દુનિયાની 400 કરોડની વસતિ યુવા રાજ વયોવૃદ્ધોના હાથમાં!
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- 800 કરોડની વસતિની સરેરાશ વય 31 વર્ષ છે ને દુનિયાભરમાં ચૂંટાયેલા સાંસદો-ધારાસભ્યોની સરેરાશ ઉંમર છે 53 વર્ષ. યુવાનોનું પ્રતિનિધિત્વ માંડ ૨.૬ ટકા છે
યૂથ કોને કહેવાય?
પ્રચલિત અર્થમાં ૪૦ વર્ષ સુધી વ્યક્તિને યુવાન ગણવામાં આવે છે. રાજકારણમાં તો ૫૦ વર્ષેય યુવા સીએમ, યુવા મંત્રી, યુવા સાંસદ, યુવા ધારાસભ્ય કે યુવા નેતા ગણાવી દેવામાં આવે છે. તે એટલે સુધી કે યુવા મોરચાઓના હોદ્દેદારોની સરેરાશ વય ૪૦ વર્ષથી ઓછી હોતી નથી. નેશનલ સ્તરે મોટા રાજકીય પક્ષો યુવા મોરચાના પ્રમુખો યુવા રાખે છે, પરંતુ ડાઉનલાઈનમાં જિલ્લા-તાલુકાના સંગઠનોમાં પ્રમુખોની વય ૩૫થી નીચે હોતી નથી. આ આપણી યૂથની વ્યાખ્યા છે.
પણ યૂથની વ્યાખ્યામાં ફિટ બેસાડી શકાય એ ઉંમર છે - ૧૫થી ૨૪ વર્ષ. સંયુક્ત રાષ્ટ્રસંઘ આ ઉંમરને યુવા ગણે છે. ભલે યુવા કોને ગણવા તેની કોઈ યુનિવર્સલ વ્યાખ્યા બનાવાઈ નથી, પરંતુ યૂથની વાત થાય ત્યારે આ ઉંમરને ધ્યાનમાં લેવાય છે. એમ તો રાષ્ટ્રસંઘ સ્વયં યંગ લીડર્સનો એવોર્ડ આપે છે એમાં ૧૫થી ૨૯ વર્ષના યુવાનોની એન્ટ્રીને માન્ય રાખે છે. એ રીતે ગણીએ ૩૦ વર્ષની વય યુવાનીનો માપદંડ ગણાય.
૧૯મી સદીની શરૂઆતમાં માણસનું સરેરાશ આયુષ્ય ૩૧-૩૨ વર્ષ હતું. ૨૦મી સદીના મધ્યાહને એવરેજ આવરદા ૪૫ થઈ, આજે સરેરાશ વય ૭૦ વર્ષ ગણાય છે. મેડિકલ સાયન્સનો વિકાસ થયો છે. યુવાનો ફિટનેસ કોન્સિયસ થયા છે - એ રીતે થોડા વાઈડ એંગલથી વિચારીએ તો ૩૫-૪૦ વર્ષ સુધી વ્યક્તિ યુવા ગણાય.
વેલ, આવતીકાલે વર્લ્ડ યૂથ ડે છે ત્યારે આ યૂથની વ્યાખ્યા પ્રમાણે યુવાનોનું પ્રતિનિધિત્વ પાર્લામેન્ટમાં કેટલું છે - એ જાણવું જોઈએ. અત્યારે આ એટલા માટેય જાણવું જોઈએ કે ભારતમાં સાંસદ-ધારાસભ્ય બનવા માટેની વય ઘટાડીને ૨૧ કરવાની માગણી ઉઠી છે.
