરેક જૂની વાતને નવા શબ્દોના વાઘા પહેરાવી દેવામાં માહેર કોર્પોરેટ વર્લ્ડે નવો વર્ડ કોઈન કરી લીધો છે: પાવર નેપ! બપોરે જમીને ૧૫થી ૪૦ મિનિટનું ઝોકું ખાઈ લે એ કર્મચારી વઘુ ઉત્સાહ અને ક્ષમતાથી પાછળની કામગીરી કરે છે!
કેટલાક જાયન્ટ જાપાનીઝ કોર્પોરેશન્સ પાસેથી પ્રેરણા લઈને યાહૂ, ગુગલ જેવી અમેરિકન કંપનીઓએ તો ઓફિસમાં જ 'પોસ્ટ લંચ' નેપિંગ ઝોન બનાવ્યા છે. કેન્ટીનની માફક જરૂર પડે આરામ કરવાના કાઉચીઝ રાખ્યા છે! સીઈઓ, માલિકો કે આપણા ટોચના સરકારી અધિકારી/નેતાઓ તો આ લઝરી આમ પણ ભોગવે જ છે! એકચ્યુઅલી, ઔદ્યોગિક ક્રાંતિ પછી ઘણાખરા આગેવાન પશ્ચિમી દેશોમાં ઉત્પાદકતા વધારવા નોનસ્ટોપ વર્કિંગ શિફટ આવી, અને બપોરે સૂવાનું આળસમાં ખપી ગયું. પણ ફોરેન રિસર્ચર્સે ગુજરાતના સુરતમાં આવવાની જરૂર છે. કોઠાસૂઝથી આગળ વધેલા ઈનોવેટિવ ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાએ અહીં હજારો કર્મચારીઓ ધરાવતી નવી ફેકટરીનું હરિયાળું વિશાળ કેમ્પસ બનાવ્યું. જેમાં આજે પણ ત્યાં જ બપોરે જમ્યા પછી કર્મચારીઓ રીતસર ફેકટરીમાં ઝાડ નીચે, લોન પર, ઓરડામાં, ઓટલા પર ગમે ત્યાં એક કલાક સૂઈ શકે છે! ઘેર જવાની ઝંઝટ નહિ, અને ઘર જેવો જ મોકળો આરામ! કોઈ ડિસ્ટર્બન્સ વિના શાંતિથી! ફરી તાજગીના ઝરામાં ઝબોળાઈને કામે ચડવાનું! કામમાં આપોઆપ મિસ્ટેક્સનું પ્રમાણ ખાસ્સું ઘટયું, અને પ્રોડક્ટિવિટી વધી ગઈ! સ્લોવેનિયા જેવા બપોરે ઊંઘી જતા દેશોમાં તો સ્કૂલ-કોલેજોમાં લંચબ્રેક પછી અડધો કલાક સૂવાની છૂટ્ટી પછી ફ્રેશ માઈન્ડ સાથે ભણાવવામાં આવે છે!
અહા! એ ઢળતી સાંજે ઉઘડતી આંખો, અને વિસ્તરતી રાત માટે રિલોડ થતી મેમરી... બીટ ધી હીટનો આ ય એક માર્ગ છે! યોર્સ ટ્રુલી તોસિએસ્ટાએડિક્ટેડ છે. (રાત્રે જ્યારે સૂઈએ, તેની બારમી કલાકે દિવસે નીંદરની કિક લાગે એવું વિજ્ઞાન કહે છે!) મુસાફરીમાં વાહનની સીટમાં કે કાર્યક્રમોમાં પાછલી હરોળમાં પણ ફક્ત દસ મિનિટ ઊંઘવા મળે, તો શક્તિઓ જાગીને ખીલી ઉઠે! ચોરેલા ચુંબનોની માફક ચોરેલા ઝોલાં પણ મીઠાં જ લાગે છે!
આટલું વાંચીને આંખો ઘેરાઈ? બપોરે લહેરથી ઊંઘવા માટે તો રવિવારની રજા હોય છે. પણ પરદેશી સિએસ્ટા સામે કાઠિયાવાડી પર્યાયવાચી શબ્દ ક્યો ? બપોરિયાં !
ફાસ્ટ ફોરવર્ડ
બીજું એકે યોગાસન ના થાય તો બપોરે સૂઈને એટલો સમય બીજાને ના નડવાનું 'સખણાસન' કરી લાંબુ જીવી શકાય ને બીજાને ય જીવાડી શકાય ! ખીખીખી.