જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓની ઘૂસણખોરી સામે લાંબી લડત આપવા ભારત તૈયાર રહે!
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- ભારત એક એવો લોકશાહી દેશ છે જેણે હંમેશા ઉદાર દ્રષ્ટિકોણ રાખ્યો છે. આપણાં સેક્યુલરિઝમ અને સર્વધર્મ સમભાવની પણ એક ઉજ્જવળ પરંપરા છે.
જ મ્મુ-કાશ્મીરની ચૂંટણીઓ નજીક આવી રહી હોવા છતાં આ ઈલેક્શન હેમખેમ પાર પડશે કે કેમ એ વિશે સલામતી તંત્રના અધિકારીઓ ફફડાટ અનુભવી રહ્યા છે.
પ્રાદેશિક રાજકીય પક્ષોને શાંત રાખવા અને માનવહકના ઉલ્લંઘનોના કિસ્સાઓને કાબૂમાં રાખવાની મથામણમાં વ્યસ્ત સલામતી તંત્ર માટે તાજેતરમાં વધી રહેલી હિંસા, અંકુશરેખા પરથી થતી ઘૂસણખોરીમાં આવેલો ઉછાળો અને આંતરરાષ્ટ્રીય સરહદ મારફત કરાયેલા છૂટાછવાયા ઘૂસણખોરીના પ્રયાસોએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. સલામતી બાબતોના નિષ્ણાતોને ડર છે કે પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ ઈસ્લામી કટ્ટરવાદી જૂથો પરની પકડ ગુમાવી રહ્યું છે, ત્યારે આગામી મહિનાઓમાં કાશ્મીરમાં જૈસ-એ મોહમ્મદ તાલિબાન અને અલ-કાયદા જેવાં જૂથો ફરી માથું ઊંચકશે.
ભારતીય ગુપ્તચરોની માહિતી મુજબ જૈસ - એ - મોહમ્મદ અને અલ-કાયદાના ઉગ્રવાદીઓએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માંની તેમજ પાકિસ્તાનમાંની ત્રાસવાદ તાલીમ શિબિરો તાબામાં લઈ લીધી છે અને તેમને જમ્મુ-કાશ્મીર પર આક્રમણ માટે મોકલવા પહેલાં તાલીમ આપીને સજ્જ કરે છે.
ઉપરાંત પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા લશ્કરના નિવૃત્ત જવાનો તથા સલામતી દળના માણસોને અંકુશરેખા પાસેનાં તેમજ આંતરરાષ્ટ્રીય સરહદ પરનાં ગામોમાં ધામા નાખવા પ્રોત્સાહન આપી રહી છે, જેથી તેઓ એ ભૂમિની પરિસ્થિતિ પર દેખરેખ રાખી શકે અને ઘૂસણખોરો માટે ખબરીઓ તરીકે કામ કરી શકે.
ગયા સપ્તાહે એવી બાતમી પણ મળી છે કે આ વખતે પાકિસ્તાન માત્ર છુટક ત્રાસવાદી હુમલા કરવાને બદલે તેના લશ્કરી કમાન્ડોને પણ યુદ્ધમાં જોતરી રહી છે. જેને કારણે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના એક સંભવિત ગુપ્ત ઓપરેશન અંગે ચિંતા વધી છે. પાકિસ્તાન એસએસજી કમાન્ડોએ કાશ્મીરમાં મોટા પાયે ઘૂસણખોરી કરી હોવાનો સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે. આ દાવો જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી શેષ પોલ વેદે કર્યો છે. પાકિસ્તાની એસએસજીના જનરલ ઓફિસર કમાન્ડિંગ (જીઓસી) મેજર જનરલ આદિલ રહમાની મુઝફ્ફરાબાદથી એક આક્રમક યોજના બનાવી રહ્યા છે.
