પરોપકારી પ્રેતાત્મા યુવતીએ મદદ કરી પ્રાણનું રક્ષણ કર્યુ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
પરોપકારી પ્રેતાત્મા યુવતીએ મદદ કરી પ્રાણનું રક્ષણ કર્યુ 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- હું પ્રેત જગતમાંથી આવું છું. વર્ષો પહેલાં હું પણ એક જહાજમાં મુસાફરી કરતી હતી ત્યારે દરિયાઈ ચાંચીયાઓએ એ જહાજને ઉડાવી દેતાં મારું મરણ થયું હતું...

'ન જાયતે મ્રિયતે વા કદાચિત્

નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ ।

અજો નિત્યઃ શાશ્વતોડયં પુરાણો

ન હન્યતે હન્યમાને શરીરે ।।

આ આત્મા કદી જન્મતો કે મરતો નથી અથવા આ આત્મા પહેલાં હોઈને ફરીથી રહેવાનો નથી એમ પણ નથી. આ આત્મા નિત્ય, શાશ્વત અને પુરાતન છે. તેથી શરીરનું મરણ થવા છતાં મરણ પામતો નથી.'

- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૨, શ્લોક-૨૦

શરીરના મરણ પછી આત્માનું અસ્તિત્વ હમેશાં ટકી રહે છે. મરણોત્તર સ્થિતિમાં આ આત્મા વિવિધ અવસ્થાઓમાંથી પસાર થાય છે. આવી એક અવસ્થા છે પ્રેતાત્માની અવસ્થા. અગોચર પારલૌકિક વિશ્વમાં એક પ્રેતાત્મા જગત પણ છે. પ્રેતાત્મા અવસ્થામાં આવવાની પૂર્વે તે જીવતી વ્યક્તિ હોય ત્યારે તેનો જે સ્વભાવ હોય, સંયોગો અને સ્થિતિ પ્રમાણે તે જે રીતે ક્રિયા-પ્રતિક્રિયા કરતી હોય તે મોટે ભાગે મરણ બાદ પ્રેત અવસ્થામાં પણ જળવાઈ રહે છે. ક્રૂર અને સ્વાર્થી વ્યક્તિનો પ્રેતાત્મા પણ તેવો જ હોય છે અને દયાળુ , પરોપકારી વ્યક્તિનો પ્રેતાત્મા પણ તેવો જ દયાળુ, નિસ્વાર્થ અને પરોપકારી હોય છે. ઘણીવાર પરોપકારી પ્રેતાત્મા પોતાના સ્વજન અને જાણીતાને જ નહીં, અજાણ્યા લોકોને પણ સહાય કરતા હોય છે. અમેરિકાની એક યુવતીને થયેલો આવા પરોપકારી પ્રેતાત્માનો અનુભવ અત્યંત રોમાંચકારી છે.

