Get The App

વટ અને હઠથી ઉપર ક્ષમાની લિજ્જત .

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
વટ અને હઠથી ઉપર ક્ષમાની લિજ્જત                 . 1 - image


- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- એક દિવસ મેડમ પ્રતિષ્ઠાની ઑફિસના જોઈન્ટ કમિશ્નર અને તેમના ફેમિલીને ડિનર માટે આમંત્રણ આપ્યંઅ હતું. ત્યારે તપોવન એકાએક જ પિકનિક પર ચાલ્યો ગયો.

પ્ર તિષ્ઠા ઘરમાં આવી ત્યારથી તપોવનના ઘરનું કિલ્લોલમય વાતાવરણ ક્લેશની આંધીમાં ઘેરાઈ ગયું છે. તપોવને વારંવાર પોતાનાં વાણી-વર્તન અને પ્રતિષ્ઠા સાથેના પોતાના વ્યવહારને તપાસવાની-મૂલવવાની કોશિશ કરી જોઈ. પ્રત્યેક પળે તેને લાગ્યું કે પોતાની સરળતા, નમ્રતા, વિનયશીલતા અને સાદગીને જ પ્રતિષ્ઠા દુર્ગુણ સમજતી હોય તો આગળ વિચારવા જેવું ક્યાં રહ્યું ? તપોવનની વિધવા મમ્મી શિવાનીદેવીએ પોતાની એકની એક પુત્રવધૂના આગમનનાં કેવાં મીઠાં સ્વપ્ન જોયાં હતાં ! પણ પ્રતિષ્ઠાના આગમનની સાથે ઘરની પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ.

પ્રતિષ્ઠા વારંવાર કહેતી : ''તપોવન, હું આઈ.એ.એસ. ઑફિસર અને તું માત્ર ગ્રેજ્યુએટ. મારા બીજા ઓફિસર્સ સાથે તારો પરિચય કરાવું તો કહું શું ? તું વેશભૂષા અને કેશભૂષામાં એક સદી પાછળ છે. તારે મારી ડિગ્નિટીનો ખ્યાલ તો કરવો જોઈએ ને !''

''પ્રતિષ્ઠા તો તેં મને પસંદ શા માટે કર્યો ? પહેલેથી વિચાર કર્યો હોત તો આજે તારે મારાં કારણે શરમાવું ન પડત.'' તપોવને કહ્યું હતું.

''તપોવન, તું સાદો, સીધો અને નમ્ર હતો એટલે તો તને પસંદ કર્યો. મને એમ હતું કે લગ્ન પછી હું તને બદલી શકીશ, પણ તું તો એવોને એવો જ રહ્યો. પથ્થર પર પાણી. તું તારું આ નાનકડું ઘર છોડવા તૈયાર નથી. મને ઑફિસ તરફથી મળેલા મોટા બંગલામાં આવવા તૈયાર નથી. તું આપણા પુત્ર લકીની આયા બની ગયો છે અને તારી મમ્મી એકદમ જુનવાણી. આખો દિવસ પૂજાઘરમાં બેસી રહે છે. થોડા ઢંગનાં વસ્ત્રો પહેરે, જમાના પ્રમાણે રહેતાં શીખે તો હું મારી સહેલીઓને ઘરે બોલાવું. પણ એમની પતિભક્તિ જોઈને નવાઈ લાગે છે. તે પતિ આ દુનિયામાં નથી તેની પૂજા કર્યા કરે છે. અને એક તું માતૃભક્ત. પતિભક્તિ, માતૃભક્તિ અને સંતાનપ્રેમ તારો આંધળો પ્રેમ આપણા પુત્ર લકીને પણ બગાડી રહ્યો છે. ઓ હો... તપોવન મને તો ઘરમાં ગૂંગળામણ થાય છે. હું તને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ આપું છું. તારે રહેવાની રીત-રસમ બદલવી પડશે, નહીં તો હું મારે રસ્તે.. તું તારે રસ્તે...''

