Get The App

ઓલિમ્પિકના આયોજક કઈ રીતે નક્કી થાય છે?

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
ઓલિમ્પિકના આયોજક કઈ રીતે નક્કી થાય છે? 1 - image


- 2036ની ઓલિમ્પિક અમદાવાદમાં યોજવાના સ્વપ્નથી આપણે કેટલા પાસે કેટલા દૂર? 

- હોરાઈઝન-ભવેન કચ્છી

- 339 ઇવેન્ટ્સ માટે 42 નાના મોટા સ્ટેડિયમ, 10 જેટલા સ્વિમિંગ પુલ, 15 હજાર જેટલા ખેલાડીઓ અને  15 લાખ પ્રવાસીઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ... કુલ ખર્ચ 25 અબજ ડોલર થઈ શકે

- 2028ની ઓલિમ્પિક માટે અમેરિકાના લોસ એન્જ્લસ અને 2032ની ઓલિમ્પિક યોજવા માટેની બીડ ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર યજમાન બનવાના નવા નિયમો પ્રમાણે જીતી ગયુ  છે.

ઓ લિમ્પિક પૂર્ણાહુતિ તરફ આગળ ધપી  રહ્યું છે. ૧૯૪૭માં ભારત આઝાદ થયું તેને પણ આગામી ૧૫ ઓગસ્ટે ૭૭ વર્ષ પુરા થશે. ભારત આટલા વર્ષોમાં હજુ એક વખત પણ ઓલિમ્પિક નથી યોજી શક્યું. હવે પછીની ૨૦૨૮ની ઓલિમ્પિક માટે અમેરિકાના લોસ એન્જ્લસ અને ૨૦૩૨ની ઓલિમ્પિક યોજવા માટેની બીડ ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન શહેર યજમાન બનવાના નવા નિયમો પ્રમાણે જીતી ગયુ  છે.  ૨૦૩૬ની ઓલિમ્પિક યોજવા માટેની હોડમાં ઉતરવાનું મોદી  સરકારે  સ્વપ્ન સેવ્યું છે અને તે પણ અમદાવાદમાં. રમત જગતના આયોજકો જાણે છે કે ઓલિમ્પિક યોજવી ખાવાના ખેલ નથી.

આઝાદ ભારત હજુ એશિયન ગેમ્સનું  પણ બે જ વખત ૧૯૫૧ અને  ૧૯૮૨માં અને કોમનવેલ્થ ગેમ્સનું ૨૦૧૦માં પણ એક જ વખત આયોજન કરી શક્યું છે ત્યારે  ઓલિમ્પિક માટે વિશ્વના ચુનંદા શહેરોની સામે આટલા વર્ષોમાં  ભારત  એક શહેરની સજ્જતા પણ અત્યાર સુધી આગળ નથી કરી શક્યું.  જે કોમનવેલ્થ ગેમ્સ ઓલિમ્પિકના  આયોજન માટેનું પ્રવેશદ્વાર કહેવાય તે કોમનવેલ્થ ગેમ્સમાં સુરેશ કલમાડી એન્ડ કંપનીએ દલા તરવાડીની જેમ ઘર ભર્યા હતા.

બેફામ ભ્રષ્ટાચાર કર્યો તો પણ ભારતનાં ટેવાઈ ગયેલા નાગરિકોને કંઈ અજુગતું  નહોતું લાગ્યું પણ વિશ્વના ખેલાડીઓ, કોચ અને એસોશિએશન સમક્ષ ભારતની આબરૂના ધજાગરા ઉડયા હતા. તેઓએ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીને જે રીપોર્ટ આપ્યો છે તે પછી ભારત કોઈ વૈશ્વિક આયોજન માટે દાવો કરવાની હિંમત જ  નથી કરી શક્યું. ભ્રષ્ટ આયોજકોએ ખેલાડીઓ માટેના વિલેજમાં ગટર અને મ્યુનિસિપલ ક્વાર્ટર જેવી નળની ચકલીઓ ફીટ કરીને તેમના ઘેર જાણે સોનાના નળ ફીટ કરાવી દીધા હતા. ટાઇલ્સ, ફર્નિચર કે પ્લમ્બિંગની પાઈપો પણ નહોતી છોડી.