દુનિયાની વસતિ ૮૦૦ કરોડને પાર થઈ ચૂકી છે. ૨૪.૭ ટકા ગ્લોબલ પોપ્યુલેશનની વય ૧૫ વર્ષથી નીચે છે. આગામી એક દશકામાં આ પોપ્યુલેશનમાંથી મોટો વર્ગ મતદાન કરતો થશે, ઉચ્ચ અભ્યાસ કરતો થશે, નોકરી કરતો થશે. ૧૫થી ૨૫ની વયજૂથના યુવાનોની સંખ્યા ૨૬૦ કરોડ છે. ૨૫થી ૪૦ની ઉંમરના ૨૩૦ કરોડ યુવાનો છે. ૧૫થી ૨૦ની વયજૂથના ૮૦-૯૦ કરોડને ટીનેજર્સ બાદ કરીએ તો જે પુખ્યવયના ગણાય છે ત્યાંથી લઈને યુવાનીનો છેલ્લો પડાવ ૪૦ વર્ષ સુધીના લોકોનું પોપ્યુલેશન ૪૦૦ કરોડ છે. કુલ વસતિમાંથી અડધા કરતાં વધારે વસતિ યુવાનોની છે. ગ્લોબલી એવરેજ એજ ૩૧ વર્ષ છે.
ભારત સહિતના ઘણાં દેશોમાં ૧૨-૧૫ વર્ષથી સત્તાવાર વસતિ ગણતરી થઈ નથી એટલે વયજૂથના સચોટ આંકડાં કાઢવાનું કામ યુએન માટેય અઘરું છે, છતાં રફલી આઈડિયા એવો છે કે ગ્લોબલ પોપ્યુલેશનમાં અડધી વસતિ ૩૦ વર્ષથી નીચેની છે.
મિલેનિયલ્સ એટલે ૧૯૮૧થી ૧૯૯૬ના ૧૫ વર્ષ વચ્ચે જન્મેલી જનરેશન. અત્યારના વર્કફોર્સમાં આ જનરેશન સૌથી વધુ છે. ૧૯૮૧માં જન્મ થયો હોય એવા કર્મચારીઓની ઉંમર ૪૧-૪૨ વર્ષ હોય અને આવા કર્મચારીઓ સરકારમાં કે કોર્પોરેટ્સમાં જ્યાં છે ત્યાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ જનરેશનમાં સૌથી છેલ્લે ૧૯૯૫માં જન્મ્યા હોય એની વય ૨૭-૨૮ની હોય અને એ જે તે ફીલ્ડનું ભવિષ્ય છે. ૨૭થી ૪૨ વચ્ચેના કર્મચારીઓ પર ગ્લોબલ વર્કફોર્સનો મોટો આધાર છે. આ જનરેશન પાસેથી આવતી ટેક્સની મોટી રકમથી જ દુનિયાભરની સરકારોની તિજોરીઓ ભરાય છે.
૧૫થી ૪૦ વર્ષની વયજૂથની ખરીદશક્તિ પર અર્થતંત્રનો આધાર છે. તેમની પસંદ-નાપસંદ પર પ્રોડક્ટ્સ ડિઝાઈન થાય છે. તેમને ગમતી ચીજવસ્તુઓથી દુનિયાભરના બજારો ઉભરાઈ રહ્યા છે. તેમને એડમિશન આપવા કોચિંગ ક્લાસિસથી લઈને કોલેજો, યુનિવર્સિટીઓ બેતાબ છે. તેમને આકર્ષવા માટે દુનિયાભરના રાજકારણીઓ શિક્ષણ-સ્વાસ્થ્યના, નોકરીઓના, બેરોજગારી ભથ્થાના, ફ્રીડમના વાયદાઓ કરે છે ને સત્તામાં આવી જાય છે.
પણ વાત જ્યારે તેમને રાજકીય મહત્ત્વ આપવાની આવે ત્યારે આખી દુનિયાની રાજકીય પાર્ટીઓ, આખી દુનિયાના મતદારો એક સરખા છે. તેમને યુવા નેતૃત્વને આગળ કરવામાં રસ નથી. યુવાનો પાસેથી મત મેળવતા રાજકારણીઓ એકદ-દોકલ યુવા નેતાને પદ આપીને એને યુવા ફેસ તરીકે પ્રમોટ કરે છે અને તેના ભરોસે યૂથ વોટબેંકને અંકે કરી લે છે. નિર્ણયો લઈ શકે એવી ક્ષમતા ૪૦ વર્ષ સુધીના ભાગ્યે જ કોઈ યુવા નેતા પાસે હોય છે.