પ્રતિષ્ઠાની આવી વાતો સાંભળીને તપોવન બહુ નારાજ થઈ જતો. એક દિવસ એણે પ્રતિષ્ઠાને કહ્યું : ''પ્રતિષ્ઠા, તું મને ગ્રેજ્યુએટ કહે છે ને, ચાલ હું આગળ ભણવા તૈયાર છું. આ ઉંમરે મને ભણવામાં વાંધો નથી. નવી પેઢીની આબોહવા વચ્ચે જીવવું એ પણ એક લહાવો છે. મારામાં પણ નવી ફેશનનો મોહ જાગશે. મારી કાયાપલટ થઈ જાય તો આશ્ચર્ય ન પામીશ. મારાં મમ્મીને પણ હું ગામડે મોકલી દઉં છું બસ.'' તપોવનની આવી ખુમારી જોઈ પ્રતિષ્ઠા ખુશ થઈ ગઈ હતી.

તપોવને યુપીએસસીના ક્લાસીસમાં એડમીશન લઈને આગળ અભ્યાસ ચાલુ કરી દીધો. તેણે પોતાની ક્લાર્ક તરીકેની ચાલુ સરવિસમાં સ્ટડી લીવની પરમિશન લઈ લીધી. તપોવને જેવો કોચિંગ ક્લાસમાં પ્રવેશ કર્યો ત્યારે વિદ્યાર્થીઓએ તાલીઓના ગડગડાટ સાથે તેનું સ્વાગત કરી તપોવનની જ્ઞાનપિપાસાને બિરદાવી હતી.

તપોવન માટે ટી-શર્ટ, જીન્સનાં પેન્ટ મેચિંગ શૂઝ બધું પ્રતિષ્ઠા ખરીદીને લઈ આવી હતી. પતિ તરીકે જુનવાણી, ગામડિયો બબૂચક, માવડિયો જેવા અપમાનજનક શબ્દો સાંભળવા ટેવાયેલા તપોવન હવે મિ. તપોવન તરીકે ઓળખાવા લાગ્યો હતો. તપોવન પણ ગદ્ગદ્ થઈ ગયો હતો. એણે માન્યું હતું કે પોતાની ઉંમર મોટી હોવાથી વર્ગમાં યુવતીઓ તેની હાંસી ઉડાવશે. એને બદલે સહુએ તેને ઉમળકાભેર અપનાવી લીધો, એનો તપોવનને આનંદ હતો.

જિન્સનું પેન્ટ અને ટી-શર્ટ પહેરી તપોવન જેવો બહાર આવે, ત્યારે પ્રતિષ્ઠા અચંબામાં પડી જતી. તે કશું બોલે તે પહેલાં જ ''ઓકે. પ્રતિષ્ઠા મેડમ, ગુડબાય.'' કહી તપોવન મિત્રની કારમાં, બેસી કોચિંગ ક્લાસમાં અભ્યાસ માટે ચાલ્યો જતો. તપોવને સાદગી છોડી આધુનિકતા અપનાવવાનો નિર્ણય કરી લીધો હતો.

દર બીજે દિવસ નવી હેર-સ્ટાઈલ, નવાં ગોગલ્સ, નવી સ્ટાઈલનાં વસ્ત્રો, તપોવનમાં અજબ-ગજબનું પરિવર્તન શરૂ થઈ ગયું પ્રતિષ્ઠા સાથે તપોવનને એક બર્થ ડે પાર્ટીમાં જવાનું થયું હતું. પાર્ટીમાં તપોવન અન્ય ઑફિસર્સ કરતાં પણ વધુ ફેશનબલ અને સ્માર્ટ દેખાતો હતો એ જોઈને પ્રતિષ્ઠા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.

