યુરિક એસિડ વિશે આટલું જાણવું જરૂરી
- હેલ્થકેર-ડો.સંજીવ ફાટક
યુ રિક એસિડ એ શરીરમાં પ્યુરીન નામના પદાર્થના વિઘટનથી ઉત્પન્ન થતો પદાર્થ છે. પ્યુરીન અમુક ખોરાકમાં અને શરીરની જૈવિક પ્રક્રિયાઓમાં ઉત્પન્ન થાય છે. જો યુરિક એસિડનું સ્તર વધારે વધી જાય તો તે ગઠીયો વા (ગાઉટ) નામના રોગનું કારણ બની શકે છે, જેમાં સાંધામાં ખૂબ જ દુખાવો અને સુજન થાય છે. તે ઉપરાંત યુરિક એસિડના કારણે કેટલીક વાર પથરી અથવા કિડની પર અસર થવાની શક્યતા પણ રહેલી હોય છે.
યુરિક એસિડનું લેવલ કઈ વ્યક્તિઓમાં વધી શકતું હોય છે ?
૧. જે વ્યક્તિની કિડની ઓછું કામ કરતી હોય, ૨. જે વ્યક્તિનું વજન વધારે હોય, ૩. જે વ્યક્તિને બ્લડપ્રેશર, ડાયાબિટીસ કે હાયપોથાઇરોઇડિઝમ જેવો રોગ હોય, ૪. જે વ્યક્તિ યુરિક એસિડ વધી શકે તેવી કોઈ દવા લેતા હોય અથવા દારૂનું વ્યસન હોય.
સામાન્ય રીતે યુરિક એસિડનું લેવલ પુરુષોમાં ૭ મિલિગ્રામ પર ડેસીલીટર કરતાં ઓછું અને સ્ત્રીઓમાં ૬ મિલિગ્રામ પર ડેસીલીટર કરતાં ઓછું હોય છે. સમગ્ર વિશ્વમાં ઘણી બધી વ્યક્તિઓનું યુરિક એસિડ લેવલ વધારે હોય છે પણ એમાંના મોટાભાગની વ્યક્તિઓને યુરિક એસિડના લીધે કોઈપણ જાતની તકલીફ થતી નથી. જો કોઈપણ જાતની તકલીફ ન હોય તો સામાન્ય રીતે યુરિક એસિડ લેવલ ૯ મીલી ગ્રામ પર ડેસીલીટર કરતાં વધારે હોય તો જ યુરિક એસિડની સારવાર જરૂરી બનતી હોય છે.
યુરિક એસિડનું સ્તર
૧. આલ્કોહોલનો ઉપયોગ: વધારે દારૂ પીવાથી યુરિક એસિડનું સ્તર વધી શકે છે. ૨. કેટલાક ખોરાક: જેમ કે માંસ, દરિયાઈ ખોરાક, અને વધુ ફ્રુક્ટોઝવાળા પીણાં. ૩. મેડિકલ કન્ડીશન્સ: કિડનીની બિમારી, હાઇપોથાયરોઇડિઝમ અને મેટાબોલિક સિન્ડ્રોમ. ૪. મેડિકેશન: અમુક દવાઓ યુરિક એસિડનું સ્તર વધારે છે.
યુરિક એસિડ વધારે હોય તો
શું નુકસાન થઈ શકે?
૧) ગાઉટ: ગાઉટ એટલે કે ગઠીયો વા એક પ્રકારનો આર્થરાઇટિસ છે જેમાં સામાન્ય રીતે પગના અંગૂઠામાં કે બીજા કોઈ સાંધામાં સોજો આવી જાય છે અને ખૂબ દુખાવો થાય છે. આવો વા થાય ત્યારે લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ કેટલીક વાર નોર્મલ પણ આવી શકે છે એટલે તેનું નિદાન રોગના લક્ષણો, એક્સ-રે અને સાંધામાંથી લીધેલા પ્રવાહીની તપાસ દ્વારા થતું હોય છે. ૨) કિડની પર તકલીફ: જો યુરિક એસિડ એકાએક ખૂબ વધી જાય તો કિડનીની કામગીરીમાં તકલીફ આવવાની શક્યતા રહેતી હોય છે. ૩) પેશાબમાં પથરી: યુરિક એસિડ વધારે હોવાના કારણે કેટલીક વાર મૂત્રમાર્ગમાં અથવા કિડનીમાં પથરી થવાની શક્યતા વધારે રહેતી હોય છે.
યુરિક એસિડ ઓછું કરવા માટે શું કરવું જોઈએ?
૧) ખોરાક: ઓછા પ્યુરીનવાળા ખોરાક લેશો, જેમ કે અનાજ, દહીં, ફળો, અને શાકભાજી. વજનને નિયંત્રણમાં રાખવું, બને ત્યાં સુધી ઉપવાસ ન કરવા, ભૂખ્યા ન રહેવું , ચીઝ, પનીરનો ઉપયોગ ન કરવો, નોનવેજ, આલ્કોહોલ, મશરૂમ, દાણાવાળા શાક, ભારે કઠોળ, રીંગણ, ફ્લાવર, પાલક, મસૂર, સીંગદાણા, સીતાફળ, કોઠા, આમળા, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ, તળેલા ખોરાક, ક્રીમવાળા ડેઝર્ટ બને ત્યાં સુધી બહુ જ ઓછા પ્રમાણમાં લેવા. પ્રાણીજન્ય ખોરાક જેમ કે ઈંડા માસ વગેરેથી યુરિક એસિડ વધુ પ્રમાણમાં વધે છે અને તેથી તે ખોરાક બને એટલો ઓછો લેવો જોઈએ. ૨) પાણી: વધુ પાણી પીશો જેથી યુરિક એસિડ સારી રીતે બહાર નીકળી જાય; અહીં યાદ રહે કે જે વ્યક્તિની કિડની ઓછું કામ કરતી હોય તેણે ડોક્ટરની સલાહ મુજબ જ પાણી પીવું જોઈએ. ૩) મેડિકલ ટ્રીટમેન્ટ: ડોક્ટરની સલાહ મુજબ દવાઓ અને સારવાર. ૪) શારીરિક કસરત: નિયમિત કસરત કરવાથી યુરિક એસિડનું સ્તર નિયંત્રણમાં રહે છે.
ખોટી માન્યતાઓ
સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે યુરિક એસિડ થોડુંક પણ વધી જાય તો તરત જ ગઠીયો વા થઇ
જશે અથવા સાંધાના દુખાવા ચાલુ થઈ જશે. તમને જાણીને નવાઈ લાગશે કે યુરિક એસિડ વધારે હોય તો મોટાભાગની વ્યક્તિને કોઈપણ જાતની તકલીફ થતી નથી હોતી. જો લાંબા સમય સુધી યુરિક એસિડ વધારે રહે તો એમાંના ફક્ત ૨૫% વ્યક્તિને ગાઉટ અથવા પથરી થવાની શક્યતા હોય છે. તદુપરાંત શાકાહારી ખોરાક માં પ્રોટીન જન્ય ખોરાક જેમ કે અડદની દાળ મગની દાળ તુવેરની દાળ મસૂરની દાળ, સોયાબીન અને ચણાની દાળ માં પ્યુરીન નું પ્રમાણ વધારે હોય છે પરંતુ આ બધી દાળ પણ જો પ્રમાણસર માત્રામાં ખાવામાં આવે તો યુરિક એસિડ માં સામાન્ય રીતે વાંધો આવતો નથી હોતો.