વિશ્વના ટોચના ખેલાડીઓના રૂમમાં ગટરના પાણી લીક થતા હતા. ભ્રષ્ટાચારનું પરિબળ બાજુમાં મુકીએ તો પણ ૨૦૦થી વધુ દેશો અને ૧૭,૦૦૦થી વધુ ખેલાડીઓ, ઓફીસીયલ તેમજ વિશ્વના પંદર લાખથી વધુ પ્રવાસીઓને સલામતી પૂરી પાડવાથી માંડી તેમને હોટલ, પ્રવાસનની સુવિધા તો આપવી જ પડે પણ ૩૩ રમતોના ૩૩૯ ઇવન્ટસ યોજવા માટેના ગ્રાઉન્ડસ, ટ્રેક, કોર્ટ, રીંગ, સ્વિમિંગ પુલ, કન્વેશન હોલ સહિત ૪૨ સ્ટેડિયયમ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું પડે. જેમાં એક મુખ્ય અલાયદું ઓલિમ્પિક સ્ટેડિયમ કમ સે કમ  ૬૫,૦૦૦ પ્રેક્ષકોની ક્ષમતાનું હોવું જોઈએ. બાકીના ૪૧ જેટલા સ્પર્ધા માટેના સ્થળો પર પાંચ હજારથી માંડી ૨૦ હજાર પ્રેક્ષકો ઇવેન્ટ જોઈ શકે તેવી વ્યવસ્થા હોવી જરૂરી છે.

૨૦૩૬માં ભારત દાવો કરશે ત્યારે ફુગાઓ અને મોંઘવારીને લીધે ૨૫ અબજ ડોલરથી વધુ રકમનું બજેટ થઈ શકે છે. ઓલિમ્પિકનાં સ્થળની પસંદગીની જાહેરાત સાતથી અગિયાર વર્ષ પહેલા થઇ જતી હોય છે. ઉદાહરણ તરીકે ૨૦૩૨ની ઓલિમ્પિક માટે બ્રિસ્બેન પર મહોર ૧૧ વર્ષ પહેલાથી લાગી ગઈ હતી. 

જેમ અમેરિકાના પ્રમુખના ઉમેદવારો શા માટે તેને ચૂંટી કાઢવા જોઈએ તે માટે ભાષણો  અને ડિબેટની  જુદા જુદા રાજ્યોમાં રેલી યોજે છે તેમ ઓલિમ્પિકનાં દાવેદાર શહેરોએ ઇન્ટરનેશનલ કમિટી સમક્ષ જોરદાર પ્રેઝન્ટેશન કરવું પડે છે. દેશની હિસ્ટ્રી  અને સ્પોર્ટ્સ કલ્ચરનું સર્વાંગી હોવું જરૂરી છે. દેશ નાનો હોય કે મોટો તે નથી જોવાતું. ઓલિમ્પિક યોજાવાનું  સ્વપ્ન હોવું તે જુદી વાત છે પણ એમ મેદાનો બનાવવાથી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દમથી પણ તેના યજમાન નથી બનાતું. જો અમદાવાદને ઓલિમ્પિક યોજવો હોય તો મોડામાં મોડુ ૨૦૨૮ સુધીમાં જણાવેલ સજ્જતા સાથે હોડમાં ઝુકાવવું પડે. ૨૦૩૬ની ઓલિમ્પિક ક્યા શહેરમાં યોજાશે તે ૨૦૨૯ દરમ્યાન જાહેર થઇ જશે.