લગભગ ૬૦૦ એસએસજી કમાન્ડોએ કુપવાડા ક્ષેત્ર અને જમ્મુ-કાશ્મીરના અન્ય સ્થળોએ ઘૂસણખોરી કરી છે. તેમનો દાવો છે કે સ્થાનિક જિહાદી સ્લીપર સેલ આ કમાન્ડોને ગુપ્ત ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે. પાકિસ્તાની એસએસજીની બે વધારાની બટાલિયન મુઝફ્ફરાબાદમાં તૈનાત છે જે જમ્મુ-કાશ્મીરના રસ્તે ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર છે. એસએસજીના મેજર જનરલ આદિલ રહેમાની મુઝફ્ફરાબાદમાં છે. તે ભારત વિરુધ્ધ હુમલાનું કાવતરું ઘડી રહ્યો છે.
પાકિસ્તાનની આ હરકતે ફરી એકવાર ૧૯૯૯ના કારગિલ યુધ્ધ જેવા સંઘર્ષની આશંકા ઊભી કરી છે. તે દરમિયાન લગભગ ૫,૦૦૦ પાકિસ્તાની સૈનિકોએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી હતી અને ત્યાર બાદ મોટું (કારગિલ) યુધ્ધ છેડાઈ ગયું હતું.
તાજેતરમાં ત્રાસવાદીઓ અને ભારતીય સલામતી દળો વચ્ચે બનેલી ગોળીબારની ઘટનાઓ દરમિયાન આના પુરાવા મળ્યા હતા. અંકુશરેખામાં ઘૂસણખોરી કરનારા નવા ભરતી કરાયેલા ઉગ્રવાદીઓ જંગલો, પહાડો અને ખીણ પ્રદેશમાં યુદ્ધની વધુ તાલીમથી સુસજ્જિત છે એટલું જ નહિ, પરંતુ અગાઉના ઉગ્રવાદીઓ કરતાં અત્યાધુનિક શસ્ત્ર-સરંજામથી વધુ સુસજ્જ પણ છે.
અગાઉ ત્રાસવાદીઓ અંકુશરેખા પાર કરવા મોટે ભાગે સ્થાનિક ભોમિયાઓના ભરોસે રહેતા, જ્યારે હવે ભારતીય હદમાં સરકી આવતા ઘૂસણખોરો તેમનો માર્ગ શોધવા ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) અને નકશાઓનો ઉપયોગ કરે છે. સરહદની પેલે પાર પોતાના સરદારો સાથે વાતચીત કરવા ત્રાસવાદીઓને હાથવગા સેટેલાઈટ ફોન પણ અપાય છે. સરહદ પર બાંધેલી તારની કાંટાળી વાડ સરળતાથી કાપવા માટે ઘૂસણખોરોને તીક્ષ્ણ ધારદાર કટર્સ પણ આપવામાં આવે છે.
જેમ કે કાશ્મીરના કઠુઆમાં પાંચ જવાનોનો ભોગ લેનાર આતંકીઓ અદ્યતન સાધન-શસ્ત્રીય સજ્જ હતા. ઘૂસણખોરી કરનારા આ પાકિસ્તાની આતંકીઓ ભૌગોલિક વિસ્તારોની જાણકારી, અને પોતાના લક્ષ્યની ચોક્સાઈભરી બાતમી મેળવવા માટે અલ્પાઇન ક્વેસ્ટ એપ્લિકેશન અને ચીની અલ્ટ્રાસેટ હેંડસેટનો સહારો લઇ રહ્યા છે.
આ એપ્લિકેશન કોઈ જાતના નેટવર્ક વગર પણ પહાડીઓ, નદી નાળા, જંગલ સહિતની માહિતી મેળવી આપે છે. અલ્ટ્રાસેટ હેન્ડસેટ હાઇબ્રિડ કોમ્યુનિકેશન સિસ્ટમ પર આધારિત છે, જે સેલ્યુલર ટેક્નીકને વિશેષ રેડિયો ઉપકરણો સાથે જોડે છે. આ ડિવાઇસ મેસેજ મોકલવા- મેળવવા કામ આવે છે. જે જીએસએમ અથવા સીડીએમએ જેવા જુના મોબાઇલ નેટવર્કથી સ્વતંત્ર રુપે સંચાલિત થાય છે.
