કસાર દેવી : વાયકા, વાસ્તવિકતા અને વિજ્ઞાન

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
કસાર દેવી : વાયકા, વાસ્તવિકતા અને વિજ્ઞાન 1 - image


- ઉત્તરાખંડનું કસાર દેવી આસ્થા, સકારાત્મક ઊર્જા અને શાંતિનું મસ્ત તેમજ સેજા વિઝિટ સ્થળ છે. આખરે શું છે તેના કથિત વૈજ્ઞાનિક ચમત્કારનું વિજ્ઞાન?

- એક નજર આ તરફ-હર્ષલ પુષ્કર્ણા

- કસાર દેવીની સુખદ અનુભૂતિ કરવા જાવ ત્યારે હાથમાં વિજ્ઞાન કે વૈજ્ઞાનિક ચમત્કાર નામની ચાલણ લાકડી ધરી રાખવાની આવશ્યકતા નથી. કસાર દેવીની અકળ ઊર્જાનો ટેકો પૂરતો છે

- કસાર દેવી મંદિર

વિ ષયનું સરનામું ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાનું કસાર દેવી છે, પરંતુ ત્યાં પહોંચવા માટે વાયા દક્ષિણ ભારતનો જરા અવળી દિશાનો રૂટ લઈએ.

આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં લેપક્ષી ગામની ઊંચી ટેકરી પર શિવજીના વીરભદ્ર અવતારનું પ્રાચીન મંદિર છે. સોળમી સદીમાં તેનું નિર્માણ વીરુપન્ના અને વીરન્ના નામના સ્થપતિ બંધુએ કર્યું હોવાનું કહેવાય છે. ગ્રેનાઇટ પથ્થરો કંડારીને રચવામાં આવેલું કલાત્મક વીરભદ્ર મંદિર પ્રાચીન ભારતની સ્થાપત્ય વિદ્યાનો ગૌરવપૂર્ણ નમૂનો છે. ફક્ત મંદિર જ નહિ, તેના આખા સંકુલની તમામ કૃતિઓનો પણ કોઈ ખૂણો કળા વિહોણો નથી. આમ છતાં વીરભદ્ર મંદિરની મુલાકાત લેનારા ૯૯ ટકા લોકોનું ધ્યાન કળા તરફ જતું નથી, કારણ કે તેમની આંખો 'હવામાં લટકતા' સ્તંભને શોધતી હોય છે.

વીરભદ્ર મંદિરના કુલ ૭૦ કલાત્મક પાષાણ સ્તંભો પૈકી એક થાંભલાની સામે ઊભા રહીને જોતાં તે હવામાં અધ્ધર તરતો હોય તેવું લાગે. અર્થાત્ છતથી તે જોડાયેલો ખરો, પણ ઓટલાથી કેટલાક મિલિમીટર ઊંચો!

આ નાનકડા ગેપમાંથી લોકો પોતાનો ખેસ, રૂમાલ, સાડીનો છેડો સરકાવીને આશ્ચર્યચકિત થઈ જાય છે. અમુક આને દૈવીય ચમત્કાર ગણે છે, તો 'ભણેલા ગણેલા' બુદ્ધિજીવીઓને આમાં વિજ્ઞાનનો ચમત્કાર દેખાય છે. 'હવામાં લટકતા' સ્તંભને તેમણે anti-gravity/ એન્ટિ-ગ્રેવિટી/ પ્રતિ-ગુરુત્વાકર્ષણના વિરલ કેસ તરીકે ખપાવી દીધો છે. ઝાડ પરથી ખરી પડતું સફરજન ભૂમિને બદલે આકાશનો માર્ગ પકડે તો ભૌતિકશાસ્ત્રની પરિભાષા અનુસાર તેને એન્ટિ-ગ્રેવિટીનો કેસ ગણવો રહ્યો. ધરતી પર આવો કોઈ કેસ આજ સુધી બન્યો નથી. બનવાનો પણ નથી. કારણ કે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ સર્વત્ર છે, પરંતુ પ્રતિ-ગુરુત્વાકર્ષણ ક્યાંય નથી. બલકે, એવું વિરુદ્ધ બળ (થિઅરી સિવાય) અસંભવ છે. આમ છતાં વીરભદ્ર મંદિરના 'હવામાં લટકતા' સ્તંભને એન્ટિ-ગ્રેવિટી શબ્દનું લેબલ ચિપકાવી પ્રાચીન ભારતના વૈજ્ઞાનિક ચમત્કાર તરીકે તેનો દુષ્પ્રચાર કરાતો આવ્યો છે. હજી પણ કરવામાં આવી રહ્યો છે.