બધા દેશોમાં મળીને અત્યારે ૪૬,૫૫૨ સાંસદો છે. એ બધાની સરેરાશ વય ૫૩ વર્ષ છે. કુલ સાંસદોમાંથી માત્ર ૨.૬ ટકા સાંસદોની વય જ ૩૦ વર્ષથી નીચે છે. ગ્લોબલ એવરેજની વાત આવે તો આફ્રિકન દેશોમાં સાંસદોની સરેરાશ વય સૌથી ઓછી ૫૦ છે. ભારતમાં સૌથી વધુ ૫૬ છે. અમેરિકામાં ઉપલા હાઉસમાં સેનેટર્સની સરેરાશ વય ૬૪ છે ને નીચલા ગૃહમાં ૫૨ છે. અમેરિકામાં પણ ભારતની જેમ દર ચૂંટણીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની સરેરાશ વય વધતી જાય છે. પાર્લામેન્ટ હાઉસ વધુને વધુ ઓલ્ડર બનતાં જાય છે.
જેને યુએન ખરેખર યૂથ ગણે છે એવા સાંસદોનું ગ્લોબલ લિસ્ટ બનાવવાનું થાય તો એ-૪ સાઈઝના પેજમાં બધાના નામ સમાઈ જાય. ૪૦૦ કરોડ યુવાવસતિ હોય એમાંથી અડધા સાંસદો યુવા હોવા જોઈએ. એ આદર્શ સ્થિતિ ગણાય, પણ હકીકત એનાથી તદ્ન જુદી છે.
વેલ, એવું નથી લાગતું કે જ્યાંથી કાયદા બને છે, જ્યાંથી પાલિસી ઘડાય છે, જ્યાંથી યુવાનોનું ભવિષ્ય નક્કી થાય છે ત્યાં પાર્લામેન્ટમાં વધુ યુવાનોને તક આપવાનો સમય આવી ચૂક્યો છે?
ભારતમાં ૨૫ને બદલે 21 વર્ષ કરવા રજૂઆત
ભારતમાં વોટિંગ માટેની ઉંમર ૧૮ વર્ષ છે, પરંતુ ચૂંટણી લડવી હોય તો ૨૫ વર્ષની વય હોવી જરૂરી છે. એ નિયમમાંં ફેરફાર કરવાની માગણી રાજ્યસભામાં ઉઠી છે. આપના યુવા સાંસદ રાઘવ ચડ્ઢાએ ચૂંટણી લડવાની વયમર્યાદા ઘટાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આવી રજૂઆત પહેલી વખત નથી થઈ. અગાઉ સંસદીય સમિતિએ ચૂંટણી લડવાની વયમર્યાદા ઘટાડવાની ભલામણ કરી હતી. સંસદીય સમિતિએ અલગ અલગ દેશોનો અભ્યાસ કર્યા બાદ ભલામણ કરેલી કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે મિનિમમ વય ૨૫થી ઘટાડીને ૨૧ કરવી જોઈએ. ૧૮ વર્ષના યુવક-યુવતીઓ મતદાન કરી શકે. તેમને આકર્ષવા માટે જાત-ભાતની યોજનાઓની જાહેરાત થઈ શકે, પરંતુ તેમને ચૂંટણી લડવી હોય તો લડી ન શકે. હા, રાજકીય પક્ષો તેમના યુવા સંગઠનમાં ધારે તો ૧૮ વર્ષ પછી હોદ્દો આપી શકે, પણ મોસ્ટલી ૧૮-૨૦ વર્ષે એવા યુવા નેતાઓને જ સંગઠનમાં તક મળતી હોય છે જેમના પેરેન્ટ્સ મોટા નેતા હોય છે.