હવે તો પાક. ઘૂસણખોરો ભારતીય સુરક્ષા દળો પર હુમલા માટે અમેરિકી બનાવટની એમ-૪ કાર્બાઇન રાઇફલનો ઉપયોગ કરે છે. આ રાઈફલ સૌથી ઘાતક માનવામાં આવે છે. એમ-૪ રાઈફલ અમેરિકન સૈન્યનું પહેલી પસંદગીનું હથિયાર છે. આ રાઇફલથી છૂટેલી ગોળી ત્રણ હજાર ફૂટ પ્રતિ સેકન્ડની ગતિથી આગળ વધે છે. જેને કારણે ટાર્ગેટને સ્થળ પરથી છટકવાનો કોઇ સમય જ નથી મળતો. જેથી ૬૦૦ મીટરની રેંજ સુધી નિશાન ચુકવાની શક્યતાઓ બહુ જ ઓછી રહે છે. આ ઉપરાંત ૩૬૦૦ મીટરની દૂરી સુધી ટાર્ગેટને નિશાન બનાવી શકાય છે. આ રાઈફલનું વજન માત્ર ચાર કિલો જ હોવાથી તેને ઉઠાવવી સરળ બની જાય છે. અત્યાર સુધીમાં અમેરિકાએ પાંચ લાખથી વધુ આવી રાઇફલ બનાવી છે. કાશ્મીરમાં ઘૂસતા આતંકીઓ પાસે આ રાઇફલ પાકિસ્તાનની મિલિટરીએ જ ઉપલબ્ધ કરાવી હોય તેવી શક્યતા છે.
એક અછડતા અંદાજ મુજબ પાકિસ્તાનના અંકુશ હેઠળના કાશ્મીરમાં અને પાકિસ્તાનમાં ત્રાસવાદીઓની ૪૦થી વધારે તાલીમ-શિબિરો છે અને નવા ભરતી થયેલા યુવાનોને તાલીમ અપાય છે. તેમજ અનેક તાલીમપ્રાપ્ત ત્રાસવાદીઓ અંકુશરેખા પર ઠેર ઠેર ગોઠવવામાં આવેલાં લોન્ચિંગ પેડ મારફત ઘૂસણખોરી કરવા તૈયાર છે.
ઉત્તર કાશ્મીરના પૂંચ-રાજૌરી ક્ષેત્રમાં અને તંગધર તથા ગુરેઝ ક્ષેત્રમાં તાજેતરમાં વધી રહેલી ઘૂસણખોરી એ વાતનો પૂરતો પુરાવો છે કે ત્રાસવાદી ટોળકીઓ વિધાનસભાની ચૂંટણીઓ વખતે ઉપદ્રવ મચાવવા સજ્જ થઈ રહી છે.
ઉપરાંત તેઓ ડોડા અને કિશ્તવાર પટ્ટાઓમાં પ્રતિકૂળ હવામાનની પરિસ્થિતિમાં ટકી રહેવા તેમનાં તાત્પુરતાં બાંધકામોને વધુ મજબૂત બનાવી રહ્યા છે.
કાશ્મીરમાં રાજવાડ અને બંદીપોરના જંગલ વિસ્તારોમાં ત્રાસવાદીઓ પોતાનાં થાણાં વધુ મજબૂત બનાવી રહ્યા છે. એક - એક આતંકી સ્થાનિક કાશ્મીરીની મદદ - માહિતી મેળવવા હજારો રૂપિયા ખર્ચે છે. જોકે પાકિસ્તાની લશ્કર યુદ્ધ વિરામના કરારનો ભંગ થયાનો સતત ઇન્કાર કરે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેમના દાવાઓને પોકળ ઠરાવે છે.