-તો શું વાસ્તવમાં વીરભદ્ર મંદિરના સિત્તેર પૈકી એક પાષાણ સ્તંભ જમીનથી અધ્ધર છે? જવાબ જાણવા માટે ફક્ત કમરને થોડીક તસ્દી આપવા સિવાય કશું કરવું પડે તેમ નથી. વાંકા વળીને પેલા નજીવા ગેપની સીધમાં આવતાં જ પોલાણના એક ખૂણે માચિસના ખોખા કરતાં સહેજ નાની ઠેસી જોવા મળે છે. હજારો કિલોગ્રામના હેવીવઈટ થાંભલાનો ભાર એ નાનીશી ઠેસી પર છે. કીડીએ પોતાની કાંધે ૬ ટનનો હાથી બેસાડયો હોય એવો મામલો છે. આથી વીરભદ્ર મંદિરના સ્તંભનું ખરું કૌતુક એ કહેવાય કે સદીઓથી ઠેસીએ જરીકે મચક આપી નથી. આને ઇજનેરી ચમત્કાર કહેવો જોઈએ કે ધાર્મિક યા 'વૈજ્ઞાનિક'? છતાં અફસોસની વાત કે રામના નામે પાણા તરી ગયા તેમ આપણે ત્યાં વિજ્ઞાનના નામે વીરભદ્ર મંદિરનો સ્તંભ હવામાં તરતો કરી દેવાયો છે.

હવે દક્ષિણથી ઉત્તર દિશામાં ઉત્તરાખંડ રાજ્યના અલ્મોડા ચાલો કે જેની સમીપ કસાર દેવીનું મંદિર છે. વીરભદ્રના 'વૈજ્ઞાનિક' ચમત્કાર જેવો તેનો પણ કેસ છે. અર્થાત્ વીરભદ્ર મંદિરમાં પથ્થરનો પાયો 'અધ્ધર' છે, જ્યારે કસાર દેવીમાં વૈજ્ઞાનિક થિઅરીનો પાયો અધ્ધરતાલ છે. કથિત થિઅરીનો એક્સ-રે કાઢતા પહેલાં કસાર દેવી વિશે થોડુંક બેકગ્રાઉન્ડ-

સમુદ્ર સપાટીથી પ,૩૮૦ ફીટ ઊંચે વસેલા ગિરિમથક અલ્મોડાની ઉત્તર દિશામાં ૮ કિલોમીટર હંકારો, એટલે કસાર દેવી ગામ પહોંચાય છે. વિસ્તાર તથા વસ્તી બાબતે ગામ નગણ્ય છે, પરંતુ કસાર દેવી મંદિરે તેને જગતના નકશા પર મૂકી દીધું છે. ભાગવત પુરાણ મુજબ વર્તમાન કસાર દેવી મંદિરના સ્થળે શુંભ અને નિશુંભ નામના અસુરોનો સખત રંજાડ હતો. પાર્વતીએ કસાર દેવીનો અવતાર લઈ બંને દૈત્યોનો સંહાર કર્યો. આમ, કસાર દેવીનું પૌરાણિક માહાત્મ્ય જોતાં કેટલાક સ્થાનિકોએ અહીં ઈ.સ. ૨જી સદીમાં મંદિર બનાવ્યું. સમયાંતરે તેમાં સુધારા-સમારકામ થતા રહ્યા.

સદીઓ વીતી ગઈ. દરમ્યાન કસાર દેવી મંદિર વિશે સ્થાનિકો સિવાય બાહ્ય જગતને કશી જાણકારી ન હતી. આ સ્થિતિમાં બદલાવ ૧૯મી સદીની આખરમાં આવ્યો કે જ્યારે સ્વામી વિવેકાનંદે કસાર દેવીની મુલાકાત લીધી. મંદિર સંકુલની કુદરતી ગુફામાં તેમણે તપ કર્યું. અનોખી ને અલૌકિક સકારાત્મક ઊર્જાનો અનુભવ થતાં પોતાની ડાયરીમાં સ્વામીએ કસાર દેવીની અકળ શક્તિ વિશે નોંધ લખી. 