બે વર્ષમાં તપોવન આઈએએસ ગોલ્ડમેડલિસ્ટ થઈ ગયો, એટલે એનાં માન-પાન વધી ગયાં. પ્રતિષ્ઠા મેડમને લાગ્યું કે તપોવન હવે મનસ્વી બની ગયો છે. નવા જમાનાની હવા પૂરઝડપે તેનું માનસ બદલી રહી છે. એટલે એણે તપોવનની પ્રગતિ પર અંકૂશ મૂકવાનું શરૃં કર્યું. કોન્વોકેશનના દિવસે જાણી જોઈને પ્રતિષ્ઠા ફંકશનમાં હાજર ના રહી. પ્રતિષ્ઠા તપોવનના કપડાં, બૂટ મનીપર્સ વગેરેનો ખ્યાલ અત્યાર સુધી રાખતી હતી. એણે એ જવાબદારી પણ માથા પરથી ઉતારી નાખી. તપોવનને કારની સુવિધા આપવાનું પણ બંધ કર્યું. એટલે તપોવને સેકન્ડ-હેન્ડ કાર ખરીદી લીધી અને ડ્રાઈવિંગ શીખીને સેલ્ફ-ડ્રાઈવિંગ પણ શરૂ કરી દીધું.

પ્રતિષ્ઠાને પૂછયા વિના તપોવન પોતાના વર્ગની યુવતીઓ સાથે પિકનિક પર જવા નીકળી જતો.

એક દિવસ મેડમ પ્રતિષ્ઠાની ઑફિસના જોઈન્ટ કમિશ્નર અને તેમના ફેમિલીને ડિનર માટે આમંત્રણ આપ્યં  હતું. ત્યારે તપોવન એકાએક જ પિકનિક પર ચાલ્યો ગયો. પ્રતિષ્ઠા વિમાસણમાં મુકાઈ ગઈ. તેણી પ્રતિષ્ઠાએ ઘરને બદલે રોસ્ટોરન્ટમાં ડિનર ગોઠવ્યું. સાંજે સાત વાગે તપોવન આવી જશે એમ માનીને પ્રતિષ્ઠા એ તપોવનને સીધા રેસ્ટોરન્ટ પર ૭ વાગે આવવાનો મેસેજ આપી પોતે સમયસર રેસ્ટોરન્ડ પર પહોંચી ગઈ. રાતના સાડા આઠ વાગ્યા, પણ તપોવન ન આવ્યો. અંતે ભોજન પતાવી સહુ વિદાય થયાં.

તપોવન રાત્રે ૧૦ વાગ્યે પિકનિકનો આનંદ માણી ઘેર પાછો ફર્યો. પ્રતિષ્ઠા મેડમના ગુસ્સાનો પાર નહોતો. તપોવને જેવો ડ્રોઈંગરૂમમાં પગ મૂક્યો, પ્રતિષ્ઠા તેની પર ત્રાટકી અને ગાળો સાથે બે તમાચા તપોવનના ગાલ પર ઝીંકી દીધા અને કહ્યું : ''તપોવન, તને આઝાદી આપતી વખતે મને ખબર નહોતી કે હું દૂધ પાઈને સાપ ઉછેરી રહી છું. તને નથી પોતાની પત્નીમાં રસ કે નથી ઘરમાં રસ. આધુનિકતાનો અર્થ એ નથી કે પતિ જવાબદારી નેવે મૂકી સ્વચ્છંદી બની જાય. અનેક પુરુષો નોકરી સંભાળે છે અને ઘરનો મોરચો પણ તું સ્વતંત્રતા પચાવી ન શક્યો. હવે તારી તમામ પ્રકારની આઝાદી બંધ.''

તપોવન ચૂપ રહ્યો એટલે ઝઘડો અટકી ગયો. સવારે પુત્ર લકીએ પ્રતિષ્ઠાને જગાડતાં કહ્યું કે પપ્પા ઘરમાં નથી !

''કાંઈ વાંધો નહીં, હું તો છું ને. એ થાકશે, હારશે એટલે પાછા આવશે. કહી પ્રતિષ્ઠા મેડમ છાપું વાંચવામાં પરોવાયા.''