આ યુવતી પ્રથમ યુરોપિય મહાયુદ્ધના સમયે આર.એમ.એસ,લ્યૂસિટેનિયા (RMS Lusitania) નામના બ્રિટિશ જહાજ દ્વારા ઇંગ્લેન્ડ જવાની હતી. ત્યાં તેની એક ખાસ મિત્રના લગ્નનો સમારંભ હતો. તેમાં તેણે યોગદાન આપવાનું હતુ અને મહત્વની કામગીરી કરવાની હતી. મુસાફરીની ટિકિટ ખરીદાઈ ગઈ હતી અને મોટેભાગે બધી તૈયારીઓ થઈ ગઈ હતી. ૧મે ૧૯૧૫ના રોજ તે ન્યૂયોર્કથી ઉપડવાનું હતું. તે ન્યૂયોર્ક પહોંચે તેના ત્રણ-ચાર પહેલાં તેની મુસાફરી માટે જરૂરી કોઈ વસ્તુ લેવા ઘરની બહાર નીકળી રહી હતી ત્યારે તેને ઘરના આંગણામાં જ એક ઝાખું વાદળ કે ધુમ્મસ જેવું દેખાયું. એ થોડું દૂર હટતાં તેને એક સુંદર યુવતી તેના તરફ ચાલીને આવતી દેખાઇ. તેનો દેખાવ, ચાલવાની રીત અત્યંત આકર્ષક હતી. છતાં તેમા કંઈ અસહજ, અસામાન્ય અને વિચિત્રપણું લાગતું હતું. તેણે એને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો પણ એટલામાં તો તે આકૃતિ ઝાઁખી અને ધૂંધળી થવા લાગી. પણ તેનો અવાજ સ્પષ્ટ સંભળાયો- 'તું આ જહાજમાં મુસાફરી ના કરીશ. તેમાં મુસાફરી કરનારામાંથી મોટા ભાગના મરણ પામશે. આ વિચિત્ર અનુભવથી તે થોડી ગભરાઈ ગઇ અને બેચેન પણ બની ગઈ. પણ પછી તેને લાગ્યું કે આ કોઇ ચિત્તભ્રમ હશે એટલે તેણે તેના તરફ ધ્યાન ના આપ્યું. પોતાની ખરીદી કરી તે ઘેર પાછી આવી.'

પોતાના ગામથી તે યુવતી ન્યૂયોર્ક જવા નીકળતી હતી ત્યારે પણ પેલી ઘટનાનું પુનરાવર્તન થયું. પહેલાં જોઈ હતી તે જ યુવતીનો ચહેરો તેને દેખાયો. તેણે તેને ફરી અગમચેતી આપતાં કહ્યું- 'તું આ જહાજમાં મુસાફરી ના કરીશ. જો મુસાફરી કરીશ તો જીવતી પાછી નહીં ફરે. હું સાચું જ કહું છું. મારું કહ્યું માન.' પણ તેણે એ પ્રેતાત્મા યુવતીની વાત અવગણી અને ન્યૂયોર્ક જવા આગળ પ્રસ્થાન કરી દીધું. મુસાફરીના એક દિવસ પહેલાં ૩૦ એપ્રિલના રોજ તે ન્યૂયોર્ક પહોંચી ગઈ હતી. આખો દિવસ હર્યા ફર્યા બાદ રાત્રે તે સૂવા માટે પથારીમાં પડી તે વખતે ફરી તે યુવતી તેની સમક્ષ પ્રગટ થઈ.

આ વખતે તે થોડી વધારે વાર દ્રષ્ટિ ગોચર થઈ. તેણે થોડી વધારે વાતચીત પણ કરી. તેણે એ જ રટણ ચાલુ રાખ્યું- તું કેમ સમજતી નથી ? તારે આ જહાજમાં મુસાફરી નથી જ કરવાની. તે હુમલાનો ભોગ થશે અને નાશ પામવાનું છે. તેણે એ પ્રેતાત્મા યુવતીને પૂછ્યું- 'તું કોણ છે? તું શા માટે મને આવી સૂચના આપે છે? તે પ્રેતાત્મા યુવતી ત્રૂટક ત્રૂટક અવાજમાં કહેવા લાગી- હું પ્રેત જગતમાંથી આવું છું. વર્ષો પહેલાં હું પણ એક જહાજમાં મુસાફરી કરતી હતી ત્યારે દરિયાઈ ચાંચીયાઓએ એ જહાજને ઉડાવી દેતાં મારું મરણ થયું હતું. ત્યારથી આવી કોઈ દુર્ઘટના બનવાની હોય તો હું પ્રેત રૂપે તેના મુસાફરો પાસે જઈ તેમને એની પહેલેથી જાણ કરી દઉં છું. તારા પ્રત્યે મને કોઈ અણજાણ કારણે લાગણી ઉદ્ભવી છે એટલે હું તને ચેતવું છું, આટલું કહીને તે અદ્વશ્ય થઈ ગઈ. ઇંગ્લેન્ડ જવા માગતી આ યુવતીને આખી રાત ઊંઘ ના આવી. તેને એ યુવતી દેખાતી અને તેના વાક્યોનું સ્મરણ થયા કરતું.'