આ પ્રસંગે કસાર દેવીને પહેલી વાર લાઇમલાઇટમાં લાવી દીધું. સ્વામીએ કર્યો એવો અકળ શક્તિનો અનુભવ લેવા માટે ઘણા લોકો કસાર દેવી આવવા માંડયા. આમાં ગુરુદેવ રવીન્દ્ર નાથ ટાગોર, સિત્તેરના દસકામાં ધૂમ મચાવનાર 'બીટલ્સ' મ્યૂઝિક બેન્ડના જ્યોર્જ હેરિસન અને બોબ ડાયલન, અમેરિકન કવિઓ એલન જિન્સબર્ગ, પીટર ઓર્લોન્સ્કી અને ગેરી સ્નાયડર, અમેરિકન મનોવિજ્ઞાની તિમોથી લિઅરી વગેરે જેવી હસ્તીઓની મુલાકાતો પછી તો કસાર દેવી વર્લ્ડ મેપ પર આવી ગયું.

સિત્તેરના દસકામાં યુરોપ-અમેરિકાના યુવાનોએ પરંપરાગત સમાજ, સંસ્કૃતિ, વિચારસરણી, સરકારની યુદ્ધનીતિ સામે બંડ પોકારતી હિપ્પી ચળવળ શરૂ કરી હતી. કસાર દેવી ત્યારે ઘણો વખત ફોકસમાં રહ્યું, કેમ કે યુરોપ-અમેરિકાના ઘણા હિપ્પી યુવક-યુવતીઓ ત્યાં આવીને મહિનાઓ સુધી ડેરો નાખતા.

કોઈ સ્થળે અકળ ને અલૌકિક  સકારાત્મક ઊર્જા જણાતી હોય તો તેમાં કશું અજુગતું યા અસાધારણ નથી. કારણ કે વિષય અંગત અનુભૂતિ તથા આસ્થાનો છે. પરંતુ તે સ્થળની ઊર્જાને જ્યારે યેન કેન પ્રકારે વિજ્ઞાન સાથે ધરાર જોડી તેનો ખોટી રીતે પ્રચાર કરવામાં આવે ત્યારે અનુભૂતિ અને આસ્થાનું સ્થાન અંધશ્રદ્ધા લઈ લે છે. કસાર દેવીની બાબતે કંઈક એવું જ બન્યું છે. મામલો શો છે તે વિજ્ઞાનની નજરે તપાસીએ.

વર્ષ ૧૯પ૮માં અમેરિકાના ભૌતિકશાસ્ત્રી જેમ્સ વેન એલને શોધી કાઢેલું કે ભૂસપાટીથી સેંકડો કિલોમીટર ઊંચે અવકાશમાં કોઈ અદ્રશ્ય પટ્ટાએ પૃથ્વીને ઘેરો નાખ્યો છે. સૂર્યમાંથી વછૂટતા તોફાની સૌરપવન ભેગા તણાઈ આવતા રૈયર high energy particles /અતિરિક્ત ઊર્જાના કણો તે પટ્ટામાં સપડાય છે. આવા કણો રખે બેરોકટોક ભૂસપાટી પર ઊતરી આવે તો તમામ સજીવોનું આવી બને. પરંતુ અવકાશમાં પૃથ્વીની રક્ષણાત્મક ઢાલ સમો પટ્ટો એવું થવા દેતો નથી. જેમ્સ વેન એલને પહેલી વાર તે પટ્ટાની ભાળ કાઢી, એટલે (આપણા દેશી મેદુવડા અને વિદેશી ડોનટ જેવા આકારના) પટ્ટાને તેમની યાદમાં વેન એલન બેલ્ટ એવું નામ આપવામાં આવ્યું. આજે તો સૌ કોઈ જાણે છે કે જમીનથી ૬૪૦ કિલોમીટર ઊંચે અવકાશમાં પ૮,૦૦૦ કિલોમીટર સુધી ફેલાતા બેલ્ટને પૃથ્વીના પાવરફુલ ચુંબકીય બળે જકડીને રાખ્યો છે.