જમ્મુના સંરક્ષણ મંત્રાલયના પ્રવકતા લેફટેનન્ટ કર્નલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અંકુશરેખા પર તાજેતરમાં થયેલા સામસામા ગોળીબાર અને પૂંચ તથા રાજૌરીમાં થયેલી ઘૂસણખોરીની તાજી કોશિશોને પગલે ભારતીય લશ્કર સાબદું બન્યું છે અને ઘૂસણખોરીના માર્ગો બંધ કરવાની મથામણો કરાઈ છે. પાયદળની ચોકી વધારવા ઉપરાંત ઘૂસણખોરી ડામવા માટે અત્યાધુનિક ટેકનોલોજી પણ કામે લગાડવામાં આવી છે. ડ્રોન, થર્મલ ઇમેજર્સ, દૂરદૂરની તસવીરો ઝીલી શકે એવા સૂક્ષ્મ કેમેરા અને ઘૂસણખોરોની દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખવા ચેતવણીની યંત્રણા (એલાર્મ સિસ્ટમ્સ) ગોઠવવામાં આવી છે.
ગયા જૂન - જુલાઈ મહિનામાં જ રાજ્યમાં ૭૦થી વધુ ઉગ્રવાદીઓ ઠાર મરાયા હોવાનું ભારતીય પ્રવક્તાએ કહ્યું હતું.
૭૫૦ કિ.મી. લાંબી અંકુશરેખા પર પ્રવતતી પરિસ્થિતિ અને જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની સ્થિતિની સલામતી અંગે તાજેતરમાં કરાયેલી સમીક્ષાએ ભારતીય સંરક્ષણતંત્ર માટે ખતરાની ઘંટડી વગાડી છે, કેમ કે સીમાડા પર પાકિસ્તાની સૈન્યની કાયમી હાજરી ઉપરાંત દેખરેખનાં મોબાઈલ સાધનોની હિલચાલ પણ જોવા મળી છે. કાથુઆ અને કાનાચાક વિસ્તારો વચ્ચેની ૧૮૮ કિ.મી. લાંબી સીમાનાં જળાશયો ઘૂસણખોરી માટેનો બીજો માર્ગ છે.
પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પણ પાકિસ્તાનની અંદર જ ઉગ્ર વિરોધનો સામનો કરી રહી છે, બલુચિસ્તાનના નાગરિકો અને ખૈબર - પષ્તુનના પઠાણો વારંવાર પાક. સોલ્જરો પર હુમલા કરે છે. અનેક કટ્ટરવાદી ઇસ્લામી ટુકડીઓ તથા ત્રાસવાદી ટોળકીઓ કાશ્મીરમાં ચાલી રહેલી જેહાદ પર અંકુશ મેળવવા ઉત્સુક છે.
કેન્દ્રીય સલામતી સંસ્થાના એક વરિષ્ઠ અધિકારી સમગ્ર પરિસ્થિતિનો કયાસ કાઢતાં કહે છે કે ત્રાસવાદનો માત્ર ચહેરો નહિ, પરંતુ સાથે સાથે અલ કાયદાને સમર્થન આપતાં આતંકવાદી જૂથોની વ્યૂહરચનાઓ તેમજ લશ્કરે તોયબા જેવી તેમના ફણગાસમી ટોળકીઓની યુક્તિ-પ્રયુક્તિઓ પણ બદલાઈ રહી છે.
ચિંતા ઉપજાવે તેવા આ માહોલમાં ભારતીય સેના અને સરકારે ખૂબ સતર્ક રહેવું પડશે. ભારત એક એવો લોકશાહી દેશ છે જેણે હંમેશા ઉદાર દ્રષ્ટિકોણ રાખ્યો છે. આપણાં સેક્યુલરિઝમ અને સર્વધર્મ સમભાવની પણ એક ઉજ્જવળ પરંપરા છે. પરંતુ ક્યારેક હદ વટાવી જતી આપણી સહિષ્ણુતાએ દુનિયામાં આપણી એક મવાળ અને પોચટ ઈમેજ ઊભી કરી છે. એનો પુરેપુરો ગેર લાભ ત્રાસવાદીઓ અને એમના પુરસ્કર્તાઓ ઉઠાવે છે. આવી વધુ પડતી મવાળ ઈમેજની કેદમાંથી છુટવા આપણે જેટલી ઉતાવળ કરીએ એટલા લાભમાં રહીશું. આપણાં નેતાઓને એ ક્યારે સમજાશે?
- ભાલચંદ્ર જાની