નવી દિલ્હી કે જ્યાં એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી તે  સમગ્ર સેટ અપ તે પછીના વર્ષોમાં જાળવણી અને કલ્ચરના અભાવે બિસ્માર અને અસામાજિક પ્રવૃત્તિના અડ્ડા જેવું બની ગયું છે તેની જગાએ અમદાવાદમાં એકડે એકથી લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર  સાથે ઓલિમ્પિક વિલેજ ખડું કરવું તે  મહા પડકાર છે. 

સામાન્ય રીતે ૨૦૨૪ અને ૨૦૨૮ અને ૨૦૩૨ની ઓલિમ્પિક યોજવાના દાવામાં નિષ્ફળ ગયેલ દેશમાંથી કોઈ એકની ૨૦૩૬માં ઓલિમ્પિકના યજમાન બનવાની તક વધી જતી હોય છે કેમ કે તેઓએ ઓલિમ્પિકની તમામ તૈયારી, બજેટ ફાળવણી તેમજ અડધાથી વધુ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભા કરી દીધા હોય છે. લોબિંગ કરવાનો તેમનો અનુભવ હોય છે.

આથી જ એવું મનાય છે કે ૨૦૨૪, ૨૦૨૮ અને ૨૦૩૨માં અનુક્રમે ફ્રાંસ,અમેરિકા અને ઓસ્ટ્રેલિયાને યજમાન બનતા અટકાવવામાં થોડા મતો માટે નિષ્ફળ જનાર ઇન્ડોનેશિયા (જાકાર્તા), ટર્કી(ઇસ્તંબુલ) કે મિડલ ઇસ્ટ અને મેક્સિકો પણ હરિફાઈમા હશે. લંડન પણ ૨૦૩૬ માટે દાવો કરવાનું છે.

ઓલિમ્પિકના  યજમાન બનવા માટેના નવા નિયમો હવે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈ ઓ સી ) દ્વારા બનાવાયા છે. હવે જુદા જુદા દાવેદારો વચ્ચે સીધી સ્પર્ધા અને વોટિંગ નથી થવાનું. જે દેશ ઓલિમ્પિક યોજવા માંગે છે તે દેશે ખાસ એક ટીમ બનાવવી પડશે  જે નિયમિત રીતે તેમના દેશની તૈયારી, પ્રબળ સંકલ્પ અને આત્મવિશ્વાસ અંકબંધ છે તેની  ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના યજમાન નક્કી કરવા માટેના દસ  સભ્યોની પેનલ   સમક્ષ પ્રેઝન્ટેશન અને સંવાદ કરતા રહેશે. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખડું કરી શકીએ છીએ તેવી ખાતરી આપવા માત્રથી યજમાનના દાવેદાર નહીં બની શકાય. દાવેદાર દેશો આ રીતે તેમનો સંકલ્પ અને વધતી માત્રામાં તૈયારીનો સંવાદ હજુ બે-ત્રણ વર્ષ કરતા રહેશે.

આ પછી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી જ તેની રીતે તેમને જે લાગે તે શ્રેષ્ઠ યજમાનનું નામ જાહેર કરશે. જાહેરમાં કોઈ મતદાન નહીં. બધું જ અન્ડર કરંટ ચાલશે. ઉદાહરણ તરીકે ૨૦૩૨ માટે સત્તાવાર રીતે કોઈપણ હરીફો વગર જ બ્રિસ્બેન જાહેર થયું પણ અન્ય દેશોએ છેલ્લા વર્ષો દરમ્યાન આઈ ઓ સીના દસ સભ્યો સમક્ષ તેમનો દાવો આગળ કરતા નિયમિત  સંવાદ અને પ્રેઝન્ટેશન કર્યા જ હશે પણ આઈ ઓ સીએ  તેમને જે શ્રેષ્ઠ દાવેદાર લાગ્યું તે બ્રિસબેનનું નામ જ જાહેર કર્યું. તે પછી ઓલિમ્પિક કમિટીના કાયમી ૮૦ સભ્યો મંજુરીની મહોર લગાવતા મતદાન કરે. બ્રિસ્બેનના નામ સામે આઠ સભ્ય દેશોને વાંધો હતો પણ ૭૨ સભ્યોની બહુમતીથી તેઓ યજમાન જાહેર થયા. 