બ્રિટન-ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં 18 વર્ષે ચૂંટણી લડી શકાય
ઘણાં દેશોમાં ચૂંટણી લડવા માટેની મિનિમમ ઉંમર ૧૮ વર્ષ છે. ૧૮ વર્ષ પુખ્ત થવાની વય છે. ગ્લોબલી આ માપદંડ લગભગ સેટ થયો છે. ૧૮ વર્ષની વ્યક્તિને બધા નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળી જતી હોય છે. મોટાભાગના દેશોમાં વોટિંગની વય ૧૮ છે, પરંતુ ચૂંટણી લડવાની વય ૧૮ નથી. બ્રિટન ઓસ્ટ્રેલિયા, કેનેડા જેવા ઘણાં દેશોમાં મતદાનની ઉંમર ૧૮ છે ને ચૂંટણી લડવાની મિનિમમ વય ૧૮ વર્ષ છે, પરંતુ અમુક દેશોમાં અલગ અલગ હોદ્દા માટે જુદી જુદી વયમર્યાદા છે.
ચીનમાં રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે લઘુત્તમ વય ૪૫ વર્ષ છે. એનાથી ઓછી વયનો નેતા ગમે તેટલો કાબેલ હોય, પ્રમુખ-ઉપપ્રમુખ બની શકે નહીં. એ સિવાયની ચૂંટણી ૧૮ વર્ષ પછી લડી શકાય. ચીનમાં ટિકિટ મળે ત્યારે નેતાની સરેરાશ વય ૪૦-૪૫ જેટલી હોય છે. ચીનની જેમ ચિલીમાં પણ હોદ્દા પ્રમાણે વયમર્યાદા જુદી જુદી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી વય ૩૫ વર્ષ છે. તેની નીચેના ઈલેક્શન્સ માટે મિનિમમ વય ૨૧ વર્ષ છે. અમેરિકામાં પ્રમુખપદ માટે ઓછામાં ઓછી વય ૩૫ વર્ષ હોવી જરૂરી છે. સેનેટર બનવા માટે ૩૦ વર્ષ અને નીચલા ગૃહના સભ્ય બનવા માટે ૨૫ વર્ષ પૂરા થયા હોવા જોઈએ. ફ્રાન્સમાં ચૂંટણી લડવાની મિનિમમ વય ૧૮ વર્ષ છે. પુખ્ય થયા બાદ પ્રમુખપદ સુધીની તમામ ચૂંટણી લડી શકાય છે.
ભારતની લોકસભામાં સાંસદોની સરેરાશ વય 56 વર્ષ
ભારતમાં ૧૮મી લોકસભાની ચૂંટણી થઈ એમાં સાંસદોની સરેરાશ વય ૫૬ વર્ષ છે. ૧૭મી લોકસભાના સાંસદોની સરેરાશ વય ૫૯ વર્ષ હતી. ટૂંકમાં, લોકસભામાં સાંસદોની સરેરાશ વય અને નિવૃત્તિની વય વચ્ચે બહુ ફરક નથી. અત્યારે લોકસભામાં માત્ર ૪ સાંસદો એવા છે જેમની વય ૨૫થી ૨૬ની વચ્ચે છે. એટલે કે સાંસદ બનવાની જે મિનિમમ વયમર્યાદા નક્કી થઈ છે એ જ ઉંમરે તેઓ સાંસદ બન્યા છે. ૫૪૩માંથી માત્ર ૨૫ સાંસદોની વય ૩૫ કે તેથી નીચે છે.
દેશમાં જેમ જેમ શિક્ષણ વધ્યું છે તેમ તેમ સાંસદોની સરેરાશ વય વધી છે. આમ તો એ ઘટવી જોઈએ. પહેલી લોકસભાના સાંસદોની સરેરાશ વય ૪૬.૫ હતી. પહેલી લોકસભામાં ૨૬ ટકા સાંસદોની ઉંમર ૪૦ વર્ષથી નીચે હતી. હવે માત્ર ૧૨ ટકા સાંસદોની વય ૪૦ની નીચે છે. ભારત આજની તારીખે સૌથી યુવા દેશ છે. દેશની ૬૫ ટકા વસતિની વય ૩૫થી નીચે છે ને એમાંથીય ૫૦ ટકાની વય ૨૫ વર્ષથી ઓછી છે. સૌથી યુવા વસતિ ધરાવતા દેશના કાયદા બનાવવાનું અને પોલિસી મેકિંગનું કામ કરતાં સરેરાશ સાંસદો નિવૃત્તિ વયે પહોંચ્યા છે એ કેવો મોટો વિરોધાભાસ છે.