આ થઈ નક્કર વૈજ્ઞાનિક તથ્યોની વાત. હવે કસાર દેવી જોડે વાન એલન બેલ્ટનું તથા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું કનેક્શન જુઓ. કસાર દેવી મંદિર પરિસર પાસે પહોંચો, એટલે ત્યાં એક પાટિયા પર નીચે મુજબના મતલબનું લખાણ વાંચવા મળે છે-

કસાર દેવી વિશ્વના ફક્ત ૩ સ્થળો પૈકી એક છે કે જેઓ વાન એલન બેલ્ટના પ્રભાવ હેઠળ આવે છે. બીજું સ્થળ દક્ષિણ અમેરિકાના પેરુ દેશનું માચુ પિચુ છે, જ્યારે ત્રીજું ઇંગ્લેન્ડના વિલ્ટશાયર પરગણાનું સ્ટોનહેન્જ છે. નાસાના રિસર્ચ મુજબ વાન એલન બેલ્ટ પોઝિટિવ કોસ્મિક કિરણો તથા સૌરપવનમાં વહેતા પોઝિટિવ કણોનું વિદ્યતુ ચુંબકીય ક્ષેત્ર છે. આથી કસાર દેવીમાં મુલાકાતીને અત્યંત સકારાત્મક (પોઝિટિવ) ઊર્જાનો અનુભવ થાય છે.

ઉપરોક્ત ભાવાર્થના લખાણે કસાર દેવીની અકળ-અલૌકિક ઊર્જાને 'વિજ્ઞાન'માં ખપાવી દીધી છે. પરંતુ હકીકત તેનાથી સાવ વેગળી જ નહિ, વિરોધાભાસી પણ છે. પૃથ્વીના ગોળા ફરતે વાન એલન બેલ્ટનો પટ્ટો (હોજમાં તરવા પડતા બાળકની કમરે બાંધેલી રિંગની જેમ) વીંટળાયેલો છે. આખો ગોળો તે બેલ્ટના પ્રભાવ હેઠળ હોય તો તેમાં કસાર દેવી, માચુ પિચુ અને સ્ટોનહેન્જ એ ત્રણ સ્થળોમાં એવી તે શી વિશેષતા હોય કે ત્યાં વેન એલન બેલ્ટ 'પક્ષપાત' દાખવે?

અમુક જણા આના જવાબમાં એમ કહે કે કસાર દેવી (તથા માચુ પિચુ અને સ્ટોનહેન્જ) ખાતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અન્ય સ્થળો કરતાં બળવત્તર છે. વિશેષ બળ થકી તેમણે વાન એલન બેલ્ટ પર લગામ નાખી હોવાની દલીલ તેઓ કરે છે. પરંતુ તેમાં તથ્યનો તસુભાર દમ જણાતો નથી. પૃથ્વીના જે તે સ્થળે ચુંબકીય બળની માત્રા નેનોટેસ્લા કહેવાતા એકમમાં ગણવામાં આવે છે. કસાર દેવીનું ભૌગોલિક એડ્રેસ ૨૯.૬૪ અંશ અક્ષાંશે અને ૭૯.૬૬ અંશ રેખાંશે છે કે જ્યાં ચુંબકીય બળ ૪૮,૦૦૦ નેનોટેસ્લા માપવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડના સ્ટોનહેન્જ ખાતે પણ મેગ્નેટિક ફીલ્ડનો આંકડો લગભગ એટલો જ છે, જ્યારે દક્ષિણ અમેરિકી દેશ પેરુના માચુ પિચુમાં તો ફક્ત ૨પ,૦૦૦ નેનોટેસ્લાનું ચુંબકીય બળ છે.

આની સામે અમેરિકા, કેનેડા, ઉત્તર યુરોપ, રશિયા, ઓસ્ટ્રેલિયા જેવા દેશો-પ્રદેશોના અમુક વિસ્તારોમાં ચુંબકીય બળની માત્રા વિશ્વભરમાં સર્વાધિક (૬પ,૦૦૦ નેનોટેસ્લા) જેટલી છે. આમ, કસાર દેવીમાં અત્યંત શક્તિશાળી ચુંબકીય બળ હોવાની માન્યતાને માન્યતા જ ગણવી રહી.