તપોવન સાંજ સુધી પાછો ન ફર્યો એટલે લકી ધૂ્રસકે ધૂ્રસકે રડવા લાગ્યો. સ્કૂલેથી એ પાછો ફરે ત્યારે પપ્પા તપોવન એને વહાલપૂર્વક નાસ્તો કરાવતા, લેસન કરવામાં મદદ કરતા. મીઠી-મીઠી વાતો કરી તેને પોઢાડી દેતા.

આયા ટેબલ પર નાસ્તો મૂકીને ચાલતી થઈ. મહારાજે પણ ભોજનની ડિશ તૈયાર કરીને ટેબલ પર મૂકી દીધી. એટલામાં પ્રતિષ્ઠા મેડમ આવ્યાં. તેમણે પણ કહ્યું : ''લકી, હું થાકી ગઈ છું. તું જમીને સૂઈ જજે. તારા પપ્પાએ તને બગાડયો છે. હવે જાતે ખાતા શીખી જા.''

લકી પોતાના બેડરૂમમાં ગયો. પણ એને એકલા-અટૂલા ઊંઘ નહોતી આવતી. તેણે દાદીમાને ફોન કર્યો. પોતાને લઈ જવા વિનંતી કરી. તપોવને ઘેર આવવાનું બંધ કરી દીધું હતું. ઑફિસના ગેસ્ટ-હાઉસમાં રહેવાનું શરૂ કરી દીધું હતું. લકી પપ્પા વગર ઈજવાતો હશે એમ માની દાદીમા તેને પોતાના ઘેર ગામડે લઈ ગયાં. પ્રતિષ્ઠાએ તેમનું પણ અપમાન કર્યું અને કહ્યું કે ''તપોવન મને હરાવવાની કોશિશ કરે છે પણ હું હારવાની નથી. લકીને હવે તમારે ઘેર જ રાખજો. એને માતાના પ્રેમની જરૂર નથી.''

દાદીમા લકીને મમ્મી-પપ્પાથી પણ વધુ પ્રેમ આપતાં હતાં. તપોવને શહેરમાં જ એક મકાન રાખ્યું હતું. તેમાં હવે દાદીમા અને પૌત્ર લકી રહેતાં હતાં. દર રવિવારે દાદીમા લકીને લઈને તપોવનને મળવા ગેસ્ટ હાઉસ પર જતાં હતાં. દાદીમાએ તપોવનને પોતાની સાથે રહેવા આવવાનો આગ્રહ કર્યો હતો પણ તપોવન મક્કમ હતો તેણે પ્રતિષ્ઠાને સબક આપવાનું નક્કી કર્યું હતું.

સમય વહેતો ગયો. ગોલ્ડમેડલિસ્ટ આઈએએસ ઑફિસર તપોવનના કામની ઠેરઠેર ચર્ચાઓ થતી હતી. તેની કાર્યનિષ્ઠા, સમાજસેવા અને દેશભક્તિના સમાચાર અવારનવાર અખબારોમાં અને ટીવીમાં ચમકતાં હતાં.

તપોવને ઑફિસરની સર્વિસ છોડીને યુપીએસસીના કોચિંગ ક્લાસમાં ભણાવવાનું ચાલું કર્યું. નિર્ધારિત સમયપત્રક મુજબ મિ. તપોવન વર્ગમાં જિન્સનું પેન્ટ અને ટી-શર્ટ પહેરીને આવશે તેમ બધાંએ માન્યું હતું પણ એમની ગણતરી ખોટી પડી. પેન્ટ-શર્ટ અને ટાઈમાં સજ્જ થયેલા તપોવનને જોઈને બધાંને આશ્ચર્ય થયું, ત્યારે તપોવને તરત જ કહ્યું : ''મારો શિષ્યનો રોલ પૂરો થયો. હવે ગુરૂનો રોલ શરૂ થાય છે. ગુરૂએ રોલમોડલ બનવું જોઈએ. હું મારા વિદ્યાર્થીઓ સમક્ષ સાદગીનો આદર્શ રજૂ કરવા ઈચ્છું છું. ગુરૂનું કામ વિદ્યાર્થીઓને બહેકાવવાનું નહીં પણ તેમના વ્યક્તિત્વને મહેકાવવાનું છે. રોલમોડલ બનનારે પોતાની અનેક ઈચ્છાઓ પર નિયંત્રણો મૂકવાં પડે છે.''