આપણે ઓલિમ્પિકને હજુ રીયલ એસ્ટેટની રીતે જ જોઈએ છીએ તે ગંભીર ભૂલ પુરવાર થઇ શકે છે.

યાદ રહે માત્ર દેશ કે કેન્દ્ર સરકારની તૈયારી અને પ્રતિબદ્ધતાથી સફળતા નથી મળતી, યજમાન શહેરની રાજ્ય સરકાર અને મહાનગર પાલિકાની સજ્જતા જ આખરે યજમાન બનવા માટેના આખરી નિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવે છે. એક જ દેશના બે શહેર પણ દાવો નોંધાવી જ શકે છે. 

ઓલિમ્પિકના યજમાન બનવા આ હદે કેમ વિશ્વના દેશો એડી ચોટીનું જોર લગાવે છે તેનું કારણ પણ જાણો. ઓલિમ્પિક યોજવામાં સફળ થનાર દેશ અને શહેરને તે પછી વિશ્વ જુદા આદરથી જ જોવા માંડે છે. તેના વેપાર, ઉદ્યોગ, પ્રવાસન  વધવા સાથે અને સંસ્કૃતિનો વૈશ્વિક પ્રચાર અને સ્વીકાર તો થાય જ છે પણ ઓલિમ્પિકનું સફળ આયોજન વિશ્વના દેશો સમક્ષ જે તે દેશનું વજન અને પ્રભાવ વધારે છે.

અમદાવાદ સીઘું જ લંડન, પેરિસ,  ટોક્યો, લોસ એન્જલસ, બ્રિસ્બેન, મેલબોર્ન  અને બેઇજિંગની હરોળમાં ઓળખ અને આદર પ્રાપ્ત કરી શકે.. રોજગારીની તકો પણ વધેે છે. સંદેશાવ્યવહાર  અને સુરક્ષા વ્યવસ્થાની  કસોટીમાંથી પણ દેશ પાર પડે છે. દેશનું સ્પોર્ટ્સ કલ્ચર એક નવી ઊંચાઈ ધારણ કરે છે.

ચીન અને રશિયા અમેરિકાને પાછળ પાડવાનું ધ્યેય રાખે છે તે જ રીતે બ્રિટન અને યુરોપીય દેશો તાકતવર  મનાય છે. સાઉથ કોરિયા અને જાપાન પણ પાવર છે. કેનેડા પણ ડ્રીમ ડેસ્ટીનેશન મનાય છે. ભારત હજુ ત્રીજા વિશ્વના ગરીબ દેશ તરીકે જોવાય છે કેમ કે  ભારતે હજુ સુધી એકપણ ઓલિમ્પિક યોજ્યો  નથી અને  ચંદ્રકોની રીતે ટોચના દેશ સામે દુકાળીયું લાગે છે.

ચીન અને તેના દેશોની ધરી ભારત યુનોમાં સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સભ્ય પદ ન  મળે તે માટે રોડાં નાખે છે તેમ ભારતને ઓલિમ્પિકનું યજમાન બનવામાં સફળતા ન મળે તેથી તમામ કાવાદાવા પણ કરશે. જોઈએ ભારત, મોદીજી, ગુજરાત અને અમદાવાદ ધ મિશન ઓલિમ્પિકમાં સફળ થાય છે કે કેમ. આપણે ઘર આંગણાના ચીના જેવા તત્વો સામે પણ પ્રતિકાર કરતા આગળ ધપવાનું છે .

જો આજથી અને અત્યારથી જ આપણા 'દમ લગા કે હૈસા' જેવા પ્રયત્ન નહીં હોય તો ૨૦૩૬ તો ઠીક  ૨૦૪૪ની ઓલિમ્પિકના યજમાન બનવાના સ્વપ્ન સેવવા પણ મૂકી દેવા જોઈએ. 


Google NewsGoogle News