કસાર દેવી માટે વળી એમ પણ કહેવાય છે કે અહીં સૌરપવનના કણો જમીન પર ઊતરી આવતા હોવાથી તેમની સકારાત્મક ઊર્જાનો અભિષેક મુલાકાતીને અલૌકિક શક્તિનો અહેસાસ કરાવે છે. આ માન્યતાને પણ ઊંધા માથે પટકે તેવું વૈજ્ઞાનિક તથ્ય એ કે સૂર્યના અતિરિક્ત ઊર્જાના કણો સકારાત્મક નહિ, પરંતુ નકારાત્મક અસર પેદા કરે તેવા હાનિકારક છે. ધારો કે અમુક કારણસર વાન એલન બેલ્ટ નાબૂદ થાય અને હાઈ-એનર્જી કણો પૃથ્વી સુધી પહોંચે તો સૌ પહેલાં ભ્રમણકક્ષાના ઉપગ્રહો શોર્ટ-સરકીટથી નાશ પામે. શહેરોની પાવર ગ્રિડ પણ સલામત રહી શકે નહિ, કેમ કે ગ્રિડના હાઈ-ટેન્શન વાયરોમાં AC/ ઓલ્ટરનેટિંગ કરન્ટ વહે, જ્યારે સૂર્યના અતિ માત્રના ઊર્જાકણો DC/  ડાયરેક્ટ કરન્ટના હોય છે. પાવર ગ્રિડના ટ્રાન્સફોર્મર DC જોડે કામ પાડી ન શકે. સખત ગરમીથી પહેલાં તો બધા ટ્રાન્સફોર્મર્સ તપી ઊઠે અને પછી તેમાં તણખા ઝરવા લાગે. કમ્પ્યૂટરથી માંડીને મોબાઇલ ફોનના નેટવર્ક પડી ભાંગે, વીજાણુ ઉપકરણોનો દાટ વળે વગેરે જેવી બીજી ઘણી નકારાત્મક અસરો સૂર્યના હાઈ-એનર્જી કણો પેદા કરી શકે. મનુષ્યના શરીર પર તેમનો હળવો અભિષેક પણ DNA બ્લૂપ્રિન્ટમાં મ્યૂટેશન (ગુણવિકાર) સર્જે, ત્વચાના કેન્સરને તેડું આપે, 

હૃદયના ધબકારા અનિયમિત કરી દે, મગજમાં ઉદ્ભવતા તરંગોને અનિયમિત કરે તથા કોષોને વધુ-ઓછા અંશે હાનિ પહોંચાડે. ટૂંકમાં, સૂર્યના હાઈ-એનર્જી પાર્ટિકલ્સથી બચતા રહેવું.

-તો પછી આખરે કયું પરિબળ કસાર દેવીમાં અકળ/અલૌકિક 

ઊર્જાનો અનુભવ કરાવે છે? આના સંભવત: બે પરિબળો છે. પહેલું કદાચ માનસિક છે. કસાર દેવી આવનાર દરેક વ્યક્તિ ત્યાંના કથિત ચમત્કારિક પાવરની કહાણીથી આગોતરી અંજાયેલી હોય, એટલે પહેલેથી જ સકારાત્મક અવસ્થામાં આવી ગયેલું તેનું મન-મસ્તિષ્ક કસાર દેવીને અનોખા સ્થળ તરીકે મૂલવવા લાગે છે. આને ચાહો તો પ્લેસિબો ઇફેક્ટ કહી શકો. વાસ્તવિક ન હોવા છતાં વાસ્તવિક હોવાની લાગણી જન્માવતી મનોવૈજ્ઞાનિક સ્થિતિ માટે લેટિન શબ્દ પ્લેસિબો વપરાય છે.

બીજું કારણ તો કસાર દેવી સ્થળ પોતે છે. સ્વાનુભવે જાણ્યું તેમ અહીંનું મંદિર સંકુલ, તેની આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય, ગીચ વન, ટેકરી પરથી જોવા મળતાં ખીણનાં મનમોહક દ્રશ્યો, શીતળ વાયરા તથા વિચારોની ભરતીને થંભાવી દેતી શાંતિ આપણને ક્યાંય સુધી જકડી રાખે તેવા છે. આ બાબતે ફક્ત કસાર દેવીનું જ નહિ, ત્યાંથી ઉપરની ટેકરીએ આવેલું ભૈરવ મંદિર પણ અનોખું છે. ચર્ચાનો ટૂંક સાર એટલો કે કસાર દેવીની સુખદ અનુભૂતિ કરવા જાવ ત્યારે હાથમાં વિજ્ઞાન કે વૈજ્ઞાનિક ચમત્કાર નામની ચાલણ લાકડી ધરી રાખવાની આવશ્યકતા નથી. કસાર દેવીની અકળ ઊર્જાનો ટેકો પૂરતો છે.

ચર્ચાના ટૂંક સારનોય ટૂંક સાર આલ્બર્ટ આઇનસ્ટાઇનના એક જ વાક્યમાં મળી રહે છે : ધર્મ વિનાનું વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિનાનો ધર્મ અંધ છે.


Google NewsGoogle News