પોતાનું શિક્ષણકાર્ય પતાવી તપોવન પોતાની મમ્મી તથા પુત્ર લકીને મળવા તેમને નિવાસસ્થાને ગયો. લકી પપ્પાને ગળે વળગી રડતાં-રડતાં કહેવા લાગ્યો : ''પપ્પા, તમને હવે હું ક્યાંય જવા નહીં દઉં.'' દાદીમાએ પણ પૌત્રની વાતનું સમર્થન કરતાં કહ્યું : ''હા, બેટા, તું પાછો આવી જા. આપણું હસતું-ખેલતું ઘર ઉજ્જડ ઉદ્યાન જેવું બની ગયું છે. પ્રતિષ્ઠા પણ બિમાર થઈ ગઈ છે એવા સમાચાર જાણવા મળ્યા છે. અમે અહીંયાં, તું ગેસ્ટ હાઉસમાં અને પ્રતિષ્ઠા ઘેર... આમ બધાં જુદાં-જુદાં છીએ પણ કોઈ ખુશ નથી. 

વટ અને હઠની લિજ્જત તો તેં માણી જોઈ. એકવાર ક્ષમાની મજા તો માણી જો.''

''હા પપ્પા, તમને મારા સોગંદ, ચાલો, આપણે મમ્મીના ઘેર પાછા ફરીએ અને બધાં સાથે રહીએ'' લકીએ ઉત્સાહમાં આવીને કહ્યું.

તપોવને લકીના માથે હાથ ફેરવતાં કહ્યું : ''બેટા, તારી મમ્મી મને મારા મૂળ સ્વરૂપે જોવાને બદલે આધુનિક સ્વરૂપમાં જોવા ઈચ્છતી હતી. આધુનિક બનવાના અભરખાએ મારા જીવનની સ્વાભિક્તા છીનવી લીધી. ચાલ આપણે જોઈએ, તારી મમ્મી શું કહે છે.''

તપોવન પોતાની મમ્મી તથા લકીને લઈને પોતાને ઘરે પહોંચ્યો. પ્રતિષ્ઠાની માનસિક સ્થિતિ સારી નહોતી. એણે છેલ્લે તપોવનને જીન્સના પેન્ટ અને ટીશર્ટમાં જોયો હતો. તેના સાદા પેન્ટ-શર્ટમાં જોઈને તાત્કાલિક ઓળખી ન શકી. પ્રતિષ્ઠાએ અર્ધ બેહોશીમાં પૂછયું : ''તમે કોણ ?''

તપોવને હસતાં-હસતાં કહ્યું : ''હવે સાજી થઈ જા, પ્રતિષ્ઠા. મારી આધુનિક્તાની પરિક્રમા પૂરી થઈ ગઈ છે. અને હું તપોવન પોતાને ઘરે પાછો ફરી રહ્યો છું. તને મંજૂર છે ને સાદો-સીધો સંસ્કારી તપોવન ?''

પ્રતિષ્ઠાએ તપોવનનો હાથ લઈ પોતાના મસ્તક પર મૂક્યો અને બાળકની જેમ રડતાં રડતાં કહ્યું : ''અતિઆધુનિક મિ. તપોવનને તિલાંજલિ આપો. તમારું નૂતન દામ્પત્યમાં સ્વાગત છે. જિંદગીએ મને છેતરી મેં તમને છેતર્યાં. હવે નવો અધ્યાય શરૂ. વેલકમ, માય હસબન્ડ મિ. નહીં, શ્રી તપોવન.''


Google NewsGoogle News