બીજે દિવસે એટલે કે ૧ મે ૧૯૧૫ના રોજ બ્રિટિશ ક્રૂઝ લાઈનર આર.એમ.એસ. લ્યૂસિટેનિયા ૧૨ વાગે બંદરગાહથી ઉપડવાનું હતું. તે યુવતીના મનમાં સવારથી ગડમથલ ચાલતી હતી કે તેણે જવું કે ના જવું. તેણે તેની મિત્રના લગ્નમાં મહત્વની જવાબદારી નિભાવવાની હતી, તેનો જીવનભરનો સંબંધ સાચવવાનો હતો. તે વિચારતી હતી. હું ઘેર પાછી જઈશ તો લોકો મારા વિશે શું કહેશે ? હું એમ કહું કે એક પ્રેતાત્માની છાયાએ મને જવાની ના પાડી. એટલે ના ગઈ તો તે મને પાગલ જ સમજી લેશે. આવા મનોમંથન પછી તેણે નક્કી કર્યું કે હવે મારાથી પાછા ફરવાનું શક્ય નથી. એટલે તે દસેક વાગ્યાની આસપાસ બંદરે પહોંચી ગઈ. બોર્ડિંગની થોડીવાર હતી. તે વેઇટિંગ રૂમમાં બેઠી હતી. તે જ વખતે ફરી પેલી પ્રેતાત્મા યુવતી તેની આગળ પ્રગટ થઈ અને તેને કહેવા લાગી- 'તો તારે મરણ પામવું છે એમ ને ? જીવતા રહેવું હોય તો હજુ તક છે. તારે જીવતા રહીને હજુ બીજા અનેક કામ કરવાના છે. જહાજમાં મુસાફરી ના કરીશ. તારી જાતને બચાવી લે. પાછી ફરી જા. મારી વાત માન. હું તારી હિતેચ્છુ છું. મને તારા પર પ્રેમ છે. એટલે હું વારંવાર તને અટકાવવા તારી પાસે આવું છું. આ છેલ્લી વાર છે. હવે હું નહીં આવું.' પ્રેતાત્મા યુવતીની વિનંતી, કાકલૂદીની તેના પર અસર થઈ. તે યુવતીએ અંતે નિર્ણય લઈ લીધો- હું આ જહાજમાં મુસાફરી નહીં કરું, તેણે અધિકારીઓને જણાવ્યું- 'મારો પાસપોર્ટ ઘરે રહી ગયો છે. હું આ મુસાફરી કરી નહીં શકું.' તે ટિકિટ કેન્સલ કરાવી ઘેર પાછી આવી ગઈ. ઘરના લોકોએ તેનું કારણ પૂછ્યું તો તેણે પ્રેતાત્માવાળી વાત જણાવી. તેમણે તેને ઠપકો આપી તેની હાંસી ઉડાવી.

જો કે એક અઠવાડિયા બાદ ૭ મે ૧૯૧૫ના રોજ એ વાત સાચી સાબિત થઈ. જર્મન સબમરીન યુ-૨૦એ આયરલેન્ડ પાસે ટોરપીડો છોડી લ્યૂસિટેનિયાનો નાશ કરી નાંખ્યો. તેમાં સવાર ૧૯૬૦ વ્યક્તિઓમાંથી ૧૧૯૭ વ્યક્તિઓનું મરણ થયું. જેમાં ૧૨૩ અમેરિકન પણ હતા. આ રીતે તે પ્રેતાત્મા યુવતીની વાત માનીને અને તે પ્રમાણે કરીને તે અમેરિકન યુવતીએ પોતાના પ્રાણ બચાવી લીધા હતા.


Google NewsGoogle News